Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિચાર્યું છે ક્યારે, પહેલી બેન્ચવાળો કેમ હંમેશાં જીવનમાં આગળ રહે છે?

વિચાર્યું છે ક્યારે, પહેલી બેન્ચવાળો કેમ હંમેશાં જીવનમાં આગળ રહે છે?

23 March, 2019 12:29 PM IST |
સંજયદૃષ્ટિ - સંજય રાવલ

વિચાર્યું છે ક્યારે, પહેલી બેન્ચવાળો કેમ હંમેશાં જીવનમાં આગળ રહે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણી આ સૃષ્ટિમાં ભગવાને માત્ર એક મનુષ્યને જ વરદાન આપ્યું છે કે તારે ખુશ રહેવાનું છે, તારે હસવાનું છે, તારે મોજમાં રહેવાનું છે. પણ કોઈ મોજમાં રહેતું નથી, ખુશ રહેતું નથી અને કોઈના ચહેરા પર સ્માઇલ દેખાતું નથી. બધા દિવેલ પીધેલા જ અને ઊતરી ગયેલા મોઢાવાળા જ જોવા મળે છે. તમે જોઈ લો, કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિ, નોકરિયાત, ધંધાદારી, વિદ્યાર્થી, શિક્ષક, બ્યુરોક્રે્ટસ, પોલીસ કે પછી બીજું કોઈ હોય, એ હસતા દેખાતા નથી. ખુશ નથી લાગતા. ૯૫ ટકા સતત ભય, ચિંતા અને ટેન્શનમાં જ દેખાય છે. સવાર, બપોર કે રાતે દિવેલ, એરંડિયુ પીને નીકYયા હોય એવું જ લાગ્યા કરે. આનું કારણ શું? એવું તે શું છે કે કોઈને જરાસરખી પણ ખુશી નથી? કોઈને જીવનમાં રસ નથી. માણસ ખોવાઈ ગયો છે. તમે મંદિરમાં જાવ કે સ્મશાનમાં જાવ, લગ્નમાં જાવ કે કથામાં જાવ. બધે જ, ઍવરેજ લોકો ભય વચ્ચે જીવે છે અને ડિપ્રેશનમાં જ રહે છે.

મને લાગે છે કે આ માટે જો કોઈ જવાબદાર હોય તો એ આપણી શિક્ષણ પદ્ધતિ છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં સ્કૂલ અને કૉલેજો છે અને આ સ્કૂલ-કૉલેજોમાં શું છે. હંમેશાં પહેલા, બીજા અને ત્રીજા નંબરોનું જ બહુમાન થાય છે. ભાઈ, જો આ ત્રણ નંબર જ મહત્વના તો પછી છેલ્લા ત્રણ નંબરોનું શું, એ નકામા? મારા જેવા લોકો આ છેલ્લી લાઇનમાં અને છેલ્લા ત્રણ નંબરોમાં જ હોય છે. આપણે સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ હરીફાઈ હોય છે ત્યાં પહેલા ત્રણ નંબરને જ ઇનામ આપીએ છીએ. છેલ્લા ત્રણ નંબરે પણ ભાગ તો લીધો જ છે, પણ એનું કોઈ મૂલ્ય નથી. જરા વિચારો કે આ છેલ્લા ત્રણ નંબરવાળા ભાગ જ ન લે તો? આ ત્રણ જણ એકલા દોડે અને એકબીજાની સાથે નંબરોની આપલે કરી લે. દરેક બાળક સફળ થવા જ પેદાં થયું છે. ક્ષેત્ર અલગ-અલગ હોઈ શકે, પણ થવું તો તેણે સફળ જ છે. કોઈની ફિંગર-પ્રિન્ટ એક જેવી નથી એવી જ રીતે ઝાડ ઉપરનાં બે પાંદડાંઓ પણ એકસરખાં નથી તો પછી કોઈ કોઈના જેવું કેવી રીતે હોઈ શકે. અબ્દુલ કલામે કહ્યું હતું કે જ્યાં સુધી છેલ્લી પાટલીવાળો ભાગ નથી લેતો ત્યાં સુધી આ પહેલી પાટલીવાળાઓની બોલબાલા છે. મૂળ વાત એ છે કે આપણી આ શિક્ષણપદ્ધતિ જ યોગ્ય નથી.



એજ્યુકેશન શું છે?


આ જ સવાલને ગુજરાતીમાં પૂછી લઉં. ભણતર એટલે શું? ભણતરનો સીધો અર્થ છે કે ભણાવવું, પણ મુદ્દો એ છે કે આપણે ત્યાં આ થાય છે ખરું? ના, કેમ કે, અંગ્રેજોએ જે શિક્ષણપદ્ધતિ આપી એ નોકરિયાત અને કારકુન પેદા કરનારી શિક્ષણપદ્ધતિ જ રહી છે, જેને આપણે ગૌરવ સાથે પકડી રાખી છે. આપણે માત્ર વીસ ટકા લોકો માટે જ બાકીના લોકોને તૈયાર કરવા છે અને એ જ દૃષ્ટિથી આપણે આર્કિટેક્ટ, એન્જિન્યર, સીએ, ડૉક્ટર માટે જ સ્ટાફ પેદા કરવાનું કામ કરીએ છીએ. આપણે ત્યાં એવું ભણતર હોવું જોઈએ કે કોઈ પણ બાળક કોઈ પણ ટકાવારી સાથે સ્કૂલ-કૉલેજમાંથી બહાર આવે એટલે તેને એવું લાગવું જોઈએ કે હું મસ્ત ભણ્યો. આઇ ઍમ ધ બેસ્ટ ક્રિયેશન ઑફ ગૉડ ઍન્ડ નાઉ, માય સ્કૂલ ટુ, પણ અફસોસ, સ્કૂલમાંથી બહાર આવતાં એંસી ટકા લોકોને એમ જ થાય છે કે આપણી જિંદગી પતી ગઈ. શું અંગ્રેજો જે દાખલ કરીને ગયા એ પાંચ વિષયો જ આપણી જિંદગી છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું કોઈ મૂલ્ય જ નથી. આપણે ત્યાં સ્કૂલ અને કૉલેજોમાં સ્વામી વિવેકાનંદનું સૂત્ર મોટા અક્ષરે લખવામાં આવે છે અને બધા ફૅશનેબલ બોલે પણ છે.

ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.


- પણ ઉઠાડશે કોણ? જગાડશે કોણ અને ક્યાં મંડ્યા રહેવાનું એ સમજાવશે કોણ?

શિક્ષણપદ્ધતિ આ ત્રણ કામ કરે છે? તો જવાબ છે ના.

આપણી શિક્ષણપદ્ધતિ આપણાં બાળકોની સાચી પરીક્ષા લે છે ખરી? પૂર્ણપણાનું રિઝલ્ટ આપે છે? જેને આપણે સફળતા કહીએ છીએ એ હકીકતમાં વિદ્યાર્થી એક વર્ષમાં કેટલું ગોખી શકે અને એ ગોખેલું પરીક્ષાના ત્રણ કલાક દરમ્યાન કેટલું ઊલટી કરી શકે એનું માપદંડ છે. બાળકની હોશિંયાર કે કૌશલ્યનું માપદંડ નથી.

તમે જુઓ, આપણે આપણાં બાળકોના ભવિષ્ય સાથે શું કરી રહ્યા છીએ. એક બાળક ત્રણચાર વર્ષની ઉંમરે પહેલી વાર ઘર છોડીને સ્કૂલે જાય. સરસ મજાનો તૈયાર થાય, રાજી થઈને સ્કૂલે જાય અને સાંજે આવીને પછી રડે છે. બીજા દિવસે સ્કૂલ જવાની ના પાડે છે. બાળક સ્કૂલે જવાની ના શું કામ પાડે છે? આ જવાબમાં જ આપણી શિક્ષણપદ્ધતિની નિષ્ફળતા દેખાય છે. બાળકને મનમાં એમ હોય છે કે મારાં માબાપથી હોશિયાર માણસ મને સ્કૂલમાં મળશે. મને સરસ વાર્તા કહેશે, માબાપથી પણ વધારે ધ્યાન રાખશે અને પ્રેમ કરશે અને નવું-નવું શીખવાડશે. મને આગળના જીવનમાં આવે એવું ભણાવશે. કેવી રીતે બોલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે વર્તવું એ શીખવશે, પણ એવું થતું નથી અને એને બદલે સાવ કાચો અને ડોબો શિક્ષક એ બાળકને મળે છે, જે દસ-વીસ હજાર માટે નોકરી કરે છે (યાદ રહે પહેલાં તો ચારપાંચ હજાર જ મળતાં અને હજુયે કેટલીક સ્કૂલો એવો જ પગાર આપે છે) આમાં શિક્ષકનો વાંક છે એવું કહેવા નથી માગતો, પણ આમાં શિક્ષણપદ્ધતિનો વાંક છે એવું કહેવાનો ભાવ છે. બાળમંદિર અને અંગ્રેજીના કિન્ડરગાર્ટનના શિક્ષકો તો સૌથી હોશિયાર હોવા જોઈએ એવું મને લાગ્યું છે અને એનાથી સાવ જ ઊલટું આપણે ત્યાં છે. એ શિક્ષકો માનસશાસ્ત્રી સમાન હોવા જોઈએ, પણ આપણે ત્યાં બાળમંદિરના શિક્ષકોનું કોઈ મૂલ્ય જ નથી બોલો. એ શિક્ષકોએ તો બાળકોને જીવનના અમૂલ્ય પાઠ શીખવવાના છે. સંસ્કાર અને સંસ્કૃતિ વિશે જ્ઞાન આપે, પણ આ થતું નથી અને એનાં બે કારણો છે. એક તો એ કે જે લોકો આ શિક્ષકોનું માળખું બનાવે છે એ લોકોમાં એવી દૃષ્ટિ નથી કે તે આ વાતને વિચારે અને બીજું કારણ એ કે, દસ-વીસ હજારનો કે પછી એનાથી પણ ઓછો પગાર મળતો હોય ત્યાં માનસશાસ્ત્રી સમાન શિક્ષક કામ કરવા રાજી પણ ન થાય. પ્રાઇમરીના શિક્ષકોથી લઈને કૉલેજના શિક્ષકોનો પગાર મારી દૃષ્ટિએ એક લાખ રૂપિયા હોવો જોઈએ. નોકરીના પહેલા જ દિવસે તેને રહેવા માટે સરકારે ઘર આપવું જોઈએ. આ શિક્ષકને લાલ લાઇટવાળી ગાડી મળવી જોઈએ અને આ શિક્ષકના બાળકોને ભણાવવાની જવાબદારી સરકારે લઈ લેવી જોઈએ. જો આવું થયું તો જે સૌથી હોશિયાર લોકો છે એ એજ્યુકેશનના ક્ષેત્રમાં આવશે અને ધીરે-ધીરે બધા જ વિદ્યાર્થીઓ તેમના હાથ નીચે એકદમ હોશિયાર બનશે. લોકો બાય-ડિફૉલ્ટ શિક્ષક નહીં બને, પણ શોખથી બનશે અને એમ કરતાં દેશની આખી શિક્ષણપદ્ધતિમાં બેસ્ટ લોકો આવી જશે. બાળકની ક્ષમતા જોઈને નક્કી કરવામાં આવશે કે તેને કયા કોર્સમાં મોકલવો જોઈએ.

સ્કૂલમાં પહેલે જ દિવસે દરેક નાનાં બાળકોને એક મોટા હૉલમાં બેસાડવામાં આવે ત્યાં બાળકો ધીંગામસ્તી કરતાં હોય, ધમાલ કરતાં હોય અથવા તો ડરેલાં હોય કે હવે કયો સત્તરસિંગો આવશે અને ત્યારે જ સ્ટેજ પર માઇકમાંથી એક અવાજ આવે.

‘ચાલો પ્રાર્થના, આંખો બંધ.’

- કેમ, ખુલ્લી આંખે પ્રાર્થના ન થઈ શકે?

આ પણ વાંચો : દુનિયા તેરે કદમો મેં હોગી ઔર તું મુકદ્દર કા બાદશાહ હોગા

પાયામાં જ ખોટ છે અને આ ખોટવાળા પાયા સાથે જ તો આપણાં બાળકો ભણવાનું શરૂ કરે છે અને એ પછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે એ અવ્વલ દરજ્જાનો બને. ના, ક્યારેય નહીં બને અને આ અપેક્ષા ફળીભૂત નહીં થાય એટલે આપણે બાળકોને જ દોષ આપવાનું શરૂ કરી દઈશું. આપણો કોઈ વાંક જ નથી, આપણી સિસ્ટમનો કોઈ વાંક જ નથી. જ્યાં સુધારો કરવાનો છે એને અકબંધ રાખીને આપણે બાકીનું બધું બદલાવીશું અને એ જ ભૂલનું પુનરાવર્તન કરીશું, જે ભૂલ આપણા બાપદાદાના સમયથી ચાલી આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2019 12:29 PM IST | | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK