Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ૧૯૨૪માં ગુજરી ગયેલા લેનિન શબ હજી સુધી સાચવી રખાયું છે

૧૯૨૪માં ગુજરી ગયેલા લેનિન શબ હજી સુધી સાચવી રખાયું છે

25 December, 2011 09:55 AM IST |

૧૯૨૪માં ગુજરી ગયેલા લેનિન શબ હજી સુધી સાચવી રખાયું છે

૧૯૨૪માં ગુજરી ગયેલા લેનિન શબ હજી સુધી સાચવી રખાયું છે




(ચિલેક્ષ - આર્યન મહેતા)





ગયા અઠવાડિયે અખબારોના કોઈ ટચૂકડા ખૂણામાં આવીને ભુલાઈ ગયેલા સમાચાર વાંચો: ‘ઑનલાઇન ગેમિંગ પાલ.કૉમ’ નામની ગેમિંગ-વેબસાઇટે સદ્ગત પૉપસ્ટાર માઇકલ જૅક્સનના માથાના વાળનો એક ગુચ્છો હરાજીમાં ખરીદ્યો છે અને હવે તેઓ આ વાળના ગુચ્છામાંથી રૂલેટનો દડો બનાવશે. આ સાઇટ માહિતી આપે છે કે વર્ષો અગાઉ જૅક્સન જ્યારે ન્યુ યૉર્કની કાર્લાઇલ હોટેલમાં એક ચૅરિટી-ઇવેન્ટ માટે રોકાયેલો ત્યારે આ વાળનો ગુચ્છો કલેક્ટ કરવામાં આવેલો અને આ જુગારિયા વેબસાઇટે એને રોકડા ૧૦,૮૭૧ ડૉલર ચૂકવીને ખરીદ્યો છે. હવે રૂલેટ (નંબરોવાળું એક ચક્કર ફેરવીને એના પર નાનકડો સફેદ દડો દદડતો મૂકીને રમાતો એક પ્રખ્યાત જુગાર)ના દડાના સ્વરૂપે માઇકલ જૅક્સન સદાયને માટે ‘રૉક ઍન્ડ રોલ’ કરતો રહેશે એવું આ વેબસાઇટ બહુ ગર્વભેર કહે છે.

મૃત વ્યક્તિના શરીરનો આવો કોઈ ભાગ સાચવી રાખવો એ સાંભળીને આપણને સ્વાભાવિક રીતે જ ચીતરી ચડે અને માત્ર પબ્લિસિટીના નામે (તથા જૅક્સન જેવી સેલિબ્રિટીનું નામ વટાવી ખાવા માટે) આવું પગલું ભરાયાનું સાંભળીને આપણને ગુસ્સો પણ આવે, પરંતુ ઇતિહાસ નામની બુકનાં પાનાં ફેરવીએ તો જાણવા મળશે કે માઇકલ જૅક્સન કંઈ પહેલો એવો માણસ નથી જેના શરીરનો કોઈ ભાગ કે ઈવન આખું શરીર જ તેના મૃત્યુ પછી પણ સાચવી રાખવામાં આવ્યું હોય.



આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું મગજ અને આંખો

આમાં સૌથી જાણીતું અને સૌથી પહેલું નામ મૂકી શકાય વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું. જ્યારે ૧૯૫૫ની ૧૮ એપ્રિલે આઇન્સ્ટાઇન ૭૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા એ પછી અમેરિકાના ન્યુ જર્સીની પ્રિન્સ્ટન હૉસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું. તેમનું પોસ્ટમૉર્ટમ કરનાર પૅથોલૉજિસ્ટ થૉમસ સ્ટૉલ્ઝ હાર્વીએ આઇન્સ્ટાઇનના મગજનું સંશોધન કરવાના હેતુસર તેમનું મગજ કાઢી લીધેલું, એ પણ આઇન્સ્ટાઇનના પરિવારજનોની પરવાનગી વિના. હાર્વીએ તેમના મગજનું વજન કર્યું, નિરીક્ષણ કર્યું અને લાંબો સમય સાચવી રાખવા માટે એમાં ૧૦ ટકા ફૉર્મેલિન ઇન્જેક્ટ કર્યું તથા એના એક ઘન સેન્ટિમીટરનો એક એવા લગભગ ૨૪૦ ટુકડા કર્યા તથા અલગ-અલગ ઍન્ગલથી એના ફોટોગ્રાફ પણ લીધા. તેણે કેટલાક ટુકડા પોતાની પાસે રાખ્યા અને બાકીના ટુકડા અન્ય તબીબોને સંશોધન અર્થે આપ્યા. ત્યાર પછી ખાસ્સા વિવાદોની વચ્ચે આઇન્સ્ટાઇનના મગજ પર સંશોધન થતું આવ્યું અને વિકસતી જતી ટેક્નૉલૉજીઓની વચ્ચે એનું નવેસરથી સંશોધન થતું રહે છે. તેમનું પોસ્ટમૉર્ટમ કરનારા હાર્વીએ તેમના મગજ ઉપરાંત તેમની આંખો પણ કાઢી લીધેલી અને એને આઇન્સ્ટાઇનના આઇ-સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર હેનરી અબ્રામ્સને આપેલી. આજની તારીખે પણ આઇન્સ્ટાઇનની આંખો ન્યુ યૉર્ક સિટીના એક સેફ ડિપોઝિટ બૉક્સમાં પડી છે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન ઉપરાંત તેમના એક સૈકા પહેલાં જિનીયસ ગણાતા જર્મન ગણિતશાસ્ત્રી કાર્લ ફ્રેડરિક ગોસ પણ શા માટે જિનીયસ છે એ જાણવા માટે તેમનું મગજ પણ જાળવી રાખવામાં આવેલું. અમેરિકાનો ભાષાશાસ્ત્રી અને પાછળથી ખૂની બનેલા એડવર્ડ રુલોફનું મગજ પણ તેની જિનીયસનેસ જાણવા માટે સાચવી રખાયું છે. તેને ખૂનના આરોપસર ઈસવીસન ૧૮૭૧માં જાહેરમાં ફાંસી અપાયેલી, જે ન્યુ યૉર્કની છેલ્લી જાહેર ફાંસી હતી. તેનું મગજ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મગજ ગણાય છે જે આજે પણ કૉર્નેલ યુનિવર્સિટીના સાઇકોલૉજી ડિપાર્ટમેન્ટમાં પ્રદર્શનમાં મુકાયેલું છે. આ રુલોફનું મગજ સાચવનાર ડૉક્ટર બર્ટ વાઇલ્ડરે જાણીતી વ્યક્તિઓનાં મગજનું સંશોધન કરવા માટે કૉર્નેલ બ્રેઇન સોસાયટીની સ્થાપના કરેલી, જેમાં (ખુદ સ્થાપક બર્ટના મગજ સહિત) એક સમયે ૧૨૦૦થી પણ વધુ લોકોનાં મગજનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

વ્લાદિમીર લેનિનનું શબ
માત્ર મગજ જ નહીં, કોઈ વ્યક્તિનું આખેઆખું શરીર જ જાળવી રાખવામાં આવ્યું હોય તો? પ્રાચીન કાળમાં ઇજિપ્તના લોકો ધાર્મિક માન્યતા પ્રમાણે રાજાઓના મૃતદેહોનું મમીમાં રૂપાંતર કરીને એને પિરામિડમાં સાચવી રાખતા અને એને જોવાની કોઈ પણ વ્યક્તિને ક્યારેય કોઈ પરવાનગી નહીં, પણ રશિયાના રાજનેતા વ્લાદિમીર લેનિનનું જ્યારે ૧૯૨૪ની ૨૧ જાન્યુઆરીએ અવસાન થયું ત્યારે કહેવાય છે કે રશિયન સરકારને એક જ દિવસમાં સમગ્ર દેશમાંથી ૧૦,૦૦૦થી પણ વધુ ટેલિગ્રામ મળેલા કે આવનારી પેઢીઓ માટે આ નેતાનું શરીર જાળવી રાખવું જોઈએ. ત્યાર પછી આ નેતાનું શરીર જાળવી રાખવાનો નર્ણિય લેવાયો અને એ માટેનાં ખાસ રસાયણો એના શરીરમાં દાખલ કરવામાં આવ્યાં. આજે પણ લેનિનનું શરીર લોકોના પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યું છે અને એને જોવા માટે લાખો લોકો લાઇનમાં ઊભા રહે છે. દર દોઢ વર્ષે તેનો મૃતદેહ ત્યાંથી ખસેડીને એના પર ખાસ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે.

વચ્ચે થોડો સમય લેનિનના મૃતદેહની બાજુમાં સ્ટૅલિનનો મૃતદેહ પણ એ જ રીતે રાખવામાં આવેલો, પરંતુ રશિયાને સ્ટૅલિનની વિચારસરણીમાંથી મુક્ત કરાવવાના અભિયાનના ભાગરૂપે એને ત્યાંથી ખસેડીને દફનાવી દેવાયો. હવે લેનિનના મૃતદેહને પણ દફનાવી દેવાની માગણી થઈ છે. આ વર્ષની શરૂઆતમાં યુનાઇટેડ રશિયા નામના રાજકીય પક્ષે આ મુદ્દે લોકોનો મત જાણવા માટે ઑનલાઇન પોલ પણ શરૂ કર્યો હતો.

ગૅલિલિયોની આંગળી
સત્ય બોલવા માટે જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકેલો એવા ઇટાલિયન ખગોળવિજ્ઞાની ગૅલિલિયો ગૅલિલીનું નામ પણ આ યાદીમાં છે. પૃથ્વી સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર છે એવી ત્યારની લોકપ્રિય માન્યતાનો ગૅલિલિયોએ વિરોધ કર્યો હતો અને પોતાના ટેલિસ્કોપ વડે તેમણે ચર્ચના પાદરીઓને પણ આ વાતની પ્રતીતિ કરાવી હતી, પરંતુ તત્કાલીન સ્થાપિત હિતોવાળી માન્યતાથી વિરુદ્ધનો સૂર કાઢવા બદલ તેમણે ભારે કષ્ટ વેઠવું પડેલું. જ્યારે ૧૬૪૨માં ૭૭ વર્ષની વયે તેમનું અવસાન થયું ત્યારે તેમને માનભેર દફનાવવાને બદલે ઇટલીના એક નાનકડા ઓરડામાં દફનાવી દેવામાં આવ્યા. ત્યાર બાદ છેક ૧૭૩૭માં તેમના શરીરના બચેલા અવશેષોને ફરી પાછા બહાર કાઢવામાં આવ્યા અને એને માનભેર ફરીથી દફનાવીને એના પર એક ભવ્ય કબર ચણવામાં આવી, પરંતુ એ પહેલાં તેમની ત્રણ આંગળીઓ અને એક દાંત કાઢી લેવાયાં. એમાંથી તેમના જમણા હાથની વચલી આંગળી આજે પણ ઇટલીના ફ્લોરેન્સમાં આવેલા ‘મ્યુઝો ગૅલિલિયો’માં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

જ્યૉર્જ વૉશિંગ્ટનના વાળ
જેમ કાશ્મીરના શ્રીનગરમાં આવેલી હઝરતબલ મસ્જિદમાં મુહમ્મદ સાહેબના વાળની એક લટ સાચવી રાખવામાં આવી હોવાનું મુસ્લિમ બિરાદરો માને છે એમ આધુનિક અમેરિકાના પહેલા રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટનના થોડા વાળ પણ સાચવી રાખવામાં આવ્યા છે. તેમના અવસાન સમયે કોઈએ યાદગીરી માટે તેમના વાળની લટ માગી અને તેને એ લટ એક ખાસ લૉકેટમાં પૅક કરીને આપવામાં આવી, પરંતુ વર્ષોથી એ વાળની ખરાઈ વિશે નાનો-મોટો વિવાદ ચાલતો હતો. આખરે આ વાળને અમેરિકાની હિસ્ટોરિકલ સોસાયટીને આપવામાં આવેલા.

પિત્તાશય, મણકો, પગ વગેરે જેમના સંશોધન પરથી લૂઈ પૅરે પૅરાઇઝેશનની પદ્ધતિ શોધી, જેમણે સાબિત કર્યું કે સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં પ્રજોત્પત્તિ માટે શુક્રાણુની જરૂર પડે છે અને જેમણે વિશ્વમાં સૌપ્રથમ વાર કૃત્રિમ ગર્ભાધાન કરેલું (એક કૂતરી પર) એવા ઇટલીના વિજ્ઞાની લઝારો સ્પલનઝાની ૧૭૯૯ની ૧૨ ફેબ્રુઆરીએ પિત્તાશયના કૅન્સરથી મૃત્યુ પામેલા. આ કૅન્સર વિશે વધુ જાણવા માટે તેમનું પિત્તાશય કાઢી લેવાયેલું અને આજે પણ એ ઇટલીના પાવિયામાં આવેલા મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલું છે.

ફિલિપીન્સના યુવા વિચક્ષણ અને દેશભક્ત એવા જોઝ રાઇઝલને ૧૮૯૬ની ૩૦ ડિસેમ્બરે ૩૫ વર્ષની ભરયુવાન વયે એ સમયે ત્યાં રાજ કરતા સ્પૅનિશોએ ફાયરિંગ સ્ક્વૉડ સામે ઊભો કરીને મારી નાખેલા. આજે તેઓ ફિલિપીન્સના નૅશનલ હીરો ગણાય છે. ગાંધીજીની જેમ તેઓ પણ અહિંસાથી દેશમાં પરિવર્તન ઇચ્છતા હતા. તેમના મૃત્યુ બાદ સ્પૅનિશોએ તેમને એક જગ્યાએ દફનાવી દીધેલા, પરંતુ તેમના મૃત્યુનાં ૧૭ વર્ષ બાદ તેમના મૃતદેહના અવશેષોને ફરીથી બહાર કઢાયા અને ફિલિપીન્સના લ્યુનેટામાં લાવીને માનભેર દફનાવાયા. આ મુસાફરી દરમ્યાન તેમનું કરોડરજ્જુના જે મણકામાં ગોળી લાગવાથી મૃત્યુ થયેલું એ કાઢી લેવાયેલું અને આજે એ ર્ફોટ સાન્ટિયાગોના રાઇઝલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલું છે.

અમેરિકન સિવિલ વૉર વખતે ઈસવીસન ૧૮૬૩માં અમેરિકાના વિવાદાસ્પદ રાજકારણી મેજર જનરલ ડેન સિકલ્સે પોતાના સૈનિકોને પેન્સિલવેનિયાના ગેટ્ટિસબર્ગમાં આગેકૂચ કરવા હુકમ કર્યો. ત્યાં જ સામેથી એક તોપનો ગોળો આવ્યો અને સિકલ્સના પગે અથડાયો. પરિણામે તેમનો પગ એ જ દિવસે કાપવો પડ્યો, પરંતુ આજની તારીખે પણ અમેરિકાના નૅશનલ મ્યુઝિયમ ઑફ હેલ્થ ઍન્ડ મેડિસિનમાં તેમના પગનું હાડકું અને એને તોડનાર તોપનો ગોળો બન્નેને પ્રદર્શિત કરાયેલાં છે. Whatsapp-channel Whatsapp-channel

25 December, 2011 09:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK