Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડૉક્ટર, પોલીસ, ગવર્મેન્ટ અને નેતાની સાથોસાથ કલાકારોને પણ કરજો વંદન

ડૉક્ટર, પોલીસ, ગવર્મેન્ટ અને નેતાની સાથોસાથ કલાકારોને પણ કરજો વંદન

31 July, 2020 09:53 PM IST | Mumbai
J D Majethia

ડૉક્ટર, પોલીસ, ગવર્મેન્ટ અને નેતાની સાથોસાથ કલાકારોને પણ કરજો વંદન

પરમ મિત્ર, પર્ફેક્ટ ડિસિપ્લિન: દેવેન અને પરેશ બન્ને જમવા પણ સાથે બેસતા નથી, ધારે તો બેસી શકે છે, દોસ્તી પણ ૩૦-૩૫ વર્ષની, પણ ના, શિસ્તબદ્ધતા જળવાઈ રહે એ માટે તેઓ એવું નથી કરતા. આપણે પણ આવી જ શિસ્ત દાખવવાની છે.

પરમ મિત્ર, પર્ફેક્ટ ડિસિપ્લિન: દેવેન અને પરેશ બન્ને જમવા પણ સાથે બેસતા નથી, ધારે તો બેસી શકે છે, દોસ્તી પણ ૩૦-૩૫ વર્ષની, પણ ના, શિસ્તબદ્ધતા જળવાઈ રહે એ માટે તેઓ એવું નથી કરતા. આપણે પણ આવી જ શિસ્ત દાખવવાની છે.



છેલ્લાં બે વીકથી આપણે વાત કરી રહ્યા છીએ એક એવા પિરિયડની જે આફ્ટર કોરોના અને બિફોર કોરોના વચ્ચેનો છે. હા, બિફોર અને આફ્ટર કોવિડ-19. આ આખા સમયમાં બધું બદલાયું છે અને આ બદલાવની જ આપણી વચ્ચે ચર્ચા ચાલે છે. એક સમય હતો જ્યારે આપણે નિષ્ફિકર હતા, આપણને કોઈ ચિંતા નહોતી; હશેને, એમાં શું છે, વાંધો નહીં. આ અને આના જેવા શબ્દો સાથે આપણે વિનાફિકર મસ્ત રીતે જીવતા હતા, પણ કોવિડને કારણે હવે બધું બદલાયું છે. ગયા વીકમાં મેં કહ્યું હતું એમ, માત્ર જીવન જ નહીં, કામ કરવાની રીતભાત પણ કોવિડ-19ને કારણે બદલાઈ ગઈ છે.
અગાઉ શૂટિંગમાં જવાનું હોય તો મનમાં લહેરીલાલાની ફીલ હોય. મસ્ત રીતે આવો, આવીને બધાને મળો, હસતાં-રમતાં કામ કરો. હસી-મજાક એકધારી ચાલતી હોય. ટોળે વળ્યા હોય બધા અને બધા એકબીજાની સાથે સરસ રીતે રહેતા હોય. કોઈ રોકટોક નહીં અને કોઈની કચકચ નહીં. અફકોર્સ, કચકચ તો આજે પણ નથી, પરંતુ હવે સેટ પર રોકટોક આવી ગઈ છે અને આ રોકટોક પૈકીની ૯૯ ટકા રોકટોક સ્વયંભૂ છે. બધા જ સેટ પર આ પોઝિશન છે અને એવું જ આપણી ‘ભાખરવડી’ના સેટ પર પણ છે.
ગયા શુક્રવારે મેં તમને શૂટિંગની તૈયારી કેવી રીતે થતી હોય છે એના વિશે વાત કરી. બન્ને સમયની, બિફોર કોરોના વિશે પણ કહ્યું અને આફ્ટર કોરોના વિશે પણ કહ્યું. આજે એ જ વિષય પર વાત કરીને તમને હવે થોડું ટેક્નિકલ સમજાવું. શૂટિંગમાં સૌથી પહેલાં એક માસ્ટર શૉટ લેવાઈ જાય, એમાં બધા કલાકારોનું કૉમ્બિનેશન હોય. એ સીનમાં જેકોઈ ઍક્ટર હોય એ બધા આ માસ્ટર શોમાં જોવા મળે. ઘણા કલાકારો હોય. માસ્ટર શૉટમાં જ્યૉગ્રાફી એસ્ટૅબ્લિશ થાય જેને લીધે તમને ખ્યાલ આવે કે કોણ ક્યાંથી આવે અને કોણ શું કરવાનું છે. એ બધું માસ્ટર શૉટમાં હોય. મૂવમેન્ટ પણ માસ્ટર શૉટમાં હોય. એના પછી કટિંગમાં એટલે કે નાના-નાના ટુકડામાં શૂટિંગ થાય. આ નાના-નાના ટુકડાનું શૂટિંગ ત્યાર પછી પોસ્ટ પ્રોડક્શન સ્ટુડિયોમાં પહોંચે અને તમને બધું એડિટ કરીને એક હાર્મનીમાં એટલે કે લંબાણપૂર્વકનો સીન દેખાડાય. આ એડિટિંગની કમાલ છે. તમને એવું જ લાગે કે એ બધું એકસાથે જ થઈ રહ્યું છે, પણ ના, એવું થતું નથી. બધા ભાગ અલગ-અલગ શૂટ થયા હોય. સીનની મોટી ઇમ્પૅક્ટ હોય એ અને સંવાદ હંમેશાં ક્લોઝમાં જ જોવાની મજા આવે. ક્લોઝ એટલે નજીકથી, કલાકારોનો ચહેરો સ્ક્રીન પર દેખાતો હોય એ રીતે. કલાકારોના ક્લોઝ, ઓવર ધ શોલ્ડર એટલે કે એક બાજુથી બીજાનો ખભો દેખાય અને સામેવાળાનું મોઢું દેખાય અને પછી કૅમેરા બીજી બાજુએ જાય એટલે આ બાજુની વ્યક્તિનું મોઢું દેખાય અને સામેવાળાનો ખભો દેખાય.
આ બધા ટેક્નિકલ શૂટ અમારે માટે ચિંતાનો વિષય હોય છે.
તમને થાય કેમ એવું? તો સમજાવું તમને.
આ ક્લોઝ શૉટ્સ લેવાના આવે ત્યારે કલાકારોએ થોડું નજીક આવવું પડે અને કલાકારો નજીક આવે એટલે એમાં સોશ્યલ ડિસ્ટન્સ, નિયમોમાં જે કહેવાયું છે એના કરતાં થોડું ઓછું મેઇન્ટેન થાય. આવું બને ત્યારે ડિરેક્ટર કે કોઈએ ધ્યાન ન આપ્યું હોય તો તરત જ અમારા કલાકારો કહે કે આ ફ્રેમમાં બે લોકોને ખભેખભો મિલાવીને લેવાની જરૂર છે, જો જરૂર હોય તો જ લો, નહીં તો રહેવા દેજો. આ જે ચીવટ છે એ ચીવટ સાથે પણ કામ કરવા માટે તમારે તમામ કલાકારોને ખરેખર કોટિ કોટિ વંદન કરવાં જોઈએ. બધા પોતાની રીતે અને જરૂર હોય ત્યાં થોડા જોખમ લઈને જેમ કામ કરે છે એ રીતે કામ કરનારાઓમાં ડૉક્ટર, પોલીસ અને ગવર્નમેન્ટનું નામ સૌથી પહેલાં લેવું પડે. આ ઉપરાંત નેતાઓ પણ કામ કરે છે. આપણા મોદીસાહેબ અને તેમની આખી ટીમ દિવસ-રાત કામ કરે છે અને કોવિડ-19 સામે દેશની રક્ષા કરે છે, પરિસ્થિતિ પર નજર રાખીને સમય મુજબ અને પરિસ્થિતિ અનુસાર એમાં ચેન્જિસ કરવાનું કામ કરે છે તો સાથે પાર્લમેન્ટના બધા મેમ્બરો પણ કામ કરે છે. આ બધાની જેમ જ અને એવી જ રીતે આપણા કલાકારો પણ કામ કરે છે. જોખમ લઈને એ તમારા માટે મનોરંજન લઈ આવે છે, તમને ઘેરબેઠાં મનોરંજન મળી રહે એ માટે કોશિશ કરે છે, જેથી તમે આ લૉકડાઉનના સમયમાં ઘરે રહો અને ઘરમાં બેસીને પણ આનંદમાં રહો. તમને ફ્રસ્ટ્રેશન ન આવે, ડિપ્રેસ ન થાઓ એટલે તેઓ તમને મનોરંજન પૂરું પાડવા આવ્યા છે. આ મનોરંજન માટે અમુક વખતે જોખમ લઈને પણ તેઓ સીક્વન્સ કરે છે, શૉટ આપે છે. જે સમયે આ શૉટ લેવાતો હોય છે એ સમયે તેઓ માસ્ક પહેરી નથી શકતા. માસ્ક ન હોય એટલે મનમાં ડર તો હોય જ, પણ એ ડરને છુપાવીને તેમણે પોતાની ક્રીએટિવિટીનું પણ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે અને એ રાખે પણ છે. ભલે ગમે એટલો ડર હોય મનમાં, પણ એટલું ધ્યાન રાખીને તમને મનોરંજન આપે છે. એક વખત, જ્યાં હોય ત્યાં, એક વખત, માત્ર એક વખત તેમને માટે આ વાત વાંચતી વખતે હૅટ્સ ઑફ કહી દેજો, તાળી પાડી લેજો, મનોમન તેમને વંદન કરી લેજો. આ બધા કલાકારો ધન્ય છે. ધન્ય છે તેમની હિંમતને અને ધન્ય છે તેમની આ નિષ્ઠાને.
‘ભાખરવડી’ની વાત કહું તો, દેવેન ભોજાણી અને પરેશ ગણાત્રા બન્ને મહત્ત્વનાં કૅરૅક્ટર છે. દેવેન અને પરેશની મેકઅપ-રૂમ બાજુમાં જ છે, લગોલગ જ કહોને, એકદમ અડીને. તમને ખબર જ છે કે અમારા બધાની મિત્રતા. વર્ષોથી અમારી એકબીજા સાથે ભાઈબંધી છે, દર વર્ષે વેકેશનમાં પણ સાથે હોઈએ. સારા-ખરાબ પ્રસંગમાં સૌથી પહેલાં એકબીજાના પડખે ઊભા હોઈએ અને એ પછી પણ આજના આ આફ્ટર કોરોના પિરિયડમાં દેવેન અને પરેશ બન્ને એકસાથે જમવા નથી બેસતા. બન્ને પોતાની રૂમમાં અલગ-અલગ જમવા બેસે. આ એક સેન્ટન્સમાં કેટલું આવી જાય છે એ તમે સમજી લો.
૩૦-૩૫ વર્ષથી અમારી મિત્રતા છે. જ્યારે-જ્યારે મોકો મળ્યો છે ત્યારે-ત્યારે બહુ રહેતા હોઈએ તો પણ એકબીજાને ત્યાં જઈને સાથે જમ્યા છીએ, સાથે રહ્યા છીએ. તહેવારથી માંડીને એકેએક પ્રસંગમાં સૌથી પહેલાં પહોંચ્યા છીએ, બધું પડતું મૂકીને અને બધું બાજુએ ધકેલીને અને અત્યારે પરેશ અને દેવેન બાજુમાં જ છે, પણ તેઓ એકબીજા સાથે જમતા નથી. કહેવાનો ભાવાર્થ એટલો કે એ બન્ને એટલી શિસ્ત પાળે છે. જમી શકે છે જો ધારે તો, કોઈ ના પણ ન પાડી શકે, પણ ના, એવું નથી કરતા. એવું કરવાને બદલે શિસ્ત રાખે છે. આ વાત દરેકેદરેક માટે એક મેસેજ છે કે આજના આ સમયમાં, કોરોના મહામારી વચ્ચેના સમયમાં આટલી શિસ્ત તો રાખવી જ જોઈએ, આટલી શિસ્ત હશે તો જ આપણે બધા આ મહામારીને પાર પાડી શકીશું.
હૅટ્સ ઑફ ટુ દેવેન ઍન્ડ પરેશ અને એ એકેએક કલાકાર, કૅમેરામૅન, ડાયરેક્ટર અને એ બધા જેઓ બધું ભૂલીને દરરોજ સેટ પર આવે છે, કામ કરે છે અને તમને મનોરંજન પૂરું પાડે છે. વાત અહીં અટકતી નથી, અહીં પૂરી નથી થતી.
મનોરંજન માટે તમે આવ્યા છો અને એ પછી પણ તમને એવું લાગે કે તમે વૉર પર આવ્યા છો, જમ્યા હો એટલે ફરી મેકઅપમૅનને બોલાવવા પડે. ટચઅપ હોય. એ ટચઅપ થાય. બધાએ દૂર-દૂર રહીને મેકઅપ કરવો પડે, કોઈ પ્રકારે ડિસિપ્લિન તૂટે નહીં એનું ધ્યાન રાખે. તમે માનશો નહીં, આપણા આ જે આર્ટિસ્ટ છે તેઓ પણ પોતાની રીતે ઘણા પ્રકારનો મેકઅપ કરતાં શીખી ગયા છે. પાછો મેકઅપ થાય, સીનનું કામ શરૂ થાય. બ્રેક પડે અને ચા આવે, પણ ચા દૂરથી પીવાની, ચા-ગપ્પાં બધું દૂરથી જ થાય. તમને જે સિરિયલ જોવા મળે છે એ સિરિયલ પહેલાં કરતાં વધારે સારી લાગતી હશે, વધારે ડ્રામાં એમાં જોવા મળતો હશે, મજા પણ વધારે આવતી હશે, પરંતુ એમ છતાં સેટ પર પહેલાંનો જે માહોલ હતો એ હવે નથી રહ્યો. બધાએ પોતાની આસપાસ દેખાય નહીં એવી, અનવિઝિબલ વૉલ ઊભી કરી રાખી છે, રાખવી પડી છે. તમારું મનોરંજન અટકે નહીં એવા હેતુથી અને એટલે જ કહું છું, ‘ભાખરવડી’ જોવાનું ચૂકતા નહીં. આ જોખમ અમે તમારે માટે, અમારા દર્શકો માટે લઈએ છીએ. માત્ર ને માત્ર તમારે માટે...


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2020 09:53 PM IST | Mumbai | J D Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK