વેસ્ટર્ન રેલવેમાં CCTV કૅમેરાની સામે જ રાખવામાં આવશે મહિલાઓ માટેની પોલીસની હેલ્પ-પોસ્ટ

Published: 30th November, 2014 05:36 IST

મહિલાઓ માટે સિક્યૉરિટીમાં સુધારા  કરવા અને વધુ ચોકસાઈ રાખવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) વેસ્ટર્ન રેલવેનાં સ્ટેશનો પર મહિલાઓ માટેની હેલ્પ-પોસ્ટ બરાબર CCTV કૅમેરાની સામે જ રાખવા વિચારે છે, જેથી મુશ્કેલીમાં પડેલી મહિલા જો આ હેલ્પ-પોસ્ટ પર પહોંચે તો તેના પર આ CCTV ફુટેજ જોનારા પોલીસ-સ્ટાફની પણ તરત નજર પડે અને તેમનું પણ ધ્યાન રહે.


ઉપરાંત બે ઠેકાણે સમાંતર રીતે નોંધ લેવાતાં તેમને મદદ પણ તરત મળી શકે. શરૂઆતમાં આ વ્યવસ્થા માટે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં વીસ સ્ટેશનો પસંદ કરવામાં આવ્યાં છે. આ પોસ્ટ પરથી મહિલાઓ સ્પેશ્યલ હેલ્પલાઇન નંબર પર પણ ફોન કરી શકશે. આ રીતે હેલ્પ-પોસ્ટ રાખવાનો ઉદ્દેશ મહિલાઓથી સમાજવિરોધી તત્વો દૂર રહે એવો પણ છે.

સિક્કો નાખો અને ટિકિટ મળે એવાં ૧૬ મશીનો સેન્ટ્રલ રેલવે ગોઠવશે

સેન્ટ્રલ રેલવે ૧૬ કૅશ ઍન્ડ કૉઇન ઑપરેટેડ ઑટોમૅટિક ટિકિટ વેન્ડિંગ મશીન્સ મેળવશે. એની મુંબઈની ઉપનગરીય ટ્રેન-સર્વિસમાં થાણે અને કલ્યાણ ખાતે ચાર-ચાર મશીન અને કળવા, મુમ્બ્રા અને દિવા ખાતે એક-એક મશીન ગોઠવવામાં આવશે. ઉપનગરીય

ટ્રેન-સર્વિસમાં ટિકિટોનું વેચાણ ઑટોમેટેડ બનાવવા માટે સેન્ટ્રલ રેલવેના સત્તાવાળાઓએ તેના સ્ટેશન-ઑફિસરોને યોગ્ય સ્થળો પસંદ કરવા જણાવ્યું છે. એમાં પ્રવાસીઓ ટિકિટની કિંમત જેટલી રોકડ રકમની નોટ અથવા સિક્કો નાખે એટલે સામે ટિકિટ મળશે.

વેસ્ટર્ન રેલવેની AC લોકલ એપ્રિલમાં

વેસ્ટર્ન રેલવેની સબર્બન સર્વિસમાં ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેન આવતા એપ્રિલ મહિનાથી સામેલ થશે. લગભગ ચાર કરોડ રૂપિયાની કિંમતે બનાવવામાં આવતા એના કોચમાં ઊભા અને બેઠા મળીને ૪૦૦ પ્રવાસીઓના સમાવેશની ક્ષમતા રહેશે. એથી એ ૧૨ ડબ્બાની ટ્રેનમાં બધા મળીને અંદાજે ૪૫૦૦ મુસાફરો પ્રવાસ કરી શકશે. આવતા માર્ચ કે એપ્રિલ મહિનામાં આ કોચ-રેક્સ પહોંચશે અને એની સર્વિસ શરૂ કરતાં પૂર્વે ટ્રાયલ્સ અને સેફ્ટી અપ્રૂવલ્સ પણ સમયસર મેળવી લેવાની અપેક્ષા વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ રાખે છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK