કાંદિવલીમાં તડીપાર ચોરે બીજા ચોરને મારી નાખ્યો

Published: 26th August, 2012 04:45 IST

કાંદિવલીના એકતાનગરમાં આવેલા લાલજીપાડામાં શુક્રવારે મધરાતે એક ચોર ચોરી કરવા આવ્યો હતો તેને ચોરોની જ એક ગૅન્ગે મારી નાખ્યો હતો.

તડીપાર થયેલા ૨૭ વર્ષના સંદેશ પાટીલ અને તેના ૨૨ વર્ષના મિત્ર રાહુલ પૉલે તેના વિસ્તારમાં ચોરી કરવા આવેલા ૨૫ વર્ષના મહેન્દ્ર મીણા પર જીવલેણ હુમલો કરીને તેને મારી નાખ્યો હતો. આ સંદર્ભે કાંદિવલી પોલીસે સંદેશ પાટીલ, રાહુલ પૉલ અને તેના બે સાથીદારોની ગઈ કાલે ધરપકડ કરી હતી. આરોપી સંદેશને મે મહિનામાં તડીપારની નોટિસ આપવામાં આવી હતી. તેના પર કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં આઠ-નવ ગુના દાખલ થયા હોવાનું પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું.

 

કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હરેશ્વર પિંપળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે મધરાત બાદ સવાત્રણ વાગ્યે મહેન્દ્ર ઘરફોડી કરવા કાંદિવલી (વેસ્ટ)ના એકતાનગરમાં આવ્યો હતો. એ વખતે સંદેશ પાટીલ અને તેના મિત્ર રાહુલ પૉલે તેનો પીછો કર્યો હતો. મહેન્દ્ર એક ઘરમાં ચોરી કરવા જઈ રહ્યો હતો ત્યારે જ સંદેશ અને રાહુલે તેને પકડીને માર માર્યો હતો. મારઝૂડ કર્યા બાદ સંદેશ અને રાહુલે ટ્રક-ડ્રાઇવર તરીકે કામ કરતા તેમના અન્ય બે સાથીદારોને ત્યાં બોલાવી લીધા હતા. થોડા દિવસ પહેલાં તેમની ટ્રકમાંથી બૅટરી ચોરાઈ હતી એટલે તેમને લાગ્યું કે મહેન્દ્રે જ તેમની ટ્રકમાંથી બૅટરી ચોરી હશે એથી ટ્રક-ડ્રાઇવરે પણ તેની મારઝૂડ કરી હતી. દરમ્યાન ભીડ જમા થતાં ભીડે પણ મહેન્દ્રને ચોર સમજીને તેની ભરપૂર મારઝૂડ કરી હતી. ત્યાર બાદ તેને એક બિલ્ડિંગના ગેટ પાસે ફેંકીને ભાગી ગયા હતા. બિલ્ડિંગના વૉચમૅને આ વાતની જાણ તરત જ પોલીસને કરી હતી. પોલીસ ગંભીર ઈજા પામેલા મહેન્દ્રને ભગવતી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.’

હત્યારો તડીપાર નીકળ્યો

હત્યાના આ બનાવ વિશે કાંદિવલી પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રાઘવેન્દ્ર ક્ષીરસાગરે કહ્યું હતું કે ‘મહેન્દ્રની હત્યા કરનારા સંદેશ પાટીલને ૧૨ મેએ તડીપારની નોટિસ આપવામાં આવી હતી. પોલીસ-રેકૉર્ડમાં સંદેશ વિરુદ્ધ કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં આઠ-નવ કેસ નોંધાયા છે; જેમાં ચેઇન-સ્નૅચિંગ, ઘરફોડી અને તોફાન મચાવવાના કેસનો સમાવેશ છે.’

 

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK