બૅડ ન્યુઝ : રિક્ષાનું મિનિમમ ભાડું ૧૫ રૂપિયા અને ટૅક્સીનું ૨૦ રૂપિયા થઈ જશે?

Published: 25th August, 2012 08:05 IST

રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોની વિવિધ માગણીઓનો અભ્યાસ કરીને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને આપવામાં આવેલા હકીમ કમિટીના નિર્ણયમાં રિક્ષાનું મિનિમમ ભાડું ૧૫ રૂપિયા અને ટૅક્સીનું મિનિમમ ભાડું ૨૦ રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

આ ઉપરાંત હકીમ કમિટીએ ઇલેક્ટ્રૉનિક-મીટર પ્રત્યે કડક વલણ અખત્યાર કરીને એવી રજૂઆત કરી છે કે રિક્ષાઓને એપ્રિલ ૨૦૧૩ પછી અને ટૅક્સીઓને ઑગસ્ટ ૨૦૧૩ પછી ઇલેક્ટ્રૉનિક મીટર વગર ચલાવવાની પરવાનગી જ ન આપવી જોઈએ. કમિટીએ આ ઉપરાંત રિક્ષા-ટૅક્સી બન્ને માટે મિનિમમ અંતર ૧.૬ કિલોમીટરમાંથી ૧.૫ કિલોમીટર કરવાની ભલામણ કરી છે.

 

 

ભાડાવધારો કરાવવા રિક્ષાના યુનિયનની નવતર સ્ટ્રૅટેજી


શહેરમાં ત્રીજી, પાંચમી અને અગિયારમી સપ્ટેમ્બરે પ્રવાસીઓને રિક્ષા ગોતવામાં ભારે તકલીફ પડવાની છે; કારણ કે આ દિવસે યુનિયને પોતાનું વિરોધ-પ્રદર્શન કરવા માટે ધરણાં યોજવાનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે કેટલાક કલાક સુધી રસ્તાઓ પર રિક્ષા જોવા નહીં મળે. રિક્ષાના યુનિયને ધરણાં માટેની તારીખો કન્ફર્મ કરી દીધી છે, પણ ટૅક્સી-ડ્રાઇવરોના યુનિયને હજી સુધી તેઓ કઈ તારીખે ધરણાં કરવાના છે એની કોઈ સ્પષ્ટતા નથી કરી. રિક્ષા-ડ્રાઇવરોનું યુનિયન અને ટૅક્સી-ડ્રાઇવરોનું યુનિયન ભાડામાં વધારો કરવા માટે તેમ જ રાજ્ય સરકાર પર શક્ય એટલી જલ્દી હકીમ કમિટીનો અહેવાલ જાહેર કરવાનું દબાણ કરવા માટે આ ધરણાં કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. રિક્ષા-ડ્રાઇવરોના યુનિયનની તો એ પણ ફરિયાદ છે કે શહેરના ખાડાવાળા બિસ્માર રસ્તાઓને કારણે રિક્ષાના મેઇન્ટેનન્સ ખર્ચમાં ભારે વધારો થઈ ગયો છે જેને કારણે તેઓ આ મુદ્દાની મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરવા માગે છે. આરટીઓના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ વખતે યુનિયનોનાં ધરણાં પાછળ એક બીજું પણ મહત્વનું કારણ છે. હકીકતમાં આ યુનિયનો નવા સુધારેલા મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસિસ મેઇન્ટેનન્સ ઍક્ટના અંતર્ગત જે કાર્યવાહીની જોગવાઈ કરાયેલી છે એનાથી બચવા માગે છે અને એટલે જ આ ધરણાં કરી રહ્યા છે.’

 

રિક્ષા-ડ્રાઇવરોના યુનિયનના નેતા શરદ રાવે ધરણાં વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ત્રણ સપ્ટેમ્બરે દહિસરથી બાંદરા વચ્ચેના પશ્ચિમનાં ઉપનગરોમાં સવારે દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી રિક્ષાઓ નહીં દોડે. આ સમયગાળા દરમ્યાન અમે મહાનગરપાલિકાના વિવિધ વૉર્ડ-ઑફિસરોનો સંપર્ક કરીને શહેરના બિસ્માર રસ્તાઓ વિશે ફરિયાદ કરવાના છીએ. શહેરના આવા રસ્તાઓને કારણે રિક્ષાના જાળવણીખર્ચમાં ૩૦ ટકાનો વધારો થયો છે. આ રીતે જ પાંચમી સપ્ટેમ્બરે પણ પશ્ચિમનાં ઉપનગરોમાં સવારે દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી રિક્ષાઓ નહીં દોડે. અમે આ બન્ને દિવસે ડ્રાઇવરોને રિક્ષા ચલાવવાની ના પાડી છે. ત્યાર બાદ ૧૧ સપ્ટેમ્બરે રિક્ષા-ડ્રાઇવરો સવારે અગિયાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી હકીમ કમિટીના રર્પિોટની જાહેરાતમાં સરકાર દ્વારા થઈ રહેલા વિલંબના વિરોધમાં ધરણાં કરશે.’

 

સરકારના હાલના અભિગમ પરથી લાગે છે કે એના પર યુનિયનોની આ દમદાટીની ખાસ અસર નથી થઈ, કારણ કે એ નવા સુધારેલા મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસ મેઇન્ટેનન્સ ઍક્ટ અંતર્ગત ધરણાં કરનારા લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકે છે. આ મુદ્દે વાત કરતાં એક સિનિયર આરટીઓ ઑફિસરે કહ્યું હતું કે ‘જો આ યુનિયન હડતાળ કરે તો એની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની હાઈ ર્કોટે પરવાનગી આપી છે. જો તેઓ પ્રવાસીઓને લઈ જવાની ના પાડશે અને આ બદલ ડ્રાઇવરો વિરુદ્ધ કેસ થશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.’

 

આરટીઓ = રીજનલ ટ્રાન્સર્પોટ ઓફિસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK