Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સિવિલને ક્રિમિનલ ફરિયાદ કરવાનો પ્રયાસ RTI ઍક્ટિવિસ્ટોએ નિષ્ફળ બનાવ્યો

સિવિલને ક્રિમિનલ ફરિયાદ કરવાનો પ્રયાસ RTI ઍક્ટિવિસ્ટોએ નિષ્ફળ બનાવ્યો

11 January, 2020 02:39 PM IST | Mumbai
Dhiraj Rambhia

સિવિલને ક્રિમિનલ ફરિયાદ કરવાનો પ્રયાસ RTI ઍક્ટિવિસ્ટોએ નિષ્ફળ બનાવ્યો

RTI

RTI


મુલુંડ (વેસ્ટ)માં રહેતા દિનેશ ત્રિવેદીની તેમની માલિકીની ઔદ્યોગિક જમીનના ભાડૂતે કરેલી કનડગત તથા RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી અને RTI સેવા કેન્દ્ર-થાણેની મદદ અને માર્ગદર્શનથી આવેલા સુખદ નિવારણની આ રસપ્રદ અને ઉપયોગી કથા છે.

૨૦૧૮ની ૨૩ મેના દિનેશભાઈને તેમના મોબાઇલ પર રબાળે પોલીસ-સ્ટેશન, નવી મુંબઈના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ધનાવલેનો ફોન આવ્યો અને જણાવ્યું કે હરખચંદ શહા નામના ગૃહસ્થે તમારી સામે ફરિયાદ કરી છે. શું તમે તેમને ઓળખો છો? દિનેશભાઈએ જવાબમાં જણાવ્યું કે જી, હું તેમને ઓળખું છું. મારી રબાળે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી ઔદ્યોગિક જમીનનો તે ભાડૂત છે. વાશીની સિવિલ કોર્ટે એ જમીનનો કબજો સોંપવાનો હુકમ આપ્યો હોવા છતાં મારી જમીનનો કબજો આપ્યો નથી  અને એ ગેરકાયદે રીતે કબજો ધરાવે છે.



૨૦૧૮ની ૨૪ મેના ધનાવલેને મળ્યા અને કોર્ટ કેસને લગતા બધા દસ્તાવેજો સોંપ્યા. સામા પક્ષે ધનાવલે સાહેબે હરખચંદે કરેલી ફરિયાદની કૉપી દિનેશભાઈને વાંચવા આપી, જેના વાંચનથી દિનેશભાઈને સમજાયું કે કરેલી ફરિયાદ તથ્યહીન છે અને એમાં કરેલા આક્ષેપો કોર્ટ કેસમાં આમેજ છે, જેને નામદાર કોર્ટે નકાર્યા છે. ઇન્સ્પેક્ટરને પણ વાંચનથી ખ્યાલ આવ્યો કે ફરિયાદ પાયાહીન તથા તથ્યહીન છે. ઇન્સ્પેક્ટરે દિનેશભાઈને સ્ટેટમેન્ટ લખાવવા જણાવ્યું. સામા પક્ષે દિનેશભાઈએ કમ્પ્લેઇન્ટની કૉપી આપવા ઇન્સ્પેક્ટરને વિનંતી કરી, જેથી કમ્પલેઇન્ટનો ક્રમબદ્ધ જવાબ ફાઇલ કરી શકાય. ઇન્સ્પેક્ટરે કમ્પ્લેઇન્ટની કૉપી આપવાની અસમર્થતા દર્શાવી અને એના માટે RTI કાયદાની કલમ -૮ (૧) (J)નો આશરો લીધો. 


દિનેશભાઈ મિડ-ડેના વાચક હોવાના કારણે તરુણ મિત્ર મંડળના જનાધિકાર અભિયાનથી સુપરિચિત હતા. અભિયાનના થાણે કેન્દ્રના નિયામક રાજેન ધરોડને ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યા. દિનેશભાઈએ રાજેનભાઈને પોતાની વિટંબણાની વાત કરી. રાજેનભાઈએ ફર્સ્ટ અપેલેટ ઑથોરિટી (FAA)ના નામે RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ બનાવી આપી, જે ૨૦૧૮ની ૩ જુલાઈએ ફાઇલ કરવામાં આવી.

અપીલની સુનાવણી ૨૦૧૮ની ૧ ઑગસ્ટના રાખવામાં આવી, જેની જાણ રાજેનભાઈને કરતાં એમણે FAA સમક્ષ કઈ-કઈ રજૂઆતો કેવી રીતે કરવી એની વિશદ સમજ આપી. તથા સમગ્ર કિસ્સો મૂળે સિવિલ નેચરનો હોવાની જોરદાર રજૂઆત કરવા જણાવ્યું. સુનાવણીના દિવસે મળેલા માર્ગદર્શન મુજબ દિનેશભાઈએ રજૂઆત કરી અને જણાવ્યું કે પૂર્ણ મૅટર સો ટકા સિવિલ નેચરની છે આથી પોલીસ હસ્તક્ષેપ કરી ન શકે અને કરવો પણ ન જોઈએ. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ નામદાર જજસાહેબે વહેલામાં વહેલી તકે માગેલી માહિતી આપવાનો હુકમ કર્યો તથા ફાઇનલ રિપોર્ટિંગમાં સમગ્ર મૅટર સિવિલ નેચરની હોવાની નોંધ કરી તથા પોલીસ રેકૉર્ડના રજિસ્ટર ઑફ ઑફિસમાં પણ એની યોગ્ય નોંધ લેવાનો હુકમ કર્યો.


સિવિલ ફરિયાદને ક્રીમિનાલિટીના વાઘા પહેરાવવાના પ્રયાસો ફાઇટ ફૉર યૉર રાઇટની વિભાવનાથી નિષ્ફળ નીવડ્યા અને અપીલકર્તાને ન્યાય મળ્યો.

પ્રૉપર્ટીના નામબદલીનું મહિનાઓમાં ન થનારું કાર્ય દિવસોમાં સંપન્ન થયું 

થાણે (વેસ્ટ)ના તળાવપાળી વિસ્તારમાં ૧૯૯૫માં બનેલા બિલ્ડિંગના બેઝમેન્ટનું નામ બદલી કરવાનું અટપટું અને પડકારજનક મહિનાઓથી ન થનારું કાર્ય દિવસોમાં થયું એની આ રસપ્રદ તથા અત્યંત ઉપયોગી કથા છે.

મૂળે આ વિટંબણા અનિલ આસધીર ફરિયાની (મો. ૯૮૨૦૫૨૪૫૪૫) હતી. જગ્યાના જે દસ્તાવેજો તેમની પાસે હતા એ તમામ લઈ અનિલભાઈ નામબદલીનું કામ કરનારા એજન્ટભાઈ પાસે ગયા. દસ્તાવેજો જોઈ એજન્ટે કહ્યું કે નામબદલીનું કામ થઈ જશે, પણ બિલ્ડિંગના પ્લાનની કૉપી જોઈશે. પ્લાનની કૉપી ક્યાંથી અને કેવી રીતે કઢાવવાની એની અવઢવમાં અનિલભાઈ સરી પડ્યા.

અનુભવે એક વસ્તુ ચોક્કસ રીતે સમજાઈ હતી કે જીવનમાં આવી અવઢવ આવે ત્યારે સંકટ સમયની સાંકળ હાજરાહજૂર રાખવી. અનિલભાઈ માટે આવાં કાર્યો માટે સંકટની સાંકળ એટલે તરુણ મિત્ર મંડળ સંચાલિત સેવા કેન્દ્રો. સેવા કેન્દ્રની હેલ્પલાઇન પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી અનિલભાઈ કેન્દ્ર પર પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત જ્યેષ્ઠ સેવાભાવી રાહુલ વધાણ સાથે થઈ.

આ પણ વાંચો : આજના યુવાનોને શું જોઈએ છે?

અનિલભાઈએ તેમની વિટંબણાની વાત રાહુલભાઈને કરી. રાહુલભાઈએ સલાહ આપતાં જણાવ્યું કે તમારી પાસે જગ્યાના ઉતારાનું વર્ણન હશે તો તમારું કાર્ય જેટ સ્પીડે થઈ જશે. થાણે (વેસ્ટ)સ્થિત શાહુ માર્કેટમાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફિસમાં અરજી કરવાથી આઠ દિવસમાં ઉતારાની કૉપી મળી જશે. રાહુલભાઈએ આપેલા માર્ગદર્શન મુજબ અરજી કરવાથી ઉતારાની કૉપી આઠ દિવસમાં મળી અને એના આધાર પર નામબદલીની અરજી કરવાથી જગ્યાની નામબદલીનું કાર્ય પણ આઠ દિવસમાં થઈ ગયું અને ફાઇટ ફૉર યૉર રાઇટની વિભાવના સફળ થઈ.

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2020 02:39 PM IST | Mumbai | Dhiraj Rambhia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK