RTIથી બચવા તમામ રાજકીય પક્ષો સંપીને સંતાકૂકડી રમે છે

Published: 24th November, 2014 05:50 IST

રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા ધરાવતા ૬ રાજકીય પક્ષોની સરેરાશ વાર્ષિક આવક ૮૮૧.૯૮ કરોડ છે જેની વિગતો આપતાં તેઓ ગભરાય છે. હમામમાં બધા જ નાગા છે એટલે કોઈ પક્ષ સત્તામાં આવતાં રામરાજ્ય આવી જશે એમ માનવાની કોઈ જરૂર નથી
મંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા


અરુણ જેટલી અને બીજા કેન્દ્રીય પ્રધાનોએ ૬ મહિનામાં ૧૨ વખત કહ્યું છે કે માહિતીના અધિકાર (RTI - રાઇટ ટુ ઇન્ફર્મેશન)ના કાયદામાં સુધારા જરૂરી છે. ડૉ. મનમોહન સિંહની સરકારે એની પહેલી મુદતમાં ૨૦૦૫માં ભારતની પ્રજાને માહિતીનો અધિકાર આપનારો ઐતિહાસિક કાયદો ઘડ્યો હતો. આ એક કાયદા માટે ડૉ. મનમોહન સિંહની બદનામ નીવડેલી સરકાર અમર રહેવાની છે. નવી-નવી સરકાર હતી અને સોનિયા ગાંધીની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય સલાહકાર પરિષદ બનાવવામાં આવી હતી એટલે એની સલાહ અનુસાર કાયદો તો ઘડતાં ઘડી નાખ્યો પણ પછી સરકારને એ કઠવા લાગ્યો હતો. UPA-2 સરકારના પ્રધાનો પ્રસંગોપાત્ત કહેવા લાગ્યા હતા કે માહિતીના અધિકારના કાયદામાં કેટલીક જગ્યાએ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને સુધારાઓની જરૂર છે. અરુણ જેટલી અને અત્યારના કેટલાક પ્રધાનો પણ આ જ વાત કહે છે, કેટલીક બાબતે રાષ્ટ્રીય હિતમાં સુધારાઓ જરૂરી છે.

નાગરિક તરીકે ત્રણ પ્રશ્નો આપણે તેમને પૂછવા જોઈએ; ૧. કઈ બાબતે સુધારાઓ જરૂરી છે? ૨. સુધારાઓનું સ્વરૂપ શું? અને ૩. રાષ્ટ્રીય હિત એમાં ક્યાં આવ્યું? પહેલા પ્રશ્નનો ઉત્તર એ છે કે તેઓ રાજકીય પક્ષોને માહિતીના અધિકારની મર્યાદામાંથી બહાર કાઢવા માગે છે. બીજા પ્રશ્નનો ઉત્તર એ છે કે તેઓ સુધારા નથી કરવા માગતા. રાજકીય પક્ષોને લાગેવળગે છે ત્યાં સુધી તેઓ કાયદાથી સંપૂર્ણપણે બચવા માગે છે. ટૂંકમાં કહીએ તો, સુધારાનું સ્વરૂપ કાયદાના હાથ કાપનારું છે અને ત્રીજા પ્રશ્નનો ઉત્તર દેખીતો છે. આપણા નેતાઓ દરેક પાપ રાષ્ટ્રીય હિતમાં જ કરે છે, અંગત હિતમાં નથી કરતા.

૨૦૦૫ના માહિતીના અધિકારના કાયદામાં કહેવામાં આવ્યું છે કે જે સંસ્થા સરકારી હોય, અર્ધ-સરકારી હોય, સંસદ કે વિધાનસભાઓએ કાયદો ઘડીને સંસ્થાની રચના કરી હોય કે પછી મોટા પ્રમાણમાં સરકારી અનુદાન મેળવતી હોય એ તમામ સંસ્થાઓ એના કામકાજ વિશેની અને નાણાકીય બાબતો વિશેની માહિતી આપવા બંધાયેલી છે. ભારતનો કોઈ પણ નાગરિક આવી સંસ્થાઓ વિશેની માહિતી માગી શકે છે અને તેને જો માહિતી ન આપવામાં આવે તો એ દંડનીય ગુનો ગણવામાં આવશે. માહિતીના અધિકારનો કાયદો ઘડાયો ત્યારે કોઈ પણ રાજકીય પક્ષના વિચક્ષણ નેતાના ધ્યાનમાં એ નહોતું આવ્યું કે મબલક સરકારી પૈસા લેતા અને સરકારી ખર્ચ કરાવનારા રાજકીય પક્ષોને એમાં આવરી લેવામાં આવશે. તેમને એમ લાગતું હતું કે રાજકીય પક્ષો નથી સરકારી સંસ્થા કે નથી શિક્ષણસંસ્થાઓની માફક નિયમિત અનુદાન લેનારી સંસ્થા. એ તો એક સમવિચારી માણસોનું ખાનગી સંગઠન છે.

ગયા વર્ષે સુભાષચન્દ્ર અગ્રવાલ અને અમદાવાદના અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR)ના અનિલ બેરવાલે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC) સમક્ષ પિટિશન કરી હતી કે રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા ધરાવનારા અને એ રૂએ સરકારી અનુદાન લેનારા રાજકીય પક્ષોને માહિતીના અધિકારનો કાયદો લાગુ પડવો જોઈએ. ગયા વર્ષે ત્રીજી જૂને CICએ સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો કે અરજદારોની માગણીમાં તથ્ય છે અને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા ધરાવનારા રાજકીય પક્ષો માહિતીના અધિકારની મર્યાદામાં આવવા જોઈએ. CICના ત્રણેય સભ્યોએ સર્વાનુમતે કહ્યું હતું કે સરકારમાં સવર્‍ત્ર પારદર્શકતા હોવી જોઈએ, પરંતુ સરકાર પર જેનો અંકુશ છે એ રાજકીય પક્ષો એમાં બાકાત હોવા જોઈએ એ દલીલ બેહૂદી છે. અત્યારે ૬ રાજકીય પક્ષો રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા ધરાવે છે. આ ૬ રાજકીય પક્ષોમાં કૉન્ગ્રેસ, BJP, CPI, CPI (M), NCP અને BSPનો સમાવેશ છે. CICએ ૬ અઠવાડિયાંમાં માહિતી પૂરી પાડવાની યંત્રણા ઊભી કરવાનો આદેશ આપ્યો હતો.

આ વાતને આજે દોઢ વર્ષ થવા આવ્યું છે, પણ આ ૬માંથી કોઈ રાજકીય પક્ષ CICના આદેશનું પાલન કરતો નથી. રાજકીય પક્ષોના અસહકાર સામે આર. કે. જૈન નામના માહિતીના અધિકાર માટે લડનારા કર્મશીલે દિલ્હીની વડી અદાલતમાં પિટિશન કરી હતી. દિલ્હીની વડી અદાલતે ગયા ઑગસ્ટ મહિનામાં આદેશ આપ્યો હતો કે CICના આદેશનું પાલન થવું જોઈએ અને એ માટે CICને ૬ મહિનાની મુદત આપી હતી. એ આદેશના પગલે CICએ ૨૧ નવેમ્બરે ૬ રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા ધરાવનારા ૬ રાજકીય પક્ષોને નાણાકીય માહિતી અને ભવિષ્યમાં માહિતી માટેની વ્યવસ્થાની વિગતો સાથે બોલાવ્યા હતા. આ છએછ રાજકીય પક્ષોએ CICના આદેશની અવગણના કરી હતી અને કોઈ પક્ષના પ્રતિનિધિ બેઠકમાં હાજર નહોતા રહ્યા.

ખૂબીની વાત એ છે કે રાજકીય પક્ષોને CICના આદેશ સામે વાંધો હોય તો તેમણે CICમાં પુનર્વિચાર માટે રિવ્યુ પિટિશન કરવી જોઈએ જે તેમણે કરી નથી. રાજકીય પક્ષો અદાલતમાં જઈ શકતા હતા, પરંતુ એ માર્ગ પણ તેમણે અપનાવ્યો નથી. ગયા વર્ષે આગલી લોકસભાની સ્થાયી સમિતિએ અભિપ્રાય આપ્યો હતો કે રાજકીય પક્ષોને માહિતીના અધિકાર હેઠળ આવરી લેવાનો CICનો ચુકાદો ખોટો છે. આ અધિકારનો રાજકીય દુશ્મનાવટ માટે દુરુપયોગ કરવામાં આવશે જે રાષ્ટ્રીય હિતમાં નથી. રાજકીય પક્ષો CICમાં કે અદાલતમાં અપીલમાં એટલા માટે નથી જતા કે ત્યાં તેમનું નાક કપાય એવો તેમને ડર છે. અદાલત જો CICના અર્થઘટનને માન્ય રાખે તો માહિતીના અધિકારના કાયદામાં માફક આવે એવો સુધારો કરવો મુશ્કેલ થઈ જાય. આના કરતાં અનુકૂળ સમય આવે ત્યાં સુધી CICના આદેશની અવગણના કરો, બેઠક બોલાવે તો ગેરહાજર રહો અને તક મળે ત્યારે કાયદામાં સુધારો કરીને છટકી જાઓ. કાયદા તોડનારાઓને કાયદા ઘડવાના અને બદલવાના અધિકાર છે તો પછી ચિંતા શેની. આ બધું રાષ્ટ્રીય હિત કાજે કરવામાં આવી રહ્યું છે. કૂતરા-બિલાડાની જેમ આપસમાં લડનારા અને હલકી કક્ષાના આક્ષેપો કરનારાઓ રાષ્ટ્રીય હિત ખાતર સંપીને CIC સામે સંતાકૂકડી રમે છે. આ ૬ રાજકીય પક્ષોની સરેરાશ વાર્ષિક આવક ૮૮૧.૯૮ કરોડ રૂપિયાની છે જેની વિગતો આપતાં તેઓ ગભરાય છે. હમામમાં બધા જ નાગા છે એટલે કોઈક પક્ષ સત્તામાં આવવાથી રામરાજ્ય આવી જશે એમ માનવાની જરૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK