ઉર્વી શાહ મેસ્ત્રી
મુંબઇ : મુલુંડમાં ગુંગલિયા પરિવારના પચાસ વર્ષના સભ્યને ડૉક્ટરે બ્રેઇન ડેડ જાહેર કરતાં તેમની ૧૭ વર્ષની દીકરીએ તેના પપ્પાનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લઈને માનવતાને ઉજાગર કરી છે. અત્યાર સુધી ત્રણ લોકોને નવું જીવન મળી ચૂક્યું છે. જૈન દેરાવાસી સમાજના બ્રેઇન ડેડ જિતેનજી ચીમનલાલજી ગુંગલિયાના પરિવારે તેમનું લિવર, બે કિડની અને ચામડીનું દાન કરીને ત્રણ જિંદગીઓને નવું જીવન આપવાની સાથે સમાજને નવો રાહ પણ ચીંધ્યો છે.
મારા પપ્પા પાસેથી હંમેશાં મેં શીખ્યું હતું કે જ્યારે પણ તક મળે લોકોની મદદ કરવાનું ચૂકવું નહીં અને મારા પપ્પાનાં અંગોનું દાન કરવાથી જો કોઈનું સારું થતું હોય તો એ નિર્ણય મને અને મારા પરિવારને આવકાર્ય છે એમ જણાવતાં જિતેનજી ગુંગલિયાની એકમાત્ર સુપુત્રી આર્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પપ્પાને કોઈ બીમારી નહોતી. તેઓ એકદમ સ્વસ્થ હતા. ૩૧ ડિસેમ્બરની રાત્રે તેમને અચાનક વૉમિટ થવા લાગી અને ચક્કર પણ આવતાં હતાં. તબિયત ખરાબ થવાથી અમે મારા પપ્પાને તરત જ મુલુંડની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પપ્પાનું સી.ટી. સ્કૅન કરાવ્યું અને બધા રિપોર્ટ્સ કઢાવ્યા હતા. ત્યારે સ્મૉલ બ્રેઇનમાં બ્લૉકેજ થયું છે એવો રિપોર્ટ આવતાં ત્રણ દિવસ હૉસ્પિટલમાં સારવાર લીધી અને ચાર જાન્યુઆરી, સોમવારે ડૉક્ટરે મારા પપ્પાને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.’
આ વાત જણાવતાં આર્યાની આંખોમાંથી અશ્રુની ધારા વહી નીકળી હતી.
મારા પપ્પાની જેમ હું પણ વધુ સ્ટ્રૉન્ગ બનીશ અને પપ્પાની જેમ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશ એમ જણાવતાં આર્યાએ વધુમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉક્ટરે જ્યારે પપ્પાને બ્રેઇન ડેડ જાહેર કર્યા ત્યારે હૉસ્પિટલના ડૉ. રાહુલ પંડિતે અમને કહ્યું કે તમે ઇચ્છો તો તમારા પપ્પાનાં અંગોનું દાન કરી શકો છો. ત્યારે મેં નિર્ણય લીધો અને મારી મમ્મી તેમ જ પરિવારના બધા લોકો મારા ડિસિઝનથી સહમત થયા અને પપ્પાનાં અંગોનું અમે દાન કર્યું હતું.’
મારા જીજાજી અમારા માટે દીવાદાંડી સમાન હતા એમ જણાવતાં આર્યાના મામા ભાવિક કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા જીજાજી જિતેનજીને ગરીબો માટે બહુ લાગણી હતી. ડાબા હાથથી દાન કરતા તો જમણા હાથને પણ ખબર પડતી નહીં. પરિવારના બધા લોકો માટે જીજાજીને અનહદ પ્રેમ હતો. આર્યા મારી બહેન અને જીજાજીને લગ્નનાં ૧૩ વર્ષ પછી આવી હતી. આર્યાના જીજાજીનાં અંગોનું દાન કરવાના નિર્ણયથી જીજાજી જ્યાં પણ હશે ત્યાં તેમને ચોક્કસ તેમની લાડલી દીકરી આર્યા પર ગર્વ થશે. અંગોનું દાન કરવાથી કેટલાય લોકોને નવું જીવનદાન મળી શકે છે એ બાબતે લોકોને ખબર હોતી નથી. આથી અંગોનું દાન કરવા બાબતે જોઈએ એવી જાગૃતિ આવી નથી. એટલે મારે લોકોને એ જ મેસેજ આપવો છે કે તમારા સ્વજનના મૃત્યુ પછી થઈ શકે તો જરૂર અંગોનું દાન કરો, કેમ કે એ બધાં દાનથી સર્વશ્રેષ્ઠ દાન છે જેનાથી લોકોને નવજીવન મળે છે.’
ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કો-ઑર્ડિનેટરના જનરલ સેક્રેટરી ડૉ. ભરત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૧ના વર્ષનું જિતેનજી ગુંગલિયાનું મુંબઈમાં પહેલું અંગદાન છે. તેમની એક કિડની અને એક લિવર મુલુંડની હૉસ્પિટલમાં પેશન્ટને ડોનેટ કર્યું હતાં જ્યારે બીજી કિડની પબ્લિક હૉસ્પિટલમાં આપી હતી. કોવિડને કારણે ૨૦૨૦માં ઑર્ગન ડોનેશન થોડું ઓછું હતું. ૨૦૧૯માં ૭૫ ડોનર્સ મળ્યા હતા. એક વ્યક્તિ ૮ જણને જીવનદાન આપી હેલ્પ કરી શકે છે. બધાએ ઑગર્ન કાર્ડ સહી કરીને રાખવું જોઈએ અને મૃત્યુ બાદ અંગદાન કરી જરૂરિયાતમંદોને નવું જીવન આપવું જોઈએ.’
ડૉક્ટરે જ્યારે પપ્પાને બ્રેઇન ડેડ જાહેર કર્યા ત્યારે હૉસ્પિટલના ડૉ. રાહુલ પંડિતે અમને કહ્યું કે તમે ઇચ્છો તો તમારા પપ્પાનાં અંગોનું દાન કરી શકો છો. ત્યારે મેં નિર્ણય લીધો અને મારી મમ્મી તેમ જ પરિવારના બધા જ લોકો મારા ડિસિઝનથી સહમત થયા અને પપ્પાનાં અંગોનું અમે દાન કર્યું હતું.
- આર્યા ગુંગલિયા
દેશભરમાં આજથી રસીકરણ શરૂ થઈ રહ્યું છે ત્યારે...રસી લઈ ચૂકેલા આ ગુજરાતીઓ તમને કંઈક કહેવા માગે છે
16th January, 2021 08:10 ISTમહારાષ્ટ્રમાં મળેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના આઠમાંથી પાંચ કેસ મુંબઈના
5th January, 2021 09:17 ISTકોરોનાનો ડેન્જરસ સ્ટ્રેન મુંબઈ લૅન્ડ થયો છે ખરો?
26th December, 2020 08:44 ISTગુજરાત-રાજસ્થાનની ટ્રેનને અંધેરી સ્ટેશન પર હૉલ્ટ આપવાની પ્રવાસીઓની માગ
5th December, 2020 10:43 IST