Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વન ટચ અને બધું સફાચટ

વન ટચ અને બધું સફાચટ

20 January, 2019 09:54 AM IST |
રુચિતા શાહ

વન ટચ અને બધું સફાચટ

ઓનલાઈન ફ્રોડથી આ રીતે બચો

ઓનલાઈન ફ્રોડથી આ રીતે બચો


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પાર્લમેન્ટમાં આપેલા રિપોર્ટ મુજબ 2017 ભારતીય બૅન્કો માટે રાતા પાણીએ રોવા જેવું વર્ષ હતું. લગભગ 25,800 છેતરપિંડીના કેસ આ વર્ષમાં નોંધાયા, જેમાં 179 કરોડ રૂપિયાનો ચૂનો બૅન્ક તથા કસ્ટમરોને લાગ્યો. 2018ના આંકડા આવવાના હજી બાકી છે. જોકે છૂટાછવાયા અઢળક કિસ્સાઓ જોતાં ગયું વર્ષ પણ સાઇબર ક્રાઇમની બાબતમાં ખૂબ ગંભીર ગયું છે એમાં બેમત નથી. તાજા સમાચારની વાત કરીએ તો 2018માં દુનિયામાં ૭૭.૩ કરોડ ઈ-મેઇલ અકાઉન્ટ હૅક થયા છે અને અઢી કરોડ જેટલા પાસવર્ડ લીક થયા છે. 2018માં 15,579 વેબસાઇટ હૅક થઈ છે.

ઑનલાઇન બૅન્કિંગનો પ્રચાર વધી રહ્યો છે અને મોબાઇલ-બૅન્કિંગ દિનચર્યાનો હિસ્સો બની રહ્યું છે ત્યારે એની સેફ્ટીનો પ્રશ્ન વધુ ગંભીર છે. એની સુરક્ષાને ચકનાચૂર કરનારા વધી રહેલા કિસ્સાઓને કારણે ઇન્ટરનેટ-બૅન્કિંગ, ઑનલાઇન-પેમેન્ટની બાબત ચિંતાનો વિષય છે. તાજેતરમાં મુંબઈની 40 વર્ષની એક મહિલાના અકાઉન્ટમાંથી સાડાછ લાખ રૂપિયાની ઉચાપત થઈ ગઈ. તમારી બૅન્કમાંથી વાત કરું છું અને તમારું અકાઉન્ટ બ્લૉક થઈ ગયું છે એટલે તમારી બૅન્કની વિગતો આપો એવું કહેતા ફોનમાં એ બહેને 28 વાર પોતાના ફોનમાં આવતો વન-ટાઇમ પાસવર્ડ આપ્યો અને પાંચ દિવસમાં બૅન્ક-અકાઉન્ટમાંથી સાડાછ લાખ રૂપિયા ઊંચકાઈ ગયા. બારમા ધોરણમાં પાસ થયેલા પોતાના દીકરાની હાયર સ્ટડી માટે આ પૈસા લોનપેટે તેમના અકાઉન્ટમાં આવ્યા હતા. ભારતમાં સાઇબર ક્રાઇમની બાબતમાં મુંબઈ પહેલા સ્થાને છે. ૨૦૧૬માં લગભગ સાડાચાર હજાર સાઇબર ક્રાઇમના કેસ નોંધાયા હતા. અત્યારે મુંબઈમાં કુલ પાંચ સાઇબર ક્રાઇમને ડેડિકેટેડ પોલીસ-સ્ટેશન છે. કોઈ પણ વ્યક્તિને પોતાના બૅન્ક-અકાઉન્ટની મહkવની વિગતો ન આપો, તમારા પાસવર્ડ કોઈની સાથે શૅર ન કરો, તમારા સિક્યૉર્ડ પાસવર્ડ તમારા પૂરતા મર્યાદિત રાખો, એ માહિતી લખેલી હોય એવા કાગળો પણ આડાઅવળા નહીં રાખો જેવી અઢળક સૂચનાઓ અપાતી રહી છે છતાં લોકો આવી જાળમાં ફસાઈને છેતરાઈ જાય છે. ખાસ કરીને બૅન્કિંગની બાબતોમાં કાળો અક્ષર ભેંસ બરાબર હોય એવા લોકો ખૂબ જ ઝડપથી આ પ્રકારના ફ્રૉડનો શિકાર બની જાય છે. ભારતનાં વિવિધ રાજ્યોના સાઇબર પોલીસના ટ્રૅકરેકૉર્ડ મુજબ લગભગ 42 ટકા સાઇબર ફ્રૉડ વન-ટાઇમ પાસવર્ડને કારણે થયેલા હતા. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં અડધાથી ઉપર સાઇબર ક્રાઇમ ઝારખંડના એક નાનકડા આંતરિયાળ ગામડામાંથી થાય છે. સામાન્ય અભ્યાસ કરેલા ગામડાના યુવાનો સ્માર્ટફોનની મદદથી લોકોને ઠગવાનો ધંધો કરી રહ્યા છે એવી રજૂઆત ભારતના યુનિયન સેક્રેટરી રાજીબ ગૌબાએ તાજેતરમાં કરી હતી.



ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં સાઇબર ક્રાઇમે ઊહાપોહ મચાવ્યો છે. 2017 અને 2018માં થયેલા સાઇબર અટૅકની હારમાળાએ વિશ્વના અર્થતંત્રને ડામાડોળ કરી નાખ્યું હતું. એક સર્વે મુજબ 2021 સુધીમાં સાઇબર ક્રાઇમને કારણે થનારી લૉસ છ ટ્રિલ્યન સુધી પહોંચશે. ટ્રિલ્યન એટલે એક ડૉલર પાછળ બાર મીંડાં. અંદાજે છ હજાર અબજ ડૉલર થયા. છ હજાર અબજ ડૉલરને ભારતીય રૂપિયામાં તમે તમારી રીતે કન્વર્ટ કરો તો આવનારા આંકડાની કલ્પના પણ નથી થઈ શકતીને? સાઇબર સિક્યૉરિટી સૉફ્ટવેર મૅકફી અને સેન્ટર ફૉર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ દ્વારા કરવામાં આવેલો એક અભ્યાસ કહે છે કે સાઇબર ક્રાઇમને કારણે ગ્લોબલ ઇકૉનૉમીને 600 અબજ ડૉલરનો ફટકો પડ્યો છે. આ રકમને જો રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આવનારો આંકડો ભલભલાના ગણિતને ગોટાળે ચડાવી દે. આ જ કારણ છે કે માત્ર ભારત જ નહીં, પણ દેશ-દેશમાં સાઇબર સિક્યૉરિટીનો વિષય રાષ્ટ્રીય મુદ્દો બનવા પામ્યો છે. મોટી-મોટી કંપનીઓએ પણ પોતાના તેમ જ પોતાના ક્લાયન્ટનો ડેટા સેફ રહે, એની સુરક્ષિતતાને સાઇબર ક્રિમિનલની બદનજર ન લાગે એ માટે અબજો રૂપિયાના ખર્ચે સુરક્ષાકવચ તૈયાર કયાર઼્ છે. સાઇબર ક્રાઇમને કારણે ત્વ્ ક્ષેત્રે સિક્યૉરિટીની નવી જૉબ ઊભી કરી છે, જેની આવશ્યકતા આવનારા સમયમાં વધશે. અમેરિકાના અબજોપતિ બિઝનેસમૅન વૉરન બફેટ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અત્યારના અને આવનારા સમયમાં દુનિયા માટે ન્યુક્લિયર બૉમ્બ કરતાં પણ મોટો ડર સાઇબર ક્રાઇમનો છે. બ્રિટનની એક ફાઇનૅન્શિયલ વેબસાઇટે કરેલા અભ્યાસ મુજબ ૨૦૧૬માં સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા અને ડરેલા લગભગ પચાસ લાખ લોકોએ પોતાનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કાયમ માટે બંધ કરાવી દીધાં.


સાઇબર ક્રાઇમનો વ્યાપ વધ્યો છે, કારણ કે ક્રાઇમની ગૂંચવણભરી પદ્ધતિને લીધે આ પ્રકારના ક્રાઇમકેસને પકડવામાં ખાસ્સો સમય નીકળી જાય છે. અત્યારે પણ લગભગ પચાસ ટકા લોકોને ક્યારેય પોતાના ઉચાપત થયેલા રૂપિયા પાછા મળતા નથી. સાઇબર ક્રાઇમમાં ગયેલા પૈસાની રિકવરી ખૂબ ઓછી છે એવું વૈશ્વિક સ્તરે થયેલાં સર્વેક્ષણો કહે છે. આજે ડ્રગ્સ કરતાં પણ સાઇબર ક્રાઇમના વેપારમાં વધુ પૈસા છે. એટલે કે મૅરિજુઆના, કોકેન અને હેરોઇનના ડ્રગ્સ-ડીલર કરતાં સાઇબર ક્રાઇમ કરનારા લોકોનું ટર્નઓવર અબજો રૂપિયાનું થયું છે. અહીં એક જણનું નુકસાન બીજા માટે મોટા પાયે પ્રૉફિટ બની જાય છે. કોઈ પણ જાતના ઇન્વેસ્ટમેન્ટ વિના માત્ર એક નાનકડી ઈ-મેઇલ દ્વારા દુનિયાના ધનવાન લોકોના ડેટા અને સિક્યૉરિટી સિસ્ટમને તહસનહસ કરી શકાય છે. તમને જાણીને તાજુબ થશે કે રૅન્સમવેર જેવા વાઇરસ બનાવતા ઑપરેટરોનું છ મહિનાનું ટર્નઓવર અબજો રૂપિયાનું થઈ ગયું છે. એક ઇન્ડિવિજ્યુઅલ હૅકર પણ વર્ષમાં ત્રીસ હજાર ડૉલર એટલે કે બે કરોડ રૂપિયા જેટલું કમાઈ શકે છે. ધારો કે કોઈ વ્યક્તિ પાસે 50 ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો હોય તો પણ તેની આવક કરોડોમાં હશે. સાઇબર ક્રાઇમે બદલો લેવાની, આપસી દુશ્મનાવટ કાઢવાની નવી દિશા ઉઘાડી છે. દુશ્મનનો ડેટા ચોરી લો, દુશ્મનનો ડેટા કરપ્ટ કરી દો અને તેને અક્ષમ કરી નાખો એ સિમ્પલ ફન્ડા આ પ્રકારના હૅકર્સ, વાઇરસમેકર્સ અને સાઇબર ક્રિમિનલો અપનાવી રહ્યા છે. સાઇબર ક્રાઇમનાં મોટાં માથાંઓ ઑનલાઇન પેમેન્ટ, મની ટ્રાન્સફર માટે વચેટિયાઓની મદદ લેતા હોય છે જે લોકો થોડાક કમિશન માટે ફેક ઓળખ સાથે બનાવેલા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેતા હોય છે. મની-ટ્રાન્સફરમાં એવો ગૂંચવાડો ઊભો કરવામાં આવે છે કે ખરેખર કરપ્ટ વ્યક્તિ સુધી પહોંચવાનું અશક્ય બની જાય. વિશ્વના સાઇબર ક્રાઇમ સૉલ્વ કરતા નિષ્ણાતોના મતે અત્યારે રશિયા, નૉર્થ કોરિયા સાઇબર ક્રાઇમ અને હૅકર્સને પોષનારા દેશોમાં મોખરે છે. 1

મોટા ભાગે મોટી ઇકૉનૉમી ધરાવતા દેશોને એનો પહેલો ભોગ બનાવવામાં આવે છે. આજે આ વાઇરસ મેકર્સ અને હૅકર્સ દ્વારા શક્તિશાળી દેશોનાં નૅશનલ સીક્રેટ્સ અને દસ્તાવેજને જાહેર કરી દેવા, ડિફેન્સ અને એવિએશન, હેલ્થ, કૉપોર્રેટ ક્ષેત્રના ડેટાને કરપ્ટ કરવાથી લઈને એના પર કબજો જમાવવા સુધીની હરકતો આ સાઇબર ક્રિમિનલો કરી શકે છે. સાઇબર સિક્યૉરિટીની બાબતમાં વિશ્વમાં દેશો તૈયાર થઈ રહ્યા છે. અત્યારે વિશ્વના ૧૬૫ દેશોમાંથી સાઇબર સિક્યૉરિટીમાં ભારતનો ત્રેવીસમો નંબર છે. ૨૦૧૭માં મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીએ અન્ય તમામ મિનિસ્ટ્રી માટે ત્વ્ બજેટમાંથી ૧૦ ટકા બજેટ સિક્યૉરિટી માટે વાપરવાનું ફરજિયાત કર્યું છે.


ઑનલાઇન ફ્રૉડ કરનારા સતત નવાં-નવાં ગતકડાં કરીને લોકોને છેતરવાનું કામ કરી જ રહ્યા છે. તમને ફલાણું ઇનામ લાગ્યું છે કે લૉટરીમાં તમે આટલા કરોડ જીત્યા છો અને તમારા હકની રકમ તમારી પાસે પહોંચાડવા માટે તમારા બૅન્કની વિગતો મોકલો એવાં ઈ-મેઇલ અને મેસેજિસ દ્વારા લોકોને ફસાવવાની રીત પણ વષોર્થી ચાલી રહી છે, જેને Phishing કહેવાય છે. Phishing શબ્દ હકીકતમાં અંગ્રેજી શબ્દ fishing પરથી આવ્યો છે. માછીમારીમાં જેમ માછલીને જાળમાં ફસાવવાની હોય એમ અહીં લોભામણી ઑફર આપીને કે બૅન્કની ઓળખ સાથે ખોટી રજૂઆત કરીને એક ઈ-મેઇલથી પહેલાં તો પોતાના શિકારને એટલે કે કસ્ટમરને જાળવા ફસાવવાના. એની થોડીક માહિતી સોશ્યલ મીડિયા પરથી લઈને સામેવાળાને સાચી લાગે એવી વિગતો સાથેની ઈ-મેઇલ મોકલવાની સ્માર્ટનેસ આ ઠગભગતોમાં છે. એટલે જ સોશ્યલ મીડિયા પર કે બીજે ક્યાંય પોતાની અંગત વિગતો નહીં આપવાની ભલામણ સતત કરવામાં આવતી રહે છે.

બીજી એક લેટેસ્ટ પદ્ધતિમાં લોકો તમારી બૅન્કમાંથી બોલે છે એવી ઓળખ આપીને ફોન કરે. બૅન્ક-અકાઉન્ટ વેરિફિકેશન માટે ફોન છે કહીને તમારા અકાઉન્ટ-નંબર અને કસ્ટમર આઈડી જેવી વિગતો લે. સાથે જ આ ફેક કૉલ કરનારા લોકો તમને ઍડ્વાઇઝ પણ આપતા રહે કે તમારો પાસવર્ડ કે વન-ટાઇમ પાસવર્ડ સિક્યૉર રાખજો. એ કોઈ સાથે શૅર કરતા નહીં. આ પ્રકારની ઍડ્વાઇઝ સામેવાળી વ્યક્તિના મનમાં એ ભરોસો જન્માવી દે કે આ ફોન કરનારી વ્યક્તિ કોઈ ઠગ નહીં પણ સાચે જ બૅન્કની વ્યક્તિ છે. પોતાનો પાસવર્ડ છૂપો રાખવાની સલાહ આપનારા આ ઠગો બૅન્ક-વેરિફિકેશન માટે એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે. એ ઍપ્લિકેશનને હાઇડ મોડ પર નાખીને એનો કોડ પોતાની પાસે લઈ લે, જેના પ્રતાપે તમારા ફોનમાં થતી તમામ ઍક્ટિવિટી તેમની મોબાઇલ સ્ક્રીન પર આવી જાય. તમારા વૉટ્સઍપ મેસેજ, ટેક્સ્ટ મેસેજ, ફોનના ફોટો, ફેસબુક, ફોન-નંબર એમ બધું જ તેઓ પોતાના ફોનમાં જોઈ શકે. તમારા અકાઉન્ટની સામાન્ય વિગતો તેમની પાસે આવી ગયા પછી તેમણે વન-ટાઇમ પાસવર્ડ માટે તમારા પર નર્ભિર રહેવાની જરૂર ન પડે અને તેઓ તમારા ફોનમાં આવતા મેસેજ વાંચીને એનો ઉપયોગ કરીને લાખોની ઉચાપત કરી શકે. બીજી એક ટેãક્નક છે સિમ-કાર્ડ સ્વૅપિંગની. આ મેથડમાં તમારા કોઈ ડૉક્યુમેન્ટની કૉપી લઈને તમારા જ નંબરનું બીજું સિમ-કાર્ડ બનાવડાવે. તમારા નંબરનો તેઓ ઑફિશ્યલી પોતાનો નંબર હોય એ રીતે ઉપયોગ કરી શકે અને ફોન-નંબરના આધારે બૅન્કિંગ ફ્રૉïડ તેમના માટે સાવ સરળ બની જાય. અત્યારે ઇકોનોમિક સાઇબર ક્રાઇમમાં આઇડેન્ટિટી થેફ્ટ સૌથી હોટ છે. જેમાં તમારી બેન્કની વિગતો તમારી બેદરકારીને કારણે કે અજ્ઞાનતાને કારણે ચીટર લોકોના હાથમાં પહોંચી જાય અને ગણતરીની સેકેન્ડમાં તમારા અકાઉન્ટના પૈસા સામેવાળાના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય. આવા કેસમાં તમારી સાથે થયેલા ફ્રોડ માટે બૅન્કની કોઈ જવાબદારી રહેતી નથી. તમે તમારા પાસવર્ડ, અકાઉન્ટ-નંબર, કાર્ડ-નંબરને સાચવી નથી શક્યા અને એ ફ્રૉડના હાથમાં આપી દીધા છે એ માટે બૅન્ક જવાબદાર નથી; પણ તમે પોતે જ જવાબદાર છો. આ ઉપરાંત ટ્રોજન નામની એક પદ્ધતિ અત્યારે આ પ્રકારના ક્રિમિનલ દ્વારા વાપરવામાં આવતી લેટેસ્ટ પદ્ધતિ છે, જેમાં છેતરપિંડી કરનારી વ્યક્તિ એકસાથે અનેક લોકોને રૅન્ડમ ઈ-મેઇલ મોકલી દે જેમાં એક લિન્ક હોય. જેવું તમે એ લિન્ક પર ક્લિક કરો એટલે એ તમારા કમ્પ્યુટરના તમામ ડેટાને હૅક કરી નાખે એટલે એના પર કબજો જમાવી દે. એમાં તમે જ્યારે પણ ઑનલાઇન પેમેન્ટ કરો અથવા ઑનલાઇન બૅન્કિંગ કરો ત્યારે તમારા દ્વારા આપવામાં આવતી વિગતો તમારા ઉપરાંત એ ફ્રૉડ વ્યક્તિ પણ જોઈ રહી હોય છે. પોતાની અનુકૂળતાએ એ વ્યક્તિ તમારા દ્વારા જ ફીડ કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરીને તમને ઠન ઠન ગોપાલ કરી શકે છે. આ તો નાણાકીય છેતરપિંડીની વાત થઈ; પણ આજકાલ તમારા મોબાઇલની અંગત વાતો, વિગતો, તમારા કમ્પ્યુટરમાં રહેલી પ્રાઇવેટ તસવીરો, ડૉક્યુમેન્ટ્સ પર કબજો જમાવવા માટે પણ સાઇબર ક્રિમિનલ પાસે સામથ્ર્ય છે. આ જ કારણ છે કે માત્ર ફાઇનૅન્શિયલ લૉસ નહીં, પણ રાષ્ટ્રીય સિક્યૉરિટીથી લઈને વ્યક્તિની પર્સનલ સિક્યૉરિટી સાઇબર ક્રાઇમને કારણે જોખમમાં મુકાઈ ગઈ છે. જોકે આ બધામાં સુરક્ષિત રહેવા માટે આપણે થોડીક સાવધાની રાખવા સિવાય બીજું કંઈ જ ન કરી શકીએ. પોતાની અંગત વિગતો કે વાતો જાહેર માધ્યમો પર ન મૂકીએ, મોબાઇલમાં બિનજરૂરી ઍપ્લિકેશન ડાઉનલોડ ન કરીએ, પૂરતા સિક્યૉરિટી સૉફ્ટવેરની જરૂરિયાત સમજીને એ દિશામાં ખર્ચ કરવા માટે ઓપન માઇન્ડ રાખીએ અને આંખ, નાક, કાન ખુલ્લાં રાખીએ તો કદાચ આપણી મૂર્ખામીને કારણે તો આપણે સાઇબર ક્રાઇમની જાળમાં ફસાતા બચી શકીએ છીએ.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરનારાઓ આટલું ધ્યાન રાખે

ડેબિટ કે ક્રેડિટ કાર્ડની બન્ને બાજુની ફોટોકૉપી ક્યારેય ન કઢાવવી. મોટા ભાગે સાઇબર ફ્રૉડ કરનારા લોકો તમારા કાર્ડના નંબર અને કાર્ડ વેરિફિકેશન વૅલ્યુ નંબરનો અકાઉન્ટમાંથી ફન્ડ ટ્રાન્સફર કરવા કે ઑનલાઇન પેમેન્ટ માટે ઉપયોગ કરતા હોય છે. ત્રણ આંકડાનો સીવીસી નંબર મળી જાય એટલે તેઓ તમને ઉલ્લુ બનાવવાનો અડધો જંગ જીતી લે છે.

આજકાલ તમારું કામ આસાન કરવાની બાંયધરી આપતી ઈ-મેઇલ અવારનવાર આવતી હોય છે, જેમાં તમારા અકાઉન્ટની વિગતો અપડેટ કરવા માટે રેડીમેડ લિન્કવાળી ઈ-મેઇલ મોકલીને તમને ફસાવવાનો પેંતરો રચવામાં આવે છે. જેવું તમે એ લિન્ક પર ક્લિક કરો એટલે તમારા કમ્પ્યુટરની કે મોબાઇલની તમામ વિગતો ફ્રૉડ કરનારા ભાઈ અથવા બહેન પાસે પહોંચી જાય. મોટા ભાગે બૅન્કો અકાઉન્ટ અપડેટ કરવા માટે કે એમાં તમારો આધાર-નંબર અપડેટ કરવા વિશે ઈ-મેઇલ કરશે તો પણ પહેલાં તમને બૅન્કના ઑફિશ્યલ વેબ પેજ પર જવાની ભલામણ કરશે. એટલે ક્યારેય કોઈ લિન્ક પર સીધેસીધું ક્લિક કરવાનો શૉર્ટકટ અપનાવવો નહીં.

સગો ભાઈ કે બહેન કે ગર્લફ્રેન્ડ કે પતિ કે પત્ની કે પુત્ર એમ નજીકથી લઈને દૂરનાં કોઈ સગાં પણ જો ફોન પર તમારી પાસે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો માગે તો ધરાર ના પાડતાં અચકાવવું નહીં. તમારા કાર્ડની વિગતોને કોઈની સાથે શૅર કરવામાં જોખમ છે.

તમારું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે, પડી ગયું છે કે તમારાથી ક્યાંક મુકાઈ ગયું છે તો તાત્કાલિક એને કૅન્સલ કરાવવાની જહેમત ઉપાડવી અને નિયમિતપણે તમારા કાર્ડના સ્ટેટમેન્ટ પર નજર ફેરવીને અકાઉન્ટ બૅલૅન્સ ચેક કરવાની સતર્કતા પણ દેખાડવી.

કોઈ પણ ઈ-મેઇલ ઓપન કરતાં પહેલાં...

એ ઈ-મેઇલ મોકલનારી વ્યક્તિ કે કંપની તમારી ઓળખીતી છે કે અજાણી, આગળ ક્યારેય આ ઈ-મેઇલ ઍડ્રેસ પરથી મેઇલ આવી છે? આવી કોઈ ઈ-મેઇલ સાથે તમારે કંઈ લાગેવળગે છે અને ઈ-મેઇલ મોકલનારી વ્યક્તિનું ઈ-મેઇલ ઍડ્રેસ, એમાં અટૅચ કરવામાં આવેલી ફાઇલનું નામ કે સબ્જેક્ટ લાઇન સ્વાભાવિક છે કે એમાં તમને કંઈક અજુગતું લાગે છે? આ તમામ પ્રશ્નોના જવાબ હકારાત્મક હોય તો જ અજાણી ઈ-મેઇલમાં રહેલું અટૅચમેન્ટ ડાઉનલોડ કરવું અન્યથા એને તાત્કાલિક ડિલીટ કરવા.

થોડાક સમય પહેલાં કોચીનાં અનાથ બાળકો માટે ડોનેશન આપીને તેમનો ઉદ્ધાર કરોની હાકલવાળી ઈ-મેઇલ ઘણા લોકોને મળી હતી. સાઇબર ક્રાઇમ વિભાગે જ્યારે એ દિશામાં તપાસ કરી ત્યારે એ ઈ-મેઇલ ફેક નીકળી અને મદદના નામે પૈસા ઉચાપત કરનારી ગૅન્ગ પકડાઈ ગઈ. આ પ્રકારની ઈ-મેઇલ તમને પણ આવી હશે અને આવશે. આવી કોઈ પણ અજાણી ઈ-મેઇલની લિન્ક ઓપન ન કરવી.

આ પણ વાંચોઃ સબરીમાલાના શ્રી અય્યપ્પા સ્વામી લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે એ માટે એક સ્ત્રી સદીઓથી પ્રતીક્ષા કરે છે

તમારા સોશ્યલ નેટવર્કના અકાઉન્ટ હોય કે ઈ-મેઇલ અકાઉન્ટ, દરેક જગ્યાએ તમારો પાસવર્ડ સ્ટ્રૉન્ગ હોવો જોઈએ. એટલે કે કમ સે કમ આઠ આંકડાનો હોવો જોઈએ જેમાં આલ્ફાબેટ્સ, ન્યુમરિકલ નંબર અને સ્પેશ્યલ કૅરૅક્ટર હોવાં જોઈએ.

તમારું કમ્પ્યુટર ઍન્ટિ-વાઇરસ અપડેટેડ રાખવું અને પ્રયત્ન કરવા કે ગૂગલ સર્ફિંગ માટે પણ તમે જે વેબસાઇટ પર જાઓ એ માટે ઍન્ટિ-વાઇરસ પાસેથી ગ્રીન સિગ્નલ મળેલું હોય.

પોતાના ફોન-નંબર, ઍડ્રેસ કે ફોટો કોઈ પણ અજાણી વેબસાઇટ પર આપવાં નહીં. આ માહિતીનો કોઈ પણ હૅકર્સ દુરુપયોગ કરી શકે છે. બીજી એક વાત એ પણ યાદ રાખજો કે તમે ભલે કોઈ અજાણ્યા નામથી કે તમારી આઇડેન્ટિટી છુપાવીને સોશ્યલ મીડિયા પર ઍક્ટિવિટી કરી રહ્યા હો છતાં વ્યક્તિ ધારે તો તમારી સાચી ઓળખ અને સાચા સરનામા સુધી પહોંચી શકે છે. એ માટે અનેક રસ્તાઓ છે એટલે ગાફેલ રહીને સોશ્યલ મીડિયા પર વ્યવહાર કરવાનું ટાળવું.

તમને ખબર છે?

રોજના અંદાજે બે લાખ નવા માલવેર એટલે કે ડૅમેજ કરી શકનારા વાઇરસ બનાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ ઍન્ટિ-વાઇરસ સૉફ્ટવેરને નિષ્ક્રિય બનાવી શકાય એવા સ્ટ્રૉન્ગ વાઇરસ બનાવનારી કંપનીઓનું ટર્નઓવર કરોડોમાં છે.

2016થી રોજના લગભગ 4,000 જેટલા રૅન્સમવેર અટૅક થાય છે. ગયા વર્ષે મે મહિનામાં રૅન્સમવેર વોન્ના ક્રાય નામના અટૅકે અનેક કમ્પ્યુટરને ખોખલા કરી નાખ્યાં હતાં. લંડનની હેલ્થ કૅર સિસ્ટમ આ વાઇરસથી કરપ્ટ થઈ હોવાથી એને ઑફલાઇન કરવી પડી હતી.

જર્મનીની ફ્રેડરિક ઍલેક્ઝાન્ડર યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 78 ટકા લોકો અજાણી ઈ-મેઇલમાં આવતા અટૅચમેન્ટ કે લિન્ક પર ક્લિક કરવામાં જોખમ છે એવું જાણતા હોવા છતાં એના પર ક્લિક કરી બેસે છે.

એક ફાઇનૅન્શિયલ કંપની દ્વારા કરવામાં આવેલો સિક્યૉરિટી કૉન્ફિડન્સ રિપોર્ટ કહે છે કે બાવન ટકા કંપનીઓ એકાદ વાર સાઇબર અટૅકનો ભોગ બન્યા પછી જ સિક્યૉરિટીની દિશામાં સક્રિય થતી હોય છે.

આ પણ વાંચોઃ રસગુલ્લાની રસભરી વાતો

ઑનલાઇન શૉપિંગ માટે આટલી તકેદારી

ઑનલાઇન શૉપિંગનું પેમેન્ટ કરવા માટે કે નેટ-બૅન્કિંગ માટે ક્યારેય પબ્લિક વાઇફાઇનો ઉપયોગ ન કરવો. પબ્લિક વાઇફાઇ કનેક્શનનો હૅકર્સ આરામથી ઉપયોગ કરી શકે છે.

અજાણી વેબસાઇટ પરથી કોઈ પણ શૉપિંગ કરવાનું અવૉઇડ કરો. ઘણા હૅકર્સ અને સાઇબર ક્રિમિનલ આજકાલ ફેક શૉપિંગ વેબસાઇટ પર દેખાડાની વસ્તુઓ ડિસ્પ્લેમાં મૂકીને લોકોની બૅન્ક-ડીટેલ્સ લઈ તેમને લૂંટતા થયા છે. સોશ્યલ મીડિયા પર ફ્લૅશ થતી જાહેરખબરોની લિન્ક પર જઈને પણ બને ત્યાં સુધી શૉપિંગ કરવાનું અવૉઇડ કરવું.

આજકાલ ઍન્ટિફિશિંગ ટૂલબાર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થયા છે જેમાંના ઘણા નિ:શુલ્ક પણ હોય છે. આ ટૂલબાર તમને ફેક વેબસાઇટથી માહિતગાર કરશે.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2019 09:54 AM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK