કમાલના કારચોર

Published: 3rd August, 2012 05:07 IST

બહારગામ જવા ટૂરિસ્ટ ગાડી બોલાવે ને ડ્રાઇવરને ભોળવીને ટૅક્સી ઉપાડી જાય : લાંબા સમયથી એક જગ્યાએ જ પાર્ક થતી કારને ટો કરીને તફડાવે

એકદમ હટકે કાર્યપદ્ધતિથી ટૅક્સી તથા કાર ચોરીને એને વેચી મારનારી ટોળકીને ગઈ કાલે ખાર-પોલીસે છટકું ગોઠવીને બાંદરાના કાર્ટર રોડ પરથી પકડી પાડી હતી. આ ટોળકીમાં ૨૩ વર્ષના અજુર્ન ગાઉન્ડર, ૫૪ વર્ષના ઍન્થની સૅમ્યુઅલ ઉર્ફે‍ રાજુ અને ૬૮ વર્ષના ચંદ્રાનો સમાવેશ છે. અજુર્ન અને ઍન્થની આ પૂરા ગુનાના માસ્ટર-માઇન્ડ ગણાય છે. ખાર-પોલીસે જણાવ્યું હતું કે અજુર્ન અને ઍન્થની ટૅક્સી ચોરતાં પહેલાં ઇન્ટરનેટ પર લાંબા અંતરની ટૂરિસ્ટ-ટૅક્સી શોધી કાઢતા. ત્યાર પછી એનો ફોન-નંબર લઈ એને અજુર્નના નામ પર ટૂર પર જવા માટે બુક કરતા. ટૅક્સીને પિક-અપ કરવા માટે બાંદરા (વેસ્ટ)ના કાર્ટર રોડનું ઍડ્રેસ આપતા. ટૅક્સી તેમણે આપેલા લોકેશન પર પહોંચે ત્યારે અજુર્ન ત્યાં પહેલેથી ઊભો રહેતો અને અજુર્ન આવે એટલે અજુર્ન ડ્રાઇવરને બૉસના બિલ્ડિંગના ગેટ પાસેથી તેમનો લગેજ લઈ આવવા કહેતો. ડ્રાઇવર જેવો સામાન લેવા જાય એટલી વારમાં અજુર્ન ટૅક્સી લઈને ભાગી છૂટતો. ચોરેલી આ ટૅક્સીઓને આ લોકો નંબર-પ્લેટની સાથે જ કલર બદલીને દમણ અને દીવમાં વેચી આવતા.’

આ ગ્રુપ કાર ચોરવા માટે બીજી કાર્યપદ્ધતિ પણ અપનાવતું હતું. ત્રણે જણ અલગ-અલગ જગ્યામાં ફરતા અને લાંબા સમયથી એક જ જગ્યાએ પાર્ક કરેલી કારને શોધી કાઢતા. પછી સ્થાનિક લોકો પાસેથી પૂરી વિગત જાણી લેતા અને ત્યાર બાદ ટોઇંગ વૅન લઈને આ કારને ખેંચી જતા. જો કોઈ પૂછવા આવે તો કાર બગડી હોવાથી અહીં જ પાર્ક કરીને રાખી હોવાનું બહાનું કરીને તેઓ લોકોને ફોસલાવતા. એક વાર પાર્ક કરેલી કાર ટો કરીને લઈ જાય પછી આ લોકો એને સીએસટી-કુર્લા રોડ પર આવેલી ભંગારની દુકાનમાં વેચી દેતા. પોલીસે ચોરીની કાર ખરીદીને એને ભંગારમાં ફેરવી નાખનારા ચંદ્રા નામના યુવકની પણ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘આ ટોળકી કાર ચોરવા માટે અલગ જ કાર્યપદ્ધતિ અપનાવતી હતી. તેઓ લોકોની સામે જ લોકોને વિશ્વાસમાં લઈને કારનું લૉક તોડવા કે ડુપ્લિકેટ ચાવીની મદદ લેવાને બદલે સીધી ગાડી જ ઉપાડીને લઈ જતા. આ લોકોએ અનેક જગ્યાએ કાર ચોરી હતી જેની તપાસ ચાલી રહી છે. તેમની પાસેથી ચાર ચોરેલી કાર મળી આવી છે.’

સીએસટી = છત્રપતિ  શિવાજી ટર્મિનસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK