શિવસેના ને BJPની ફરી યુતિ માટે RSS મેદાનમાં?

Published: 17th November, 2014 03:40 IST

મતભેદો દૂર કરી સાથે મળીને રાજ્યમાં સત્તા ભોગવવા માટેની આપી શિખામણ
વિધાનસભાની ચૂંટણી પહેલાં શિવસેના સાથેની અઢી દાયકા જૂની યુતિના વિસર્જન બાદ BJPએ જેને નૅચરલી કરપ્ટ પાર્ટી કહી હતી એ શરદ પવારની NCPના છૂપા આર્શીવાદથી જ રાજ્યમાં સત્તા તો મેળવી, પરંતુ વિરોધ પક્ષે બેસેલી શિવસેનાનાં ટીકાબાણોએ ફડણવીસ સરકારની સત્તાનો સ્વાદ ખાટો કરી નાખ્યો છે. ચૂંટણી બાદ સીટોની સંખ્યાને ધ્યાનમાં લઈને શિવસેના સાથે સત્તાની ભાગીદારી માટેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ વિધાનસભામાં વિશ્વાસના વૉઇસ-વોટ માટે BJPની માઇનૉરિટી સરકારે NCPના મૂક સહકારથી જે રાજકીય દાવ ખેલ્યો એનાથી BJPના કેટલાક નેતાઓ ઉપરાંત RSS પણ નારાજ છે. હવે સંઘે શિવસેના સાથેના મતભેદો દૂર કરી સાથે મળીને સરકાર ચલાવવાનું BJP પર દબાણ વધારી દીધું હોવાના સમાચારો મળી રહ્યા છે. શિવસેના અને BJP ફરીથી એક થાય એ માટે ખુદ સર સંઘચાલક મોહન ભાગવતે પ્રયાસો આદરી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મોહન ભાગવત વચ્ચે આ મામલે ફોન પર વાતચીત પણ થઈ હતી. આ વાતચીતમાં રાજ્યમાં સ્થિર અને મજબૂત સરકાર માટે બન્ને પાર્ટી એકબીજાના મતભેદો ભૂલી જાય એ જરૂરી હોવાનો મુદ્દો ખાસ ચર્ચાયો હતો.             

શિવસેના અને BJPની વાટાઘાટો ફરી શરૂ થશે?


શિવસેનાએ BJP પર બહુમતી પુરવાર કરવા માટે ગેરવાજબી રીતરસમો અપનાવવાના આરોપો મૂક્યા અને વિધાનસભામાં વિરોધ પક્ષની પાટલી પર બેસવાનું શરૂ કર્યું એના ત્રણ દિવસ પછી બન્ને પક્ષો વચ્ચે ભાગદારીની વાટાઘાટો નવેસરથી શરૂ થવાની શક્યતાઓ ચર્ચાઈ રહી છે. એ માટે બાળ ઠાકરેની પુણ્યતિથિના અવસરનો ઉપયોગ કરવામાં આવે એવી શક્યતા છે.

ઔરંગાબાદમાં BJPના પ્રેસિડન્ટ અમિત શાહ અને શિવસેનાના સિનિયર સંસદસભ્ય ચંદ્રકાંત ખૈરે એક મંચ પર બેઠા અને BJPના સિનિયર નેતાઓએ પણ શિવસેના ઑન ર્બોડ હોવી જોઈએ એવી ઇચ્છા વ્યક્ત કરતાં હવે બન્ને પાર્ટીઓ ફરીથી એકઠી થવાની ચર્ચાઓ શરૂ કરે એવી શક્યતા છે.

અમિત શાહે બન્ને પક્ષોના સંબંધોની હાલની સ્થિતિ વિશે વધારે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. તેઓ શનિવારે સાંજે દિલ્હી પાછા ગયા હતા. જોકે રાજ્યસ્તરે શિવસેના સાથે મંત્રણા ચાલતી નથી, પરંતુ મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે શિવસેના BJPની સાથે હોવી જોઈએ એવું કહ્યું હતું.

વિશ્વાસનો મત લેવાની વિધિ પૂરી થયા પછી ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી મિલિંદ નાર્વેકરે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ ખડસેને ફોન કર્યા હતા. RSSના સિનિયર આગેવાનો પણ બન્ને પાર્ટીઓને ભેગી કરવાના આખરી પ્રયાસો કરતા હોવાનું કહેવાય છે.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK