શાબાશ મુંબઈ પોલીસ

Published: 29th November, 2020 07:15 IST | Mumbai Correspondent | Mumbai

મુંબાદેવીમાં જ્વેલર્સને ત્યાં ડાયમન્ડની જ્વેલરી બતાવવા જતી વખતે પર્સમાંથી સરકી ગયેલા દાગીના પાયધુની પોલીસે ગણતરીના કલાકમાં એ ઉપાડી જનારને શોધીને પાછા અપાવ્યા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પોલીસ માટે આપણા મગજમાં એવી નેગેટિવ છાપ પડી ગઈ છે કે ભ્રષ્ટાચાર માટે પંકાયેલો આ વિભાગ સામાન્ય લોકોની મદદે ભાગ્યે જ આવતો હોવાનું મોટા ભાગના લોકો માને છે. જોકે દુનિયામાં સ્કૉટલૅન્ડ યાર્ડ બાદ બીજા નંબરે આવતી મુંબઈ પોલીસ ધારે તો મુશ્કેલથી મુશ્કેલ કેસ ચપટી વગાડતાં સૉલ્વ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ગઈ કાલે જ મુંબઈ પોલીસે આનો પુરાવો આપ્યો હતો. દક્ષિણ મુંબઈમાં એક મહિલા ઍડ્વોકેટના પર્સમાંથી પડી ગયેલાં ડાયમન્ડ બ્રેસલેટ અને ૪ રિંગ પાયધુની પોલીસની ટીમે ગણતરીના કલાકમાં શોધીને પાછાં અપાવ્યાં હતાં.

દક્ષિણ મુંબઈના અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પાસે મુમ્બાદેવી મંદિરની નજીક આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગઈ કાલે એક મહિલા ઍડ્વોકેટ તેમની પાસેનાં ડાયમન્ડ બ્રેસલેટ અને ૪ રિંગ બતાવવા માટે કારમાં ગઈ હતી. જોકે કારમાંથી ઊતરતી વખતે ફોન આવતાં તેમના હાથમાંથી પર્સ સરકી જતાં એમાં રાખેલા દાગીના પડી ગયા હતા. દુકાનમાં ગયા બાદ દાગીના પર્સમાં ન હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમણે કારની અંદર અને કાર જ્યાં પાર્ક કરી હતી એ જગ્યાએ દાગીના શોધવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બાદમાં ઍડ્વોકેટે પાયધુની પોલીસ-સ્ટેશનમાં દાગીના ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી હતી.

પાયધુની પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં. એક કૅમેરામાં રસ્તામાં પડેલી કોઈક વસ્તુ ઉપાડતો એક માણસ દેખાયો હતો. ફુટેજ ઝૂમ કરતાં તેના હાથમાં ડાયમન્ડનું બ્રેસલેટ હોવાનું જણાયું હતું. આથી પોલીસની ટીમે તે માણસ જે દિશામાં ગયો હતો એ રસ્તાના તમામ સીસીટીવી કૅમેરા તપાસ્યા હતા. લગભગ આઠ કલાકની મહેનત બાદ પોલીસ રસ્તામાંથી મળેલાં ડાયમન્ડનું બ્રેસલેટ અને રિંગ લઈને ચાલતી પડકનારા માણસને શોધવામાં સફળ થઈ હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં તેની પાસેથી દાગીના સહીસલામત મળી આવ્યા હતા.

પાયધુની પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષ દૂધગાંવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમ જોવા જઈએ તો આ સામાન્ય કેસ છે, પરંતુ રસ્તામાંથી અજાણ્યો માણસ કંઈક વસ્તુ ઉપાડીને જતો રહે એ શોધવાનું કામ ઘણું મુશ્કેલ છે. ટેક્નૉલૉજીની મદદથી પર્સમાંથી સરકી ગયેલા મહિલા ઍડ્વોકેટના દાગીના પાછા મેળવવામાં અમને સફળતા મળી હતી. એ દાગીના અમે ફરિયાદી મહિલાને બોલાવીને પાછા સોંપ્યા હતા. ઍડ્વોકેટ મહિલા પોતાની ઓળખ જાહેર ન કરવા માગતી હોવાથી અમે તેમનું નામ અને ફોટો શૅર નથી કર્યાં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK