સનત વ્યાસ અને શેતલ રાજડા : નવા નાટકનું આ હતું અમારું કાસ્ટિંગ

Published: Jan 07, 2020, 16:33 IST | Sanjay Goradia | Mumbai

શફી ઈનામદાર અને ભક્તિ બર્વે, એ પછી અરવિંદ જોષી અને નીલિમા, એ પણ શક્ય ન બન્યું એટલે અમે નવા કાસ્ટિંગ પર નજર દોડાવી

મને ઓળખોઃ સ્ટ્રીટપ્લે સમયનો આ ફોટો મારા હાથમાં અનાયાસ આવી ગયો, જુઓ હું કેવો લાગું છું.
મને ઓળખોઃ સ્ટ્રીટપ્લે સમયનો આ ફોટો મારા હાથમાં અનાયાસ આવી ગયો, જુઓ હું કેવો લાગું છું.

‘એની સુગંધનો દરિયો’નો એક પેજનો રિવ્યુ મનહર ગઢિયાએ છપાવ્યો અને મૅજિક થયું. રવિવારના ભાઈદાસ અને તેજપાલના શો હાઉસફુલ. જે નાટક પચીસ શોમાં બંધ થવાનું હતું એ પછી તો સુપરહિટ થઈ ગયું. ખૂબ ચાલ્યું, ખૂબ શો કર્યા એણે અને એની સાથે મારું નાટક, જે બનવાનું હતું એનું બાળમરણ થઈ જાય એવા સંજોગ ઊભા થયા. અરવિંદ જોષીએ મને ના નહોતી પાડી, પણ તેમણે મને કહ્યું હતું કે આ નાટક પૂરું થાય પછી તારું નાટક કરીશ અને મિત્રો, એટલી રાહ જોઈ શકાય એમ નહોતી. અમે બીજા કલાકારોની શોધખોળ ચાલુ કરી, પણ કોઈ ઍક્ટર મારી સાથે કામ કરવા રાજી નહોતો. એનું કારણ પણ હતું, હું નવો પ્રોડ્યુસર હતો. ભવિષ્યમાં હું શું ઉકાળીશ એની કોઈને ખબર નહોતી. અમુક ઍક્ટરો એવા હતા પણ ખરા જેમની મારી સાથે કામ કરવાની ઇચ્છા હતી, પણ કોઈ ને કોઈ જગ્યાએ તેઓ કમિટમેન્ટથી જોડાયેલા હોવાને લીધે કામ નહોતા કરી શકતા.

આ પરિસ્થિતિમાં મારે માટે કાસ્ટિંગ કરીને નાટક આખું ઊભું કરવું મુશ્કેલ થઈ ગયું હતું. હું બરાબરનો અટવાયો હતો, ધીરજ ખૂટતી જતી હતી, પણ મિત્રો, ધીરજ ત્યારે જ ખૂટતી હોય છે જ્યારે એનો અંત આવતો હોય. થોડા દિવસમાં મારે સનત વ્યાસને મળવાનું થયું. મેં તેમને નાટકની વાત કરી અને તેમણે નાટકમાં કામ કરવા માટે હામી ભરી. આમ જે નાટક મનથી બંધ થવાની અણીએ આવી ગયું હતું એ નાટકના લીડ કલાકાર બોર્ડ પર આવતાં નવેસરથી નાટકમાં જીવ આવ્યો. હવે વાત આવી ફીમેલ-લીડની. લેખક-દિગ્દર્શક અને ઍક્ટર સુરેશ રાજડાનાં પત્ની શેતલ રાજડા એ સમયે કામ કરતાં નહોતાં. મેં તેમને ઑફર આપી. તેમણે વાર્તા સાંભળીને હા પાડી. બસ, પત્યું. નાટકનાં હીરો-હિરોઇન ફાઇનલ થઈ ગયાં એટલે મારામાં બાકીના કાસ્ટિંગ કરવા માટેનું જોર આવી ગયું.

નાટકમાં જે હીરો એટલે કે સનત વ્યાસના ફ્રેન્ડનો રોલ કરતો હતો તેને માટે પ્રદીપ રાણેએ ઉદય ટીકેકરને વાત કરી. ઉદય ટીકેકર અત્યારે તો બહુ જાણીતું નામ છે. મરાઠી નાટકોથી શરૂ થયેલી કરીઅર તેમને આજે હિન્દી સિરિયલ અને ફિલ્મો સુધી લઈ ગઈ છે. ઉદયને હું પહેલેથી ઓળખતો હતો. ‘ચિત્કાર’ જ્યારે મરાઠીમાં થયું ત્યારે એમાં ઉદયે દીપક ઘીવાળાવાળો ડૉક્ટરનો રોલ કર્યો હતો. અમારી એ ઓળખાણ ભાઈબંધીમાં ફેરવાઈ હતી એટલે મેં તેમને વાત કરી અને ઉદય પણ નાટક કરવા રાજી થઈ ગયો. હવે આવ્યું ચોથું કૅરૅક્ટર, હીરોની ગર્લફ્રેન્ડનું કૅરૅક્ટર. ગર્લફ્રેન્ડના એ રોલ માટે મેં રેખા કાર્લેકર સાથે વાત કરી. એ સમયે રેખા રાહુલ ડિકુનાની ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કરતી હતી. રેખાનું નામ મને મનહર ગઢિયાએ સૂચવ્યું હતું. રેખાને હું પણ ઓળખતો હતો. હું ભરત દાભોલકરને ડિકુના ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીમાં મળવા જતો ત્યારે મારી રેખા સાથે ઓળખાણ થઈ હતી. રેખા પણ રેડી અને આમ અમારું કાસ્ટિંગ ઑલમોસ્ટ પૂરું થઈ ગયું.

અમે નાટકનાં રિહર્સલ્સ શરૂ કર્યાં. રિહર્સલ્સ બિરલા ક્રીડા કેન્દ્રના બોટહાઉસમાં રાખ્યાં હતાં. મિત્રો આજે તો બોરીવલી, ગોરેગામ, અંધેરી એમ સબર્બમાં અનેક જગ્યાએ રિહર્સલ્સ થાય છે, પણ એ સમયે આવી ગતિવિધિઓ ટાઉનમાં જ થતી, કલાકારો રહેવા માટે સબર્બમાં શિફ્ટ થઈ ગયા હતા, પણ નોકરી માટે ટાઉન જ આવવું પડતું એટલે નોકરી પતાવીને બધા ટાઉનમાં જ રિહર્સલ્સ પતાવવાનો આગ્રહ રાખતા. બિરલા ક્રીડા કેન્દ્રમાં બે-ત્રણ હૉલ હતા એટલે મોટા ભાગનાં રિહર્સલ્સ ત્યાં જ થતાં. બિરલા ક્રીડા કેન્દ્ર નાટકનું બજાર જ કહેવાતું. રોજ સાંજે બધા કલાકાર-કસબીઓ અને નિર્માતાઓ અહીં ભેગા થાય, વાતો કરે. એ રીતે પોતાનું પીઆર-વર્ક પણ થતું રહે. એ વખતે આજના જેવી ધાંધલધમાલ નહોતી, નિરાંત હતી. આજની જેમ ત્યારે રોજેરોજ શો થતા નહોતા.

રિહર્સલ્સ શરૂ થયાં. પ્રદીપ રાણે જે સીન લખે એનું રૂપાંતર કરવાનું કામ શોભિત દેસાઈને આપવામાં આવ્યું. શોભિત દેસાઈ બહુ સારા કવિ અને લેખક છે. એ સમયે મારે શોભિત સાથે બહુ સારા સંબંધ હતા. અમુક ગેરસમજણને કારણે શોભિત સાથેના સંબંધોમાં તિરાડ પડી. જોકે એમાં ભૂલ મારી છે. મારા ભડભડિયા સ્વભાવ, બોલવાનું ભાન નહીં રાખવાની આદતે મારા માટે એવી નોબત લાવી દીધી કે શોભિતે મારાથી મોઢું ફેરવી લીધું. આજે પણ ક્યારેક મળવાનું થાય તો માત્ર ‘હાય-હેલો’નો જ સંબંધ છે, પણ ત્યારે એવું નહોતું. એ સમયે તો શોભિત સાથે બહુ સારી મિત્રતા હતી, મેં અને શોભિતે અઢળક રાતો સાથે ગાળી છે, લાંબો સમય અમે સાથે રહેતા હતા.

શોભિતની ભાષા પરની પકડ, ભાષા સાથેનો તેમનો લગાવ અને તેમની શબ્દોની અદ્ભુત દુનિયાને જોઈને જ મેં આ જવાબદારી શોભિત દેસાઈને સોંપી હતી. પ્રદીપના સીન મરાઠીમાં હોય, એને ગુજરાતીમાં અનુવાદ શોભિત કરે. શોભિત પાસે ભાષાની જાણકારી હતી, પણ નાટકનો અનુભવ નહોતો એટલે એ વખતે એવું થયું કે નાટકની ભાષા ખૂબ જ કાવ્યાત્મક બની ગઈ. પુસ્તકિયા ભાષા આવવા લાગી, જેને લીધે એવું લાગવા માંડ્યું કે નાટકનાં કૅરૅક્ટરો એક જ ભાષા બોલે છે, એક જ સૂરમાં વાત કરે છે. જોકે રિહર્સલ્સ વખતે મને આ વાતની જાણ થઈ નહોતી, એનું કારણ પણ હતું. એ વખતે હું શોભિતના ભાષાવૈભવ પર આફરીન હતો. મને ખૂબ મજા પડતી હતી નાટકના આ રૂપાંતરમાં. નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન સેટનું કામ પણ શરૂ થયું. વિજય કાપડિયા નાટકનો સેટ ડિઝાઇન કરવાના હતા. નાટકોના સેટ ડિઝાઇનમાં છેલ-પરેશ ખૂબ જ મોટું નામ. એ લોકોએ ખૂબ નાટકો કર્યાં હતાં, વિજય કાપડિયા એ સમયે મુખ્યત્વે આઇએનટીનાં નાટકોમાં સેટ ડિઝાઇન કરતા. સ્વભાવે ખૂબ જિદ્દી માણસ, તેમની સામે છેલભાઈ વાયડા અને પરેશભાઈ દરુ એટલે છેલ-પરેશનો સ્વભાવ જુદો. તેમના સ્વભાવથી માંડીને મારા આ પહેલા સર્જનની વધુ વાતો કરીશું, પણ સ્થળસંકોચને કારણે અહીં અટકીએ, મળીશું આવતા અઠવાડિયે... food

ટેસ્ટ ઑફ દુબઈ : બહુ ઓછા લોકોને ખબર છે કે અરેબિક ફૂડ જેવું કશું હોતું નથી, રણમાં કશું પાકતું ન હોવાથી એ લોકોએ લેબનીઝ ફૂડ અપનાવી લીધું, જે પછી અરેબિક ફૂડ તરીકે પણ ઓળખાવા લાગ્યું.

ફૂડ ટિપ્સ

મિત્રો, ગયા અઠવાડિયાએ આપણી વાત થઈ દુબઈની અક્ષર રેસ્ટોરાંની. ત્યાં અમે થાળી ખાધી હતી, જે મને ખૂબ ભાવી હતી. દુબઈ જઈને પહેલા દિવસે અમે અક્ષરમાં જમવા ગયા હતા તો બીજા દિવસે અમારો શો હતો. રાતે ૧૧ વાગ્યે શો પૂરો કરીને વહેલી સવારે સાડાત્રણ વાગ્યે રવાના થવાનું હતું, અમારી ફ્લાઇટ હતી, જેને માટે અમારે દોઢ વાગ્યે ઍરપોર્ટ પહોંચવાનું હતું. મારા મિત્ર જયેશ વોરા મને લેવા માટે આવી ગયા હતા. દુબઈમાં તેમનો બિઝનેસ છે અને મુંબઈમાં તેમની કલ્ચર હાઉસ રેસ્ટોરાં છે. જયેશભાઈ જમવા માટે મને એક જગ્યાએ લઈ ગયા. ગયા વીકમાં તમને મેં કહ્યું એમ, મારી ઇચ્છા તો તમને લેબનીઝ વાનગીઓનો સ્વાદ ચખાડવાની હતી, પણ આગલા દિવસે અમે અક્ષર રેસ્ટોરાંમાં જમવા ગયા જેને લીધે મારી ઇચ્છા અધૂરી રહી ગઈ હતી.

દુબઈમાં અરુસ દમાસ્કસ નામની રેસ્ટોરાં છે, મારું નસીબ જુઓ, આ રેસ્ટોરાં અરેબિયન ફૂડની જ રેસ્ટોરાં નીકળી. મને જયેશભાઈએ કહ્યું કે આ દુબઈની અરેબિક ફૂડની બેસ્ટ રેસ્ટોરાં છે. મિત્રો, આપણે વાત કરીએ છીએ અરેબિક ફૂડની, પણ આમ જોવા જઈએ તો અરેબિક ફૂડ જેવું કશું છે જ નહીં. આરબોનું કોઈ ફૂડ જ નહોતું. અહીં કંઈ પાકતું જ નહોતું એટલે એ લોકોએ લેબેનૉનનું લેબનીઝ ફૂડ અપનાવી લીધું અને પછી એ ફૂડ દુનિયાભરમાં અરેબિક ફૂડ તરીકે પૉપ્યુલર થઈ ગયું. અરેબિક ફૂડ વિશે તમને કહું તો હમસ છે એ અરેબિક વાનગીમાં આવે. આપણા સફેદ મોટા કાબુલી ચણા હોય એને બાફી, થોડું મીઠું અને પાણી નાખીને એને મિક્સરમાં પીસી નાખવાના અને પછી ઉપર ઑલિવ ઑઇલ નાખવાનું. બસ, હમસ તૈયાર. આપણે ત્યાં હમસમાં વધારાના સ્વાદ માટે આદું-મરચાં પણ નાખે છે, પણ સાચું હમુસ કહ્યું એ છે. બીજી આઇટમ છે ખબુસ. ખબુસ એટલે પિટા બ્રેડ. આપણે ત્યાં જેને નાન કહીએ એવી નાની ગરમાગરમ પિટા બ્રેડ આપે, જે તમારે આ હમુસ સાથે ખાવાની. આરુસ દમાસ્કસ રેસ્ટોરાંમાં તમે જાઓ તો સૌથી પહેલાં તો સૅલડની બાસ્કેટ આપી જાય; જેમાં લીલા કાંદા, લેટ્સ અને જાતજાતનાં વેજિટેબલ્સ હોય. આ ત્યાંની પ્રથા છે. બાસ્કેટ આવે એટલે તમારે પાંદડાં તોડી તોડીને એને ખાવાનું. આ બાસ્કેટ સાથે તમને લસણની સફેદ અને લાલ મરચાની પેસ્ટ પણ આપે. એક રકાબીમાં એ આપી હોય એ તમારે આ વેજિટેબલ્સ સાથે ખાવાની. બહુ સરસ સ્વાદ લાગે.

એ પછી આવે છે ફલાફલ, એક જાતનાં ભજિયાં. અગાઉ કહ્યું એમ સફેદ ચણાને ક્રશ કરીને એનાં ભજિયાં બનાવે. એકદમ કરકરાં અને અદ્ભુત હોય અને સાથે તમને ખાટું ક્રીમી દહીં આપે, જેને સાર ક્રીમ પણ કહેવાય. આટલાં સરસ ફલાફલ મેં અગાઉ ક્યાંય ખાધાં નથી. એ પછી બાબા ગનુશ આપે. આપણો જે રીંગણાંનો ઓળો હોયને એ જ રીતે રીંગણાંને ક્રશ કરીને તૈયાર કર્યું હોય. ફરક એટલો કે આપણે જે વઘાર કરીએ એ કરવામાં ન આવ્યો હોય. એમાં લીલા કાંદા હોય અને સાથે સાર ક્રીમ એમાં મિક્સ કરીને આપે. આ પછી અખરોટ અને બદામ ક્રશ કરીને એમાં મીઠું-મરચું ભભરાવીને એક આઇટમ આપે, એ પણ અદ્ભુત છે. એ પછી ચિપ્સ આપે, એ ચિપ્સમાં નીચે સૅલડ હોય અને ઉપર ચિપ્સ નાખીને આપે. આ ચિપ્સ તમે લસણની અને લાલ મરચાની પેસ્ટ સાથે ખાઓ એટલે જલસો પડી જાય. પિટા બ્રેડ વિશે તો મેં તમને કહ્યું જ. પિટા બ્રેડ સાથે પિકલ આપે જેમાં ખાટાં મરચાં, ખાટાં ઑલિવ્સ અને ખાટી કાકડી હોય. મિત્રો, ક્યારેય પણ દુબઈ જવાનું બને તો ‘આરુસ દમાસ્કસ’માં અચૂક જજો. રિયલ અરેબિક ફૂડનો સ્વાદ ચાખવા મળશે અને જલસો પડી જશે.

જોકસમ્રાટ

હમણાં મને એક પત્રકારે પૂછયુંઃ તમારું લગ્નજીવન કેવું ચાલે છે?

મેં જવાબ આપ્યોઃ કાશ્મીર જેવું.

પત્રકારઃ એટલે?

મેહ કહ્યું, સુંદરતા ભારોભાર છે, પણ સાથે આંતક પણ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK