રણ ઉત્સવના સેલિબ્રિટી ટેન્ટનું એક દિવસનું ભાડું ૪૦,૦૦૦

Published: 8th December, 2011 07:15 IST

કચ્છના ધોરડોના રણમાં આવતી કાલથી શરૂ થઈ રહેલા કચ્છ રણ ઉત્સવમાં બની રહેલા બન્ને સેલિબ્રિટી ટેન્ટને આખરી ઓપ આપવાનું કામ ફાઇનલ સ્ટેજ પર છે. આ બન્ને ટેન્ટ શરૂઆતના ત્રણ દિવસ માટે તો મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે અનામત રાખવામાં આવશે, પણ એ પછી એ સેલિબ્રિટી કે વીવીઆઇપી કૅટેગરીના લોકોને ફાળવવામાં આવશે.

 

પહેલા જ દિવસથી આખી સીઝન માટે બુક થઈ જતા આ બન્ને ટેન્ટ આ વર્ષે પણ રણ ઉત્સવના ૩૮ દિવસ માટે બુક થઈ ગયા છે. આ બન્ને ટેન્ટનો માસ્ટર બેડરૂમ વીસ બાય અઢાર ફૂટ પહોળો છે, જેમાં કુલ ત્રણ ટાવર એસી મૂકવામાં આવ્યાં છે. આ બેડરૂમની સાથે જોડાયેલા બેઠક ખંડમાં ત્રણ સોફા મૂકવામાં આવ્યા છે. બેઠકખંડમાં કુલ બે ટાવર એસી મૂકવામાં આવ્યા છે. આ જ ટેન્ટમાં આવેલા બીજા બેડરૂમમાં એક ટાવર એસી છે અને આ બધા રૂમ અને બેઠકખંડને જોડવા માટે બનાવવામાં આવેલા પૉર્ચમાં કુલ ત્રણ ટાવર એસી રાખવામાં આવ્યા છે. બનાવવામાં આવેલા આ સેલિબ્રિટી ટેન્ટ માટે કુલ પચાસ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. કચ્છના કલેક્ટર અને કચ્છ રણ ઉત્સવની વ્યવસ્થા કમિટીના ચૅરમૅન એમ. થેન્નારસને કહ્યું હતું કે ‘આ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે એ માટે જ કરવામાં આવે છે. આ અગાઉ એક જ સેલિબ્રિટી ટેન્ટ બનાવવામાં આવ્યો હતો, પણ હવે બે બનાવવા પડ્યા છે અને જે રીતે રિસ્પૉન્સ મળ્યો છે એ જોતાં આવતા વર્ષે કદાચ આવા ચાર ટેન્ટ બનાવવા પડશે.’

અન્ય ટેન્ટમાં મૂકવામાં આવેલું રાચરચીલું હમણાં બનાવવામાં આવ્યું હોય છે, જ્યારે સેલિબ્રિટી ટેન્ટમાં મૂકવામાં આવતું રાચરચીલું ઓરિજિનલ કચ્છી કોતરણીનું અને ભરતગૂંથણવાળું હોય છે. આ ટેન્ટમાં શક્ય હોય ત્યાં સુધી એવી જ વસ્તુ મૂકવામાં આવી છે જે ઍન્ટિક કૅટેગરીમાં મૂકવામાં આવતી હોય. બનાવવામાં આવેલા આ રજવાડી ટેન્ટનું ભાડું ૪૦,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. અલબત્ત, આ વર્ષે તો આ સેલિબ્રિટી ટેન્ટની બધી ડેટ બુક થઈ ગઈ છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK