Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : ગુજરાતણોનો સવાયો ગુઢી પાડવા

કૉલમ : ગુજરાતણોનો સવાયો ગુઢી પાડવા

06 April, 2019 03:00 PM IST |
રુચિતા શાહ

કૉલમ : ગુજરાતણોનો સવાયો ગુઢી પાડવા

ગુડી પાડવા

ગુડી પાડવા


કહેવાય છે કે સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીએ આજના દિવસે એટલે કે ચૈત્ર મહિનાના પહેલા દિવસે સૃષ્ટિનું સર્જન કર્યું હતું. ખેડૂતો માટે પણ નવા પાકને રોપવાનો આ શ્રેષ્ઠ સમય ગણાય છે. નવી ઋતુનો સંધિકાળ ગણાતો હોવાને કારણે ગુઢી પાડવા એ મહારાષ્ટ્રિયનનો તહેવાર છે, પરંતુ ગુજરાતી મહિલાઓ પણ તેની ઉજવણી કરવામાં પાછળ નથી. કર્ણાટકમાં આ તહેવારને ઉગાડી તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. સિંધીઓ તેને ચેટી ચાંદ તરીકે સેલિબ્રેટ કરે છે. રાજસ્થાનીઓ માટે પણ આ બેસતું વર્ષ છે. ગુઢી પાડવાનું જુદા-જુદા રિજનમાં જે મહત્વ હોય તે, પરંતુ આજે આપણે મહરાષ્ટ્રની વાત કરીએ. આપણે ત્યાં ગુઢી પાડવા એ માત્ર મરાઠીઓ દ્વારા ઊજવાતો તહેવાર છે. જોકે ગુજરાતીઓને પણ જો તક મળે તો તેઓ પાછા નહીં પડે. ‘આમચી મુંબઈ’ અને ‘મરાઠી માણૂસ’નો દાવો ઢીંઢેરો પીટનારા રાજ ઠાકરે અને શિવસેનાના લોકો જો આ ગુજરાતી બહેનોને મળે તો તેમને નવાઈ લાગે કે કદાચ તેમના કરતાં પણ આ ગુજરાતી બહેનો મરાઠાઓના માનીતા ઉત્સવોની ગરિમાને વધુ સમજી શકી છે. ગુજરાતી હોવા છતાં મરાઠીપણાને સમજી શકનારી કેટલીક બહેનો સાથે વાત કરીએ.

ખાલી પેટે કડવા લીમડાના પંચાંગનો રસ પીવાનું ભૂલતા નહીં



ગુઢી પાડવાના દિવસે એટલે કે ચૈત્ર મહિનાના પહેલા દિવસે નયણા કોઠે લીમડાનાં પંચાંગના સેવનથી આરોગ્યમાં અનેરો ફાયદો થતો હોય છે, જેમ કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુ વખતે સૃષ્ટિમાં અનેક ફેરફારો આવતા હોય છે અને આપણે જેમ એસી રૂમમાંથી બહાર નીકળીએ અને બહારનું વાતાવરણ બદલાઈ જતું હોય છે તે પ્રમાણે કેટલાક ઋતુપરિવર્તનમાં અને નક્ષત્રના સંધિકાળે આપણા વડવાઓએ અગમચેતી વાપરીને કફ, પિત્ત અને વાતની વિકૃત અવસ્થાને સમ કરવા માટે અલગ અલગ ઔષધિ પ્રયોગો આપેલા છે.


મૂળ મરાઠા ઘરાણાના વિશુદ્ધ બ્રાહ્મણ વિદ્વાન વૈદ્યરાજ ભાસ્કરભાઈ હર્ડીકરજી કાયમ કહેતા કે પડવાને દિવસે લીમડાનું પંચાંગ લેવું જોઈએ, જેમાં લીમડાનાં પાંચ અંગો એટલે કે મૂળ, છાલ, પાંદડાં, મોર અને લિંબોડી સમ ભાગે લઈને તેની અંદર થોડું સિંધવ અને મરી ભેળવીને સહેજ સૂંઠ ભભરાવવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. કેટલાક લોકો ચૈત્ર મહિનાના ૧૫ દિવસ સુધી કડવા લીમડાનો રસ લેતા હોય છે, કેટલાક ૧, ૩, ૫ એમ એકી સંખ્યામાં લેતા હોય છે, પરંતુ હર્ડીકરદાદા કહેતા હતા કે એક જ દિવસ આ ઔષધ લેવું, કેમ કે વધારે પડતી કડવાશ લેવાથી નપુંસકતાનો ભય ઊભો થતો હોય છે. - અતુલકુમાર શાહ

બન્ને કલ્ચર વચ્ચે સેતુ બનવાની તક મળી એ ગુડ લક છે મારાં


૧૫ વર્ષ પહેલાં મીનલ ભટ્ટમાંથી મીનલ વિકાસ દાંડેકર બનેલી કાંજુરમાર્ગની મીનલને જોઈને તમે અંદાજ પણ નહીં લગાવી શકો કે એ ગુજરાતી છે. બેશક, જ્યારે મીનલ ગુજરાતીમાં બોલે તો ગુજરાતણ લાગે અને મરાઠીમાં બોલે ત્યારે મહારાષ્ટ્રિયન. મીનલ કહે છે, ‘ગુઢી પાડવાના દિવસે સવારે લાકડી પર લોટી, નવી સાડી લપેટીને પૂજા કરવાની પરંપરા અમારા ઘરમાં વર્ષોથી છે. હવે ન કરીએ તો ચાલે એમ છે, છતાં મેં તેને જાળવી રાખી છે. આ દિવસે ભગવાનને નૈવેદ્ય ચડે. સૂર્યાસ્ત પહેલાં ગુઢી નીચે ઉતારીએ. એ દિવસે અમારા ઘરે શ્રીખંડ બને. એ પણ પરંપરા છે. અહીં આવ્યા પછી જ હું ગણપતિની અને ગૌરી ઘરમાં આવે ત્યારે શું કરવું, કેવી રીતે કરવું એ બધું શીખી છું. ફેસ્ટિવલ હોય એ દિવસે જે પ્રકારનો ખોરાક બનાવવાની પરંપરા છે એ જ અમે બનાવીએ. અહીં એક વાત કહીશ કે દરેક કૉમ્યુનિટીની પોતાની બ્યુટી છે. હું નસીબદાર છું કે ગુજરાતી અને મરાઠી કૉમ્યુનિટીને નજીકથી જાણવાની તક મને મળી છે. અમારે ત્યાં મરાઠી અને ગુજરાતી બન્નેના તહેવારોને ધામધૂમથી ઊજવવામાં આવે છે.’

મહારાષ્ટ્રિયન પોતાના રૂટ્સથી વધુ જોડાયેલા છે

મરાઠી યુવક સાથે લગ્ન કરવા માટે લગભગ બેથી અઢી વર્ષ સુધી તન્વી ઠક્કર-કળુસકરે સ્ટ્રગલ કરવી પડી હતી. જુદા કલ્ચરના યુવક સાથે તન્વી ખુશ રહેશે કે નહીં એ શંકા મા-બાપને હતી. ચિંતા સ્વાભાવિક હતી, પરંતુ છેલ્લાં બે વર્ષમાં તન્વીને ક્યારેય મરાઠીપણાનો બોજ નથી લાગ્યો. તે કહે છે, ‘સ્વાભાવિક રીતે બન્ને કૉમ્યુનિટીની પરંપરા જુદી છે. ઇનફૅક્ટ ઘણો ફરક છે. આપણે ગુજરાતીઓ ખાઈ, પીને જલસા કરવામાં માનીએ, પરંતુ મરાઠીઓ પોતાના ફેસ્ટિવલમાં ટ્રેડિશનલ બાબતમાં વધુ મહત્વ આપે છે. જે મેં પણ અપનાવી લીધા છે. ગુઢી પાડવાના દિવસે સવારે વહેલા ઊઠીને પૂજા કરવાની, બે મીઠાઈ, ફરસાણ, બે શાક, ચપાતી, દાળ, રાઇસ એમ બધું જ ફુલ ભોજન બને. કુળદેવીને પ્રસાદ ચડે. આ દિવસે અમારા ઘરે કાળા વટાણાનું શાક ખાસ બને. એક વાત કહીશ કે મહરાષ્ટ્રિયન પરિવારો પોતાની પરંપરા સાથે વધુ વળગેલા છે.’

ઘરના બીજા સભ્યોથી હું વધુ એક્સાઇટેડ હોઉં છું

માટુંગામાં રહેતી દીપા ગડામાંથી દીપા અમિત ધોલમ બની ગયેલી દીપાના ઘરે રોજનું સેલિબ્રેશન જ હોય છે. ૧૩ વર્ષના લગ્નજીવનમાં તે મરાઠી બની ગઈ છે તો તેના પરિવારજનો મરાઠીમાંથી ગુજરાતી બની ગયા છે. બે જુદી કૉમ્યુનિટીનું અનોખું તેમના પરિવારમાં તમને જોવા મળશે. દીપા કહે છે, ‘મારી ૧૧ વર્ષની દીકરી અન્વી અને સાત વર્ષનો દીકરો આદિ મરાઠી જેટલું સારું બોલે છે એટલું જ અફલાતૂન તેમનું ગુજરાતી છે. ગૂડી પડવાનું વિધિ મુજબ સેલિબ્રેશન થાય જ છે, પણ દર મહિને આવતી સંકષ્ટિ, દત્ત જયંતી જેવા તહેવારો પણ ઊજવાય. અમારા પરિવારનાં કુળદેવીનો ફેસ્ટિવલ પણ ઊજવાય. હું પિયરપક્ષેથી જૈન છું તો અમારા ઘરે પયુર્ષણના દિવસો પણ પાળવામાં આવે છે. ખાણીપીણીની બાબતમાં પણ અમે બન્નેનું કૉમ્બિનેશન છીએ. પૂરણપોળી, પતાશા, શ્રીખંડ જેવી મરાઠી આઇટમો હોય. કડવો લીમડો અને સૂકું ખોપરુંનો પ્રસાદ ગૂડી પડવાના દિવસે વહેંચવામાં આવે. એટલું કહીશ કે જ્યારે તમારાં મન મળેલાં હોય ત્યારે કોઈ પણ કલ્ચરના તહેવારો તમને તમારા પોતાના લાગવા માંડે છે. અત્યારે બધા કરતાં હું સૌથી વધુ એક્સાઇટેડ હોઉં છું તહેવારોની ઉજવણી માટે.’

આ પણ વાંચો : કૉલેજમાં ભણતી છોકરી અબૉર્શન કરાવીને આવે, ઘરનાને અણસાર પણ ન હોય એવું બને

અમારા કુટુંબની દરેક પરંપરા એ હવે મારી જવાબદારી છે

સૌથી પહેલાં સવારે વહેલા ઊઠીને ઘર સાફ કરીને બારણે તોરણ લગાડીશ. ફુલ રસોઈ બનશે. શ્રીફળ વધેરાશે. પૂરણપોળી અને શ્રીખંડ બનશે. બધાં જ નવાં કપડાં પહેરશે અને પછી એકબીજાને ગુઢી પાડવાનાં અભિનંદન આપવામાં આવશે. મલાડમાં રહેતી ચેતના હરીશ ખેતાણી-તાલકરનું દર ગુઢી પાડવાનું રૂટીન છેલ્લાં ૩૩ વર્ષથી અકબંધ છે. ડાયેટિશ્યન તરીકે કામ કરતી ચેતના કહે છે, ‘મારાં સાસુનો કોઈ આગ્રહ નથી હોતો, પરંતુ મારો આગ્રહ હોય છે કે આપણે વિધિસર જ દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ. જ્યારે લગ્ન કયાર઼્ ત્યારે ૧૮ વર્ષની જ હતી. એ સમયે ઘરમાં જે પણ કંઈ રીતિરિવાજો મુજબ થતું એ બધું જ મેં અડૉપ્ટ કરી લીધું છું. અહીં આવ્યા પછી દરેકમાં ગળપણ ખાવાની મારી આદત નીકળી ગઈ. મારા સાસરામાં છેલ્લાં ૫૩ વર્ષથી ગણપતિ આવે છે, જે પરંપરા આજ સુધી અકબંધ છે, જે મેં મારા જીવનનાં પહેલાં ૧૮ વર્ષમાં નહોતું કર્યું એ બધું જ આજ દિવસ સુધી કરું છું. એ કલ્ચરને મેં અપનાવ્યું એમ એમ મારા સાસરાવાળાએ પણ મને સમજીને ફેરફારો કર્યા જ. મારા ગયા પછી અમારા ઘરમાં નૉન-વેજ બનવાનું બંધ થઈ ગયું.’

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2019 03:00 PM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK