રાજ્ય સરકારને ૧૧૨.૫૮ કરોડનો ફટકો

Published: 26th October, 2012 05:06 IST

પોતાના જ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના ઑફિસરોએ બોગસ બિલ બનાવીને ચોપડ્યો ચૂનો : પોલીસે ફરિયાદ નોંધવામાં છ મહિના કાઢી નાખ્યારવિકિરણ દેશમુખ

મુંબઈ, તા. ૨૬

રાજ્યના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)ના અધિકારીઓએ મેળાપીપણામાં બોગસ બિલ બનાવીને ગવર્નમેન્ટ ફન્ડમાંથી ૧૧૨.૫૮ કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં મુંબઈ પીડબ્લ્યુડી સર્કલના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયરે આ વિશેની ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો, જેના આધારે ૨૨ ઑક્ટોબરે આઝાદ મેદાન પોલીસે પીડબ્લ્યુડીના સિનિયર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નવાઈની વાત તો એ છે કે ડિપાર્ટમેન્ટે ફરિયાદનો પત્ર છ મહિના પહેલાં લખ્યો હોવા છતાં પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હતો. આ વિશે વધુ તપાસ શહેર પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ કરશે.

પીડબ્લ્યુડીનું સાઉથ મુંબઈ ડિવિઝન ૧૧૨.૫૮ કરોડ રૂપિયાના કૌભાંડને છાવરી શક્યું નથી. બ્રિટિશ જમાનાથી પ્રેસિડેન્સી ડિવિઝન તરીકે જાણીતા સાઉથ મુંબઈ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્વીમાદાસ વી. ચૌબે વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. શહેર પોલીસને શરૂઆતમાં આ કેસમાં કોઈ ગુનો થયો હોય એવું ન જણાતાં મામલાને આટોપી લેવા માટે પણ જણાવ્યું હતું.

રાજ્ય સરકારની પ્રૉપર્ટીઓની સારસંભાળ માટે પીડબ્લ્યુડીના દરેક ડિવિઝનને ચોક્કસ રકમની ફાળવણી કરવામાં આવે છે. એ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ માટે પ્રેસિડેન્સી ડિવિઝનને ૩૫.૯૦ કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી, પરંતુ પોતાની હાથ નીચે કામ કરતા કર્મચારીઓના મેળાપીપણામાં સ્વીમાદાસ ચૌબેએ કથિત રીતે કૉન્ટ્રૅક્ટરોના પેમેન્ટ માટે ૧૪૮.૫ કરોડ રૂપિયા આપ્યા હતા.

આમ કરવા માટે કૉન્ટ્રૅક્ટરોને આપવામાં આવતા ચેકની રકમ દરમ્યાન પાળવામાં આવતા સરકારી નિયમોનો ભંગ કર્યો હતો. મુંબઈ પીડબ્લ્યુડી સર્કલના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર ઉલ્હાસ દેબડવારે કરેલી ફરિયાદ મુજબ સ્વામીદાસ ચૌબેએ ઘણા ચેકોને ગવર્નમેન્ટ ઑથોરિટી લેટરનો એકસરખો રેફરન્સ નંબર આપ્યો હતો. નિયમ પ્રમાણે ગવર્નમેન્ટ કૉન્ટ્રૅક્ટરોને આપવામાં આવતા ચેકના દરેક પેમેન્ટ માટેનો રેફરન્સ નંબર અલગ-અલગ હોય છે.  વળી સ્ટેટ ગવર્નમેન્ટના અકાઉન્ટમાં પણ આ નંબરની નોંધ રાખવામાં આવતી હોય છે. આ કૌભાંડ વિશે જાણનાર સૂત્રોનું કહેવું છે કે આરબીઆઇના અધિકારીએ પણ ચેકની પાછળ લખવામાં આવતા એક જ રેફરન્સ નંબર વિશેની નોંધ લેવામાં બેદરકારી દાખવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિપાર્ટમેન્ટના ૨૩ જુનિયર એન્જિનિયર તથા ચાર-પાંચ ડેપ્યુટી એન્જિનિયરોની આ કેસમાં સંડોવણી છે, કારણ કે તેઓ જ કૉન્ટ્રૅક્ટરો દ્વારા આપવામાં આવેલાં બિલોને મંજૂર કરી પેમેન્ટ માટે સ્વામીદાસ ચૌબે પાસે મોકલતા હતા. વળી ગવર્નમેન્ટ અકાઉન્ટમાંથી ચુકવણી કરનારા આરબીઆઇ અધિકારીની ભૂમિકા વિશે પણ ચકાસણી થવી જોઈએ.

આઝાદ મેદાન ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ શશિકાંત સાતવે કહ્યું કે ‘૫૦ લાખ કરતાં વધુની રકમ હોવાથી ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ આની તપાસ કરશે. શરૂઆતમાં અમને એમ હતું કે સરકારી કામો માટેના પેમેન્ટની ચુકવણીમાં આ રકમનો વપરાશ થયો હશે, પરંતુ હવે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.’

આરબીઆઇ = રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK