ચેતતા રહેવામાં છે સાર

Published: 18th December, 2012 06:44 IST

એકાંત અને પોતાના વર્તનનું કોઈ સાક્ષી નથી એ ખાતરી માણસને પોતાનાં શરમ ને સંકોચ મૂકી દેવા પ્રેરે છે એટલે આપણે જ ખોટો સંકોચ રાખીને કોઈ સંબંધને ખોટી દિશામાં ફંટાવા ન દેવો જોઈએ. સિવાય કે તમને પણ એ ફંટાયેલો સંબંધ પસંદ હોય!મંગળવારની મિજલસ - તરુ કજારિયા


‘હલ્લો! જેમીબહેન કેમ છો? આજે ઘરે જ છો? વિચારતો હતો કે તમારા એરિયામાં આવવાનો છું તો જરા ડોકિયું કરતો જાઉં. આપણે ઘણા દિવસોથી મળ્યાં પણ નથી!’ આવો સવાલ કોઈ પણ મુંબઈ કે દિલ્હી જેવા મેટ્રોપૉલિટન સિટીમાં સાઠ વર્ષ કે તેની ઉપરની કોઈ સ્ત્રીને તેના કોઈ પરિચિત કરે તો એમાં કંઈ અસાધારણ નથી લાગતું, બરાબર? એ સ્ત્રી જો એ દિવસે ક્યાંય જવાની ન હોય તો તે હોંશથી કહેશે કે હા, હા, આવોને. જરૂર આવો. હું ઘરે જ છું. પણ ધારો કે એ સ્ત્રી એકલી રહેતી હોય તો? આપણે તરત કહીશું કે તો શું થઈ ગયું? આપણા કોઈ ફ્રેન્ડ કે પરિચિત આપણે ઘરે આવવાનું વિચારતા હોય તો એમાં આપણે એકલા રહીએ છીએ કે બધા સાથે એનાથી શું ફરક પડી જવાનો હતો?

પણ આજકાલ શહેરમાં જે ઘટનાઓ બની રહી છે એ જોયા અને જાણ્યા બાદ એકલી રહેતી કોઈ સ્ત્રી માટે આવો જવાબ જોખમી પુરવાર થઈ શકે એમ લાગે છે. સિનિયર સિટિઝનના હોદ્દા પર પહોંચ્યા બાદ સ્ત્રીઓ સામાન્ય રીતે જાતીય આક્રમણથી પોતાને સલામત મહેસૂસ કરતી હોય છે, પરંતુ હવે તો વિકૃત માનસ ધરાવતા પુરુષો જાણે હંમેશ માટે કોઈ પણ ઉંમરની સ્ત્રીઓ માટે જોખમી જ બની રહેશે કે શું એવો પ્રfન થાય છે.

મુંબઈના પવઈ વિસ્તારમાં રહેતા એક રિટાયર્ડ સ્કૂલટીચર ઉપર તેમનાથી પંદરેક વર્ષ નાની વયના એક પરિચિત દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો એ સમાચાર વાંચીને ઉપરના બધા વિચારો આવી રહ્યા છે. એ સ્ત્રીને ત્યાં એ પરિચિતનો આવરોજાવરો હતો. કોઈ સગાં કે સંબંધી દ્વારા બન્નેની ઓળખાણ થઈ હતી. આમ એ વ્યક્તિ ઉપર તે સ્ત્રીને ઓળખાણમાંથી જન્મે એ પ્રકારનો વિશ્વાસ હશે. એટલે જ એ વ્યક્તિ તેના ફ્લૅટ પર આવે એમાં એ સ્ત્રીને કોઈ વાંધો નહીં હોય! અને એ વ્યક્તિએ તેનો વિશ્વાસ જીતી લીધા બાદ અચાનક એક દિવસ તે સ્ત્રી સાથે ગેરવર્તન કર્યું હશે!

 આના પરથી પાઠ શું શીખવાનો? એ જ કે એકલી રહેતી સ્ત્રીએ પોતાના પુરુષ પરિચિતો કે મિત્રોને પોતાને ત્યાં એકલા આવવા એન્કરેજ ન કરવા. અલબત્ત એક વ્યક્તિના વર્તનને આધારે બધાને તોલવા કે દંડવા બરાબર નથી, પરંતુ આવી પરિસ્થિતિની શક્યતા નકારી શકાય નહીં. તો સાવધ રહેવામાં કે ચેતતા રહેવામાં સાર છે.

એક વાર એક ફ્રેન્ડે પોતાની મૂંઝવણ વર્ણવી હતી. તેના દિયરની દીકરીની એટલે કે તેની ભત્રીજીની સગાઈમાં તેની તેનાં ભાવિ સાસરિયાં સાથે ઓળખાણ થઈ. તેના એક કાકાજી આ ફ્રેન્ડની સાથે રસપૂર્વક વાતો કરવા લાગ્યા. પહેલાં તો ફ્રેન્ડને એમાં કંઈ અજુગતું ન લાગ્યું, પણ થોડી વારે તેઓ તેના ડ્રેસિંગ અને સ્ટાઇલનાં ખૂબ વખાણ કરવા માંડ્યાં. એ સાંભળીને મારી ફ્રેન્ડને બહુ જ એમ્બરેસમેન્ટ થવા લાગ્યું. તે કામનું બહાનું કરીને કિચનમાં ચાલી ગઈ. થોડી વારે પેલા ભાઈ પાણી પીવાને બહાને તેને શોધતાં-શોધતાં ત્યાં પણ પહોંચી ગયા! હવે તો મારી ફ્રેન્ડ પાસે કોઈ છટકવાનો રસ્તો નહોતો. તેને અડધો કલાક સુધી પેલા ભાઈની વાતો સાંભળવી પડી અને એય હસતા મોઢે. તેમણે તેનો સેલ-નંબર પણ લીધો અને અવારનવાર હવે તેને ફોન કરે છે અને ચા-કૉફી પીવા બોલાવે છે!

ફ્રેન્ડને મેં પૂછ્યું કે તું શા માટે તેનો ફોન ઉપાડે છે? તો જવાબ મળ્યો, ‘અરે, અમારા વેવાઈ પક્ષનાં સગાં છે. વળી દીકરીના સાસરાવાળાના ફૅમિલીમાંથી છે તો તેમને માઠું લાગી જાય તો!’

મારી ફ્રેન્ડની વાત સાંભળી મને ખૂબ જ આઘાત લાગ્યો કે આવો ખોટો સંકોચ રાખીને કોઈ સંબંધને ખોટી દિશામાં ફંટાવા દેવાની શી જરૂર હોઈ શકે? સિવાય કે તેમને પોતાને પણ એ ફંટાયેલો સંબંધ પસંદ હોય! જો એમ હોય તો વાત પૂરી થઈ જાય છે. ઘણી વાર એવા ન્યુઝ વાંચ્યા છે જેમાં કોઈ છોકરીએ ફરિયાદ કરી હોય કે બે કે ત્રણ મહિના સુધી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો! પણ ખરેખર આટલો લાંબો સમય થયેલી એ ઘટના બળાત્કાર હોઈ શકે? કેટલીક વાર પોતાની ઇચ્છાથી બાંધેલા સંબંધોમાં પ્રૉબ્લેમ આવે પછી એને બીજું-ત્રીજું સ્વરૂપ આપીને સામી વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવે છે. એ સ્થિતિ તદ્દન જુદી છે.

શું એને નૅરો-માઇન્ડેડ કહેવાય?

?મારા એક પરિચિત વડીલની શિખામણ યાદ આવે છે. તેઓ કહેતા કે ‘પ્રોફેશનલ સ્ત્રીઓ પોતાના વ્યવસાયી કામકાજ માટે બહારગામ જાય અને હોટેલમાં રહે ત્યારે કોઈ પણ પુરુષસાથી કે પરિચિતને મળવું હોય તો નીચે લૉબીમાં જઈને મળવાનો આગ્રહ રાખવો. ભૂલેચૂકે તેને પોતાના રૂમ ઉપર બોલાવવો નહીં.’

આ શિખામણમાં અનુભવનો નિચોડ છે. એકાંત અને પોતાના વર્તનનું કોઈ સાક્ષી નથી એ ખાતરી માણસને પોતાનાં શરમ-સંકોચ મૂકી દેવા પ્રેરે છે. વાંચવા કે સાંભળવામાં જુનવાણી લાગે એવી સલાહ યાદ રાખી ઘણી યુવતીઓએ જોખમની શક્યતા ટાળી હતી.

કેટલીક વાર આપણે સામી વ્યક્તિને નૅરો માઇન્ડેડ લાગીશું કે આપણી છાપ જૂની પેઢીના છીએ એવી પડશે એ ડરથી આપણે આપણા મનમાં ઊઠેલી શંકાની સોયને દાટી દઈએ છીએ. પણ શું આપણી સલામતી કરતાં આપણી છાપ મહત્વની છે? એવા ખોટા સંકોચમાં રહીને પોતાની જાતને જોખમમાં નાખવાને બદલે સ્પષ્ટ શબ્દોમાં કહી શકાય કે હું મારા ઘરે કોઈને મળતી નથી અથવા તો મને બહાર મળવાનું ફાવે છે. પરંતુ આપણે જ્યાં ન કરવાની હોય ત્યાં શરમ કરીએ છીએ અને જ્યાં કરવાની હોય ત્યાં સ્પષ્ટતા નથી કરતા.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK