પોલીસની તેમ જ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટની કામગીરીમાં સુધારો લાવવાની જરૂર : પવાર

Published: 5th August, 2012 04:13 IST

પુણેમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને ચાર દિવસ થયા બાદ પણ હજી સુધી તપાસમાં કોઈ મહત્વની કડી પોલીસને હાથ નથી લાગી ત્યારે ગઈ કાલે યુનિયન મિનિસ્ટર અને એનસીપી ચીફ શરદ પવારે મહારાષ્ટ્રના એનસીપીના નેતા અને રાજ્યના ગૃહપ્રધાન આર. આર. પાટીલને પોલીસની તેમ જ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટની કામગીરીમાં સુધારો લાવવાની કડક શબ્દોમાં સલાહ આપી હતી.

ગઈ કાલે એક પત્રકાર-પરિષદને સંબોધતાં શરદ પવારે કહ્યું હતું કે ‘બ્લાસ્ટ જેવી ઘટના બને છે ત્યારે એનો ભોગ નિર્દોષ જનતા તો બને છે, પણ સાથે જ એને લીધે સમાજને પણ બહુ અસર પહોંચે છે. છેલ્લાં થોડાં વર્ષોથી મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણેમાં ઉપરાઉપરી બૉમ્બધડાકા થઈ રહ્યા છે જેને કારણે રાજ્યના કારભાર પર ખરાબ અસર પહોંચી રહી છે, પણ સાથે જ ચોક્કસ સમુદાય વિશે શંકા પણ ઊપજાવે છે જે સારી વાત ન કહેવાય.’

 

એનસીપીના નેતા અને ગૃહપ્રધાન આર. આર. પાટીલને પોલીસ તેમ જ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ સાથે અસામાજિક તત્વો પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપતાં શરદ પવારે કહ્યું હતું કે જે અધિકારીઓ કામ કરવા સક્ષમ ન હોય એવા લોકોને તેમની જગ્યા બતાવી દેવી જોઈએ. મુંબઈમાં હજી સુધી મહત્વની ગણાતી જગ્યાઓ પર સીસીટીવી કૅમેરા મૂકવામાં થઈ રહેલા વિલંબ સામે પણ શરદ પવારે નારાજગી દર્શાવી હતી.

૧૩ સ્ટેશનો પર બ્લાસ્ટની ધમકી

‘હેલો... હો સકે તો મુંબઈ કો બચા લો... અગલે દો દિન મેં મુંબઈ કી ટ્રેનો મેં ૧૩ ધમાકે હોંગે.’ આવો ધમકીભર્યો ફોન રાયગડથી શુક્રવારે મધરાત બાદ દોઢ વાગ્યે મુંબઈ રેલવે-પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો હતો. આ સંદર્ભે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે એક યુવકની ધરપકડ કરી હતી એમ મુંબઈ રેલવે-પોલીસના કન્ટ્રોલ રૂમના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું. પુણેમાં બુધવારે થયેલા બૉમ્બબ્લાસ્ટને પગલે પોલીસે આ ફોનને ગંભીરતાથી લીધો છે. વળી પંદર ઑગસ્ટ પણ નજીક હોવાથી પોલીસ કોઈ ચાન્સ લેવા નથી માગતી એથી એણે બંદોબસ્ત પણ વધારવાનો નર્ણિય લીધો છે. મુંબઈના વેસ્ટર્ન રેલવેનાં મુખ્ય સ્ટેશનો ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદરા, અંધેરી, બોરીવલી અને વિરાર સ્ટેશન અને સેન્ટ્રલ રેલવેમાં સીએસટીથી કુર્લા સ્ટેશન વચ્ચે પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે.

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK