Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આખું મુંબઈ જાણે કે અરબી સમુદ્રમાંથી ઊભું થયેલું શહેર છે

આખું મુંબઈ જાણે કે અરબી સમુદ્રમાંથી ઊભું થયેલું શહેર છે

08 June, 2019 04:35 PM IST |
રુચિતા શાહ

આખું મુંબઈ જાણે કે અરબી સમુદ્રમાંથી ઊભું થયેલું શહેર છે

મુંબઇ

મુંબઇ


નિષ્ણાતોના મતે નાના-નાના ઘણા અને મોટા સાત ટાપુઓને ભેગા કરીને આપણું શહેર બન્યું છે. આજે વર્લ્ડ ઓશન ડે નિમિત્તે મુંબઈ શહેર જેની છત્રછાયામાં પનપ્યું છે એ અરબી સમુદ્ર આપણા માટે કઈ રીતે આશીર્વાદ કે અભિષાપ છે? આપણા શહેરના હવામાનને દરિયાએ કઈ રીતે સાચવી લીધું છે? મુંબઈ અને દરિયા સાથે સંકળાયેલી કેટલીક રોચક માહિતીઓ આ ક્ષેત્રના અગ્રણી સાથે કરેલી ચર્ચારૂપે પ્રસ્તુત છે...

૧૯૩૯ની ૧૮ જૂને દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમણે જ સ્થાપેલા ‘નૅશનલ હેરાલ્ડ’ ન્યુઝપેપરમાં મુંબઈના વરસાદનાં પેટ ભરીને વખાણ કર્યાં હતાં. મુંબઈના વરસાદની સાંભળેલી વાતોથી મોહિત થઈને પ્રાઇમ મિનિસ્ટરે પોતાની વિશેષ મુલાકાત વર્ષાઋતુમાં ગોઠવી હતી. આ સૌંદર્યવાન વરસાદ મુંબઈના દરિયાની દેન છે. મુંબઈ અરબી સમુદ્રમાંથી જ ઉદ્ભવ્યું છે. એક સામાન્ય હકીકત તો તમે જાણતા જ હશો કે મુંબઈ એ ૭ ટાપુઓનો સમૂહ છે. ૭ મોટા ટાપુઓને પૂરીને મુંબઈ શહેર બન્યું છે. જોકે ગોવા સ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફીના પ્રોફેસર અને ચીફ સાયન્ટિસ્ટ ડૉ. બબન ઇંગોલે તો એનાથીયે આગળ વધીને કહે છે કે સેંકડો વર્ષ પહેલાંનો ઇતિહાસ ચકાસીએ તો મુંબઈ નાના-મોટા પ૦૦થી વધુ ટાપુઓમાંથી ઉદ્ભવેલું શહેર છે. દેશની આર્થિક રાજધાની અને ટ્રાફિક જૅમની જેમ વસ્તીવધારામાં નંબર-વન પર પહોંચવાની તૈયારીમાં રહેલું આપણું શહેર દરિયાની દેન છે, દરિયાને પૂરી-પૂરીને ઊભી થયેલી નગરી છે. જોકે મુંબઈની ઉન્નતિ અને મુંબઈની વેધર પરિસ્થિતિમાં દરિયો કઈ રીતે મહત્વનું સોપાન બન્યો? દરિયાને કારણે આજે કેટલા હકારાત્મક લાભ આપણે લઈ શકીએ છીએ? સારા એેવા પ્રમાણમાં દરિયાકિનારા ધરાવતા આપણા શહેરનો અરબી સમુદ્ર તરીકે ઓળખાતો સાગર કેટલા પાણીમાં છે? મુંબઈ અને મુંબઈકરના ઘડતરમાં જે મૂળમાં છે એ સમુદ્ર સાથે સંકળાયેલા આવા અનેક પ્રfનોના જવાબ મેળવીએ આજે વર્લ્ડ ઓશન ડે નિમિત્તે...

ત્યારે બન્યું આજનું મુંબઈ

જરા વિચાર કરો કે અંગ્રેજો ભારતમાં આવ્યા અને તેમણે ધીમે-ધીમે આખા ભારતને પોતાના બાપુજીની જાગીર બનાવી દીધી અને તોય તેમણે શું કામ પોર્ચ્યુગીઝો દ્વારા દહેજમાં મળેલા મુંબઈને જ ડેવલપ કર્યું? ધારત તો દેશનાં બીજાં કેટલાં બધાં શહેરો હતાં જેના વિકાસને લિફ્ટ આપીને તેઓ પોતાનું કામ કરી શક્યા હોત. આપણું શહેર તેમને સોનાની લગડી જેવું શું કામ લાગ્યું કે એને આર્થિક રાજધાની બનાવવા સુધીની જહેમત તેમણે ઉઠાવી? જવાબ મુંબઈના જાણીતા હિસ્ટોરિયન દીપક રાવ આપે છે. તેઓ કહે છે, ‘મુંબઈનો દરિયાકિનારો ભારતના તમામ દરિયાકિનારા કરતાં વિશેષ છે. આજે પણ વિશ્વમાં સમુદ્ર એ આયાત-નિકાસનું મુખ્ય માધ્યમ છે તો એ જમાનામાં તો એનું મહત્વ કેવડું હશે. દેખીતી રીતે જ વેપાર માટે સમુદ્રમાર્ગનો આજની જેમ ત્યારે પણ સર્વાધિક ઉપયોગ થતો હતો. સમુદ્રનો વેપાર સુલભ ત્યારે જ બને જ્યારે એને માટેનાં મથકો ભૌગોલિક દૃષ્ટિએ ઉપયુક્ત હોય. મુંબઈ પાસે એ હતું. મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાનો હિસ્સો જોશો તો સમજાશે કે અહીં નૅચરલ હાર્બર છે. શિપિંગ ઍક્ટિવિટી માટે આનાથી સેફ જગ્યા બીજી કોઈ હોઈ જ ન શકે એ વાત અંગ્રેજો સમજી ગયા હતા અને મુંબઈમાં વિકાસનાં બીજ રોપાયાં એનું આ પહેલું કારણ હતું. સુરતના પ્રેસિડન્ટ અને મુંબઈના બીજા ગવર્નર ગેરાલ્ડ ઓન્ગિયરે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ‘બૉમ્બે ઇઝ ધ સિટી ડેસ્ટાઇન્ડ ટુ બી ડેવલપ્ડ.’ મુંબઈ એેની ભૌગોલિક કન્ડિશનને કારણે જ વિકસિત થયું છે એ વાત કોઈ નકારી ન શકે.’

બૉમ્બે નામ આપણા મુમ્બાદેવી મંદિર પરથી પડ્યું હતું એવું કહેવાય છે. જોકે બીજી એક માન્યતા એવી પણ છે કે બૉમ્બે એટલે બ્યુટિફુલ બે. પોર્ટુગીઝમાં બૉમ એટલે સુંદર અને બે એટલે ખાડી અથવા ટાપુ. તો એક રીતે મુંબઈનું ભૌગોલિક અસ્તિત્વ જ નહીં, પણ નામ માટે પણ દરિયો જ જવાબદાર છે.

અજાયબ અરબી સમુદ્ર

મુંબઈનો દરિયો આરબોના નામે શું કામ ઓળખાતો હશે? આ જિજ્ઞાસાયુક્ત સવાલનો જવાબ આપતાં ભૂતપૂર્વ નેવી ઑફિસર કમાન્ડર મોહન નારાયણ કહે છે, ‘આજથી લગભગ ૨૫૦૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી ભારત અન્ય દેશો સાથે દરિયાઈ વેપાર સાથે સંકળાયેલું રહ્યું છે. આરબ અને ગલ્ફ દેશો સાથે ઇસ્વી સન પૂર્વે ૭૦ અને ૮૦ના સમયગાળામાં થતા વેપાર વખતે અરેબિયનોએ અત્યારના અરબી સમુદ્રને અલ હિન્દ મહાસાગર નામ આપ્યું હતું, જે પછીથી અરેબિયન સી એટલે કે અરબી સમુદ્ર તરીકે પ્રચલિત બન્યો. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર મળીને હિન્દ મહાસાગર બને છે. ઍટલાન્ટિક અને પૅસિફિક મહાસાગર વચ્ચે હિન્દ મહાસાગર છે. દરિયાને કારણે જ મોહેંજોદરો અને હડપ્પા જેવી ઘણી સંસ્કૃતિઓ વિકસી અને આપસમાં એકમેક સાથે સંકળાઈ પણ ખરી. ભારતના વેસ્ટ કોસ્ટથી ઈસ્ટ આફ્રિકા તરફ અરબી સમુદ્ર જાય છે. જોકે અહીં એક વાત સમજવા જેવી છે કે દરિયામાં કુદરતી રીતે કોઈ બૉર્ડર નથી, બધું પાણી આમ તો એક જ છે. ભારતમાં આ સમુદ્ર છેક કેરળથી લઈને તામિલનાડુ, કર્ણાટક, મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત થઈને પાકિસ્તાન બાજુથી ગલ્ફ દેશો તરફ જાય છે. યમન, ઓમાન, સોમાલિયા, ભારત, પાકિસ્તાન અને મૉલદીવ્ઝમાં અરબી સમુદ્રતટ પથરાયેલો છે.’

ના ઠંડી, ના ગરમી

મુંબઈનું લોકેશન હવામાનની દૃષ્ટિએ પણ આપણા માટે ફળદાયી રહ્યું છે. એ રીતે સમુદ્ર અને જમીનની સ્થિતિની વિશેષતાને કારણે મુંબઈમાં મોટા સાઇક્લોન આવવાની સંભાવના અન્ય કોસ્ટલ એરિયા કરતાં પણ ઘટી જાય છે. જોકે એ સિવાય મુંબઈની ખૂબી અહીંનું વાતાવરણ સમઘાત છે. આ સંદર્ભે ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઑફ મિટિયરોલૉજી કે. એસ. હોસાલીકર કહે છે, ‘મુંબઈનું હવામાન મોટા ભાગે મોડરેટ રહે છે એ પણ આ દરિયાને આભારી છે. ઉનાળામાં દઝાડી મૂકે એવી ગરમી અહીં નથી લાગતી કે શિયાળામાં થીજવી દેતી ઠંડી નથી લાગતી. બેશક, અહીંની ગરમી બફારાયુક્ત હોય છે. અહીંનું મૉન્સૂન પણ ખૂબ સુંદર માણવાલાયક હોય છે. દક્ષિણ ગોળાર્ધમાંથી આવતા પવનો વરસાદ લાવે છે. સામાન્ય રીતે મુંબઈના વાતાવરણમાં લગભગ ૬૦ ટકાની આસપાસનો ભેજ હોય છે જે ટેમ્પરેચરનું નિયમન કરે છે. દરિયાને કારણે હવાનું પ્યૉરિફિકેશન કુદરતી રીતે થાય છે, જેથી પ્રદૂષણનું પ્રમાણ વધુ હોવા છતાં મુંબઈની ઍર-ક્વૉલિટી પ્રમાણમાં અન્ય શહેરો કરતાં બહેતર રહી શકે છે.’

દરિયામાં ખદબદતી ગંદગી

મુંબઈની લોકલ ટ્રેનો જ નહીં, મુંબઈનો દરિયો પણ શહેરને સાચવતો આવ્યો છે અને આવનારા સમયમાં સાચવતો રહેશે. જોકે આપણે એને સાચવવામાં સફળ નથી રહ્યા. ‘વનશક્તિ’ નામની સામાજિક સંસ્થામાં ‘સાગરશક્તિ’ વિભાગમાં કામ કરી રહેલી અને દરિયામાં થતા પ્રદૂષણના વિષય પર અભ્યાસ કરનાર સરિતા ફર્નાન્ડિસ કહે છે, ‘આપણે ત્યાં દરિયો અનેક માટે આહાર અને રોજગારનું પણ માધ્યમ છે. મુંબઈમાં લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા લોકો દરિયાઈ જીવોનું વેચાણ કરીને અને એને આહાર બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે એ પછી પણ જે સ્તરે અને જે માત્રામાં આપણે દરિયાને બગાડવાનું કામ કરી રહ્યા છીએ એ આર્યમાં મૂકી દે એવી બાબત છે. આપણે ત્યાં રોજનું ૬૦૦ મિલ્યન લીટર અનટ્રીટેડ સ્યુએજ વૉટર દરિયામાં છોડવામાં આવે છે. આટલી મોટી માત્રામાં ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ અને ગાર્બેજ પણ દરિયામાં ડમ્પ કરવામાં આવે છે. મુંબઈના દરિયા પર મોટા પ્રમાણમાં ભાર નાખવામાં આવી રહ્યો છે જેણે આપણી દરિયાઈ જીવસૃષ્ટિને પણ ખૂબ ખરાબ રીતે ડૅમેજ કરવાનું કામ કર્યું છે. મરીન લાઇફ મુંબઈના એક રિપોર્ટ મુજબ મુંબઈના દરિયામાં લગભગ ૩૫૦ અદ્ભુત જળચર જીવો વસે છે, જેના પર અકલ્પનીય રીતે જોખમ ઊભું થયું છે. આજે માછીમારી પર નભતી કોળી કમ્યુનિટી દરિયામાં થઈ રહેલા પ્રદૂષણને કારણે ઘણુi નુકસાન વેઠ્યું છે. આપણે ત્યાં સ્ટેટ, નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલ પર ઘણીબધી પૉલિસીઓ છે. અનેક રેગ્યુલેશન્સ અને કાયદા બન્યા છે, પરંતુ એનું પાલન નથી થતું. કોસ્ટલ રોડ બનાવવા માટે આપણે ત્યાં હજારો કરોડ રૂપિયાનું ફન્ડ અલૉટ થાય છે પણ સ્યુવેજ વૉટર ટ્રીટમેન્ટ માટે કે ગાર્બેજના યોગ્ય ડિસ્પોઝલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી.’

મુંબઈ દરિયામાં ડૂબી જશે?

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના રિસર્ચરે કરેલા એક સર્વે મુજબ દરિયાઈ સપાટી ૨.૫થી ૩ મિલીમીટર જેટલી વધી હોવાને કારણે આવતાં ૧૦૦ વર્ષમાં મુંબઈનો કેટલોક હિસ્સો સમુદ્રમાં ગરકાવ થઈ શકે છે એવી આશંકા જતાવવામાં આવી છે. રિસર્ચરના મતે શહેરનો ૨૫.૩૨ ચોરસ કિલોમીટરનો હિસ્સો એટલે કે ૧૭૦૦ વાનખેડે સ્ટેડિયમ જેટલો ભાગ પાણીમય બની જશે. જોકે સમુદ્રનિષ્ણાતો આ વાતને નકારે છે. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફીના પ્રોફેસર અને ચીફ સાયન્ટિસ્ટ ડૉ. બબન ઇંગોલે કહે છે, ‘આજે નહીં, કાલે નહીં અને ક્યારેય નહીં, મુંબઈ પાણીમાં ડૂબી જાય એ ઘટના શક્ય જ નથી. સમુદ્રની સપાટી વધી રહી હોય છતાં આખેઆખું શહેર પાણીમાં ગરકાવ થાય એ શક્યતાને હું નકારું છું.’

મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાનો હિસ્સો જોશો તો સમજાશે કે અહીં નૅચરલ હાર્બર છે. શિપિંગ ઍક્ટિવિટી માટે આનાથી સેફ જગ્યા બીજી કોઈ હોઈ જ ન શકે એ વાત અંગ્રેજો સમજી ગયા હતા અને મુંબઈમાં વિકાસનાં બીજ રોપાયાં એનું આ પહેલું કારણ હતું. - દીપક રાવ મુંબઈના જાણીતા હિસ્ટોરિયન

ભારતમાં અરબી સમુદ્ર છેક કેરળથી લઈને તામિલનાડુ, કર્ણાટક, મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત થઈને પાકિસ્તાન બાજુથી ગલ્ફ દેશો તરફ જાય છે. યમન, ઓમાન, સોમાલિયા, ભારત, પાકિસ્તાન અને મૉલદીવ્ઝમાં અરબી સમુદ્રતટ પથરાયેલો છે. - મોહન નારાયણ, ભૂતપૂર્વ નેવી ઑફિસર કમાન્ડર

મુંબઈનું હવામાન મોટા ભાગે મોડરેટ રહે છે એ પણ આ દરિયાને આભારી છે. ઉનાળામાં દઝાડી મૂકે એવી ગરમી અહીં નથી લાગતી કે શિયાળામાં થીજવી દેતી ઠંડી નથી લાગતી. - કે. એસ. હોસાલીકર, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઑફ મિટિયરોલૉજી

આપણે ત્યાં રોજનું ૬૦૦ મિલ્યન લીટર અનટ્રીટેડ સ્યુએજ વૉટર દરિયામાં છોડવામાં આવે છે. આટલી મોટી માત્રામાં ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ અને ગાર્બેજ પણ દરિયામાં ડમ્પ કરવામાં આવે છે. - સરિતા ફર્નાન્ડિસ, સામાજિક કાર્યકર



આ પણ વાંચો : બૉક્સિંગ યોગા



દરિયાને કારણે હેલ્થ ઇશ્યુઝ?

મુંબઈના ભેજનું પ્રમાણ વાતાવરણને કન્ટ્રોલ કરે છે, પણ જો ધ્યાન ન રખાય તો કેટલીક શારીરિક તકલીફોને સહજ નિમંત્રણ પણ આપે છે. નિષ્ણાતોના મતે ભેજવાળી હવાને કારણે મુંબઈમાં શ્વાસોચ્છ્વાસને લગતી સમસ્યાઓ વધુ જોવા મળે છે. ભેજથી ખરેખર શ્વાસોચ્છ્વાસના રોગે થાય? આ સવાલનો જવાબ આપે છે કૂપર હૉસ્પિટલનના પલ્મનરી વિભાગના વડા ડૉ. આગમ વોરા કહે છે, ‘જ્યારે હવામાં હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય ત્યારે હવામાં કેટલાક ડસ્ટ પાર્ટિકલ્સ અને પૉલ્યુટેડ પાર્ટિકલ્સ પણ ભળી જતા હોય છે જે હવાની થીકનેસ વધારે છે. આ હવા શ્વાચ્છોચ્છ્વાસમાં ભરો તો નૅચરલી શ્વાસોચ્છ્વાસને અને ફેફસાંને લગતા રોગ થઈ શકે છે તેમ જ એ અવસ્થામાં અન્ય પ્રકારનાં ઇન્ફેક્શન થવાની સંભાવના પણ વધી જાય છે. જોકે અહીં એક સ્પષ્ટતા કરી લઉં કે મુંબઈમાં રહેતી દરેકેદરેક વ્યક્તિને કંઈ બ્રૉન્કાઇટિસ, કન્જેક્ટિવાઇટિસ, રિનાઇટિસ, સ્કિન-ઍલર્જી કે અસ્થમા જેવા પ્રૉબ્લેમ્સ થતા નથી. આ પ્રૉબ્લેમ થઈ શકે છે પણ બધાને થતા નથી એવું કહેવાનો અર્થ એટલો જ છે કે માત્ર વેધર નહીં, પણ વ્યક્તિની પોતાની ઇમ્યુન સિસ્ટમનો પણ આના પર બહુ મોટો ભાગ હોય છે. મારી દૃષ્ટિએ હ્યુમિડિટી લેવલ કરતાં પણ વારંવાર જુદા-જુદા વાતાવરણમાં જવાની આદત વધુ નુકસાન કરે છે. તમે બહાર હો ત્યારે હેવી હ્યુમિડિટીમાં છો, પછી અચાનક પાછા ઍર-કન્ડિશનમાં આવી જાઓ છો અને ટેમ્પરેચર બદલાય છે. ફરી પાછા સડનલી બહાર આવો છો. આ પ્રકારનો ચેન્જ વધુ નુકસાન કરે છે. જે જમ્મ્યા જ મુંબઈમાં છે અથવા વર્ષોથી મુંબઈમાં સેટલ થયેલા છે તેમના શરીરે આ ચેન્જને અડૉપ્ટ કરી લીધો છે. આનો ઇલાજ એક જ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરો. ખૂબ જ પૉલ્યુશનમાં હો ત્યારે નાક પર માસ્ક પહેરો. ખાંસી આવે ત્યારે અચૂક-અચૂક મોં પાસે રૂમાલ અથવા ટિશ્યુ રાખો. તમે તમારી રીતે સ્ટ્રૉન્ગ હશો તો વેધરથી તમને કોઈ લાંબો ફરક નહીં પડે, કારણ કે વેધર મુજબ તમારું શરીર મોલ્ડ થઈ જશે.’


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2019 04:35 PM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK