Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : બૈરીને અવગણીને માબાપને સાચવી જાણે એ સાચો મર્દ

કૉલમ : બૈરીને અવગણીને માબાપને સાચવી જાણે એ સાચો મર્દ

27 April, 2019 11:06 AM IST |
સંજય રાવલ - સંજય દૃષ્ટિ

કૉલમ : બૈરીને અવગણીને માબાપને સાચવી જાણે એ સાચો મર્દ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંજય દ્રષ્ટિ

મારાં લેક્ચર હોય ત્યારે ઘણા વડીલો આવીને મને એવું કહે કે આ નવી પેઢીને ધર્મનું શીખવો અને શાંતિ રાખવાનું શીખવો. એ સિવાય પણ ઘણું બીજું બધું શીખવવાનું કહે, પણ હું કહેતો હોઉં છું કે આપણે આ નવી પેઢીને કંઈ કહેવાની કે શીખવવાની જરૂર નથી. એ આપણને શીખવે એટલા ઉસ્તાદ થઈ ગયા છે, હોશિયાર થઈ ગયા છે. કોઈને એવું લાગશે કે આ વાત હું દાઢમાંથી કહી રહ્યો છું, પણ ના, મને એવું આવડતું નથી. નાગાને નાગો કહેવાનું જ મને ગમે છે. એને માટે નિર્વસ્ત્ર, વસ્ત્રહીન કે પછી ન્યુડ કહીને ખોટું શાણપણ દેખાડતાં આવડે એ બ્રાહ્મણ નહીં, પણ વાણિયો હોય એવું કહેવામાં પણ હું ખચકાઈશ નહીં.



આવું કહીને હું વાણિયા અને બ્રાહ્મણ વચ્ચે કોઈ જાતના મતમતાંતર ઊભા કરવા રાજી નથી, પણ મારું કહેવું એ છે કે ગણતરીપૂર્વકનું જીવવાનું વાણિયાભાઈને ફાવે અને સોડ ઊઠી જાય એવું સમજાવતાં માત્ર ને માત્ર બ્રાહ્મણને જ આવડે. આ જ કારણે બ્રાહ્મણોમાં ઋષિઓ થયા, ગુરુ બન્યા, જરૂર પડી ત્યારે શસ્ત્રો લઈને યુદ્ધમાં પણ ઊતર્યા. તમે ઇતિહાસ જોઈ લેજો, મહાભારતના યુદ્ધમાં તમને બ્રાહ્મણ દેખાશે, પણ વાણિયાભાઈ ક્યાંય નહીં દેખાય. એ સમયે વાણિયાઓએ વેપારમાં ધ્યાન આપીને એમાં પારંગતતા મેળવી અને એ પણ આવશ્યક હતું એટલે તેમણે એ કર્મ અપનાવ્યું.


મૂળ વાત પર આવીએ. યુવાનોને શીખવવાની, તેમને સમજાવવાની કે તેમને સલાહ આપવાની જે પ્રક્રિયા સદીઓથી ચાલતી આવે છે એને કાઢી નાખો. તમારા મનમાં હોય તો એ પણ કાઢી નાખો અને જો તમને એવું લાગતું હોય કે યુવાનોને ધર્મમાં માનતા, મંદિર જતા કરવાની વાત કહેવાની જરૂર છે તો પણ હું કહીશ કે તમે ચાહે ગમે એ ધર્મમાં માનતા હો કે પછી કોઈ પણ સંપ્રદાય સાથે હો, બધું મનમાંથી કાઢી નાખીને માત્ર ને માત્ર બે ધર્મ જ નિભાવો. એક સંતાનધર્મ અને બીજો છે માનવધર્મ.

મારી વાત ગળે ઊતરે નહીં તો એક વખત ભગવદ્ગીતા હાથમાં લઈને એમાંથી કર્મનો સિદ્ધાંત વાંચી લેજો. ૭૫ ટકાથી વધારે સવાલના જવાબ તમને એમાંથી મળી જશે. તમે એ વાંચશો તો તમને સમજાશે કે આ જન્મ પછી અનંતયાત્રાની તૈયારી કરવાની હોય છે, પણ જો ધ્યાનથી વાંચશો તો તમને એ પણ સમજાશે કે એ તૈયારી ઘરડા થયા પછી નહીં, પણ નાનપણથી જ શરૂ થઈ જાય છે અને એ કરવાની જ હોય છે. ૧૦ વર્ષનું બાળક નાનપણમાં સૌથી વધુ સમજદાર હોય છે. હું તો કહીશ કે આપણે ઘડપણમાં કથાઓ અને સત્સંગમાં જવાને બદલે કે પછી સત્સંગની વાતો ઘડપણ આવે એ સમયે કરવાને બદલે નાનપણથી જ કરવાની જરૂર છે જેથી યુવાનીમાં ઘડપણ જેવું ડહાપણ આવે અને એ આવ્યા પછી ઘડપણ સમયે જીવન જીવ્યાના સુખદ ઓડકાર વચ્ચે પરમશાંતિ હોય.


યુવાનોને મારી ખાસ વિનંતી છે કે તમામ ધર્મગ્રંથો વાંચો, ગમે એ ધર્મગ્રંથ વાંચો. રચાયેલા તમામ ધર્મગ્રંથો સમગ્ર મનુષ્યજાતિના કલ્યાણ માટે જ લખાયા છે અને એવું કરવાની જ તેમની ભાવના છે. ઈશ્વરે સૌકોઈને એક જ હેતુથી મોકલ્યા છે અને સૌકોઈએ એ વાત સમજીને રાખવાની જરૂર છે કે જન્મ સાર્થક થાય એ કઈ રીતે જીવવું. જન્મ સાર્થક થાય એવી કોઈ દિશા ન મળે તો કોઈ જાતની ચિંતા કરવાને બદલે ખાલી અને ખાલી માબાપની સેવા કરવાનું શરૂ કરજો.

તમે ક્યારેય માબાપની અવગણના કરી જ ન શકો. એક વાર નહીં, હજાર વાર, લાખ વાર કહીશ તમને કે માબાપની અવગણના કરી જ ન શકો તમે. તમે જોશો તો તમને આ વિષયનાં નાટકો અને ફિલ્મો પણ હિટ થતાં જોવા મળશે. માબાપની વાત આવે ત્યારે ભલભલાની આંખમાં પાણી આવી જાય અને ખાસ તો એવા સમયે પાણી આવી જાય જે સમયે તેની પાસે આ મૂડી હોતી નથી. માબાપની ગેરહાજરીમાં એનું મૂલ્ય થાય તો એને હું રાંડ્યા પછીનું ડહાપણ કહેવાનું પસંદ કરું છું અને છે પણ એવું જ. ગેરહાજરીમાં તો છાજિયા લેવાનું કામ હર કોઈ કરે, પણ હાજરીમાં જો તેમને તાળી આપીને વાત કરતા હો તો હું તમને ખરું સંતાન કહું. આજના આ યુવાનો કોઈ મસ્તમજાની છોકરી સાથે ફ્રેન્ડશિપ કરવાની હોય કે પછી તેને પ્રપોઝ કરવાની હોય તો એમાં મર્દાનગી માને છે, પણ મારું કહેવું જરા જુદું છે. પેલી છોકરીની હાજરીમાં, તેની સામે જોયા વિના પણ મસ્ત રીતે માબાપ સાથે ફરવા નીકળો એનાથી મોટી મર્દાનગી બીજી કોઈ નથી. બે ઘડીની ભાઈબંધી કે પછી પ્રેમની વાતો માટે આખી જિંદગી મમતા આપનારાં માબાપને ક્યારેય ભૂલી શકાય નહીં અને એમ છતાં જે તેમને ભૂલે છે એ હકીકત તો પોતાના સદ્નસીબને ભૂલવાનું કામ કરે છે. યાદ રાખજો મિત્રો કે આવું બને ત્યારે માબાપે દુખી થવાની જરાય જરૂર નથી. દુખી તો પેલા ભડવીરે થવાનું છે કે છતી શીતળ છાયા વચ્ચે તે તડકામાં ઘૂમરી ખાવા માટે નીકળ્યો છે અને હવે જિંદગીભર દુખી થવાના રસ્તે છે.

કેટલાક ગોલ્ડનવર્ડ્ઝ... ઉતારજો તમારા જીવનમાં ક્યાંક વાંચી હોય, સાંભળી હોય એવી થોડી વાતો મને ખૂબ ગમે છે જે હું અહીં તમારી સાથે શૅર કરવા માગું છું. આમાંથી કેટલીક વાતો મેં મારાં પ્રવચનોમાં પણ વારંવાર કહી છે, કારણ કે એ વાતો સાચા અર્થમાં ગોલ્ડનવર્ડ્ઝ સમાન છે. તમારા જીવનમાં ઉતારજો અને જો શક્ય હોય તો એ વાત કાપીને મિરર પર ચોંટાડી દેજો, જેથી દરરોજ તમારી નજર સામે આવે અને તમને વારંવાર યાદ અપાવે.

આપણો જન્મ થાય એ પહેલાં જ આપણા જન્મ પછીની બધી તૈયારીઓ માબાપ કરી રાખતાં હોય છે, આપણી જાતિ કે રંગ કંઈ જ જોયા વિના આપણને કોઈ તકલીફ ન પડે એ માટે માબાપ હાજર રહે છે અને એ પછી આ જ માબાપના મૃત્યુ સમયે તેમનાં સંતાનો હાજર ન હોય એ શરમજનક વાત છે. આકસ્મિક મૃત્યુની વાત નથી, પણ લાંબા સમયની બીમારી પછી થયેલા દેહાંત સમયે પણ તેઓ બાજુમાં નથી હોતાં. આવા સંતાન બનવા કરતાં તો કૂતરા કે ભુંડના સ્વરૂપમાં જનમવું હિતાવહ છે.

ઘરડાઘરમાં મૂકી આવે એ વાત ખૂબ શરમજનક છે, ઈશ્વર માફ નહીં કરે, પણ એને માટે ઈશ્વર સંતાનની ઉપર આવવા સુધી રાહ જોતો જ નથી. તે સજા આપવાનું શરૂ એ જ ઘડીથી કરી દેતો હોય છે અને આવાં સંતાનો સજા ભોગવતાં જ હોય છે.

જન્મ પછીની ઘટનાઓ જેવી કે બાળપણ, યુવાની, લગ્ન, બાળકો, ક્રોધ, પ્રેમ, સુખ, દુ:ખ કદાચ આપણા હાથમાં નથી; પણ આ વાત તમામને પ્રતિભાવ કેવો આપવો એ તો આપણા હાથમાં છે જ. શું મળે એ વાતનું સિલેક્શન આપણા હાથમાં નથી, પણ ઍક્શન તો આપણા હાથમાં છે જ. કોઈ ગાળ બોલે તો તરત જ આપણે સામે ગાળ આપીએ, પણ આપણે ગાળ કેમ આપી એવું ક્ષણિક વિચારીએ, આપણે જે પ્રતિભાવ આપીએ એ આપવા યોગ્ય છે કે નહીં એ જાણવું પણ આપણા હાથમાં છે, પણ એ આવશે સજાગતા અને સભાનતાથી. સજાગતા અને સભાનતા મેળવવાની કોશિશ કરશો એટલું દુ:ખ, ક્રોધ, પીડા, તકલીફ અને મુશ્કેલીથી દૂર રહેશો.

આ પણ વાંચો : કૉલમ : આઇ કૅન વૉક ઇંગ્લિશ, આઇ કૅન ટૉક ઇંગ્લિશ

ઇર્ષ્યા થઈ હતી કે મારા જન્મ સમયે હું રડું અને આ જગત હસે, પણ પછી નક્કી કરી લીધું કે મારા મૃત્યુ સમયે હું બદલો લઈશ, હું હસીશ અને જગત રડશે.

બાળપણ હંમેશાં દળદાર હોય છે, એને સાચવજો. જો એ સાચવવામાં વ્યર્થ ગયા તો યાદ રાખજો કે મોટું થનારું બાળક ક્યારેય સુખરૂપ જીવી નહીં શકે.

જે સમયે આપણો જન્મ થાય છે એ જ દિવસે એક માબાપનો પણ જન્મ થાય છે એટલે જ્યારે પણ જન્મદિવસ ઊજવો ત્યારે એ જ દિવસે જન્મેલાં આ માબાપને પણ એમાં સામેલ કરજો.

કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઈ મોટાં કર્યાં
અમૃત તણા દેનારા સામે ઝેર ઉછાળશો નહીં.
ખૂબ લડાવ્યા લાડ તમને, કોડ સો પૂરા કર્યા,
એ કોડના પૂરનારાના કોડ પૂરા કરવાનું ભૂલશો નહીં.
લાખો કમાતા હો ભલે, માબાપ જેનાં ના ઠર્યાં
એ લાખ નહીં, પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 11:06 AM IST | | સંજય રાવલ - સંજય દૃષ્ટિ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK