સમાજવાદી પાર્ટીનાં મહિલા ઉમેદવાર વોટ માટે નોટ વહેંચતાં ઝડપાયાં વિડિયોમાં

Published: 8th February, 2017 03:34 IST

ગોવંડીના વૉર્ડ-નંબર ૧૪૦માં બનેલી આ ઘટનાનો ભારે વિવાદ


લક્ષ્મણ સિંહ

BMCની ચૂંટણીની આચારસંહિતાની પરવા કર્યા વગર પ્રચાર દરમ્યાન ગોવંડીના વૉર્ડ-નંબર ૧૪૦ના સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર ૪૬ વર્ષનાં આયેશા શેખ તેમના મતદારોને કૅશ વહેંચતાં હોય એવા વિડિયો પ્રસારિત થતાં શહેરમાં હોબાળો મચી ગયો છે. ૨૦૧૭ની BMCની ચૂંટણીમાં રોકડ રકમની વહેંચણીનો આ પહેલો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

બે મિનિટ તેંતાળીસ સેકન્ડના વિડિયોમાં અગાઉ બે ટર્મ માટે કૉર્પોરેટર રહી ચૂકેલાં આયેશા શેખ પ્રચાર દરમ્યાન પક્ષના કાર્યકરો સાથે મળીને સ્થાનિક લોકોને ચલણી નોટોની વહેંચણી કરતાં જોવા મળે છે. નોટો વહેંચવા સાથે મતદાનમાં મારું ધ્યાન રાખજો એમ આયેશાએ કહ્યું હતું.

વિડિયોનાં દૃશ્યોમાં આયેશા શેખ કેટલાક કાર્યકરોથી ઘેરાયેલાં છે. એમાંના એક જણને તેઓ નોટોનું બંડલ આપતાં હતાં અને એ વ્યક્તિ લોકોને નોટો વહેંચતી હતી. આયેશા ધર્મને નામે વોટ આપવાની લોકોને અપીલ કરતાં હતાં. વિડિયોમાં આયેશા શેખ એવું કહેતાં સંભળાય છે કે હું તમને ધાર્મિક કાર્યક્રમ માટે ૧૫,૦૦૦ રૂપિયા આપું છું એ તમે યાદ રાખજો અને મારી જરૂરિયાતનો પણ ખ્યાલ રાખજો.

આયેશા શેખ ૨૦૦૨માં પાંચ વર્ષ માટે કૉર્પોરેટર તરીકે ચૂંટાયાં હતાં અને ૨૦૦૭ની ચૂંટણીમાં ચૂંટણીપંચને બોગસ કાસ્ટ સર્ટિફિકેટ સુપરત કરવા બદલ સિટિંગ કૉર્પોરેટર ડિસ્ક્વૉલિફાય થયા પછી તેઓ અઢી વર્ષ માટે કૉર્પોરેટરના હોદ્દા પર રહ્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK