સોનિયાની ટ્રિપનો ખર્ચ જાહેર કરો : મોદી

Published: 3rd October, 2012 02:48 IST

કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીની ફૉરેન ટ્રિપ્સ પાછળ સરકારી તિજોરીમાંથી ૧૮૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના પોતાના દાવાને વળગી રહેતાં ગઈ કાલે નરેન્દ્ર મોદીએ આ વિદેશ પ્રવાસો પાછળનો ખર્ચ જાહેર કરવાની માગણી કરી હતી.


ગઈ કાલે ગાંધીનગરમાં બોલતાં મોદીએ કહ્યું હતું કે ‘સોનિયા ગાંધીના વિદેશપ્રવાસ વિશે આરટીઆઇ હેઠળ માગવામાં આવેલી માહિતી હજી સુધી આપવામાં આવી નથી. જો તમે (સરકાર) મોદીનું મોં બંધ કરાવવા માગતા હોવ તો સોનિયા ગાંધીના વિદેશપ્રવાસની વિગતો જાહેર કરો.’

બીજેપીનો સપોર્ટ

મોદીએ એક અખબારના અહેવાલનો હવાલો આપતાં સોનિયા ગાંધીના વિદેશપ્રવાસ પાછળ ૧૮૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. આ અખબારે હરિયાણાના હિસારના રહેવાસી આરટીઆઇ ઍક્ટિવિસ્ટ રમેશ શર્માએ મેળવેલી માહિતીને ટાંકીને આ આંકડો આપ્યો હતો. શર્માએ જોકે મોદીએ રજૂ કરેલા આંકડા સામે સવાલો કરતાં જણાવ્યું હતું સોનિયા ગાંધીના વિદેશપ્રવાસની વિગતો મેળવવા મેં કરેલી અરજીનો હજી સુધી જવાબ આવ્યો નથી. ગઈ કાલે બીજેપીએ પણ મોદીએ ઉઠાવેલા સવાલને ટેકો આપતાં સોનિયા ગાંધીના વિદેશપ્રવાસની વિગતો જાહેર કરવાની માગણી કરી હતી.

મોદી-મોઢવાડિયાએ સાથે

ગાંધી જયંતીના અવસરે પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરમાં રાખવામાં આવેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭.૧૨ મિનિટની સ્પીચ આપી હતી. પોતાની આ ૧૭.૧૨ મિનિટની સ્પીચમાં મોદીએ ૧૭ મિનિટ સુધી ગ્લોબલ વૉર્મિંગ, સમાજસુધારા, આતંકવાદ અને કોમવાદ વિશે વાત કરી હતી, પણ છેલ્લી બાર સેકન્ડમાં તેમણે સિક્સર ફટકારતાં હોય એવી અદાથી કહ્યું હતું કે ‘આજે શપથ લઈએ કે અહિંસાના રસ્તે દેશ બહારના આતંકવાદને દૂર કરીશું અને સાથે સમાજને દુભાવતા લોકોને પણ દૂર કરીશું.’

સભા પૂરી થયા પછી અજુર્નભાઈ મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘આ પ્રકારની ભાષાનો પ્રયોગ મુખ્ય પ્રધાનપદની ગરિમાને લાંછન આપે એવો છે.’

સોનિયા ગાંધી આજે રાજકોટમાં


આજે સવારે સાડાદસ વાગ્યે રાજકોટના રેસર્કોસ મેદાનથી કૉન્ગ્રેસનાં ચૅરપર્સન સોનિયા ગાંધી કૉન્ગ્રેસના કૅમ્પેનનો પ્રારંભ કરશે. ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘ગુજરાત સરકાર દરેક મુદ્દે કેન્દ્ર સરકારનો વાંક કાઢે છે અને કેન્દ્રને ગાળો ભાંડે છે એની સ્પષ્ટતાથી કૅમ્પેન શરૂ થાય એવી અમારી ઇચ્છા હતી જે સોનિયા ગાંધીએ માન્ય રાખીને આ જાહેર સભા ગુજરાતને આપી છે. અંતિમ ચરણમાં મનમોહન સિંહને પણ લાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.’

આરટીઆઇ = રાઇટ ટુ ઇન્ફર્મેશન,

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK