શું આપણે રોજ એક રૂપિયો બરાબર વાપરીએ છીએ?

Published: 25th December, 2014 05:24 IST

સાત દિવસ પછી શરૂ થઈ રહેલા ઈસુના નવા વર્ષે જિંદગી ના મિલેગી દોબારાનો અર્થ સમજાઈ જાય તો બાત બન જાએ
સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

વર્ષો પહેલાંની વાત છે. એક પિતા તેના સ્કૂલ જતા પુત્રને રોજ એક રૂપિયો આપવાનું નક્કી કરે છે. પુત્ર તો રાજી-રાજી થઈ જાય છે, પરંતુ પિતા રૂપિયો આપતી વખતે શરત મૂકે છે કે એ રૂપિયો દીકરાએ ફરજિયાત વાપરી જ લેવો; એ જમા કરી શકાશે નહીં. જો સાંજે રૂપિયો પાછો લાવશે તો પિતા એ રૂપિયો પાછો લઈ લેશે. દીકરાએ શરત મંજૂર રાખી. તેને એમ કે રૂપિયો તો આરામથી વપરાઈ જશે. પણ એવું થયું નહીં. રૂપિયો લઈને સ્કૂલ ગયેલો પુત્ર શું ખાવું? શું લઉં? ક્યાં વાપરું? એ સવાલોમાં અટવાતો રહ્યો અને સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે પિતાએ પૂછ્યું કે શું થયું રૂપિયાનું? દીકરો કહે કે ન વપરાયો. એટલે પિતાએ કહ્યું, ઠીક છે; હવે પાછો આપી દે. કાલે ફરી રૂપિયો આપીશ એમ કહી પિતાએ બીજા દિવસે ફરી પુત્રને નવો રૂપિયો આપ્યો. બીજા દિવસે પણ પુત્રની હાલત એ જ. પિતા સાંજે એ રૂપિયો પાછો લઈ લેતા અને સવારે નવો રૂપિયો આપતા. બસ, વાર્તા પૂરી. આ વાર્તા વર્ષો પહેલાં વાંચી હતી. તમને થશે કે આ તે કેવી વાર્તા? અને એ પણ આ રીતે અધૂરી છતાં પૂરી થઈ ગઈ? રૂપિયાનું શું થયું આખરે? રૂપિયો વપરાયો? કેમ ન વપરાયો? શું કરે તો રૂપિયો વપરાયો ગણાય?

બસ, અહીંથી જ આ વાર્તા આપણને વિચારોની દુનિયામાં લઈ જાય છે, કારણ કે આપણે પોતે એ જ વિદ્યાર્થી પુત્ર છીએ અને રૂપિયો આપતો પિતા એ પરમાત્મા છે. પરમાત્મા આપણને રોજ એક રોકડા રૂપિયા જેવો દિવસ આપે છે અને સાંજે એ દિવસ એટલે કે રૂપિયો પાછો લઈ લે છે. બીજે દિવસે ફરી નવોનક્કોર રૂપિયો-દિવસ આપે છે. શું આપણે આ રૂપિયો રોજ વાપરીએ છીએ ખરા? કેવો વાપરીએ છીએ? કઈ રીતે વાપરીએ છીએ? વાપરીને સંતોષ થાય છે?

આજે ૨૦૧૪ની ૨૫ ડિસેમ્બર છે. શું આપણા જીવનમાં હવે ફરી ૨૦૧૪ની ૨૫ ડિસેમ્બર આવશે ખરી? કોઈ હિસાબે નહીં આવે. આ દિવસ ગયો-સમય ગયો, નવો દિવસ-નવો સમય આવશે. પરંતુ જૂનો ગયો એ નહીં આવે. કોઈ કાળે નહીં આવે. આને પાછો લાવવો એ તો પરમાત્માના હાથમાં પણ નથી. એટલે જ તો તે નવો આપે છે, પરંતુ જૂનો લઈ લે છે. આવનારા નવા વર્ષે આપણે આપણા એક-એક દિવસને-રૂપિયાને કઈ રીતે વાપરીએ છીએ એ વિચારવાનો સંકલ્પ લઈએ તો કદાચ આપણો રૂપિયો વપરાયા જેવું લાગી શકે.

આ અધૂરી  લાગતી  વાર્તા  આપણને  એ વિચારવા પર મજબૂર કરે છે. આપણે જીવનને એટલું વ્યસ્ત કરી દીધું છે કે આપણને રૂપિયા વાપરવાનું તો બાજુએ રહ્યું, એ વાપરવાનો છે એ વિચારવાનો પણ સમય મળતો નથી. સમય મળે છે તો આપણે એને રૂપિયાની રૂટીન ચર્ચામાં કાઢી નાખીએ છીએ. રોજ રાતે સૂતાં પહેલાં આપણે દિવસભરની ફિલ્મ ફ્લૅશબૅકમાં જોઈએ તો ખ્યાલ આવે કે આપણો કેટલો સમય વ્યર્થ અથવા જેના વિના સાવ જ ચાલી જાત એવાં કામ, વિચારો કે વાતોમાં પસાર થઈ ગયો હતો.

ખરેખર તો આપણે જેને જીવન કહીએ છીએ એ આપણી રૂટીન વ્યવસ્થા હોય છે. જેમ કે ઘર લઈએ, એમાં રહેવા માટે ફર્નિચર કરાવીએ, સોફા-પલંગ-ખુરશી- ટેબલ મૂકીએ, રંગ કરાવીએ વગેરે એ ઘરની એક વ્યવસ્થા કરી કહેવાય; જ્યારે  ઘર તો રચવું પડે. એમ જીવનમાં અભ્યાસ કરીએ, નોકરી-ધંધો કરીએ, સંસાર માંડીએ, બાળકો થાય, તેમને ભણાવીએ, મોટાં કરીએ, પરણાવીએ, નિવૃત્ત થઈ જઈએ એ તો જીવનની વ્યવસ્થા કરી કહેવાય; આમાં જીવન ક્યાં છે? એક ફિલસૂફ કાયમ કહેતા કે રોજ સવારે આપણે ઊઠીએ, નાહીએ, નાસ્તો કરીએ, કામ પર જઈએ, સાંજે ઘરે પાછા ફરીએ, જમીએ, રાતે સૂઈ જઈએ, સવારે પાછા એમ જ ઊઠીએ, નાહીએ, કામ પર જઈએ... વગેરે ચાલતું રહે; પરંતુ આપણે આમ જ રોજ કરતા રહીને પાંચ વર્ષ જીવીએ કે પચાસ વર્ષ જીવીએ, શું ફરક પડે છે?

ચાલો, આજના જમાનાની સાદીસીધી વાત કરીએ અને જાતને પૂછીએ કે આપણો સમય-આપણો રોજનો રૂપિયો ક્યાં વપરાય છે. કામધંધામાં, નોકરીમાં, એના સ્ટ્રેસમાં, મોબાઇલમાં, ઇન્ટરનેટમાં, ફેસબુકમાં, વૉટ્સઍપમાં, ટીવીના પ્રોગ્રામ્સમાં, ફિલ્મોમાં, વાતોના ગપાટામાં, બિયરબારમાં, પાર્ટીઓમાં, ગામ આખાની પંચાત કરવામાં, અફવા ફેલાવવામાં, લોકનિંદામાં, રાજકારણ રમવામાં, પ્રસિદ્ધિ-પદ-પૈસા પાછળ દોટ મૂકવામાં? ક્યાં જાય છે, કેવો જાય છે? જો આમ કરવામાં જ દિવસ વપરાતો હોય તો રૂપિયો વપરાયો ગણાય? શું આને માટે ઈશ્વરે રૂપિયો આપ્યો હોય છે? એ તો આપતી વખતે ક્યાં વાપરવો એ બાબત આપણા પર છોડી દે છે, પરંતુ રૂપિયો ખરા અર્થમાં વપરાયો હોવાનો આનંદ આપણે ક્યારે લઈ શકીએ?

વાસ્તવમાં જૉબ-સૅટિસ્ફૅક્શનની જેમ લાઇફ-સૅટિસ્ફૅક્શન પણ જરૂરી હોય છે. જો આપણને આપણા જીવનથી સંતોષ ન હોય કે આપણે જે રીતે સમય પસાર કરી જીવન જવા દઈએ છીએ એનો રંજ રહ્યા કરતો હોય તો આપણે થોડા જાગી ગયેલા લોકોની યાદીમાં આવી શકીએ. અહીં રોદણાં રડવાની વાત કે એવો કોઈ બોધ આપવાની ડાહી-ડાહી વાતો કરવાનો ઇરાદો  નથી, જિંદગીને ગંભીરતાથી લઈ જીવનના રહસ્યને શોધતા રહી ફિલૉસૉફી કર્યા કરો, ભગવાનનાં ભજનો ગાયા કરો કે સમાજસેવા કર્યા કરો કે ધાર્મિક બની કથાઓમાં-પૂજાપાઠમાં રચ્યા-પચ્યા રહો એવું પણ કહેવાનો ઇરાદો નથી. અહીં જિંદગીને માણવાનો મેસેજ છે. આ વાત દરેક વ્યક્તિએ પોતે જ નક્કી કરવાની છે કે તેને પોતાનો રૂપિયો ક્યાં વાપરવાથી આનંદ, શાંતિ, સંતોષ મળે છે કે એની સાર્થકતા લાગે છે. જિંદગી ના મિલેગી દોબારાનો અર્થ સમજાય તો દિવસ-રૂપિયો બરાબર વપરાય. યાદ રહે, આ રોજનો રૂપિયો ક્યાં સુધી મળતો રહેશે એ ક્યારેય અને કોઈને માટે નિશ્ચિત હોતું નથી. વર્ષો પહેલાં વાંચેલું એક વિધાન કાયમ માટે યાદ રહી ગયું છે. આ વિધાન છે, આવતી કાલ એટલે બાકીની જિંદગીનો પહેલો દિવસ...

દરેકને પોતાનો રૂપિયો-દિવસ-સમય વાપરવાનો સાચો આનંદ મળે, નવા વર્ષ નિમિત્તે એ જ શુભેચ્છા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK