Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દિવાળીની શરૂઆત કરીએ જબાન સંભાળીને

દિવાળીની શરૂઆત કરીએ જબાન સંભાળીને

24 October, 2019 04:07 PM IST | મુંબઈ
રુચિતા શાહ

દિવાળીની શરૂઆત કરીએ જબાન સંભાળીને

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


દિવાળી પર્વની શરૂઆત વાગીશ્વરી દેવી એટલે કે વાણીની દેવીને યાદ કરીને કરવામાં આવે છે એ કંઈ જસ્ટ અમસ્તું નથી. શબ્દોનો મહિમા હિન્દુ શાસ્ત્રોમાં ગાઈવગાડીને કહેવાયો છે. પ્રભાવક વાણી એ વ્યક્તિત્વનું અનેરું ઘરેણું છે. જોકે બોલાઈ રહેલી મોહક વાણીમાં સત્ય શું અને અસત્ય શું એ ન સમજાય ત્યારે આસારામ અને રામ-રહીમોને આપણે જ જન્માવી દેતા હોઈએ છીએ. આજે સારા વક્તા નહીં, પણ સારી વ્યક્તિ બનવા માટે શબ્દોની મહિમા પર વાત કરીએ.

પ્રખર તત્વજ્ઞાની હરિભાઈ કોઠારી કહેતા કે દિવાળી એ પર્વોનું સ્નેહ સંમેલન છે. આ માત્ર એક દિવસનો તહેવાર નથી, પરંતુ એ એક દિવસ માટે આપણે સજ્જ થઈ જઈએ એની તૈયારીરૂપે પાછળ ત્રણ દિવસની સરસ મજાની ગોઠવણ કરવામાં આવી છે. એ દૃષ્ટિએ આજે દિવાળીનો પહેલો દિવસ આસો વદ બારસ એટલે કે વાઘબારસ. ક્યાંક એને વસુ બારસ કહેવાય છે ક્યાંક વળી વાકબારસ પણ કહેવાય છે. ત્રણેય સાચું છે. ‘વસુ’ એટલે ગાય, ગાયને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે એટલે વસુ બારસ. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટાના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે એટલે વાઘબારસ અને આ દિવસે વાણીની દેવી વાગીશ્વરીની પૂજાનો મહિમા પણ છે એટલે વાક બારસ.



એક્સ-પ્રોફેસર અને વિવિધ લગ્નપ્રસંગો અને સ્ટેજ પ્રોગ્રામોના સંચાલક અશ્વિન મહેતા કહે છે, ‘જ્યારે તમારા વ્યક્તિત્વ, વક્તૃત્વ અને કર્તૃત્વમાં એકવાક્યતા વધે ત્યારે વાણીની પ્રભાવકતા પણ વધે છે. આ રીતે બોલાતી વાણી માત્ર પ્રભાવક જ નથી હોતી, પરંતુ શુદ્ધ પણ હોય છે. સાદી ભાષામાં તમે જે બોલો એ જ કરો અને વિચારો એ જ બોલો એમ ત્રણેયમાં યુનિફૉર્મિટી હોય ત્યારે આપમેળે જ તમે સારા માણસ બની જાઓ છો. વાણી માટે સંસ્કૃતમાં એક કહું જ સરસ શ્લોક છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે યાસ્ક નામના ઋષિએ નિરુક્ત નામનો ગ્રંથ લખેલો એમાં એનો ઉલ્લેખ છે. “એક શબ્દ: સમયક જ્ઞાત: સમ્યક ઉક્ત: સમ્યક પ્રયુક્ત: સ્વર્ગે લોકે ચ કામ ધુક ભવતિ||” આ શ્લોકમાં મુનિ કહે છે કે એક શબ્દને પણ જો સાચી રીતે સમજવામાં આવે તો સાચી રીતે બોલવામાં આવે તો સાચી રીતે વાણી અને વ્યવહારમાં વિનિયોગ કરવામાં આવે તો મનુષ્યની આ લોકની જ અહીં પણ પર લોકની ઇચ્છા પણ પૂરી થાય છે. શબ્દોને આપણે ત્યાં બ્રહ્મની ઉપમા અપાઈ છે. આ ઉપરાંત સારું અને વિશાળ વાંચન હોય, અવલોકન ક્ષમતા પણ જેની સારી હોય તેઓ સારા વક્તા બની જતા હોય છે.’


શબ્દનો દુરુપયોગ ફળ આપ્યા વિના રહેતો નથી, શબ્દ તમને છોડશે નહીં. મીરા રોડમાં રહેતા અને સંસ્કૃત સાહિત્યાચાર્ય  ઈશ્વર પુરોહિત આ જ  વાત આગળ વધારતા કહે છે, ‘મહાભારત એ દ્રૌપદીએ વાપરેલા શબ્દોનું જ પરિણામ છે. આ વાત આપણે ત્યાં સારી રીતે ઝિલાય  છે. કોઈ પણ ઉપાસનાનો પ્રારંભ ગણેશ અને સરસ્વતી વંદનાથી થાય છે, કારણ કે વાણીમાં સ્થિરતા કાર્ય શરૂ થાય એ પહેલાંથી જ અનિવાર્ય છે. વંદે વાણી વિનાયકો જેવાં સૂત્રો એ વાણીનો મહિમા જ પ્રગટ કરે છે. બધાં શાસ્ત્રો આ જ શીખવે છે. વાણીમાં સ્થિરતા અને સાત્ત્વિકતા પ્રગટે છે જે ભલભલાને અભિભૂત કરી શકે છે. દિવાળીમાં જીવન માંગલ્ય માટે મંત્ર ચૈતન્યનો ઉદય થાય એના માટે વાણીની દેવી સરસ્વતીને ઝંકૃત કરવાની પરંપરા છે. છે. સરસ્વતી સધાય પછી જ આગળ લક્ષ્મી અને કાલી ની આરાધના કરવાની છે. જ્ઞાન પહેલું પગથિયું છે. દિવાળી એટલે બાર મહિનામાં તમારી પાસે જે કંઈ જૂનું નકામું હતું એને કાઢવાનો, ખંખેરવાનો અને નવું ઉમેરવાનો અવસર. જ્ઞાન અને ભાષાનું ભાન વિના એ શક્ય જ નથી.’

પાણી પણ બાકાત નથી


શબ્દોની અસર પરનો એક પ્રયોગ જપાનના વૈજ્ઞાનિકે પાણી પર કરેલો. જપાનના રિસર્ચર ડૉક્ટર મસારુ ઇમોટોએ પૉઝિટિવ અને નેગેટિવ વાતો પાણી સમક્ષ બોલીને એની અંદર થયેલા બદલાવને નોંધ્યા હતા. તેમણે જોયું કે જે પાણી સમક્ષ પ્રેમાળ શબ્દો બોલાયા હતા એ પાણીના વૉટર ક્રિસ્ટલે સુંદર જ્યોમેટ્રિક શેપ બનાવ્યા હતા, જ્યારે એવા જ અન્ય પાણીની નજીક જ્યાં નકારાત્મક શબ્દો બોલાયા હતા એના વૉટર ક્રિસ્ટલે વિનાશક આકારો સર્જ્યા હતા, જે તમે આ તસવીરમાં જોઈ શકો છો. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માનવ શરીર ૭૦ ટકા પાણીથી બનેલું છે. એટલે જ આપણે કેવા પ્રકારના શબ્દો બોલીએ છીએ અને સાંભળીએ છીએ એની આપણા શરીર પર ખૂબ ઊંડી અસર પડે છે.

વિજ્ઞાન પણ માને છે આ વાતને

એ ખૂબ જ જાણીતો પ્રસંગ છે. સોલોમોન આઇલૅન્ડ નામનો ટાપુ પૅસિફિક મહાસાગર વિસ્તારમાં આવેલો છે. લગભગ ૯૦૦ જેટલા નાના-નાના ટાપુઓ આ વિસ્તારમાં છવાયેલા છે. કહેવાય છે કે આઇલૅન્ડના લોકોને ઝાડ કાપવાં હતાં, પરંતુ એમાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલે તેમણે એક રસ્તો અજમાવ્યો. માન્યતા પ્રમાણે આ ટાપુ પર રહેનારા લોકોને તેમણે જે વૃક્ષોને કાપવાં હતાં એને જેમતેમ બોલવાનું શરૂ કર્યું. બરાડા પાડી-પાડીને નકારાત્મક વાતો કહી. એનું પરિણામ એ આવ્યું કે જે પ્રકારની નકારાત્મક એનર્જી વૃક્ષો તરફ ટ્રાન્સફર થઈ એને કારણે થોડાક જ દિવસોમાં વૃક્ષો સુકાવા માંડ્યાં અને આપમેળે જ જમીનદોસ્ત થઈ ગયાં. આ એક માન્યતા છે, એની પાછળના સત્ય વિશે હજી કોઈ ખુલાસો થયો નથી. જોકે આજ માન્યતાના આધારે બીજો પણ એક વૈજ્ઞાનિક પ્રયોગ થયો જેમાં એક જ નસ્લના ૩ છોડવાઓ લેવામાં આવ્યા અને એમને ત્રણ જુદી-જુદી રૂમમાં રાખવામાં આવ્યા. હવે એક રૂમમાં રહેલા છોડ સાથે પ્રેમાળ અને હકારાત્મક વાતો કરવામાં આવી. બીજા છોડ સમક્ષ  ખૂબ જ નકારાત્મક અને આકરા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો, જ્યારે ત્રીજા છોડની રૂમમાં સંપૂર્ણ સાઇલન્સ રાખવામાં આવ્યું. આ પ્રયોગનું પરિણામ એ આવ્યું  કે બાકીના બે છોડ કરતાં જેની સામે ખૂબ જ સારા અને પ્રેમાળ શબ્દોનો ઉપયોગ થયો હતો એ છોડનો ગ્રોથ વધારે હતો. જો વનસ્પતિ પર શબ્દોની આટલી અસર થતી હોય તો  માનવ પર એની તીવ્રતા કઈ હદની હશે. વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે માત્ર શબ્દો નહીં, પરંતુ શબ્દ સાથે સંકળાયેલો અવાજ પણ સામેવાળી વ્યક્તિ ગ્રહણ કરતી હોય છે અને એની પણ એક ઊંડી અસર હોય છે. ઇન ફૅક્ટ કેટલીક વાર સારા શબ્દો પણ ખોટા ટોનથી બોલાય તો એ નકારાત્મક ઇફેક્ટ આપતી હોય છે અને એનાથી ઊંધું આકરા શબ્દો પણ સારા ટોનથી બોલાય તો એ સામેવાળી વ્યક્તિને એનર્જેટિક કરવાનું અને એની અંદરની પૉઝિટિવ સાઇડને બહાર લાવવાનું કામ કરે છે. 

તો હવે નક્કી તમારે કરવાનું છે કે હવે પછી કેવા શબ્દોનો પ્રયોગ કરવો.

વાણી અને શબ્દો પર સંત કબીરના કેટલાક ફેમસ દુહા માણીએ...

શબ્દ શબ્દ કહા કરો, શબ્દ કે હાથ ન પાંવ,

એક શબ્દ ઓખડ કરે, એક શબ્દ કરે ઘાવ

* * *

શબ્દ ઐસા બોલીયે, તન કા આપા ખોય,

ઔરન કો શીતલ કરે, આપન કો સુખ હોય

* * *

શીતલ શબ્દ ઉચ્ચારીયે, અહમ્ આનીયે નાંહી,

તેરા પ્રીતમ તુજ મેં બસે, દુશ્મન બી તુજ માંહી

* * *

શબ્દ સરીખા ધન નહિં, જો કોઈ જાને બોલ,

હીરા તો દામે મિલે, પર શબ્દ ન આવે મોલ

* * *

કઉવે કિસકા ધન હરા, કોયલ કિસકો દેત,

મીઠા શબ્દ સુનાય કે, જગ અપના કર લેત

* * *

મીઠા સબસે બોલીયે, સુખ ઉપજે કછુ ઓર,

એહી વશીકરણ મંત્ર હય, તજીયે બચન કઠોર

* * *

જીભ્યા જીને વશ કરી, તિને વશ કિયા જહાંન,

નહીં તો અવગુણ ઉપજે, કહે સબ સંત સુજાણ

* * *

શબ્દ મારે મર ગયે, શબ્દે છોડા રાજ,

જીને શબ્દ વિવેક કિયા, તાકા સરિયા કાજ

શબ્દને પણ જો સાચી રીતે સમજવામાં આવે, સાચી રીતે બોલવામાં આવે, તો સાચી રીતે વાણી અને વ્યવહારમાં વિનિયોગ કરવામાં આવે તો મનુષ્યની આ લોકની જ અહીં પણ પર લોકની ઇચ્છા પણ પૂરી થાય છે.

- અશ્વિન મહેતા

વાણીમાં સ્થિરતા અને સાત્ત્વિકતા પ્રગટે છે જે ભલભલાને અભિભૂત કરી શકે છે. દિવાળીમાં જીવન માંગલ્ય માટે મંત્ર ચૈતન્યનો ઉદય થાય એના માટે વાણીની દેવી સરસ્વતીને ઝંકૃત કરવાની પરંપરા છે. છે. સરસ્વતી સધાય પછી જ આગળ લક્ષ્મી અને કાલીની આરાધના કરવાની છે.

- ઈશ્વર પુરોહિત

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 04:07 PM IST | મુંબઈ | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK