Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફેસ, ડ્રેસ અને ઍડ્રેસ કે ઍડ્રેસ, ફેસ અને ડ્રેસ?

ફેસ, ડ્રેસ અને ઍડ્રેસ કે ઍડ્રેસ, ફેસ અને ડ્રેસ?

03 August, 2019 12:08 PM IST | મુંબઈ ડેસ્ક
સંજય રાવલ - સંજય દૃષ્ટિ

ફેસ, ડ્રેસ અને ઍડ્રેસ કે ઍડ્રેસ, ફેસ અને ડ્રેસ?

સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, બુદ્ધ

સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, બુદ્ધ


સંજયદૃષ્ટિ

આ વિષય પર અગાઉ એક વાર વાત થઈ છે, પણ એ જરા જુદા દૃષ્‍ટિકોણ સાથે વાત થઈ હતી. આજે નવી દૃષ્‍ટિ સાથે આ જ વિષય પર વાત શરૂ કરવાની છે, પણ એની શરૂઆત કરતાં પહેલાં મારે એક સવાલ પૂછવો છે, પર્સનાલિટી એટલે શું અને એને ડેવલપ કરવા શું કરવું પડે?



આ એક પ્રશ્ન પર દુનિયાભરમાં આજે કરોડો અને અબજો રૂપિયાનો બિઝનેસ ચાલે છે. જાતજાતના કાર્યક્રમો, પુસ્તકો અને સીડી બજારમાં વેચાય છે અને સેમિનાર થાય છે. ખૂબ જ વાંચન કર્યું, ઘણા લોકોને મળ્યો, બધાને સાંભળ્યા પણ ખરા, જેકંઈ થઈ શકે એ બધું કર્યું; પણ મગજમાં વાત સેટ થઈ જાય, ટચ થઈ જાય કે પછી મનમાં ઘર કરી જાય એવું કંઈ જાણવા મળ્યું નહીં. હા, બે-ચાર એવા બિઝનેસમેનને મળવાનું બન્યું, તેમને સાંભળવાનું થયું, જે ખાસ ભણ્યા નહોતા, પણ કરોડોનું સામ્રાજ્ય તેમણે જાતે ઊભું કર્યું હતું. તેમની વાતો સાંભળીને એટલો સંતોષ થયો કે વ્યક્તિત્વવિકાસ સાથે જોડાય એવી વાતો આમની પાસે છે, પણ મૂળ મુદ્દો તો અકબંધ જ હતો કે પર્સનાલિટી એટલે શું સારાં કપડાં પહેરવાં, સારાં બૂટ પહેરવાં, મોંઘીદાટ ઘડિયાળ પહેરવી, બે-ચાર માઇલ સુધી સુગંધ આવ્યા કરે એવાં પરફ્યુમ વાપરવાં એ જ અને તો એનો અર્થ એવો થયો કે ફર્સ્ટ ડ્રેસ ઍન્ડ ધેન ઍડ્રેસ.


પણ શું એ સાચું છે ખરું?
પર્સનાલિટી એટલે શું સારી રીતે, ચીપીચીપીને ચાબલુ-ચાબલુ બોલવું? સરસ રીતે ઊભા રહીને લળીલળીને વાતો કરવી? પર્સનાલિટી એટલે શું, સારી લાડી-ગાડી-વાડી હોવી એ? એ બધું તો સાલું બહુ મુશ્કેલ છે તો પછી પર્સનાલિટી પાડવી કેમ, પર્સનાલિટીથી લોકોની આંખો અંજાઈ જાય એવું કરવું શું? અરે ભાઈ, પર્સનાલિટી માટે પૈસાની જરૂર જ નથી.

પર્સનાલિટી માટે આપણે કેવાં નાટક કરીએ છીએ, જુઓ. લોકો સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં જાય. અમને ઇંગ્લિશ કહેતાં શીખવો. કોને શું કહેવાય એની ખબર ન હોય, સ્પેલિંગ સાથે સ્નાનસૂતકનોય વ્યવહાર ન હોય, ઉચ્ચારણમાં બારગાઉનું છેટું હોય અને પછી અંગ્રેજી ભભરાવીએ. હવે તમે જ કહો, શું થાય? લોકો હસે. યુવાનો અને ગુજરાતી માતાઓ તો અંગ્રેજીનું ખૂન કરી નાખે છે. ગંગાજમના જૂસ જેવું કૉકટેલ કરીને ચપડચપડ ચાલુ જ હોય. હોટેલના વેઇટર અને રિસેપ્શનિસ્ટ પાસે અંગ્રેજી બોલીને તે હાસ્યદરબાર સર્જી દે છે. પોતાને પણ મનમાં તો હસવું આવતું જ હોય છે. જગતભરનો આ પ્રશ્ન છે. એ વાત જુદી છે કે ગુજરાતીઓને આ ચેપ વધારે લાગ્યો છે. પત્રકારત્વ કરતી છોકરી અંગ્રેજીમાં બોલવાનો શોખ રાખે, લખવાનો શોખ રાખે કે આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. ગુજરાતી મીડિયમમાં ભણ્યાં હોય અને ગુજરાતી ન્યુઝપેપરમાં કામ કરતાં હોય અને એ પછી પણ વાતો અંગ્રેજીમાં કરતાં હોય. આવું કરનારાઓ પર્સનાલિટી પાડવા માટે કરતા હોય છે, પણ આવું કરીને એ પર્સનાલિટીનું નિકંદન કાઢી નાખે છે એનું તેમને ભાન નથી હોતું. હું તો કહીશ કે આવું કરનારાઓને કોઈક મોઢે ચોપડાવી દેનારું ભટકાવું જોઈએ, જેથી તેની આંખો ખૂલે પણ એવું કોઈ કરતું નથી. શું કામ, ખબર છે તમને? આવું મફતનું મનોરંજન કોઈ શું કામ બંધ કરે ભાઈ.


દોસ્તો, વ્યક્તિવિકાસ માટે, પર્સનાલિટી વિકાસ માટે જીવનના પાયાના શબ્દોનો સાચો અર્થ જ આપણને ખબર નથી. એવા સમયે શું થાય. આપણને જ્યાં સુધી ઈશ્વર, જન્મ, બાળપણ, ભણતર, યુવાની, પ્રેમ, સેક્સ, દેશપ્રેમ, સ્વતંત્રતા, ધર્મ, જવાબદારી, મિત્ર, દુશ્મન, લગ્ન, મૃત્યુ જેવા ૫૦-૧૦૦ પાયાના શબ્દોનો સાચો અર્થ ખબર નહીં હોય અને જીવીશું, ફાંકા-ફોજદારી કરીશું તો લોકો આપણા પર હસવાના જ અને આપણે દિવેલ પીધેલા જ ફરવાના. કેમ કે માણસ જો અંદરથી ખાલી હોય તો એનો કોઈ પ્રભાવ ક્યારેય પડે જ નહીં.

સરદાર પટેલ, ગાંધીજી, ઓશો, ચાણક્ય જેવા અનેક મહાપુરુષો દુનિયામાં થઈ ગયા, જેમને લોકો માત્ર રેખાચિત્રો પરથી જ ઓળખી જાય છે. સારાં કપડાં કે મેકઅપથી તમે બે મિનિટ માટે માણસને ઇમ્પ્રેસ કરી શકો, પણ એ લાંબું ન ચાલે. પછી ભરસભામાં કપડાં પહેર્યા વિનાના છીએ એવો અનુભવ થશે. આ પાયાના શબ્દોનો અર્થ શોધી કાઢો અને પછી દુનિયા સામે અભિવ્યક્તિ દર્શાવવા નીકળો. દુનિયા દંગ રહી જશે, દુનિયા દંગ રહી જશે, તમને પગે લાગશે અને એ પણ પૂરા માન-સન્માન સાથે.

પર્સનાલિટી માટે આપણે સૌએ એકેએક બાબત આજે સ્વીકારવી જોઈશે કે નાનપણથી જ ચોક્કસ સમય ફાળવવાની જરૂર છે. ઘડતર માટે, સંસ્કારો માટે સમય આપવો પડશે અને આ વાત જેટલી ઝડપથી સમજાઈ જશે એટલી ઝડપથી આપણે ભયમુક્ત બનીશું. એને બધી જ ખબર હશે અને મુસીબત સામે પણ એ હસતાં-હસતાં લડશે. તન અને મન જે જીત્યા તેને ત્યાં ધન આવવાનું જ એટલે એ માણસ ક્યારેય ખોટું નહીં કરે અને જે ક્યારેય ખોટું નથી કરવાનો તેની પર્સનાલિટી જબરદસ્ત જ પડવાની. પર્સનાલિટી ડેવલપ કરવાનો વિષય જ નથી, એ માણસની અંદર જ હોય છે. માત્ર એને જગાડવાની જરૂર છે. કૂવામાં હોય તો હવાડામાં આવે. અંદર છે જ, માત્ર બહાર લાવવાની જરૂર છે. માણસ અંદરથી ભરેલો હશે, સક્ષમ હશે, દરેક વિષય પર જાણકારી ધરાવતો હશે તો તે ગમે એવા ઝંઝાવાત સામે અને દુખ સામે ઊભો રહી શકશે. લથડી નહીં પડે, ડિપ્રેસ નહીં થાય. તે મુશ્કેલી સામે બાથ ભીડવા માટે આગળ વધશે, કારણ કે તેને ખબર છે કે ‘ડર કે આગે જીત હૈ.’ મુસીબતો આપણા ઘડતર માટે હોય છે એનો અહેસાસ તેના રગેરગમાં હશે. આપણા તમામ ધર્મગ્રંથોનો સાચો અર્થ સ્કૂલના તુલનાત્મક અભ્યાસક્રમમાં પાંચમા ધોરણથી જ લાવવાની જરૂર છે જેથી આ જાતિવાદના તનાવમાંથી યુવાનો મુક્ત રહે.
જીવનઘડતર અને પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસિસ કે પુસ્તકો એની સામે શૂન્ય સમાન છે. પુરાણો, ગીતા-બાઇબલ, મહાભારત-રામાયણ અને કુરાન જેવા ધર્મગ્રંથો યુવાનોને ભણાવવાની જરૂર છે. ઈશ્વર, ઑક્સિજન, ગુરુત્વાકર્ષણ અને લોહી બધું એક જ છે એ તેને સમજાવવું જોઈશે. સુખ અને દુખ એક સિક્કાની બે બાજુ છે એ પણ તેને સમજાવવું જોઈશે અને પોતાની જાતમાં જ વિશ્વાસ પેદા કરે એવું કંઈ કરવું જરૂરી છે.

કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેકે પોતાની જાતને ગઈ કાલ કરતાં બેસ્ટ બનાવવાની છે. આ વાત ગળે ઉતારવાની છે. બીજાને પ્રભાવિત કરવા માટે કરીએ એ વ્યક્તિત્વ નથી, પણ પોતાની જાતને પ્રભાવિત કરવા માટે કરીએ એ વ્યક્તિત્વ છે.

વૉટ ઇઝ સ્ટેટસ? આ વાક્યનો ખૂબ જ સરસ જવાબ મેં એક વખત વાંચ્યો હતો.
Spending money which we don’t have to buy the things which we don’t need to impress the people whom we don’t know.

આ પણ વાંચો : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

આજે પર્સનાલિટીને માત્ર બાહ્ય દેખાવ સાથે જોડીને મહત્ત્વ આપવામાં આવે છે. મારા દરેક વ્યક્તિ સાથેના વ્યવહાર પરથી મારું વ્યક્તિત્વ દેખાઈ આવે છે. સરદાર પટેલ માત્ર ગાંધીનો ઝભ્ભો-લેંઘો કે ગાંધીજી માત્ર એક પોતડી પહેરીને દેશ અને દુનિયાને ઇમ્પ્રેસ કરી ગયા. ફેસ, ડ્રેસ અને પછી ઍડ્રેસ એ સાચું, પણ માત્ર ડ્રેસ કે ફેસથી કંઈ વળવાનું નથી. વિવેકાનંદ જેવી વિભૂતિઓએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું, યુવાનોને જાગ્રત કર્યા. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ જો આપણામાં હશે તો જબરદસ્ત પર્સનાલિટી પડશે જ. કારણ કે એ તમારા છે અને તમે કોઈના ઉછીના નથી લઈ આવ્યા. ગુજરાતી બોલતા હશો અને તાર્કિક ગુજરાતી બોલતા હશો તો ચાલશે, પર્સનાલિટી પડશે જ, પણ જો ભાડૂતી અંગ્રેજી લાવ્યા અને એનું સાચું વ્યાકરણ ખબર નહીં હોય તો હાંસીપાત્ર ઠરશો. સૂટ-બૂટ પહેરતાં આવડતાં હશે તો ઠીક છે, બાકી ખીંટીએ ટિંગાડેલા ચાડિયા જેવા દેખાશો, પણ જો પોતડી પહેરવાની પણ સ્ટાઇલ ખબર હશે તો ગાંધીજી જેવી દુનિયાને આંજી દેનારી પર્સનાલિટી પડશે.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2019 12:08 PM IST | મુંબઈ ડેસ્ક | સંજય રાવલ - સંજય દૃષ્ટિ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK