સાંગલીના પૂરપીડિત કચ્છીઓને ત્રણ વર્ષ માટે વિના વ્યાજે લોન

Published: Aug 24, 2019, 10:13 IST | જયદીપ ગણાત્રા | મુંબઈ

સાંગલીમાં આવેલાં પૂરને કારણે વેપાર-ધંધા અને ઘરથી નોધારા થઈ ગયેલા કચ્છી વીસા ઓસવાળ સમાજના ભાઈઓને ‘મદદ નહીં, લોન જોઈએ છે’ એવો સંદેશો ‘મિડ-ડે’માં પ્રકાશિત થયા બાદ સાંગલીનાં પૂરમાં સર્વસ્વ ગુમાવી ચૂકેલા સમાજના ભાઈઓ માટે મુંબઈમાં કવીઓ સમાજના બે મુખ્ય મહા

 સાંગલીમાં આવેલાં પૂરને કારણે વેપાર-ધંધા અને ઘરથી નોધારા થઈ ગયેલા કચ્છી વીસા ઓસવાળ સમાજના ભાઈઓને ‘મદદ નહીં, લોન જોઈએ છે’ એવો સંદેશો ‘મિડ-ડે’માં પ્રકાશિત થયા બાદ સાંગલીનાં પૂરમાં સર્વસ્વ ગુમાવી ચૂકેલા સમાજના ભાઈઓ માટે મુંબઈમાં કવીઓ સમાજના બે મુખ્ય મહાજનના સભ્યોએ નિષ્ઠા દાખવી હતી. મુંબઈના મહાજનોએ ત્રણ વર્ષ માટે વિનાવ્યાજે લોન આપવાની તૈયારી દાખવ્યા બાદ સાંગલીમાં લગભગ ૧૦૦ જેટલા વેપારીને દુકાનમાં પાણી ભરાવાને કારણે કેટલું નુકસાન થયું છે તેઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વેપાર ફરીથી ધમધમતો થાય એ માટે કેટલી વર્કિંગ કૅપિટલની જરૂર છે એ માટે શ્રી સાંગલી કચ્છી જૈન સેવા સમાજ દ્વારા ફૉર્મ આપવામાં આવ્યાં હતાં અને અત્યાર સુધીમાં ૯૦થી વધુ લોકોએ એ ફૉર્મ ભર્યાં છે.

મુંબઈમાં રહેતા સમાજના ભાઈઓની લાગણીને જોતાં સાંગલીમાં રહેતા શ્રી કચ્છી જૈન સેવા સમાજના પ્રમુખ હરીશભાઈ લાલને ‘મિડ-ડે’ને ભાવુક થતાં કહ્યું હતું કે ‘સાંગલીમાં સર્વનાશ સર્જનારાં પૂરે લોકોની કમર ભાંગી નાખી છે. કુદરતી થપાટ વાગ્યા બાદ શું કરવું એની ચિંતા સતાવતી હતી, ત્યારે ‘ચિંતા ન કરતા, આખો સમાજ તમારા માટે ખડેપગે ઊભો રહેશે’ એવા શબ્દો કાને પડે તો કેટલું સારું લાગે. કુદરતી હોનારત જ્યારે પણ સર્જાય ત્યારે પૈસા કરતાં મૉરલ સપોર્ટની ખૂબ જરૂર રહે છે અને એ અમારા મુંબઈના ભાઈઓએ આપ્યો હતો. સાંગલીમાં અમારા સમાજના ૧૦૦ વેપારીઓ છે અને તેઓ પાસે અમે તેમને કેટલી નુકસાની થઈ છે અને હાલમાં વેપાર શરૂ કરવા માટે કેટલી વર્કિંગ કૅપિટલની જરૂરિયાત છે એ માટેનાં ફૉર્મ ભરીને સર્વે હાથ ધર્યો છે. જોકે હવે તો અમારા મુંબઈમાં વસતા સમાજના ભાઈઓએ તો લોન આપવાની શરૂઆત ક્યારની કરી દીધી છે. ત્રણ વર્ષ માટે વિનાવ્યાજે લોનની વ્યવસ્થા કરી આપવા બદલ ખરેખર આભાર શબ્દ બહુ નાનો પડે.’

મુંબઈના કવીઓ સ્થાનકવાસી મહાજન સમાજના ટ્રસ્ટી અતુલ ભેદાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંગલીમાં પૂર આવ્યા બાદ અમે તાબડતોબ અમારા બન્ને મહાજનના સભ્યોએ તાકીદે મીટિંગ બોલાવીને સૌપ્રથમ તો ઇમિજિયેટ સપોર્ટ આપવાની શરૂઆત કરી દીધી હતી.’

મહાજનના મૅનેજિંગ ટ્રસ્ટી કેકીન છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સમાજના ભાઈઓ સાથે અમે ફાઇનૅન્શિયલી અને ઇમોશનલી બન્ને રીતે જોડાયેલા છીએ.’

મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલાં પૂરને કારણે કવીઓ સમાજના વેપારીઓએ ન જોવાના દિવસો જોયા છે. એવામાં સમાજના વેપારીઓને ખમતીધર કરવા માટે મુંબઈનાં ૧૫૦થી વધુ વર્ષ જૂનાં બે મુખ્ય મહાજનો કવીઓ દેરાવાસી મહાજન, કવીઓ સ્થાનકવાસી મહાજન તેમ જ કવીઓ સેવા સમાજ અને એના નેજા હેઠળની અંદાજે ૧૫૦ જેટલી સંસ્થાએ પોતાના સમાજના સભ્યોનો હાથ ઝાલ્યો છે, તો બીજી બાજુ સાંગલીના વેપારીઓએ પણ ભવિષ્યમાં સમાજ માટે કંઈ પણ કરી છૂટવાના પ્રણ લીધા હતા. પૂરે ભલે તારાજી સર્જી, પણ કવીઓ સમાજના દૂરસુદૂર રહેતા ભાઈઓના મનને એને કારણે એક થયા એનો સમાજના ભાઈઓને આનંદ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK