મુંબઈ: ચાર વર્ષની નાયરાનું લિફ્ટમાં ફસાઈને કપાયેલું કાંડું હેમખેમ જોડાયું

Published: Jul 20, 2019, 07:27 IST | રૂપસા ચક્રબર્તી | મુંબઈ

લિફ્ટની જાળી બંધ કરવામાં હાથ ફસાયો, કાંડું કપાઈ ગયું : જોકે એને ફરી જોડી નાયરાને અપાયું નવજીવન

નાયરા પુર્સવાની
નાયરા પુર્સવાની

ઉલ્હાસનગરના એક બિલ્ડિંગમાં ઘરની બહાર રમી રહેલી ચાર વર્ષની નાયરા પુર્સવાની માટે ૧૫ જૂનનો દિવસ યાતનામય રહ્યો હતો. ઘરની બહાર રમી રહેલી નાયરાએ લિફ્ટની રૂટીન સૂચના ‘લિફ્ટનો દરવાજો બરાબર બંધ કરો’ સાંભળી. લિફ્ટનો દરવાજો બંધ કરવા આગળ વધેલી નાયરા દરવાજો બંધ કરી હાથ પાછો ખેંચી લે એ પહેલાં અચાનક ચોથા માળથી કોઈએ લિફ્ટ બોલાવતાં નાયરાના જમણા હાથનું કાંડુ ખેંચાઈને કપાયું અને લિફ્ટની જાળીમાં ફસાઈ ગયું.

નાયરાની મમ્મી કનિષ્કા પુરસ્વામીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી સાસુએ જ્યારે મને ફોન કર્યો ત્યારે મને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ નહોતો. અમે કોઈ સામાન્ય ઈજા પહોંચી હશે એમ ધારતાં હતાં, પણ ઘરે આવીને જોયું ત્યારે જોયું તો નાયરા પીડાથી કણસી રહી હતી અને તેના જમણા હાથનું કાંડું ગાયબ હતું. તેનાં કપડાં લોહીલુહાણ થઈ ગયાં હતાં.’

દીકરીની પીડા અને અચાનક બનેલી ઘટનાથી મુંઝાઈ અને ગભરાઈ ગયેલાં નાયરાનાં મમ્મી-પપ્પા હાથનું કાંડું ક્યાં છે એ શોધવાનું જ ભૂલી ગયાં હતાં. તેણે કહ્યું ‘એક પાડોશીએ હાથનું કાંડું હૉસ્પિટલમાં સાથે લઈ જવાનું સૂચન કરતાં અમે કાંડું ક્યાં છે એ શોધવા માંડ્યાં હતાં એટલામાં અન્ય એક પાડોશીએ અમને લિફ્ટના દરવાજાની જાળીમાં ફસાયેલું કાંડું લાવી આપ્યું અને એ લઈને અમે તાત્કાલિક થાણેની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દોડ્યાં હતાં.’

‘કમનસીબે અમે હૉસ્પિટલ પહોંચ્યાં એ વખતે લગભગ રાત થવા આવી હોવાથી નાયરાની સંભાળ રાખવા કોઈ સ્પેશ્યલિસ્ટ હાજર નહોતા. હૉસ્પિટલમાંથી અમને લીલાવતી હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર લઈ જવાનું જણાવાયું અને તેમણે લીલાવતીમાં પેશન્ટની હાલત જણાવી દેતાં લીલાવતી હૉસ્પિટલના મૅનેજમેન્ટે નાયરા માટે સ્પેશ્યલિસ્ટોની ફોજ તૈયાર રાખી હતી. લીલાવતી હૉસ્પિટલના ચીફ ઑપરેટિંગ ઑફિસરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે થાણેની હૉસ્પિટલે નાયરાનું કપાયેલું કાંડું પ્લાસ્ટિકની થેલીમાં વીંટીને બરફના ટુકડા સાથે આઇસ બૉક્સમાં મૂક્યું હતું, જેને કારણે તેના હાથને જોડવામાં અમને રાહત મળી હતી,’ એવું તેની મમ્મીએ કહ્યું હતું
નાયરા હૉસ્પિટલમાં પહોંચતાં જ તેને તત્કાળ ઑપરેશન થિયેટરમાં લઈ જવાઈ જ્યાં ડૉક્ટરોએ જોયું કે તેના છૂટા પડી ગયેલા કાંડાથી કપાઈ ગયેલી હાથની નસ, રક્તનળી અને મસલ્સ ઘણા દૂર થઈ ગયાં હતાં. તેમણે એ બધાને વ્યવસ્થિત ગોઠવી હાથને ફરી જીવંત બનાવવાનો નિર્ણય લીધો. આ જોકે ઘણું કપરું કામ હતું. હાડકાને વ્યવસ્થિત ગોઠવવાં, આંગળીઓ અને અંગૂઠાને મૂવમેન્ટ કરતાં કરવાં, મગજને સિગ્નલ મોકલતી નસો અને લોહી લઈ જતી અને લાવતી ધમની અને શિરાને જોડવી. લગભગ ૧૨ કલાક ચાલેલી આ સર્જરીમાં ડૉક્ટરોની ટીમ નાયરાનો હાથ બચાવી શકી એ જ મહત્વનું હતું.

જોકે ઑપરેશનના આઠમા દિવસે નાયરાનો હાથ ઠંડો પડવા લાગ્યો અને એનો રંગ પણ કાળો થવા લાગ્યો. ફરી એક વાર ડૉક્ટરોની ટીમ કામે લાગી અને હાથના પાછળના ભાગની નસો જે બ્લૉક થઈ ગઈ હતી એને નાયરાના જ પગની નસનો ઉપયોગ કરી ફરી સર્જરીથી જીવંત કરવામાં આવી.

આ પણ વાંચો : મુંબઈ: નૉનસ્ટૉપ છ કલાકની ફરજ બજાવી હોવાને કારણે પીપી રોકી ન શક્યો

ઘટનાની વિગતો

૧૫ જૂનની રાતે ૮.૩૦ વાગ્યે આ અકસ્માત સર્જાયો.
૧૧ વાગ્યા સુધીમાં નાયરાને લીલાવતી હૉસ્પિટલ લઈ જવામાં આવી.
મધરાતે ૧૨ વાગ્યા સુધીમાં તેને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી.
ખાનગી હૉસ્પિટલે કપાયેલા કાંડાને આઇસબૉક્સમાં મૂકી લીલાવતી હૉસ્પિટલમાં અકસ્માત અંગે માહિતી આપી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK