વાઇલ્ડ લાઇફની પડતી દશા ૨૦૧૯માં બનશે વધારે ગંભીર?

Published: 10th February, 2019 12:06 IST | રુચિતા શાહ

ચાર દાયકામાં ૬૦ ટકા વન્ય જીવોનો ખાતમો બોલાઈ ગયો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઈકો-સિસ્ટમમાં એક કીડીનું પણ એટલું જ મહત્વ છે જેટલું એક હાથીનું હોઈ શકે. એવામાં ૬૦ ટકા પશુપંખીની પ્રજાતિઓ નષ્ટ થઈ જાય એ કોઈ નાની ઘટના નથી. ઠંડા કાળજે બેસી રહેવાનો આ સમય નથી. વન્ય જીવો પર આવેલી મોતની તવાઈ પાછળનાં કારણો અને આપણે એમાં શું કરી શકીએ એ વિશે થોડીક વાતો કરી લઈએ.

વન્ય જીવોના સંવર્ધન અને અધિકારો માટે ૧૯૬૧માં સ્વિટ્ઝરલેન્ડમાં સ્થપાયેલી વૈશ્વિક સ્તરે સૌથી વધુ સક્રિય સંસ્થા વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફન્ડ (WWF) દ્વારા લિવિંગ પ્લૅનેટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. આ રિપોર્ટ મુજબ માત્ર છેલ્લાં ૪૫ વર્ષમાં ૬૦ ટકા વન્ય જીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વન્ય જીવોનું આ હનન આપણા અસ્તિત્વ માટે પણ જોખમી પુરવાર થઈ શકે છે. અત્યારે ગ્લોબલ વૉર્મિંગના પરિણામે પૃથ્વીના પેટાળનું ઓવરઑલ ટેમ્પરેચર લગભગ દોઢ ડિગ્રી વધી રહ્યું છે, જેણે પેટાળમાં રહેતા દરિયાઈ જીવોનો મોટા પ્રમાણમાં ભોગ લીધો છે. છેલ્લાં ૪૫ વર્ષમાં ૪૦૦૦ સસ્તન પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓ, રેપ્ટાઇલ્સ અને જમીન તથા પાણી બન્નેમાં વસવાટ કરી શકનારાં ઉભયચર પ્રાણીઓની સંખ્યાબંધ પ્રજાતિઓ નષ્ટ પામી છે. પૃથ્વીની પોણાભાગની જમીનને માનવજાતે અભડાવી દીધી છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફના ડિરેક્ટર દ્વારા આ રિપોર્ટ પછી એક સાવ સાચી વાત કહેવામાં આવી છે કે જીવસૃષ્ટિનું સર્જન થયું એ કાળક્રમ સામે ચાલીસ વર્ષ એટલે આંખના પલકારા માટે લાગતો સમય છે. જોકે આ સમયમાં આટલી મોટી વન્ય જીવોની હાનિ એ ગંભીર વિષય છે. અભી નહીં તો કભી નહીં જેવી સ્થિતિ આ વાઇલ્ડ લાઇફ સંવર્ધન સંસ્થાએ રજૂ કર્યો છે ત્યારે આ દિશામાં થોડીક મહત્વની ચર્ચા જરૂરી છે.

જોખમી ફૅક્ટર્સ

૨૦૧૮નું વર્ષ જીવસૃષ્ટિ માટે પડકારજનક ગયું છે. કેન્યાના પ્રાણીસંગ્રહાલયમાં રહેલો છેલ્લો સફેદ મેલ રાયનો આપણે આ વર્ષે ગુમાવ્યો અને સફેદ રાયનોની પ્રજાતિ કાયમ માટે નષ્ટ થઈ ગઈ, કારણ કે હવે બે માદા સફેદ રાયનો જ પૃથ્વી પર જીવિત છે. અલબત્ત, પ્રોગ્રેસિવ એમ્બોક્રાઇન વૈજ્ઞાનિકોએ મૃત્યુ પામેલા રાયનોના સ્પર્મ સ્ટોર કરીને સરોગસી દ્વારા માદા રાયનોને ગર્ભવતી કરવાના પ્રયાસો આદર્યા છે. જોકે એમાં કેટલી સફળતા મળશે એ કહી શકાય નહીં. આ વર્ષે વૈજ્ઞાનિકોના મતે ત્રણ પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ જેમાં માત્ર બ્લુ પૅરટ નામના આકર્ષક પક્ષીના નામશેષ થવાની બાબતે જબરદસ્ત મીડિયા કવરેજ મેળવ્યું હતું. ૨૦૧૭માં કેટલીક લિઝર્ડની પ્રજાતિઓ લુપ્ત થઈ. મુદ્દો એ છે કે ઓછી જાણીતી હોય એવી પશુ-પંખીઓની પ્રજાતિઓ નામશેષ થાય કે નામશેષના આરે આવી જાય ત્યારે દુનિયામાં ઊંહકારો પણ થતો નથી. કોઈ ફરક નથી પડતો, કોઈ અટેન્શન નથી મળતું એટલે એને બચાવવાના પ્રયત્નો પણ ન થાય એ સ્વાભાવિક છે. બીજી ચિંતાજનક બાબત એ છે કે એક્સ્ટિન્ક્શન એટલે કે પ્રાણીઓનો લુપ્ત થવાનો રેશિયો સોમાંથી એક હજારગણો વધ્યો છે. અમેરિકાની મિઝોરી યુનિવર્સિટીના બાયોલૉજિકલ સાયન્સના અભ્યાસુ વૈજ્ઞાનિક રૉબિન વર્બલ પોતાના નિરીક્ષણ અને સર્વેક્ષણના આધારે કહે છે કે જંગલોના નિમૂર્લનને કારણે જમીનની અંદર નભતા જીવજંતુઓનો બહુ મોટો ખાતમો બોલાયો છે. આ ભાઈ કહે છે, ‘અમે જોઈ રહ્યા છીએ કે કેટલીક જગ્યાએ લગભગ ૭૫ ટકા જમીન પરના જીવજંતુઓ નાશ પામ્યા છે, જે ખરેખર ગંભીર બાબત છે. આ નાનકડા જીવાણુઓ ઈકો-સિસ્ટમમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. આખી ફૂડચેઇનનો બેઝ જ છે આ જીવાણુ. જો એ જ ન રહે તો ફૂડચેઇનના બાકીના જીવોનું શું થાય?’

Save animals જીવ બચાવોહેલ્પ અઝ

નિષ્ણાતો કહે છે કે જીવસૃષ્ટિમાં નિકંદનનો દોર આવનારા સમયમાં વધુ ઘાતકી રૂપ લે એવી પૂરી સંભાવના છે. એનાં કારણો આપતાં વૈજ્ઞાનિક ચેરી જૉન્સન કહે છે, ‘ક્લાઇમેટ ચેન્જનો જે દોર શરૂ થયો છે એ અટકવાનું નામ નથી લેતો. ન માનવજાત પોતાની લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવે છે કે ન પ્રદૂષણ પર કોઈ કન્ટ્રોલ આવ્યો છે તો કઈ રીતે બદલાઈ રહેલા હવામાન પર કાબૂ રાખવો? પાણીનું વધતું ટેમ્પરેચર, જંગલમાં લાગતી આગ, ડિફૉરેસ્ટેશન અને આ બધા વચ્ચે વાવાઝોડાં, સુનામી તથા ધરતીકંપ જેવી કુદરતી આફતોના વધી રહેલા પ્રમાણે આખી જીવસૃષ્ટિને ભરડામાં લીધી છે.’

એ તો દેખીતી હકીકત છે કે ગ્લોબલ વૉર્મિંગ પર શરૂ થયેલી ગ્લોબલ સમિટો અને દુનિયાભરમાં એની વધી રહેલી ચર્ચાઓથી કોઈ ખાસ પરિણામ આવ્યું જણાતું નથી. બીજું, દરિયાના પાણીમાં વધી રહેલા ઍસિડિક પ્રમાણને કારણે પાણીમાંથી ઑક્સિજનનું પ્રમાણ ઘટ્યું હોવાના પુરાવાઓ આપણી પાસે છે અને આ સ્થિતિમાં વધુ ને વધુ માછલીઓ અને અન્ય જળજીવોનો ભોગ લેવાઈ રહ્યો છે એ પણ એટલું જ સત્ય છે.

માંસાહાર પણ જવાબદાર

ગયા શુક્રવારે અમેરિકાની ઑરેગોન સ્ટેટ યુનિવર્સિટીના કન્ઝર્વેટિવ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે દુનિયામાં માંસ ખાવાનું પ્રમાણ વધ્યું હોવાને લીધે ‘મેગાફૌના’ કૅટેગરીમાં આવતાં લગભગ ૨૦૦ જેટલાં મોટાં પશુઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને ૧૫૦ જેટલી પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ શકનારા જીવોની યાદીમાં મુકાઈ ગઈ છે. જુદાં-જુદાં પશુઓના વિવિધ બૉડી પાર્ટનો ખોરાક અને દવામાં ઉપયોગ વધ્યો છે. જેણે સો કિલો કરતાં વધુ વજન ધરાવતાં પશુઓ અને ૪૦ કિલોથી વધુ વજન ધરાવતાં પંખીઓ અને સરિસૃપ પ્રાણીઓનો મોટા પ્રમાણમાં ભોગ લેવો શરૂ કર્યો છે. આ સર્વેક્ષણ રિપોર્ટ આપનારા સંશોધક કહે છે, ‘માનવજાત ખોરાક માટે પશુઓ અને પશુઓના વિવિધ અવયવોનું સેવન સદીઓથી કરતી આવી છે. પણ હવે એ પ્રમાણ એ સ્તર પર વધ્યું છે કે લગભગ દરેકેદરેક પશુની પ્રજાતિ માટે ખતરાની ઘંટડી વાગી રહી છે. છેલ્લાં ૨૫૦ વર્ષમાં કુલ નવ મહાકાય જીવોની પ્રજાતિઓ નામશેષ થઈ ગઈ જેમાં બે જાયન્ટ કાચબા અને બે મહાકાય હરણનો પણ સમાવેશ થાય છે.’

કૉફીની પ્રજાતિઓ પણ વિનાશના આરે

ઇન્ટરનૅશનલ યુનિયન ઑફ કન્ઝર્વેશન ઑફ નેચર દ્વારા જાહેર થતા રેડ લિસ્ટમાં પહેલી વાર વાઇલ્ડ કૉફીને લગતો એક રિપોર્ટ જાહેર કર્યો છે. ૧૨૪ વાઇલ્ડ કૉફીના પ્રકારોમાંથી લગભગ ૬૦ ટકા કૉફીની પ્રજાતિઓ નષ્ટ થવાના આરે છે જેનાં કારણોમાં ડિફૉરેસ્ટેશન, ક્લાઇમેટ ચેન્જ અને ફર્ટિલાઇઝરના વધી રહેલા ઉપયોગને જણાવવામાં આવ્યાં છે. ગ્લોબલ લેવલ પર થઈ રહેલા કૉફીના પ્રોડક્શન પર પણ આની અસર તો પડશે જ, પણ એ દેખાતાં હજી થોડો સમય લાગશે એવું રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આપણે પણ બાકાત નથી

આ જ વાત આપણા ભારત દેશ માટે પણ એટલી જ યથાર્થ છે. ભારતમાં ૫૦૦ અભયારણ્ય અને સોથી વધુ નૅશનલ પાર્ક છે. આજ કારણ છે કે ફ્લોરા ઍન્ડ ફૌના એટલે કે વન્યસૃષ્ટિ અને જીવસૃષ્ટિનો ભારતમાં પણ વિશેષ દબદબો રહ્યો છે. વિવિધતાથી ભરેલા પશુ, પંખી, વનસ્પતિ અને જળચર જીવોની અઢળક પ્રજાતિઓ ભારતમાં છે. ભારતીય સંસ્કૃતિમાં પશુ-પંખીઓની પૂજા થાય છે. પોતાની દિનચર્યામાં પશુઓ સાથે સંકળાયેલી અનેક બાબતો આપણે ત્યાં આજેય ઘણાં ગામડાંઓમાં સામાન્ય છે. જંગલી પશુઓમાં બંગાળના ટાઇગર, ગીરના સિંહ, કેટલીક ખાસ પ્રજાતિનાં હરણો, સાપ, વાંદરાઓ, હાથી અને સાપની કેટલીક વિશિષ્ટ પ્રજાતિઓનું ઘર આપણો દેશ છે. વિશ્વના કુલ ૧૭ વિશાળ માત્રામાં બાયો ડાઇવર્સિટી ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે. યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમ દ્વારા પબ્લિશ થયેલા એક રિપોર્ટ અનુસાર વિશ્વની ૬.૫ ટકા વાઇલ્ડ લાઇફ પ્રજાતિઓ ભારતમાં છે જેમાં આપણા હાથી, બંગાળ ટાઇગર, ઇન્ડિયન લાયન, રાયનો, નાની પૂંછવાળા વાનર, કાળિયાર હરણ, ગંગામાં જોવા મળતી ડૉલ્ફિન માછલી, નીલ ગાય, સ્નો લેપર્ડ જેવાં લગભગ સવાસોથી વધુ પશુ, પંખી અને વનસ્પિતઓની પ્રજાતિઓ અત્યારે એન્ડેન્જર્ડ ઍનિમલ્સની યાદીમાં સમાઈ રહી છે.

સરકારે શું કર્યું?

ભારત સરકારે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ ૧૯૭૨માં અમલમાં મૂક્યો છે. જમ્મુ અને કાશ્મીર આમાંથી બાકાત છે. બાકી તમામ રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે જેના અંગર્ત એન્ડેન્જર્ડ અને અલભ્ય પ્રજાતિ હોય એવી વન્ય સૃષ્ટિનો કોઈ પણ પ્રકારનો વેપાર પ્રતિબંધિત છે. ભારતના તમામ નાના-મોટા નૅશનલ પાર્ક, જંગલો અને અભયારણ્યમાં ફૉરેસ્ટ વિભાગને વિશેષ અધિકારો આપીને સરકારે વન્ય જીવોની સુરક્ષાની જવાબદારી સોંપી છે. ૧૯૯૨થી સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી દ્વારા દેશના દરેક અભયારણ્ય પર ચાંપતી નજર રાખવાની કાર્યવાહીઓ પણ શરૂ કરવામાં આવી છે. ૧૯૯૬માં વાઇલ્ડલાઇફ ઍડ્વાઇઝરી કમિટી અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટની રચના કરી છે, જેમાં ભારતીય વન્ય સૃષ્ટિના સંવર્ધન માટેનાં સલાહસૂચનો વિશે ચર્ચા કરી પગલાં લેવામાં આવે છે. કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સાથે મળીને પણ વાઇલ્ડલાઇફને બચાવવાનાં કેટલાંક ઉચિત પગલાંઓ લીધાં છે.

આ પણ વાંચો : તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની

આપણે શું કરી શકીએ?

પ્રદૂષણ ઘટશે અને બને એટલા નેચર ફ્રેન્ડ્લી થતા જઈશું તો જ જોખમમાં મુકાયેલી આ એન્ડેન્જર્ડ પ્રજાતિઓને બચાવી શકાશે. એકેય એવું સ્થાન નથી જ્યાં આપણે પ્રદૂષણ ન ફેલાવ્યું હોય, વિશ્વના સાતે મહાસાગરો પ્લાસ્ટિક અને કેમિકલ પ્રદૂષણથી ખદબદવા લાગ્યા છે. હવાના પ્રદૂષણની સીમા નથી રહી. ભયજનક સ્થિતિમાં રહેલા પશુઓની સંખ્યા વધારવા માટે વિવિધ બ્રિડિંગ પ્રોગ્રામો પણ હાથ ધરાયા છે. યાદ હોય તો આપણા દેશમાં મોટા પાયે ‘સેવ ટાઇગર’ મિશન પાર પાડવામાં આવ્યું હતું. એ પછી વાઘની સંખ્યામાં નોંધનિય વધારો પણ થયો હતો. ઘણી સામાજિક સંસ્થાઓ વૈશ્વિક સ્તરે આ દિશામાં કામ કરી રહી છે. તમે તમારાથી બનતુ યોગદાન આ દિશામાં આપી શકો છો. આ દિશામાં વધુ ને વધુ ઊંડા ઊતરીને એને લગતી જાગૃતિ લાવવાના પ્રયત્નો પણ આપણે કરવા જોઈએ. આપણે અને આપણા પરિવારના તમામ સભ્યો કુદરતને સંવર્ધિત કરવાના પ્રયત્ન કરશે એવી ચોકસાઈ રાખવાના શપથ વ્યક્તિગત જવાબદારી સમજીને આપણે લેવા જોઈએ.

ગોકળગાયની આ પ્રજાતિ જાન્યુઆરીમાં જ થઈ લુપ્ત

ઝાડ પર જોવા મળતી જ્યૉર્જ નામની ગોકળગાયના જાન્યુઆરીની પહેલી તારીખે થયેલા મૃત્યુ પછી આ પ્રજાતિ આ વર્ષે ઑફિશ્યલી નામશેષ જીવોની યાદીમાં સામેલ થઈ ગઈ. જ્યારે કોઈ પણ જીવની પ્રજાતિ પચાસ વર્ષ સુધી દેખાય નહીં અથવા નજરે ન પડે એટલે એને ઑફિશ્યલી એãક્સ્ટન્ક્ટેડ એટલે કે નામશેષ જાહેર કરવામાં આવે છે.

રોમિયો છેલ્લો

બોલિવિયામાં રોમિયો નામના દરિયાઈ દેડકાની પ્રજાતિનો આ છેલ્લો જીવ છે. રોમિયોના ગયા પછી એની પ્રજાતિ પણ લુપ્ત થઈ જશે.

વાઇટ રાયનોની પ્રજાતિ ખતમ થવાને આરે

૨૦૧૮માં કેન્યામાં આ નર રાયનો મૃત્યુ પામ્યો, બે માદા રાયનો હજી જીવે છે. જોકે હવે પછી એમનો વંશ આગળ વધી શકે એવી શક્યતાઓ ઓછી છે. અલબત્ત, નર રાયનોના સંવર્ધિત કરાયેલા વીર્યકણોથી ટેસ્ટટ્યુબના પ્રયત્નો વૈજ્ઞાનિકો કરવાના છે, પરંતુ એની સફળતા અને વાઇટ રાયનોની પ્રજાતિના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ અકબંધ છે.

લાંબી પૂંછડીવાળા આ વાંદરા પણ નામશેષ થવાને આરે

કોલમ્બિયામાં જોવા મળતા લાંબી અને ઘટાદાર પૂંછવાળા આ વાનરોનો પાળતુ પ્રાણી તરીકે વેપાર કરવા ગેરકાયદે તસ્કરી વધી છે, જેણે એના અસ્તિત્વ પર જોખમ ઊભું કર્યું છે.

ભૂરા રંગના આ પોપટ ખતમ?

વાઇબ્રન્ટ બર્ડ તરીકે ઓળખાતા બ્રાઝિલના આ બ્લુ પૅરટ પણ હવે નામશેષ જાહેર કરવામાં આવ્યા છે. આ પોપટના વધતા વેચાણ અને જંગલો નેસ્તનાબૂદ થયાં હોવાને કારણે એ નામશેષ થયાનું કહેવાય છે. બેશક, કેટલાક નિષ્ણાતો માને છે કે લગભગ ૬૦-૭૦ પોપટ હજી પણ હયાત છે. ૨૦૧૬માં છેલ્લે એ જોવામાં આવ્યો હતો. જોકે નામશેષ નહીં તો પણ ક્રિટિકલી એન્ડેન્જર્ડની યાદીમાં તો છે જ. ૨૦૧૮માં આવાં લગભગ આઠ પક્ષીઓ નામશેષ યાદીમાં જાહેર કરાયાં છે.

નાની પૂંછવાળો વાનર

ભારતના પશ્ચિમઘાટમાં જોવા મળતા આ વિશેષ સિંહ જેવી રુવાંટી અને નાની પૂંછવાળા લાયન ટેઇલ વાંદરાની પ્રજાતિ પણ જોખમમાં છે. આ વાનરોની સંખ્યા ઘટી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK