યંગસ્ટર્સમાં લગ્નવિધિનો ઉદ્દેશ સમજીને દરેક ક્રિયાઓ કરવાની જિજ્ઞાસા વધી

Published: May 11, 2019, 12:35 IST | રુચિતા શાહ - શુભ મંગલ સાવધાન

કુંડળીઓ મેળવવાથી લઈને મુરત અને લગ્નની વિધિમાં અત્યારે શું નવાજૂની ચાલી રહી છે એ વિશે વાત કરીએ

લગ્ન
લગ્ન

શુભ મંગલ સાવધાન

લગ્નમાં ચાર ફેરા શું કામ હોય? તિલક શું કામ કરવામાં આવે? પોંખવાની પરંપરા શું કામ શરૂ થઈ? તિલક, હસ્તમેળાપ અને છેડાછેડી પાછળનું કારણ શું? જેવા તમામ પ્રશ્નોના જવાબ જાણવાની તાલાવેલી આજના યુથમાં જોવા મળી રહી છે. પંડિત મંત્રો બોલી લે અને જેમ કહે તેમ વરવધૂ કરી લે એ સમય હવે રહ્યો નથી. હવેના યુથમાં લગ્નવિધિમાં ઊંડો રસ લઈને સમજણપૂર્વક એકેક ક્રિયાઓ કરવાની જિજ્ઞાસા છે. જાણવાની આ ઉત્કંઠાને કારણે જ લગ્નવિધિ માત્ર વર-કન્યા કે તેમના પરિવાર પૂરતી મર્યાદિત રહી નથી, પણ સંપૂર્ણ સભા આ પ્રસંગમાં જોડાય એ રીતે લગ્નવિધિઓ થવા માંડી છે. લગ્ન નક્કી થાય એ પહેલાં બન્ને પાત્રના જન્માક્ષર મેળવવાથી લઈને લગ્નને અંતિમ ઓપ આપવા સુધી વિધિવિધાનોમાં શું નવું ચાલી રહ્યું છે એ વિશે વાત કરીએ.

જન્માક્ષર માટે આકર્ષણ વધ્યું

પહેલાં માત્ર અરેન્જ્ડ મૅરેજ કરનારાં કપલના પરિવારોમાં જ જન્માક્ષર દેખાડવાની પ્રથા હતી. પ્રેમમાં પડેલાં કપલ ડાયરેક્ટ જ લગ્ન કરી લેતાં, જે હવે બદલાઈ રહ્યું છે. સંસ્કૃતમાં માસ્ટર્સ કરનારા આચાર્ય ગૌરાંગકુમાર ગોર કહે છે, ‘જમાનો મૉડર્ન થયો છે અને લોકો હવે ઇન્ટરનેટ પર પ્રેમ કરીને લગ્ન કરતાં થયાં છે છતાં પણ કુંડળી મેળવવાની પ્રથા આઉટડેટેડ નથી થઈ એટલું હું ચોક્કસ કહીશ. કુંડળી પ્રત્યેના લોકોના વિશ્વાસને કારણે એવું બને છે કે કમ્પ્યુટરાઇઝ્ડ ઉપરછલ્લા ગુણો મેળવીને લગ્ન માટે લીલી ઝંડી દેખાડનારા લોકો પણ વધ્યા છે. કુંડળી મેળવવી એટલે માત્ર ગુણો મેળવવાની મેથડ નથી. એનાથી જ કપલનાં લગ્ન સફળ રહેશે કે નિષ્ફળ એવા તકાજા પર ન આવી શકાય. ખરી રીતે જન્માક્ષર મેળવીને લગ્ન કરવામાં આવે ત્યારે ગુણો ઉપરાંત એકબીજાના ગ્રહોની સ્થિતિ પર પણ ધ્યાન આપવામાં આવતું હોય છે. ભારે ગ્રહો હોય ત્યારે સામા પક્ષને આવી શકનારી તકલીફો વિશે પણ કહી શકાય છે. લોકોને ભરોસો છે જન્માક્ષરની મેથડ પર. લવ-મૅરેજ કરનારા પણ પોતાનું નક્કી કર્યા પછી પણ મનની શાંતિ માટે કે સામાન્ય સૅટિસ્ફૅક્શન માટે જન્માક્ષર દેખાડી જાય છે.’

સાઉથ મુંબઈમાં રહેતા હિમાંશુ ત્રિવેદી પણ આ વાત સાથે સહમત થાય છે અને કહે છે, ‘આજે મંગળ ધરાવનારા એક ડઝન છોકરાઓના પ્રોફાઇલ મારી પાસે પડ્યા છે. હવેનાં યુવક- યુવતીઓ પોતે પણ લગ્નજીવન સારી રીતે ચાલે એ માટે વધુ ગંભીર છે. લગ્નોના તૂટવાના બનાવો વધી ગયા હોવાથી તેમને ક્યાંય જોખમ લેવું નથી. પોતાને મંગળ છે તો મંગળવાળી છોકરી અથવા તો તેની પોતાની કુંડળીને પૂરક બને એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરવાનો તેમનો આગ્રહ હોય છે. એ રાહ જોવામાં થોડો સમય પણ વીતી જાય તો એનો તેમને જરાય વાંધો નથી.’

સગવડિયો ધર્મ

લગ્નના મુરત વિશે આજકાલના લોકોનું વલણ લગ્ન કરાવતા પુરોહિતોને ખૂબ જ મૂંઝવી રહ્યું છે. લોકો લગ્નનું મુરત કઢાવે છે, પણ માત્ર કંકોતરીમાં લખવા માટે. ગૌરાંગકુમાર કહે છે, ‘કેટલીક બાબતોનું મહત્વ આપણે ત્યાંના લોકો સમજી નથી રહ્યા. મુરત માત્ર જે મોઢામાં આવી એ તારીખ અને સમય કહી દીધાં એ રીતે નક્કી નથી કરવામાં આવતું. બલકે વરકન્યાની કુંડળી સાથે તેમના જન્મના ગ્રહો અને લગ્નસમયના ગ્રહોની વિશિષ્ટ અને તેમના આવનારા જીવન માટે અનુકૂળ સ્થિતિ હોય એ સમયનું મુરત કાઢવામાં આવે છે. આ મુરતને આજે ૬૦ ટકા કરતાં વધુ લોકો બેમતલબ ગણતા હોય એ રીતે એ સમય સચવાય એવી ચોકસાઈ નથી રાખતા એ બાબત ખરેખર અમને ખૂંચતી હોય છે. મોટા ભાગે હસ્તમેળાપનો કંકોતરીમાં જે સમય લખાયો હોય એના બેથી ત્રણ કલાક મોડો હસ્તમેળાપ થાય છે. જાન મોડી આવે. એક વાર જાનનું સ્વાગત કર્યા પછી પણ અડધો-પોણો કલાક તેમની એન્ટ્રીમાં અને ડાન્સ કરવામાં જ વીતી જાય છે. વર અને કન્યા મંડપમાં આવે ત્યાં સુધીમાં મૂળ મુરત વીતી ગયું હોય છે. લોકો પોતાના બધા જ મોજશોખ પૂરા કરીને પણ ધારે તો હસ્તમેળાપના સમયને સાચવી શકે છે. થોડાક વહેલા નીકળે અને ઍડ્વાન્સમાં પ્લાનિંગ કરીને જો પ્રયત્ન કરે તો આ કરવું શક્ય જ છે.’

લગ્નની વિધિમાં ઍર-કન્ડિશન્ડ હૉલમાં આજકાલ પરિવારો ધુમાડો ઓછો થાય એવો આગ્રહ કરતા હોય છે. એ વિશે હિમાંશુભાઈ કહે છે, ‘અગ્નિ અને હવનકુંડ પાછળનાં કેટલાંક કારણો છે. અગ્નિનું કામ જોડવાનું છે. યોજક નામના અગ્નિની જ્વાળાઓ બે જુદા લોકોને એક કરવાનું કામ કરતી હોય છે. બે જુદાં બ્લડ-ગ્રુપ, બે જુદી પ્રકૃતિ ધરાવતી, જુદી ગ્રહસ્થિતિ ધરાવતી બે વ્યક્તિઓને જોડવા માટે આ અગ્નિનું હોવું જરૂરી છે. એનું હોવું અકારણ નથી એ બાબત આજના લોકોએ સમજવા જેવી છે.’

જાણવાની ઉત્કંઠા

લગ્નવિધિને પોતાની અનુકૂળતા મુજબ થોડીક ઢાળી દીધી હોવા છતાં આગળ કહ્યું એમ આજના યુથને શું કામ આમ એવા પ્રશ્નો જાગતા હોય છે. લગ્નવિધિનું વિવેચન કરનારા અશ્વિન મહેતા કહે છે, ‘હવે ઓછું બજેટ હોય એવા લોકો પણ લગ્નવિધિને સમજણ અને સંગીતના સૂરોથી સજાવી શકાય એવા પ્રયત્નો કરે છે. એની પાછળનું મૂળ કારણ છે કે મોટા ભાગના લોકોને કઈ વિધિ શું કામ કરવાની એની પાછળનું શાસ્ત્રીય કારણ અને એની પાછળનું વૈજ્ઞાનિક લૉજિક ખબર નથી હોતી. મને યાદ છે કે ગોવામાં એ મારવાડી બિઝનેસમૅનના દીકરાનાં લગ્ન હતાં. એક તરફ ગોરમહારાજ વિધિ કરાવે, બીજી બાજુ સંગીતકાર વિધિ અનુસાર સંસ્કૃતના શ્લોક બોલતા અને પછી મારે એનું વિવરણ કરવાનું હતું. જેમનાં લગ્ન હતાં તેમના પરિવારજનો પણ પહેલી વાર જે-તે વિધિ પાછળનાં કારણો સાંભળી રહ્યાં હતાં. મહેમાનોમાં ઍક્ટર આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ પણ હતાં. લગભગ પોણાબે કલાક ચાલેલી લગ્નની વિધિમાંથી કોઈ હટ્યું નહોતું અને બધાએ જ એકેએક વિધિ પાછળના રહસ્યને સાંભળવામાં રસ દેખાડ્યો હતો. હવે યંગસ્ટર્સ પૂછે છે કે શું કામ તમે નાડાછડી બાંધી, શું કામ પાણી છાંટ્યું, શું કામ મીંઢળ બાંધવાનું. લગ્નવિધિ પાછળનાં કારણો જાણ્યા પછી તેમનું એકબીજા માટેનું અને આ સંબંધ માટેનું માન વધી ગયું એવું લોકોએ આવીને સેંકડો વાર ફીડબૅકમાં અમને કહ્યું છે. અરે, ગોવાનાં લગ્નમાં એક ફૉરેનરે વિધિ અને વિશ્લેષણમાં હાજર રહ્યા પછી મને પૂછેલું, આટલું કર્યા પછી હવે તો તમારે ત્યાં ડિવૉર્સ-રેટ ઘટી ગયા હશેને? એ સમયે તો મેં વાત વાળી લીધી. જોકે એ તો હકીકત છે કે લગ્નવિધિ પાછળના શ્લોક અને એના ઉદાત્ત ભાવ સાથે એકતાર થયા પછી લગ્ન પ્રત્યેનો આદર, જવાબદારી અને નિભાવવાની કટિબદ્ધતા આપમેળે આવી જાય.’

વૈદિક વિધિનાં લગ્નમાં ચાર પુરુષાર્થના ચાર ફેરા ફરીને નવદંપતી એકબીજાને સાત વચનો આપે; જેમાંથી ધર્મ, અર્થ, કામ આ ત્રણ પુરુષાર્થમાં એટલે કે ત્રણ ફેરામાં કન્યા આગળ રહે; કારણ કે નારી મોક્ષદાયિની છે અને છેલ્લા ફેરામાં વર આગળ અને કન્યા પાછળ હોય. વરરાજાને કરવામાં આવતા તિલક પાછળ તેનામાં રહેલી બુદ્ધિમત્તાનું સન્માન કરવાનો ભાવ હોય છે તો વધૂનું પૂજન કરવા પાછળ તેની અંતર રહેલા દૈવી તત્વનું સન્માન કરવાનો ભાવ હોય છે. અશ્વિન મહેતા કહે છે, ‘અમુક શબ્દોનો આપણે ખૂબ મર્યાદિત અર્થ કર્યો છે. જેમ કે કામ એટલે માત્ર સેક્સ નહીં, પણ સાંસારિક તમામ ઇચ્છાઓ સાથે મળીને પૂરી કરવાની વાત પણ કામમાં આવી ગઈ. ઇન્ટરપ્રિટેશન, એ પણ પોતાની ભાષામાં થતું ઇન્ટરપ્રિટેશન લગ્નજીવનમાં મિરૅકલ સરજી શકે છે.’

સંગીતમય મંત્રોચ્ચાર, ગોરમહારાજનાં ઇન્સ્ટ્રક્શન અને એક-એક વિધિનું વિગતવાર વિશ્લેષણ કરવાની પરંપરા પાંચ વર્ષ પહેલાં શરૂ થઈ, પણ અત્યારે એની ડિમાન્ડ આસમાને છે. ત્રીસ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરીને પણ લોકો પોતાનાં સંતાનોનાં લગ્નને સમજણયુક્ત બનાવવા માટે તત્પરતા દેખાડી રહ્યા છે.

આ પણ વાંચો : કૉલમ : ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરતી વખતે કઈ ૧૦ ચીજો મહત્વની?

જૈન વિધિથી લગ્ન

છેલ્લા થોડાક સમયમાં જૈન વિધિથી લગ્ન કરનારાની સંખ્યામાં પણ વધારો થયો છે. જૈન ધર્મના શ્લોક, મંત્ર અને ઈષ્ટદેવની વિશિષ્ટ વિધિથી થતાં લગ્નો માટે જૈન કમ્યુનિટીના લોકોમાં આકર્ષણ વધ્યું છે. પહેલવહેલા જૈન વિધિથી લગ્ન કરવાની શરૂઆત કરનારા વિનીત મજબૂરા કહે છે, ‘૧૯૯૨થી હું જૈન વિધિ મુજબ લગ્ન કરાવું છું. જૈન આચાર્ય વર્ધમાનસૂરિ મહારાજસાહેબે આચાર દિનકર ગ્રંથમાં શ્રાવકના ૧૬ સંસ્કાર વિધિ વિશે વિગતવાર વર્ણન કર્યું છે. ગર્ભથી લઈને મૃત્યુ સુધીના ૧૬ સંસ્કારમાં ૧૪મો સંસ્કાર વિવાહ સંસ્કાર છે. વૈદિક વિધિમાં હસ્તમેળાપ, છેડાછેડી અને ફેરા આ ત્રણ જ બાબત પર મુખ્ય ભાર આપવામાં આવ્યો છે; જ્યારે જૈન વિધિમાં ચોમુખી ભગવાનની સ્થાપના, ક્ષેત્રપાલ દેવની સ્થાપનાથી લઈને નવકારથી મોટા શાંતિ સ્તોત્રના પઠન સુધીમાં લગભગ બે કલાકની આખી વિધિ દરમ્યાન આખી સભા એમાં ભાગ લઈ શકે એ રીતની એની રચના છે. કન્યા પ્રદાન અને કન્યા સ્વીકારના કેટલાક મંત્રો છે. લગભગ ૪૦-૫૦ કિલોની શુદ્ધ સામગ્રી, સંગીત અને સૂત્રોની સાથે જૈન વિધિથી મારી નિગરાણીમાં થયેલાં એકેય લગ્નમાં ભંગાણ નથી થયું. લગ્ન જ નહીં, લગ્ન પછીની સંતતિ માટેના પણ કેટલાક શ્લોકો આ વિધિમાં સમાવિષ્ટ થયેલા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK