રોડના કામ માટે લેવાશે ચર્ચનો ભોગ

Published: 26th October, 2012 08:06 IST

મલાડમાં જેને હેરિટેજ સ્ટ્રક્ચર તરીકેની માન્યતા મળવાની હતી એ સેન્ટ ઍન્થની’સ ચર્ચના કેટલાક ભાગને તોડી પાડવાની યોજનાનો વિરોધજેને હેરિટેજનો દરજ્જો મળવાનો હતો એ મલાડના સેન્ટ ઍન્થની’સ ચર્ચને મુંબઈ મહાનગરપાલિકા રોડના વિસ્તરણ માટે તોડી પાડવાની તૈયારી કરી રહ્યું હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોમાં રોષ ફેલાયો છે.

મલાડ-વેસ્ટમાં આવેલા માલવણીમાં આવેલા અને અત્યારે વિવાદનું કેન્દ્ર બનેલા સેન્ટ ઍન્થની’સ ચર્ચને ૧૮૭૨માં બાંધવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ સુધરાઈની મુંબઈ હેરિટેજ કન્ઝર્વે‍શન કમિટી (એમએચસીસી)એ તેને ગ્રેડ-૨(એ)ના હેરિટેજ સ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ સમાચાર આવ્યા તેની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા એક સરક્યુલર મુજબ આ ચર્ચનો કેટલોક હિસ્સો તોડી પાડવામાં આવશે.

સુધરાઈને રોડનું વિસ્તરણ કરવું છે અને તેને માટે ચર્ચના કેટલાક ભાગને તોડી પાડવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે અને તેમાં ચર્ચની ઑફિસનો અને પાદરીઓ માટેના ક્વૉર્ટર્સનો હિસ્સો તૂટી જશે.

ઑલ ઇન્ડિયા કૅથલિક યુનિયનના ભૂતપૂર્વ નૅશનલ પ્રેસિડન્ટ ડોલ્ફી ડિ’સોઝાએ કહ્યું હતું કે ‘૧ સપ્ટેમ્બરે સુધરાઈની પી-નૉર્થ વૉર્ડ-ઑફિસે ચર્ચને એક નોટિસ આપીને કહ્યું હતું કે રોડના વિસ્તરણ માટે તેમને ચર્ચનો કેટલોક હિસ્સો આપી દેવો. સુધરાઈએ એવો પણ દાવો કર્યો છે કે ૧૯૮૦માં ચર્ચ સાથે સુધરાઈએ કરેલા કૉન્ટ્રૅક્ટમાં લખવામાં આવ્યું છે કે રોડના વાઇડનિંગ માટે ચર્ચ જગ્યા આપશે. જો એવું જ હતું તો પછી સુધરાઈએ ૨૦૦૧માં ચર્ચની બરાબર સામેની બાજુએ રેસિડેન્શિયલ અને કમર્શિયલ બાંધકામને મંજૂરી શું કામ આપી?

સ્થાનિક રહેવાસીઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે રોડના વાઇડનિંગ માટે માત્ર રોડની એક જ તરફનું એટલે કે ચર્ચનું બાંધકામ તોડવામાં આવી રહ્યું છે, જ્યારે સામેની તરફ આવેલા કમર્શિયલ અને રેસિડેન્શિયલ બાંધકામને હાથ પણ લગાવવામાં આવ્યો નથી.

સુધરાઈનું શું કહેવું છે?

રોડના વિસ્તરણ માટે ચર્ચની જગ્યા લેવાનું આવશ્યક હોવાનું જણાવતાં પી વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એન. આર. બારાડેએ કહ્યું હતું કે ‘૧૯૮૦માં ચર્ચે‍ લેખિતમાં રોડ વાઇડનિંગ માટે જગ્યા આપવાનું કબૂલ કર્યું છે. રોડની બીજી તરફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ આવેલાં છે અને તેને તોડવામાં આવશે તો રહેવાસીઓ ક્યાં જશે? અત્યારે તો આ રોડના વિસ્તરણનું કામ અટકી ગયું છે અને આ વિવાદનો નિવેડો આવ્યા બાદ જ કામ આગળ વધારવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK