ધડાકાભેર તૂટેલા કેબલે સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓને રખડાવ્યા

Published: 8th November, 2012 08:06 IST

પીક-અવર્સમાં બનેલી ઘટનાથી પ્લૅટફૉર્મ અને રસ્તા પર લોકોનો ધસારો થયોછત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી) પર પાવર સપ્લાય કરતા કેબલમાં ટ્રેનનો પૅન્ટોગ્રાફ ફસાઈ જતાં પીક-અવર્સમાં ગઈ કાલે સાંજે સેન્ટ્રલ રેલવે સહિત હાર્બર લાઇનનો રેલવે-વ્યવહાર પણ ખોરવાઈ જતાં ઑફિસેથી ઘરે જવા નીકળેલા હજારો મુંબઈગરાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ એક કલાક પાંચ મિનિટ સુધી સંપૂર્ણપણે બંધ રહ્યા બાદ ધીમી ગતિએ શરૂ થયેલી સેન્ટ્રલ રેલવેમાં મોડી રાત સુધી અસર જોવા મળી હતી અને લગભગ ૬૦થી વધુ ટ્રેનો રદ થઈ હતી.

ગઈ કાલે હજારો મુંબઈગરાઓને થયેલી હાલાકી પાછળ કોઈ જવાબદાર હોય તો એ એક કેબલ હતો જે છ લાઇનને પાવર સપ્લાય કરે છે. ગઈ કાલે સાંજે ૫.૪૫ વાગ્યે સીએસટીના પ્લૅટફૉર્મ નંબર-૭ પર ઊભી રહેલી સીએસટી-આસનગાંવ ડાઉન ફાસ્ટ ટ્રેન પ્લૅટફૉર્મ છોડીને મસ્જિદ બંદર તરફ આગળ વધી હતી અને ટ્રૅક ચેન્જ કરવાના ક્રૉસઓવર પાસે પહોંચી હતી ત્યાં ટ્રેનના બે પૅન્ટોગ્રાફ પાવર સપ્લાય કરતા કેબલમાં ફસાઈ ગયા હતા અને જોરદાર ધડાકાનો અવાજ આવ્યો હતો. એ ધડાકો ટ્રેનમાં બેસેલા પ્રવાસીઓએ પણ સાંભળ્યો હતો.

પ્રવાસીઓ કૂદી પડ્યા

આ જ ટ્રેનમાં બેસેલા ડોમ્બિવલી રહેતા અજુર્ન પંજાબીએ કહ્યું હતું કે ‘જોરદાર સ્ફોટનો અવાજ આવતાં અમે ડરી ગયા હતા. અમને લાગ્યું હતું કે પાછો કોઈ ધડાકો થયો કે કેમ? ડરના માર્યા અનેક પ્રવાસીઓએ તો ડબ્બામાંથી સીધો બહાર કૂદકો માયોર્ હતો. જોકે ત્યાર બાદ તરત ધ્યાનમાં આવ્યું હતું કે ટેક્નિકલ ફૉલ્ટને લીધે એ અવાજ વાયરમાં થયેલા સ્ફોટનો હતો.’

સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ‘પાવર સપ્લાય કરતા ક્રૉસ સ્પાન કેબલમાં ટ્રેનનો પૅન્ટોગ્રાફ ફસાઈ ગયો હતો અને એને પગલે પાવર ટ્રિપ થઈ ગયો હતો. આ ક્રૉસ સ્પાન કેબલ તમામ લાઇનને પાવર સપ્લાય કરે છે એને પગલે જ હાર્બર લાઇનની સાથે જ સેન્ટ્રલની મેઇન લાઇનની ફાસ્ટ અને સ્લો લાઇનની ટ્રેનો બંધ પડી ગઈ હતી. સેન્ટ્રલ રેલવેએ ત્યાં તાત્કાલિક પૅન્ટોગ્રાફ અને સ્પાન કેબલને છૂટા પાડી એને જોડવાનું કામ શરૂ કર્યું હતું.’

સાંજે લગભગ પોણાસાત વાગ્યે ક્રૉસ સ્પાન કેબલ છૂટો પાડવામાં સફળતા મળતાં સેન્ટ્રલ રેલવેએ સૌથી પહેલાં મેઇન લાઇન પર સ્લો ટ્રૅક પર પહેલી ડોમ્બિવલી લોકલ  સાંજે ૬.૪૫ વાગ્યે શરૂ કરી હતી અને સાથે જ હાર્બર લાઇનમાં પણ પનવેલની ટ્રેનો શરૂ કરી હતી. આ એક કલાક પાંચ મિનિટ દરમ્યાન રેલવે સંપૂર્ણપણે બંધ રહી હતી એ દરમ્યાન સીએસટી સ્ટેશન પર જૅમ પૅક્ડ થઈ ગયું હતું.

ગઈ કાલે અચાનક બંધ પડી ગયેલી ટ્રેનને પગલે પ્લૅટફૉર્મ પર કીડિયારાની માફક પ્રવાસીઓ હોવાથી ઊભા રહેવાની પણ જગ્યા નહોતી બચી. ટ્રેન બંધ હોવાથી રેલવે-સ્ટેશન પર અનાઉન્સમેન્ટ તો થઈ રહી હતી, પણ ફક્ત ટેક્નિકલ ફેલ્યરનું અનાઉન્સમેન્ટ થઈ રહ્યું હોવાથી પ્રવાસીઓ ભારે અકળાઈ ઊઠ્યાં હતા. એટલું જ નહીં, મોબાઇલ ફોનનાં નેટવર્ક પણ જૅમ થઈ ગયાં હોવાથી પ્રવાસીઓ ભારે હતાશ થઈ ગયા હતા. બહાર રસ્તા પર પણ લોકો બસમાં જવા માટે લાઇનમાં ઊભા હતા, પરંતુ બસ પણ ભરાઈને આવતી હોવાથી લોકો વધુ હેરાન થયા હતા.

રેલવે શું કહે છે?

સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વી. માલેગાંવકરે કહ્યું હતું કે ‘સાંજે ૫.૪૫ વાગ્યે પૅન્ટોગ્રાફ ફસાઈ જવાને લીધે પ્રૉબ્લેમ સર્જાયો હતો. જોકે સાંજે ૬.૪૫ વાગ્યે સ્લો ટ્રેન પાછી શરૂ કરવામાં સફળતા મળી હતી. ખામી સર્જાયેલા રેકને સાંજે ૭.૪૫ વાગ્યે હટાવવામાં સફળતા મળી હતી અને ત્યાર બાદ ૮.૧૫ વાગ્યે સીએસટી-કલ્યાણ વચ્ચે ડાઉન અને અપ દિશાની ફાસ્ટ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. જોકે એ દરમ્યાન દાદરથી કલ્યાણ-કર્જત-કસારા અને અંધેરી-વડાલા તેમ જ અંધેરી-પનવેલ વચ્ચેનો રેલવે-વ્યવહાર ધીમો ચાલતો હતો.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK