સમૂહલગ્નનો વિરોધ કરનારા લોકો માનસિક રીતે દરિદ્ર છે

Published: 3rd September, 2012 06:10 IST

એક જમાનામાં એવી ગેરસમજ હતી કે સમૂહલગ્નમાં તો માત્ર ગરીબ લોકો જ જોડાય, હવેના યુગમાં એવી સાચી સમજ વ્યાપક બની છે કે સમૂહલગ્નમાં ન જોડાય તેને માનસિક તેમ જ વૈચારિક ગરીબ ગણવો

samuh-lagnaમન્ડે-મંથન - રોહિત શાહ

સમૂહલગ્નનોત્સવને સાંસ્કૃતિક પર્વનો દરજ્જો મળવો જોઈએ. સમૂહ શબ્દ અનેક અર્થમાં સમાજને જોડી નાખનારો સેતુ છે. સમૂહ અને ટોળું આ બે શબ્દો સમાનાર્થી નથી. સમૂહ એને કહેવાય, જેમાં કંઈક રચનાત્મક ઉદ્દેશ સાથે લોકો ભેગા મળ્યાં હોય. ટોળું એને કહેવાય જેમાં ખંડનાત્મક હેતુ સાથે ભીડ જમા થઈ હોય. કોમી હુલ્લડ કે પથ્થરમારો કરી રહેલી ભીડને ટોળું કહેવાય, અનેક પદયાત્રીઓ કોઈ ર્તીથની યાત્રા કરવા સાથે મળીને જતા હોય એને સમૂહ કહેવાય. ટોળા પાસે ન તો કોઈ ચોક્કસ દિશા હોય છે, ન તો કોઈ ચોક્કસ આયોજન હોય છે. સમૂહ પાસે હંમેશાં ચોક્કસ દિશા અને નક્કર આયોજન હોય છે. ટોળું ગાડરિયો પ્રવાહ હોય છે. એ ગમે તે ક્ષણે તીતર-બીતર થઈ જાય છે. સમૂહ પાસે ઝઝૂમવાનું સામથ્ર્ય હોય છે. સંકટ આવે ત્યારે ટોળું તૂટી જાય છે અને જેમ-જેમ વધુ સંકટો આવે તેમ-તેમ સમૂહ વધુ ને વધુ સંગઠિત અને મજબૂત બનતો જાય છે.

ભવોભવનો સંગાથ

આપણી સામાજિક પરંપરામાં લગ્નને વિશિષ્ટ મહત્વ આપવામાં આવેલું છે. લગ્નને સંસ્કાર કહીને એનો આદર કરવામાં આપણો સમાજ ગૌરવ અનુભવે છે. વિદેશમાં લગ્ન એક વિધિ જ છે. ર્કોટમાં જઈને બે વિજાતીય પુખ્ત પાત્રો પોતાની સંમતિથી લગ્ન કરી લઈ શકે છે અને એ જ રીતે પરસ્પરની સંમતિથી ડિવૉર્સ પણ લઈ શકે છે. વિદેશમાં લગ્નને કોઈ ‘ભવોભવનો સંગાથ’ નથી કહેતું. એક સ્ત્રી અને એક પુરુષ સ્વેચ્છાએ સાથે રહેવાનો કરાર કરે એને લગ્ન કહેવામાં આવે છે. આ કારણે વિદેશોમાં લગ્નોત્સવ શબ્દ પ્રયોજાતો નથી. આપણે ત્યાં લગ્નપ્રસંગે જે ઉત્સાહ હોય છે એને બદલે વિદેશોમાં માત્ર લીગલ ફૉર્માલિટી હોય છે. આ કારણે આજે પણ ઘણા એનઆરઆઇ લોકો તેમનાં સંતાનોનાં લગ્ન કરાવવા ઇન્ડિયા આવે છે. સંસ્કૃતિ સાથેનાં અનુસંધાનો એમ આસાનીથી નંદવાઈ જતાં નથી.

નકામી ગેરસમજ

છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં એક રૂપકડો શબ્દ ખૂબ સાંભળવા મળે છે, ‘સમૂહલગ્ન’. કોઈ જ્ઞાતિ કે સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન થાય છે. એમાં ત્રણની સંખ્યાથી ત્રણસોની સંખ્યા સુધીનાં યુવક-યુવતીઓ એકસાથે ભવોભવનાં સાથી બને છે. વ્યક્તિગત રીતે ધામધૂમથી પણ લગ્નો થાય છે અને સામૂહિક રીતે સદ્ભાવનાથી સમૂહલગ્નો પણ થાય છે. ધીમે-ધીમે સમૂહલગ્નોની સંખ્યા વધતી જાય છે એ આનંદની વાત છે. સમૂહલગ્નને કારણે જવાબદારી તથા પરિશ્રમ બચે છે અને શાંતિ તથા અનુકૂળતા વધે છે. આ વાત હજી કેટલાક શ્રીમંતોને કદાચ સમજાઈ નથી.

ઘણા લોકો એવી હડહડતી ગેરસમજ ધરાવે છે કે સમૂહલગ્નમાં તો એ વ્યક્તિ જોડાય જે ગરીબ હોય. જાણે ગરીબો માટે કોઈ સદાવ્રતની સ્કીમ હોય એ રીતે થોડાક મૂર્ખ શ્રીમંતો સમૂહલગ્નોની ઉપેક્ષા કરતા રહે છે. એનું કારણ એટલું હોય છે કે એવા શ્રીમંતોને પોતાનાં સંતાનોનાં લગ્નો ધામધૂમથી કરીને પોતાની શ્રીમંતાઈનાં વરવાં પ્રદર્શનો કરવાના અભરખા હોય છે. કોઈ કારણે ભલે આપણે સમૂહલગ્નમાં ન સામેલ થઈ શકીએ, પરંતુ એ વખતે સમૂહલગ્નો ગરીબો માટે જ હોય છે એવો વિચાર વ્યક્ત કરીને આપણી વૈચારિક ગરીબી ન બતાવીએ તોય ઘણું.

પાર વગરના ફાયદા

સમૂહલગ્નમાં અનેક ફાયદા છે. બધા ફાયદા તો અહીં ન વર્ણવી શકાય, છતાં થોડાક ફાયદા ઊડતી નજરે જોઈ લઈએ :

સમૂલગ્નને કારણે વર અને કન્યા - બન્ને પક્ષે સમય ખૂબ બચે છે.

સમૂહલગ્નને કારણે વર અને કન્યા - બન્ને પક્ષે આર્થિક રીતે ખૂબ બચત થાય છે.

સમૂહલગ્નને કારણે ભાઈચારો અને સ્નેહ વધે છે.

સમૂહલગ્નમાં સામેલ થનારા સ્વજનો-મિત્રોને પણ ખાસ્સી સગવડ રહે છે. ક્યારેક એક જ દિવસે અને એક જ મુહૂર્તે બે-ત્રણ કે વધારે સ્નેહીઓને ત્યાં લગ્નમાં જવાનું હોય છે ત્યારે કોને ત્યાં હાજરી આપવી અને કોને ત્યાં ભોજન લેવું એની દ્વિધા થાય છે. જો સમૂહલગ્નમાં એક જ સ્થળે જવાનું હોય તો મહેમાનોનેય નિરાંતે રહે છે.

વરકન્યાને લગ્નપ્રસંગે અપાતી ભેટ-સામગ્રી સમૂહલગ્નના આયોજકો તરફથી અપાય છે. એટલે એ માટેનો ખર્ચ બચી જાય છે.

સમગ્ર જ્ઞાતિજનો તરફથી સમૂહલગ્નનું આયોજન થયેલું હોય, ત્યારે સૌ સ્નેહી-સ્વજનોને મળવાનું શક્ય બને છે. વળી એ વખતે આપણે કોઈનું આતિથ્ય કરવાનું નથી હોતું એટલે ઘણી જવાબદારીઓ ઓછી થઈ જાય છે.

વ્યક્તિગત લગ્નોમાં આપણે બહેન-દીકરી અને જમાઈ વગેરે માટે કેટલાક ખાસ વ્યવહારો કરવા પડે છે. સમૂહલગ્નમાં એવા વ્યવહારો નીકળી જાય છે, એથી રાહત રહે છે.

વ્યક્તિગત લગ્નપ્રસંગે મોટા ભાગે એવું બને છે કે આપણે ગમે એટલી કાળજી રાખી હોય, ઉત્કૃષ્ટ વ્યવસ્થા ગોઠવી હોય છતાં એકાદ-બે જણને તો વાંકું પડ્યું જ હોય છે. નિકટના સ્વજનોને કોઈક વાતે વાંધા-વચકા પડે છે અને સંબંધો વણસી જાય છે. સમૂહલગ્નમાં આ બાબતેય કોઈ ચિંતા રહેતી નથી.

વ્યક્તિગત લગ્ન માટે ક્યારેક હૉલ કે વાડી મળતાં નથી. મળે છે તો પરવડતાં નથી. સમૂહલગ્ન દ્વારા એ પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય છે.

કન્યાપક્ષને માથે ‘જાનને સાચવવાની’ કપરી જવાબદારી હોય છે. વ્યક્તિગત લગ્નપ્રસંગે જાનૈયાં ખોટી ધમાલ-મસ્તી અને ડિમાન્ડ્સ કરીને કન્યાપક્ષને પજવી નાખે છે. સમૂહલગ્ન હોય ત્યાં એવી પજવણી થતી નથી.

વ્યક્તિગત લગ્ન માટે મહિનાઓ અગાઉથી જાત-જાતની દોડધામ કરવી પડે છે. અને છતાં છેક છેલ્લે સુધી કંઈક ઓછું ન પડી જાય એની આશંકા-દહેશત રહે છે. સમૂહલગ્નમાં તો એક વખત ફૉર્મ ભર્યા પછી કશી ઝંઝટ રહેતી નથી.

વરપક્ષને મજબૂર કરો

સામાન્ય રીતે આપણે ત્યાં વ્યક્તિગત લગ્નમાં કન્યાપક્ષને શિરે સૌથી વધુ ભાર હોય છે. વરરાજા જાન લઈને આવે ત્યારે કેટલી સંખ્યા આવશે અને એ સૌને સારી રીતે સાચવવાનું શક્ય બનશે કે નહીં - એ બધી ઝંઝટ રહે છે. ધૂમ ખર્ચ કર્યા પછીયે ઘણી વખત બદનામી અને ઠપકો મળે છે. સમાજમાં આબરૂના કાંકરા થાય છે. કેટલાક લોકો તો એક લગ્નોત્સવ પછી વર્ષો સુધી દેવામાં ડૂબેલા રહે છે. વરપક્ષની કેટલીક ખોટી અપેક્ષાઓને કારણે કન્યાપક્ષની હેરાનગતિનો પાર નથી રહેતો. હું તો દરેક કન્યાના વડીલોને એક વણમાગી ઍડવાઇસ આપવા ઉત્સુક છું કે તમે જો સમૂહલગ્નનો જ મક્કમ આગ્રહ રાખો તો તમને તો ફાયદો થશે જ, જ્ઞાતિ અને સમાજનું ગૌરવ પણ વધશે. વરપક્ષવાળા ગમે એટલો આગ્રહ કરીને વ્યક્તિગત લગ્ન કરવા કહે તોય કન્યાપક્ષવાળા દૃઢપણે સમૂહલગ્નનો આગ્રહ પકડી રાખે તો આખરે વરપક્ષે ઝૂકવું જ પડે. ખરેખર તો દીકરીનાં લગ્ન માટે દરેક મા-બાપે સમૂહલગ્ન કરવાનો સામૂહિક નિર્ણય કરવાની જરૂર છે. વરપક્ષને કન્યા જોઈતી હશે તો સમૂહલગ્નમાં જોડાવા મજબૂર બનશે. સમાજને સંગઠિત અને મજબૂત અને સશક્ત બનાવવા માટે કન્યાપક્ષવાળા આટલું કેમ ન કરી શકે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK