દુનિયા તેરે કદમો મેં હોગી ઔર તું મુકદ્દર કા બાદશાહ હોગા

Published: Mar 16, 2019, 13:22 IST | સંજય દૃષ્ટિ - સંજય રાવલ

ઍટિટ્યુડ બદલશો તો દુનિયાને જોવાની, દુનિયા સામે લડવાની દૃષ્ટિ બદલાઈ જશે

‘ધ કપિલ શર્મા શો’
‘ધ કપિલ શર્મા શો’

શનિવારે ‘ધ કપિલ શર્મા શો’માં પાંત્રીસ વર્ષ પહેલાંની ઇન્ડિયન ક્રિકેટ ટીમ જોઈ અને આંખ સામે મોટો બધો ભૂતકાળ આવી ગયો. ૧૯૮૩ અને વર્લ્ડ કપ. આ બન્ને આપણા દેશ માટે પર્યાય બની ગયા છે. ભારતને વર્લ્ડ કપ જિતાડીને કપિલ દેવે જે હિસ્ટ્રી સર્જી એ હિસ્ટ્રી તો આજનો એક પણ ખેલાડી સર્જી ન શકે. આવું હું દાવા સાથે કહું છું અને મારો આ દાવો જરા પણ ખોટો નથી. ૧૯૮૩ પહેલાં આપણે ત્યાં ક્રિકેટની કોઈ વૅલ્યુ નહોતી. પ્લેયર્સને કોઈ જાતનાં ઍડ્વર્ટાઇઝમેન્ટનાં કૅમ્પેન નહોતાં મળતાં અને ર્બોડને પણ સ્પૉન્સરશિપનાં ફાંફાં હતાં, પણ ૧૯૮૩ના વર્લ્ડ કપે આખી વાત બદલી નાખી.

આપણે વેસ્ટ ઇન્ડીઝની ટીમને હરાવી વર્લ્ડ કપ જીતી લીધો. આપણી ગણતરી એ સમયે અન્ડરડૉગ ટીમમાં થતી હતી. આપણે વર્લ્ડ કપ જીતી લીધો એ તો મહત્વનું હતું જ, પણ આપણે એવી ટીમ સામે જીત્યા જે ટીમમાં બધા ડાલામથ્થા સિંહ જ હતા. કપિલ દેવના એક કૅચે આખી મૅચને બદલી નાખી હતી. મને આજે પણ એ મૅચ યાદ છે. વેસ્ટ ઇન્ડીઝનો બેસ્ટ પ્લેયર એવો વિવિયન રિચર્ડ્સ ક્રિઝ પર હતો. આપણે ફક્ત ૧૮૩ રન જ કર્યા હતા અને ઑલઆઉટ થઈ ગયા હતા. બધા એમ જ ધારતાં હતા કે ભારત આ મૅચ કોઈ પણ રીતે બચાવી નહીં શકે. વેસ્ટ ઇન્ડીઝની સેકન્ડ ઇનિંગ્સ હતી. ટીમ એ સ્તર પર ફૉર્મમાં હતી કે એની સામે જીતી જ ન શકાય. તેમનું બૅટિંગ શરૂ થયું અને વિવિયન રિચર્ડસે ૧૩ બૉલમાં ૮ ચોક્કા માર્યા હતા અને બધાને દેખાવા માંડ્યું કે હવે મિનિટમાં વિવિયન એકલો જ મૅચ પૂરી કરી નાખશે અને સાઠ ઓવરની એ મૅચને વીસ ઓવરમાં જ પૂરી કરી નાખશે, પણ ના. એવું થયું નહીં. વિવિયનનાં બેડ લક કામ કરવાનાં શરૂ થયાં. તેણે એક શૉટ હવામાં માર્યો, જે બાઉન્ડરીની બહાર સિક્સ જવાને બદલે આકાશમાં ઉપર ગયો અને કપિલ દેવ કૅચ પકડવા દોડ્યો. યુ-ટ્યુબ પર એ કૅચ આજે પણ છે. જો જો તમે.

કપિલે કૅચ પકડવા ઊંધા ભાગવાને બદલે સીધા ભાગ્યા હતા અને ખરેખર એ અઘરું હતું. બૉલ તમારી આગળ છે અને તમે ઊંધા ભાગવાને બદલે સીધા ભાગો છો. એ કૅચ થયો અને ત્યાંથી આખી મૅચ બદલાઈ. ભારતે મૅચ જીતી લીધી અને વર્લ્ડ કપ પહેલી વાર ઇન્ડિયા આવ્યો. અગાઉ રમાયેલા બન્ને વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝ જીત્યું હતું અને આ મૅચમાં ભારત સામે હારવાનું આવશે એવી તો એણે કલ્પના પણ નહોતી કરી. કહેવાય છે ને કે વાંદરો પણ ક્યારેક સિંહને થપ્પડ મારી જાય એમ વેસ્ટ ઇન્ડીઝે એ થપ્પડ ખાવી પડી, પણ વેસ્ટ ઇન્ડીઝ એ થપ્પડ સહન કરે એમ નહોતું.

આપણી ટીમ પાછી આવી, આપણી ટીમનું સન્માન દિલ્હી અને મુંબઈમાં થયું, પણ એ પછી તરત જ વેસ્ટ ઇન્ડીઝે ર્બોડનો કૉન્ટૅક્ટ કર્યો અને છ ટેસ્ટ તથા છ વન-ડે મૅચની સિરીઝ ભારતના હોમગ્રાઉન્ડ પર રમાશે એવી જાહેરાત થઈ. વેસ્ટ ઇન્ડીઝને બીજી કોઈ વાતમાં રસ નહોતો, એને તો હારનો બદલો લેવો હતો અને થયું પણ એવું જ. આપણે એક પછી એક મૅચ એની સામે હારવા લાગ્યા અને બધાને અચરજ થવા માંડ્યું.

જે ટીમે દોઢ મહિના પહેલાં વર્લ્ડ કપ જીતી લીધો હતો એ આ જ ટીમ હતી?

ટીમ ઇન્ડિયાને ખૂબ ક્રિટિસાઇઝ કરવામાં આવી. અગાઉ જ્યારે ભારતની ટૂર હોય ત્યારે રમવા માટે બી ગ્રેડની ટીમ જ રમવા આવતી. પહેલી વખત એવું બન્યું હતું કે વિવિયન રિચર્ડ્સ અને ક્લાઇવ લોઇડ જેવા પ્લેયર્સ ઇન્ડિયામાં આવ્યા હતા. ભારત માટે આ સન્માનની વાત હતી, પણ જીતવું પણ એટલું જરૂરી હતું, પણ વેસ્ટ ઇન્ડીઝ એ સાબિત કરવા માટે આવ્યું હતું કે વર્લ્ડ કપ ભારતે ટૅલન્ટના આધારે નહીં, નસીબના આધારે જીત્યો છે. વન-ડે સિરીઝ આપણે ભૂંડી રીતે હાર્યા. એ મૅચનાં રિઝલ્ટ અત્યારે પણ ગૂગલ પર છે. તમે જોઈ લેજો, કેટલીક મૅચ તો આપણે ૧૫૦ રનની ગૅપથી હાર્યા. પહેલી ટેસ્ટ મેચ કાનપુરમાં હતી, જે આપણે રોકડા સાડાત્રણ દિવસમાં હારી ગયા. માલ્કમ માર્શલે એ મૅચમાં ૨૦માંથી ૧૨ વિકેટ લીધી. આઠ ક્લીન બોલ્ડ અને મજાની વાત કે એની બોલિંગમાં એક પણ ફોર-સિક્સ ગયાં નહોતાં. હારનો આ સિલસિલો ચાલુ રહ્યો અને બહુ ખરાબ રીતે આપણે હારવા લાગ્યા, પુરવાર થવા માંડ્યું કે આપણે વર્લ્ડ કપ બાય-ફ્લુક જ જીત્યા છીએ. આપણી પાસે મહેનત, આત્મવિfવાસ કે ટૅલન્ટ છે જ નહીં. આપણી પાસે માત્ર નસીબ છે અને માતાજીના આર્શીવાદ છે.

એક દિવસ બધા પ્લેયરને બોલવવામાં આવ્યા અને બ્રેઇન સ્ટ્રોમિંગ શરૂ થયું. મૉરલ બૂસ્ટ કરવાનું પણ કામ એમાં જ કરવામાં આવ્યું. સૌથી પહેલો વારો આવ્યો લિટલ માસ્ટર સુનીલ ગાવસકરનો. જો સામે સારો બોલર છે તો યાદ રહે, તમે પણ સારા બૅટ્સમૅન છો જ. લિટલ માસ્ટર તમને એમ જ કહેવામાં નથી આવતા. બોલરના નામને ધ્યાનમાં રાખીને નહીં, પણ બોલરના બૉલને જોઈને રમશો તો તમને ભાર નહીં લાગે. યાદ રાખજો, આ શબ્દો જીવન બદલી નાખે એવા છે. સુનીલ ગાવસકરને જે એક શીખ આપવામાં આવી હતી એ એક જ વાક્યની હતી.

ચેન્જ યૉર ઍટિટ્યુડ અને એવરીથિંગ વિલ ચેન્જ.

ખરેખર થયું પણ એવું જ. ગાવસકરે પોતાનો ઍટિટ્યુડ બદલ્યો અને ઇન્ડિયા પણ જોમમાં આવી ગયું. ઇન્ડિયાએ ત્યાર પછી ત્રણ ટેસ્ટ બચાવી લીધી. ઍટિટ્યુડ બદલાયો એટલે રિઝલ્ટ પણ બદલાયું અને એ જ કારણે આઉટ-કમ બદલાયું. સુનીલ ગાવસકરના ઍટિટ્યુડે મૅચ બદલી દીધી.

બીજી મૅચ દિલ્હીમાં હતી, વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને ભારતને બૅટિંગ આપ્યું. આખી બુકી લૉબી એવું માનવા માંડી હતી કે લંચ પહેલાં જ આઠ વિકેટ પડી જશે, પણ એવું બન્યું નહીં. ગાવસકરનો ઍટિટ્યુડ કામ લાગી ગયો. તેને સમજાઈ ગયું હતું કે સામે બેસ્ટ બોલર છે તો પોતે પણ બેસ્ટ બૅટ્સમૅન છે. ગાવસકરે બૅટિંગ શરૂ થતાં મૅચની પહેલી જ ઓવરમાં ચાર ચોગ્ગા માર્યા. મને હજુ પણ યાદ છે, આ મૅચ દૂરદર્શન પર આવતી હતી. ચોથા ચોગ્ગા પછી માર્શલે પોતાની કમર પર હાથ રાખીને એકધારું ગાવસકર સામે જોયું હતું. તે સમજી ગયો હતો કે આ માણસ આજે બદલાઈ ગયો છે. આ મૅચ માર્શલને વષોર્ પછી પણ યાદ રહી હતી. તેણે બાયોગ્રાફીમાં લખ્યું છે કે, પહેલી ટેસ્ટ મેચ પછી મેં ગાવસકરની અંદર ચેન્જ જોયો હતો અને એ ચેન્જને લીધે આખી ટીમ જીતવા માટે આગળ વધી હતી. એ મૅચમાં લંચ બ્રેક પહેલાં જ ગાવસકરે સેન્ચુરી કરી, ૧૦૭ નૉટ આઉટ. છેલ્લી ટેસ્ટ ચેન્નઈમાં રમાઈ એમાં સુનીલ ગાવસકરે ૨૩૬ રન કર્યા અને એ પછી પણ કોઈ તેને આઉટ કરી શક્યું નહીં. ૨૩૬ નૉટ આઉટ. માલ્કમ માર્શલે તેની બુકમાં લખ્યું છે કે ભારતમાંથી તમે કંઈ પણ ચોરી શકો, પણ ગાવસકરની સ્ટ્રેટ બૅટ ડિફેન્સ ગેમ ચોરવી અઘરી છે.

મિત્રો, વાત ઍટિટ્યુડની છે અને આખી ગેમ પણ ઍટિટ્યુડની છે. જો તમારો ઍટિટ્યુડ સાચો નથી તો ગમે તેવી વ્યવસ્થા હોય, સગવડ હોય, માર્ગદર્શન હોય કે મોટિવેશન હોય, પણ તમે ધાયુર્ર઼્ પરિણામ નહીં લાવી શકો. ક્યારેય નહીં. જો મોટિવેશનને યોગ્ય અને સાચી દિશામાં નહીં વાળો, ઍટિટ્યુડ નહીં બદલો અને સાચી મહેનત સાથે કામ નહીં કરો તો મોટિવેશન વાર્તા બનીને રહી જશે અને તમે એ વાર્તાના એક નિષ્ફળ પાત્ર. જો સફળતા મેળવવી હોય તો પહેલાં ઍટિટ્યુડ બદલવો પડશે. ઍટિટ્યુડ બદલીને કામ કરવું પડશે અને સફળતા પાછળ ભાગવું પડશે તો જ સફળતા તમને મળશે. બાકી સારામાં સારો મોટિવેટર બોલ્યા કરશે, લખ્યા કરશે અને તમે સાંભળ્યા કરશો, વાંચ્યા કરશો, પણ પરિણામ ઠેરનું ઠેર જ હશે.

આ પણ વાંચો : અપના ટાઇમ આએગા : હા, પણ એના માટે મહેનત પણ અપાર કરવી પડશે

જસ્ટ ચેન્જ યૉર ઍટિટ્યુડ.

એ પછી બધું જાતે જ બદલી જશે અને પેલી ‘મુકદ્દર કા સિંકદર’ ફિલ્મના ડાયલૉગ જેવું થઈ જશે... તકદીર તેરે કદમોં મેં હોગી ઔર તું મુકદ્દર કા બાદશાહ હોગા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK