રિક્ષાવાળાઓને સીધાદોર કરશે સ્માર્ટ કાર્ડ

Published: 29th September, 2011 19:53 IST

મનસ્વી રીતે વર્તીને પૅસેન્જરોને હેરાન કરતા ટૅક્સી તથા રિક્ષા-ડ્રાઇવરોને સીધા કરવા માટે રાજ્ય સરકારે હવે ઇલેક્ટ્રૉનિક ‘સ્માર્ટ કાર્ડ’નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ગેરકાયદે હડતાળ કરીને મુંબઈગરાઓને રિક્ષાવાળાઓએ હેરાન કર્યા એને પગલે આ પગલું આવી રહ્યું છે.

 

 

 

- શશાંક રાવ


મુંબઈ, તા. ૨૯


ભાડા પર આવવાનો ઇનકાર, મીટર સાથે ચેડાં કરવાં જેવી પ્રવાસીઓની ફરિયાદો હવે ડ્રાઇવરોને આરટીઓ દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ લાઇસન્સ પર રેકૉર્ડ થઈ જશે

આરટીઓ (રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ)એ અઠવાડિયા સુધી રિક્ષાવાળાનાં મીટર ચેક કરવાની ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં ૯૭ ડ્રાઇવરોને મીટર સાથે ચેડાં કરવા બદલ પકડ્યા હતા. આના વિરોધમાં રિક્ષાવાળાઓએ હડતાળ કરી હતી અને તેમના યુનિયને પણ તેમને સાથ આપ્યો હતો. આરટીઓને પોતાની હેલ્પલાઇન પર ૫૦૦૦ જેટલી ફરિયાદો મળી હતી.


હવે જોકે આરટીઓ સ્માર્ટ કાર્ડ રીડરના સૉફ્ટવેરમાં સુધારો કરાવશે, જેથી રિક્ષા કે ટૅક્સી-ડ્રાઇવરોને આપવામાં આવતા સ્માર્ટ કાર્ડને પૂરી રીતે વાંચી શકાય. આ માટે આરટીઓ નૅશનલ ઇન્ફૉર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી)ની સહાય લેશે. ટ્રાન્સર્પોટ સેક્રેટરી એસ. શર્માએ કહ્યું હતું કે અમે સિસ્ટમમાં કોઈ જ છટકબારી રાખવા નથી માગતા એટલે સૉફ્ટવેરમાં સુધારો કરી રહ્યા છીએ.


સ્માર્ટ કાર્ડ લાઇસન્સમાં ડ્રાઇવરનાં નામ, સરનામાં, ફોટોગ્રાફ વગેરે જેવી વિગતો હોય છે. એમાં ડ્રાઇવરે કરેલા ગુનાની વિગતો પણ હોય છે અને એ ફક્ત સ્માર્ટ કાર્ડ રીડર દ્વારા જ જાણી શકાય છે. સ્માર્ટ કાર્ડ રીડરમાં સુધારો થયા પછી ડ્રાઇવરોના દરેક ગુનાની એમાં નોંધણી થઈ જશે. જો રિક્ષા કે ટૅક્સી-ડ્રાઇવર ભાડા પર આવવાનો ઇનકાર કરે, મીટર સાથે ચેડાં કરે કે તેમની સામેની અન્ય કોઈ ફરિયાદ હોય, એ બધું જ સ્માર્ટ કાર્ડમાં નોંધાઈ જશે. આમ હવે ૭૫,૦૦૦ ટૅક્સી-ડ્રાઇવરો અને બે લાખ રિક્ષા-ડ્રાઇવરો નાનામાં નાની ભૂલ કરશે તો એની નોંધ તેમના સ્માર્ટ કાર્ડમાં થઈ જશે અને આરટીઓને એની જાણ થઈ જશે. મોટા ભાગના રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો બે શિફ્ટમાં કામ કરે છે એટલે શહેરમાં ટૅક્સી-ડ્રાઇવરોની કુલ સંખ્યા ૪૨,૦૦૦ અને રિક્ષા-ડ્રાઇવરોની સંખ્યા ૧.૦૪ લાખ છે.

સ્માર્ટ કાર્ડ રીડર કઈ રીતે કામ કરશે?

- સ્માર્ટ કાર્ડમાં ૪ કેબીની એક ચિપ નાખવામાં આવી હોય છે, જેમાં ડ્રાઇવરે કરેલા ગુના સહિતની વિગતો હોય છે.

- સૉફ્ટવેરમાં એવા સુધારા કરવામાં આïવી રહ્યા છે, જેથી ટૅક્સી કે રિક્ષા-ડ્રાઇવર ભાડા પર આવવાની ના પાડે કે મીટર સાથે ચેડાં કરે તો એ કાર્ડ રીડર દ્વારા જાણી શકાશે.

- જો આરટીઓના અધિકારી કે ટ્રાફિક-પોલીસ ઑટો કે રિક્ષા-ડ્રાઇવરને કોઈ ગુનો કરતાં પકડશે તો તેનો ગુનો કાર્ડમાં નોંધાઈ જશે.

- એ જ એન્ટ્રી ડ્રાઇવરના સ્માર્ટ કાર્ડમાં પણ નોંધાશે અને સૅટેલાઇટ પર આધારિત સૉફ્ટવેર દ્વારા એ આરટીઓના ડેટાબેઝમાં આવી જશે.

- ડ્રાઇવર ગુનો કરતો પકડાય ત્યારે આરટીઓના અધિકારીને તેના પહેલાંના ગુના વિશેની જાણકારી પણ મળી જશે. તરત જ આરટીઓના અધિકારી કે પોલીસ બધી જ માહિતી આરટીઓને મોકલી દેશે.

- આરટીઓના અધિકારીઓ તરત જ ડ્રાઇવરો સામે પગલાં લેશે.

- અત્યારે તેઓ નાનો દંડ ફટકારવા સિવાય તેમની સામે કોઈ બીજાં પગલાં નથી લઈ શકતા.

- ૨૦૧૨ના અંત સુધીમાં સ્માર્ટ કાર્ડ રીડરમાં આ સુધારો થઈ જશે.

- આરટીઓનો હેલ્પલાઇન નંબર : ૧૮૦૦-૨૨-૦૧૧૦

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK