કૉલમઃહર મર્ઝ કરી દવા બની શકે છે હોમિયોપથી

રુચિતા શાહ | Apr 10, 2019, 09:52 IST

આજે વર્લ્ડ હોમિયોપથી ડે નિમિત્તે જાણીએ આ થેરપીની કેટલીક એવી વિશેષતાઓ જે અન્ય ઉપચાર પદ્ધતિઓથી તેને અલગ તારવે છે. કોઈ પણ બીમારી આવવાના સાત તબક્કા અને તેને ટ્રીટ કરવામાં હોમિયોપથી કઈ ફિલોસૉફી સાથે કામ કરે છે

કૉલમઃહર મર્ઝ કરી દવા બની શકે છે હોમિયોપથી

લગભગ ૨૦૦ વર્ષ પહેલાં મેડિકલ પ્રૅક્ટિશનર ડૉ. સેમ્યુઅલ હેનેમાને(આજે જેમનો જન્મદિવસ છે) અઢળક રિસર્ચ કરીને ઝેરનું મારણ ઝેરની નીતિ પર કામ કરતી ઉપચાર પદ્ધતિ આપી, જેનું નામ છે હોમિયોપથી. એના નામમાં જ આ થેરપીની લાક્ષણિકતાઓ સમાયેલી છે. હોમિયો એટલે સિમિલર, સરખું અને પથી એટલે કે સફરિંગ. રોગને કારણે જે લક્ષણો શરીરમાં પેદા થયાં એવાં જ લક્ષણો બહારના સબસ્ટિટ્યુટ દ્વારા પેદા કરીને વધુ પાવરફુલ લક્ષણોથી ઓછા પાવરફુલ લક્ષણોને ડામવાની પદ્ધતિ એટલે હોમિયોપથી. ‘લાઇક ક્યૉર્સ લાઇક’ એટલે કે ઝેરનું મારણ ઝેર સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે એ દિશામાં અત્યાર સુધીમાં અઢળક રિસર્ચ થઈ ચૂક્યા છે અને અઢળક રિસચોર્ થવાનાં બાકી છે. તમારી પર્સનાલિટી અને તમારા રોગના મૂળને બરાબર સમજીને દવા આપનારો ચિકિત્સક યોગ્ય હોય તો કોઈ પણ રોગને નાથવાની ક્ષમતા આ નૅચરલ ઉપચાર પદ્ધતિમાં છે.

રોગના સાત તબક્કા

આ દુનિયામાં સાતનું મહત્વ અનન્ય છે. ઘણી બધી ઍન્ટિક વસ્તુઓને સાતમાં સમાવવામાં આવી છે. મેઘધનુષના સાત રંગ, સાત સૂર, સાત અજાયબીઓ. હોમિયોપથીના પ્રૅક્ટિશનરોએ રોગોને પણ સાત તબક્કામાં વિભાજિત કર્યા છે. કોઈ પણ વ્યક્તિને સીધેસીધો અસ્થમા થતો નથી. શરદીને દબાવ્યા કરો ત્યારે તબક્કાઓ પછી અસ્થમા થાય. અલ્સર ડાયરેક્ટ થતું નથી. ઍસિડિટીને દબાવ્યા કરશો તો એના પછી પાચનને લગતી સમસ્યા અને એમાંથી બીજી સમસ્યાઓ બાદ ઍસિડિટી અલ્સરનું રૂપ લેશે. બ્રેઇન સ્ટ્રૉક હોય, કૅન્સર હોય કે હાર્ટઅટૅક -એ ક્યારય અચાનક ટપકી પડતા નથી. એના આગમન પહેલાં તમને ઘણાં સિમ્પટમ્પ્સ મળતાં હોય છે. આ સંદર્ભે પચ્ચીસ વર્ષથી પ્રેકટિસ કરતા અનુભવી હોમિયોપથી પ્રેક્ટિશનર ડૉ. મિતેશ વોરા કહે છે, ‘કોઈ પણ રોગનું આગમન થાય ત્યારે એની પહેલી અસર સ્કિન, વાળ અને નખ પર દેખાય. આ રોગનું પહેલું લેયર છે. વાળ, ત્વચા કે નખને લગતા રોગો થાય ત્યારે જ અલર્ટ થઈ જવું જોઈએ કે શરીરમાં કોઈક પ્રકારની અવ્યવસ્થાઓ શરૂ થઈ છે. પહેલા લેયરમાં જો ધ્યાન ન અપાય અને રોગને દબાવવાની અથવા તેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે તો બીજા લેયરનો તબક્કો આવે. બીજા લેયરમાં મોટા ભાગે શરદી, ખાંસી, પાચનને લગતી સમસ્યા, ડાયેરિયા, ગૅસ, ઍસિડિટી, લિવરને લગતી સમસ્યા, યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન, વાૉમિટિંગ, ઇરિટેબલ બોવલ સિન્ડ્રૉમ જેવી સમસ્યાઓ થાય છે. બીજા લેયરમાં પણ રોગના મૂળને હટાવવાની દિશામાં ધ્યાન ન અપાયું તો ત્રીજા લેયરમાં હાડકાને લગતી, સાંધાઓને લગતી અને સ્નાયુઓને લગતી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. ચોથા લેયરમાં હાઇપરટેન્શન, કૉલેસ્ટ્રોલ, કિડની અને ફેફસાને લગતા રોગો ઉદ્ભવી શકે છે. પાંચમા લેયરમાં અંતસ્ત્રવી ગ્રંથિઓને લગતા રોગો જેમ કે ડાયાબિટીઝ, થાઇરોઇડ, પીસીઓડી જેવા રોગો થાય છે. અહીં પણ રોગોને શરીરમાંથી બહાર કાઢવાને બદલે સિમ્પટમ્પ્સને જ દબાવવાની કોશિશ થાય તો છઠ્ઠા તબક્કામાં દરદી પહોંચે. જ્યાં બ્રેઇન અને હાર્ટને લગતી સમસ્યાઓ શરૂ થાય. સાતમા તબક્કામાં બ્રેઇન સ્ટ્રૉક, પૅરૅલિસિસ, કૅન્સર, પાર્કિન્સન્સ અને અલ્ઝાઇમર્સ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સાત લેયરની વાતને સમજવી જરૂરી છે, કારણ કે એનાથી જ તમારા રોગનો તબક્કો સમજવામાં મદદ મળે છે. હોમિયોપથીનો ઇલાજ જ્યારે શરૂ થાય છે ત્યારે ક્યૉર પણ તબક્કા મુજબ થાય છે. જોકે ક્યૉરની શરૂઆત ઉપરની નીચેના ઑર્ડર પર થાય છે. વધુ મહત્વના અવયવથી ઓછા મહત્વના અવયવની દિશામાં થાય છે. એટલે ધારો કે તમને હાર્ટ ડિસીઝ છે અને સાથે સ્કિન પ્રૉબ્લેમ પણ છે તો હોમિયોપથીના ઇલાજમાં પહેલાં હૃદય સારું થશે અને પછી ધીમે ધીમે સ્કિનની તકલીફ દૂર થશે. જે બીમારી પહેલા આવી છે એ સૌથી છેલ્લે ક્યોર થશે અને જે બીમારીએ છેલ્લે એન્ટ્રી મારી છે એ પહેલા સાજી થશે. તેમ જ અંદરથી બહાર સારુ થશે. એ રીતે આ સારવાર સ્માર્ટ છે.’

કેટલું અલગ?

હોમિયોપથીમાં વ્યક્તિએ વ્યક્તિએ દવા જુદી હોય. વ્યક્તિનું શારીરિક, માનસિક અને વ્યક્તિત્વનું બંધારણ જાણ્યા પહેલાં તેને કોઈ સ્ટાન્ર્ડડાઇઝ દવા આપી જ ન શકાય. ડૉ. મિતેશ કહે છે, ‘ઍલોપથી અને આયુર્વેદમાં અહીં જ તે જુદું પડે છે. ઍલોપથીમાં રોગ મુજબ દવાઓ ફિક્સ છે. અફકોર્સ, કેટલાંક બૅક્ટેરિયલ ઇનફેક્શનમાં તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે ઍલોપથી વધુ અક્સીર હોય. ધારો કે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું છે, જે શરીરની સિસ્ટમને બહોળા પ્રમાણમાં અસર પહોંચાડી રહ્યું છે. એવા સમયે ઍન્ટિ-બાયોટિક દ્વારા એ બૅક્ટેરિયાને ખતમ કરવા એ જ પહેલી પ્રાયોરિટી હોય. ઍલોપથી એ સારી રીતે કરશે, પણ એ પ્રોસેસ માત્ર બૅક્ટેરિયા પૂરતી મર્યાદિત હશે. એની સાથે વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ પર એની કોઈ અસર નહીં હોય અથવા તો રોગપ્રતિકારક શક્તિ ઘટશે. હોમિયોપથી એ સમયે વ્યક્તિને માઇન્ડથી અને ઇમ્યુનિટીની દૃષ્ટિએ પણ સ્ટ્રૉન્ગ બનાવવાનું કામ કરશે. બીજી બાજુ આયુર્વેદની વાત કરીએ. આયુર્વેદ પણ નૅચરલ મેડિસિન છે, પરંતુ આયુર્વેદની દવાઓમાં પ્યૉરિટીનો પ્રશ્ન અકબંધ છે. સાચી દવાઓ કઈ એવું કહેનારા ઑથેન્ટિક આયુર્વેદિક ડૉક્ટરો ઓછા છે અને શુદ્ધ અને આયુર્વેદના નિયમોનુસાર બનેલી દવાઓની અવેલિબિલિટી ઓછી છે. એની તુલનાએ હોમિયોપથીની દવાઓ સો ટકા શુદ્ધ છે. એમાં ભેળસેળનો પ્રશ્ન જ નથી. જર્મન ટેક્નૉલૉજીથી બનતી દવાઓની ગુણવત્તાનો મુદ્દો નથી. હવે જરૂર છે માત્ર એમાંથી કઈ દવાઓ કેટલી માત્રામાં કોને આપવી એની સમજણ ધરાવતા યોગ્ય ચિકિત્સકની.’

કઈ રીતે કામ કરે?

આગળ કહ્યું એમ સામ્યતાના સિદ્ધાંત પર આ થેરપી કામ કરે છે, જેનું વિશ્લેષણ કરતાં ડૉ. મિતેશ કહે છે, ‘ધારો કે તમને મલેરિયા થયો. એ મલેરિયામાં ઠંડી લાગવી, ધ્રુજારી થવી, તાવ આવવો અને પછી પસીનો થઈને તાવ ઊતરી જવો. અમુક કલાકો પછી પાછું આમ થવું. આધુનિક મેડિકલ સાયન્સ બ્લડ ટેસ્ટ કરાવીને જો એમાં મલેરિયા આવે તો સૌથી પહેલાં તેની ઇન્ટેન્સિટિ પ્રમાણે મલેરિયાની દવા શરૂ કરી દેશે. એની સાથે શરીરમાં જે ઊંચનીચ થઈ હોય એની સબ્સ્ટીટયુટ દવાઓ આપશે. હોમિયોપથીમાં મલેરિયાના તાવની લગભગ બસ્સોથી વધારે દવાઓ છે. કોને કઈ દવાઓ આપવી એ પેશન્ટની કન્ડિશન પર નર્ભિર કરે છે. હોમિયોપથીનો ડૉક્ટર પહેલાં પેશન્ટ જનમ્યો ત્યારથી લઈને અત્યાર સુધીની તેની આખેઆખી કેસ હિસ્ટરી તૈયાર કરશે, જેમાં એ વ્યક્તિનો સ્વભાવ, તેની માનસિક સ્થિતિ, તેના મનમાં રહેલા સ્ટ્રેસનાં કારણો, તેની રહેણીકરણી, તેની ખાણીપીણી, તેની આસપાસનું વાતાવરણ, તેની પસંદ-નાપસંદ, તેને આવતાં સ્વપ્નો, તેની પારિવારિક સ્થિતિ, અન્ય શારીરિક સમસ્યાઓ, તેની ઊંઘની પૅટર્ન આમ દુનિયાભરના પ્રશ્નો ઉપરાંત તેને આવી રહેલા તાવનાં સિમ્પટ્મ્પ્સમાં પણ શું વિશેષ છે એની માહિતી મેળવશે. એ પછી એ તાવનાં લક્ષણો જેવાં જ લક્ષણો પેદા કરતી દવા આપશે. આ દવાનાં વધુ પાવર ધરાવતા સિમ્પટમ્પ્સમાં શરીરમાં ઑલરેડી હાજર રહેલાં લક્ષણો પર હાવી થશે એટલે પેલાં લક્ષણો દૂર થઈ જશે અને જેવો દવાનો પાવર ઊતરશે એટલે દવાને કારણે ઉદ્ભવેલાં લક્ષણો પણ દૂર થશે. આ રીતે ઝેરનું મારણ ઝેરનો નિયમ લાગુ પડશે.’

દવાઓમાં શું હોય?

સાબુદાણા જેવી દેખાતી દવાઓમાં કોઈક પારદર્શક લિક્વિડ નાખેલી હોમિયોપથીની દવાઓ તમે જોઈ હશે. આ દવાઓમાં ખરેખર હોય શું? એનો જવાબ આપતાં ડૉ. મિતેશ કહે છે, ‘હોમિયોપથીમાં સોર્સ ઑફ મેડિસિનને ચાર પ્રકારમાં વિભાજિત કરાઈ છે. પ્લાન્ટ કિંગડમ, ઍનિમલ કિંગડમ, મિનરલ કિંગડમ અને મેટલ કિંગડમ. રોગનો પ્રકાર અને વ્યક્તિત્વનો પ્રકાર જાણીને કયા કિંગડમની દવા આપવી એનો નર્ણિય લેવાય છે. જે વ્યક્તિ કોમળ સ્વભાવના સંવેદનશીલ અને ખૂબ લાગણીસભર હોય તેમને પ્લાન્ટ કિંગડમની મેડિસિન વધુ અસર કરે છે. ઝાડ, ફૂલ, પાંદડાં, શાકભાજી, ફ્રૂટ્સ જેવા વનસ્પતિજન્ય પદાથોર્માંથી મળતા અર્કને પ્રોસેસ કરીને દવા તરીકે વાપરવામાં આવે છે. ઈષ્ર્યા, રિવેન્જ, રેસ્ટલેસનેસ જેવા ભાવમાંથી પસાર થતા હોય તેમને માટે ઍનિમલ કિંગડમની દવાઓ કામ કરે છે. ઍનિમલ કિંગડમ એટલે કોઈ પશુને મારીને નહીં, પણ તેમના દૂધ અને તેમના ઝેર વગેરેનો દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. કૅન્સરની દવા માટે સાપના ઝેરની કેટલીક દવાઓ અદ્ભુત પરિણામ આપી રહી છે. એવી જ રીતે જમીનમાંથી મળતાં ખનીજો અને વિવિધ ક્ષારોમાંથી બનતી દવાઓ મેટલ અને મિનરલ કિંગડમમાં આવે. પ્લેટિનમ ધાતુમાંથી બનતી એક દવા ખૂબ જ અભિમાની અને સુપિરિયારિટી કૉમ્પ્લેક્સમાંથી પસાર થઈ રહેલા લોકોના ઇલાજમાં હેલ્પ કરે છે.’

આ પણ વાંચોઃ કૉલમઃગુસ્સે કો આ જાને દો

હોમિયોપથી પાસે લગભગ પાંચ હજાર કરતાં વધુ એલિમેન્ટમાંથી મળતી દવાઓ છે. આ તત્વોમાં રહેલા દવા માટે ઉપયોગી પાર્ટને લઈને તેના પર પોટેન્ટાઇઝેશન (દવામાં મેડિસિનલ આલ્કોહોલ નાખતાં જવું) અને ટ્રાયચ્યુરેશન (ઘૂંટતાં જવું)ની પ્રોસેસ કરવામાં આવે, જે તેને વધુ ઇફેક્ટિવ અને લાંબો સમય પ્રિઝર્વ કરી શકાય એવી બનાવે છે. સફેદ કલરની સાબુદાણા જેવી ગોળીઓ મેડિકલ ભાષામાં ગ્લોબ્યુલ્સ તરીકે ઓળખાય છે. આ મૅજિક પિલ્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં મેડિસિનલ શુગર (ડાયાબિઝીટના દરદીને નુકસાન ન કરે) અને બકરીના દૂધમાંથી બનાવવામાં આવે છે. આ પિલ્સમાં ઉમેરવામાં આવતા પારદર્શી પ્રવાહીમાં સહેજ માત્રામાં મેડિસિનલ આલ્કોહોલ હોય છે, જે દવાનું બાષ્પીભવન અટકાવીને લાંબા સમય માટે પ્રિઝર્વ કરવામાં મદદ કરે છે.

સારવારમાં સમય શું કામ લાગે?

હોમિયોપથી એ ખૂબ જ સ્લો રિઝલ્ટ આપનારી ઉપચાર પદ્ધતિ છે એવી સામાન્ય માન્યતા છે. આ વિશે ખુલાસો કરતાં ડૉ. મિતેશ કહે છે, ‘હોમિયોપથી પદ્ધતિમાં સારવારનો આધાર ઘણા બધા ફૅક્ટર પર રહેલો છે. સૌથી પહેલાં તો વ્યક્તિનો રોગ કેટલો જૂનો છે. જો આઠ-દસ વર્ષ સુધી કોઈ રોગને દબાવતા રહ્યા છો અને પછી સારવાર માટે આવો છો તો એને સારું થતાં કમસે કમ વર્ષ લાગશે જ. સારવાર દરમ્યાન રોગનાં લક્ષણો વધશે. એટલે એ રીતે ધીરજ અને ડૉક્ટરની સારવાર પર ભરોસો બન્ને હોવાં જરૂરી છે. બીજું, સારવાર શરૂ કરતાં પહેલાં પેશન્ટ પોતાની હિસ્ટરી સાચી અને સચોટ કહે એ પણ મહત્વનું છે. જો તમે અહીં ડૉક્ટર પાસે આવીને કંઈ છુપાવતા રહ્યા તો તમારા સ્વભાવ, શારીરિક અને માનસિક કોન્સ્ટિટ્યુપેશનનું સાચું ઍનૅલિસિસ ડૉક્ટર નહીં કરી શકે અને એ પછી તમારા માટે યોગ્ય હોય એવી દવા પણ નહીં મળે. ત્રીજું, તમારી બાજુથી બધું જ બરાબર રહ્યું, પરંતુ તમારા ડૉક્ટરમાં પ્રૉપર ઍનૅલિસિસ કરવાની આવડત નહીં હોય તો સાચું નિદાન અને સાચા નિદાન મુજબની યોગ્ય દવા ડૉક્ટર નહીં આપી શકે. આ થેરપીમાં દવાની માત્રા, ફ્રિકવન્સી અને સમય-સમય પર લક્ષણોને ધ્યાનમાં રાખીને દવાઓને બદલવાની અલર્ટનેસ પણ ડૉક્ટરમાં હોવી જોઈએ. એની સાથે જ દવા લઈ રહેલા પેશન્ટની લાઇફસ્ટાઈલ પણ બદલાય એ મહત્વનું છે. દવા ચાલુ હોય છતાં એ ઉજાગરા કરે, જંકફૂડ ખાય તો દવા અસર ન પણ કરે. ઇનફૅક્ટ, હોમિયોપથી દવાઓ એટલી સેન્સિટિવ હોય છે કે કોઈ વ્યક્તિ ઓવર-સ્ટ્રેસ લે કે ખૂબ શારીરિક ઍક્ટિવિટી કરે, અનહેલ્ધી ખોરાક લે તો પણ અસર ન કરે. આ દવા ચાલતી હોય ત્યારે અમે કાચા કાંદા, કાચું લસણ અને કૉફી પીવાનું બંધ કરવાની સલાહ પેશન્ટને આપતા હોઈએ છીએ.’

આ પણ વાંચોઃ શું છે તમારી સમર હેરસ્ટાઇલ?

ટૂંકમાં કહેવું હોય તો રાઇટ હિસ્ટરી, રાઇટ ઍનૅલિસિસ અને રાઇટ દવા આ ત્રણેય સાથે પેશન્ટમાં ધીરજ અને વિશ્વાસ હોય તો કોઈ પણ રોગોમાં હોમિયોપથી રોગને મૂળમાંથી કાઢીને વ્યક્તિને માનસિક, શારીરિક અને ઇમોશનલ રીતે સ્ટ્રૉન્ગ બનાવવાનું કામ કરે છે. ડૉ. મિતેશ કહે છે એ રીતે હોમિયોપથી તમને મન, શરીર અને ઇમોશનથી સાજા કરે છે. માત્ર સિમ્પટમ્પ્સને નહીં, પણ તમારા મગજને પાવરફુલ બનાવીને તમારું પોતાનું બ્રેઇન જ શરીરની સિસ્ટમને વ્યવસ્થિત કરી નાખે એ પ્રકારની તમામ સુવિધાઓ આ ઉપચાર પદ્ધતિ આપે છે. બેશક, યોગ્ય ડૉક્ટર અને ધીરજ બન્ને રાખવાની તૈયારી હોય તો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK