Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લકીરના ફકીર બનતા બૅન્કોના બાબુઓને RTI અરજીએ મગજ ચલાવવા મજબૂર કર્યા

લકીરના ફકીર બનતા બૅન્કોના બાબુઓને RTI અરજીએ મગજ ચલાવવા મજબૂર કર્યા

09 May, 2020 08:07 PM IST | Mumbai Desk
Dheeraj Rambhiya

લકીરના ફકીર બનતા બૅન્કોના બાબુઓને RTI અરજીએ મગજ ચલાવવા મજબૂર કર્યા

RTI

RTI


જયેશભાઈ તેમનાં માતુશ્રી પુષ્પાબહેન સાથે રહેતા હતા. ઇન્ડિયન બૅન્કની મુલુંડ-વેસ્ટની શાખામાં સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ નામધારક ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં બે લાખ તથા સાડાત્રણ લાખ રૂપિયાની રકમ તેમના નામે રોકાણ કરવામાં આવેલી તથા એના પરના વ્યાજની રકમ નિયમિત રીતે તેમના બચત-ખાતામાં જમા થતી હતી. ૨૦૧૭ની ૩ એપ્રિલે પુષ્પાબહેનનું અવસાન થયું, જેની જાણ બૅન્કને કરવામાં આવી. બૅન્કના અધિકારીએ જયેશભાઈને જણાવ્યું કે ફિક્સ ડિપોઝિટની મુદત પૂરી થાય ત્યારે બૅન્કને જાણ કરશો, હમણાં જાણ કરવાની જરૂર નથી. 

ફિક્સ ડિપોઝિટની પાકતી મુદતના દિવસે જયેશભાઈ બૅન્કના અધિકારીને મળ્યા અને ફિક્સ ડિપોઝિટની મુદત પૂરી થઈ હોવાથી એ બંધ કરીને એ રકમ સેવિંગ્સ ખાતામાં જમા કરવાની વિનંતી કરી. આ સાંભળીને બૅન્કના બાબુનો પારો સાતમા આસમાને પહોંચ્યો. તેઓ તાડૂકતાં બોલ્યા, ‘મૃત્યુની બૅન્કને સમયસર જાણ કરી ન હોવાથી ફિક્સ ડિપોઝિટના વ્યાજનો દર નહીં મળે અને જે ફિક્સ ડિપોઝિટના ઉચ્ચ દરે વ્યાજ ચૂકવવામાં આવ્યું છે એ ફિક્સ ડિપોઝિટની મૂળ રકમમાંથી બાદ કરી લેવામાં આવશે. ફિક્સ ડિપોઝિટના વ્યાજની ગણતરી કરી અનુક્રમે ૧૧૬૭ અને ૨૦૪૨ રૂપિયા જમા કરવામાં
આવ્યા અને વધુ ચૂકવવામાં આવેલી
બાકીની ફિક્સ ડિપોઝિટની મૂળ રકમમાંથી બાદ કરી દેવામાં આવી. બૅન્કના બાબુની વાણી અને વ્યવહારથી જયેશભાઈ વ્યથિત થઈ ગયા અને શું કરવું એની અવઢવમાં સરી પડ્યા.
‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે તેઓ આ કૉલમ પણ રસપૂર્વક અચૂક વાંચતા હતા અને આથી તરુણ મિત્ર મંડળ સંચાલિત જનઅધિકાર અભિયાન અંતર્ગત ચાલતાં સેવા કેન્દ્રોની પ્રવૃત્તિથી સુમાહિતગાર હતા. સેવા કેન્દ્રની મદદ તથા માર્ગદર્શન હેઠળ આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) કાયદાનો ઉપયોગ કરી બૅન્કના બાબુઓની સાન ઠેકાણે લાવવાનો વિચાર તેમને અચાનક સ્ફુર્યો.
સેવા કેન્દ્રની હેલ્પલાઇનના મથાળા હેઠળ પ્રસિદ્ધ થયેલા મોબાઇલ-નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવીને ૨૦૧૯ની ૩ જૂને કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્રના નિયામક સુરેશ ગાલા સાથે થઈ. સુરેશભાઈ તથા કેન્દ્રના અન્ય સાથીઓએ જયેશભાઈની વિટંબણાની વાત શાંતિથી સાંભળીને લઈ આવ્યા હતા એ ફાઇલનો અભ્યાસ કરી ૨૦૧૯ની ૩ જૂનનો ઇન્ડિયન બૅન્ક, મુલુંડ-વેસ્ટની શાખાના બ્રાન્ચ-મૅનેજરને સંબોધતો પત્ર બનાવી આપ્યો, એમાં મુખ્યત્વે ફિક્સ ડિપોઝિટ પર આપવા યોગ્ય વ્યાજની ગણતરીની વિગતવાર માહિતી માગવામાં આવી હતી.
ઉત્તમોત્તમ ગ્રાહક સેવાની છડી પોકારતા રાષ્ટ્રીયકૃત બૅન્કના બાબુઓએ ન તો પત્ર પર કોઈ કાર્યવાહી કરી કે ન તો પત્રનો જવાબ આપવાની તસ્દી લીધી. એથી ૨૦૧૯ની ૧૭ જૂને જયેશભાઈએ અપૉઇન્ટમેન્ટ
મેળવી અને ફરીથી કેન્દ્ર પર પહોંચ્યા. કેન્દ્ર નિયામક સુરેશભાઈએ તરત આરટીઆઇ ઍક્ટ હેઠળની પ્રથમ અરજી બનાવી
આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી :
૧. આપની મુલુંડ શાખાના બ્રાન્ચ-મૅનેજરને સંબોધતા ૨૦૧૯ની ૩ જૂનના પત્ર પર કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી આપશો.
૨. જો મારા પત્ર પર કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી થઈ હોય તો એમ કરવાનાં કારણ જણાવશો.
૩. મારા પત્ર પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો, બૅન્ક તરફથી આપવામાં આવેલો મોબાઇલ-નંબર, બૅન્કના ડાયરેક્ટ લૅન્ડલાઇન-નંબર જણાવશો.
૪. મારા પત્ર પર કાર્યવાહી ન કરનાર અથવા અધૂરી કાર્યવાહી કરનાર કે વિલંબથી કાર્યવાહી કરનાર કસૂરવાર અધિકારી પર કરવામાં આવેલી શિક્ષાત્મક કાર્યવાહીની વિગતવાર માહિતી આપશો.
૫. કસૂરવાર અને બેદરકાર અધિકારી પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જબાબદારી ધરાવનાર જયેષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના મોબાઇલ-નંબર, કાર્યાલયની લૅન્ડલાઇનના ડાયરેક્ટ નંબર તથા કાર્યાલયનું સરનામું જણાવશો.
૬. ઉપરોક્ત પાંચ સૂચન મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં કસૂર કરનાર જયેષ્ઠ અધિકારી પર શિસ્તભંગનાં પગલાં ભરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો, સંપર્ક-નંબર તથા કાર્યાલયનું
સરનામું જણાવશો.
૭. તા. ૦૧-૦૪-૨૦૧૬થી તા. ૩૦-૦૪-૨૦૧૯ દરમ્યાન સેવિંગ્સ બૅન્ક તથા સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પરના પ્રવર્તમાન વ્યાજના દર જણાવશો.
૮. બૅન્કની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમની વિગતવાર, સંપૂર્ણ માહિતી આપશો.
૯. ફિક્સ ડિપોઝિટ પર આપવામાં આવેલા ૧૧૬૭ તથા ૨૦૪૨ રૂપિયાના વ્યાજની રકમની ગણતરીની વિગતવાર તથા સંપૂર્ણ માહિતી આપશો.
૧૦. ઉપરોક્ત બાબતોને અનુરૂપ અન્ય જેકોઈ માહિતી હોય એ અચૂક આપશો.
૧૧. આપનો જવાબ અસંતોષકારક કે અધૂરો લાગે કે જવાબ મોડો મળે તો એની સામે અપીલ કરી શકાય એ માટે સંબંધિત ફર્સ્ટ અપેલેટ ઑથોરિટીનું નામ, સરનામું, સંપર્ક-નંબર તથા હોદ્દાની વિગતવાર માહિતી આપશો.
આરટીઆઇ ઍક્ટ હેઠળની ઉપરોક્ત ધારદાર અરજી મળતાં બાબુઓ સમસમી ગયા હશે. પોતાનો પક્ષ કે બાજુ નબળી હોય ત્યારે મૌનસ્થ અને ધ્યાનસ્થ થવાની કુટેવ વારસામાં મળેલી હોવાથી ૨૦૧૯ની ૧૭ જૂનની અરજીનો જવાબ ન અપવાની ધૃષ્ટતા બાબુઓએ કરતાં સુરેશભાઈ તથા સાથીઓએ ૨૦૧૯ની ૨૨ જુલાઈની ફર્સ્ટ અપેલેટ ઑથોરિટીને સંબોધીને પ્રથમ અપીલ બનાવી આપી. બૅન્કની મુલુંડ શાખાના પાકચટ અધિકારીઓ અર્ધપુખ્તતાને કારણે જે સમજી ન શક્યા એ ફર્સ્ટ અપેલેટ ઑથોરિટી કાર્યાલયના અધિકારીઓ અપીલની શબ્દબાંધણીથી સમજી ગયા કે ફરિયાદનો તાત્કાલિક ધોરણે નિવેડો લાવવામાં નહીં આવે તો બીજી અપીલની માથે લટકતી તલવારથી એકાદ અધિકારી બલિનો બકરો બનશે. સીપીઆઇઓ (સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)એ અપીલ મળ્યાના જ દિવસે જયેશભાઈને જવાબી પત્ર પાઠવ્યો કે આપની અરજી મળી ગઈ છે અને આપની ફરિયાદ બાબતની વિગતવાર માહિતી અમારી મુલુંડ શાખામાંથી મગાવી છે. જે આરટીઆઇ એક્ટ, ૨૦૦૫ના ધારાધોરણ મુજબ આપને ૪ અઠવાડિયાંમાં વિગતવાર જવાબ મોકલીને આપવામાં આવશે.
કૉર્પોરેટ ઑફિસરના જયેષ્ઠ અધિકારીઓએ બ્રાન્ચના અધિકારીઓના કાન આમળ્યા હશે એથી ૨૦૧૯ની ૨૮ જુલાઈના પત્ર દ્વારા બ્રાન્ચ-મૅનેજરે જવાબ આપવામાં થયેલા વિલંબ બદલ માફી માગી તથા ફરિયાદનું વહેલી તકે નિરાકરણ કરવાની બાંયધરી આપી.
ધારદાર અરજીની ધારી અસર થઈ. ચાર અઠવાડિયાંની અંદર અર્થાત્ ૨૦૧૯ની ૨૬ ઑગસ્ટે બાકી રહેતા ૨,૦૧,૧૬૭ રૂપિયા જમા થઈ ગયા. કર્તવ્યનિષ્ઠ સુરેશભાઈ, ચિરાગભાઈ, ભાવેશભાઈ તથા મેહુલભાઈની અથાક મહેનતથી જયેશભાઈની માનસિક યાતનાનો સુખદ તથા ન્યાયપૂર્વક અંત આવ્યો. ફાઇટ ફૉર યૉર રાઇટની વિભાવના વધુ એક વખત પ્રસ્થાપિત થઈ તથા એનો જયજયકાર થયો.
મુખવાસ
ઊઠ જાગ મુસાફિર, ભોર ભઈ (ભોર-પરોઢ)
અબ રૈન કહાં? કી સોવત હૈ (રૈન-રાત્રિ)
જો સોવત હૈ વો ખોવત હૈ,
જો જાગત હૈ વો પાવત હૈ.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 08:07 PM IST | Mumbai Desk | Dheeraj Rambhiya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK