સંઘના ભૂતપૂર્વ વડા સુદર્શનનું અવસાન

Published: 16th September, 2012 08:32 IST

તેઓ સ્વદેશીના પ્રખર હિમાયતી હતા : તેમણે એક વખત બંધારણને પણ આઉટડેટેડ ગણાવીને અનેકની નારાજગી વહોરી લીધી હતીઆરએસએસના ભૂતપૂર્વ વડા કે. એસ. સુદર્શનનું ગઈ કાલે ઝારખંડના રાયપુર શહેરમાં હાર્ટ-અટૅકને કારણે અવસાન થયું હતું. તેઓ ૮૧ વર્ષના હતા. બે દિવસ પહેલાં જ રાયપુર આવેલા સુદર્શન ૨૦૦૦થી ૨૦૦૯ સુધી સરસંઘચાલક હતા. તેમણે આરએસએસની ઑફિસમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આજે નાગપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કુપ્પાલી સીતારામૈયા સુદર્શન ૧૯૩૧ની ૧૮ જૂને કર્ણાટકના મંડ્યા જિલ્લાના કુપ્પાલી ગામમાં જન્મ્યા હતા. બૅચલર ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ટેલિકમ્યુનિકેશનની ડિગ્રી મેળવનાર સુદર્શનની ગણના કટ્ટર હિન્દુવાદી તરીકે થતી હતી. તેમણે ૯ વર્ષની ઉંમરે પહેલી વાર આરએસએસની શાખામાં ભાગ લીધો હતો. ૧૯૫૪માં તેઓ સંઘના પ્રચારક બન્યા હતા અને ૧૯૬૯માં તેમને પ્રાંતપ્રચારક બનાવવામાં આવ્યા હતા. તેમને રાષ્ટ્રીય કક્ષાએ પણ અનેક જવાબદારીઓ સોંપવામાં આવી હતી. એ પછી રજ્જુભૈયાના સંઘના વડા હતા ત્યારે તેમણે બીજા નંબરનું સ્થાન મેળવ્યું હતું. એ પછી ૨૦૦૦માં તેઓ સરસંઘચાલક બન્યા હતા.

અડવાણી-વાજપેયીને સંભળાવી દીધું હતું

આરએસએસના વડા તરીકે તેમણે અનેક વાર વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યાં હતાં એટલું જ નહીં, ૨૦૦૪માં એનડીએ સત્તામાંથી બહાર ફેંકાઈ જતાં તેમણે બીજેપીના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીને સંન્યાસ લઈને યુવા નેતાઓ માટે જગ્યા કરવા કહ્યું હતું. ૨૦૦૦ની ૧૦ માર્ચે સંઘના વડા બન્યા બાદ પહેલી વાર મિડિયા સાથે વાત કરતાં તેમણે ભારતીય બંધારણને આઉટડેટેડ ગણાવીને ફેંકી દેવાનું સૂચન કરતાં ઘણો વિવાદ થયો હતો. બીજેપીએ ગઈ કાલે સુદર્શનને મહાન વિચારક ગણાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આરએસએસ = રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK