Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના-સંકટ વચ્ચે આઇસીએસઈ-આઇએસસીનું રિઝલ્ટ જાહેર

કોરોના-સંકટ વચ્ચે આઇસીએસઈ-આઇએસસીનું રિઝલ્ટ જાહેર

11 July, 2020 07:43 AM IST | Mumbai
Mumbai correspondent

કોરોના-સંકટ વચ્ચે આઇસીએસઈ-આઇએસસીનું રિઝલ્ટ જાહેર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાને કારણે લૉકડાઉન થયા બાદ આઇસીએસઈ એટલે કે ધોરણ દસમાનું અને આઇએસસી એટલે કે ધોરણ બારમાનું રિઝલ્ટ ગઈ કાલે જાહેર થયું હતું. ૧૦મા ધોરણમાં ૯૯.૩૩ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે ૧૨મા ધોરણની પરીક્ષા આપનારા ૯૬.૮૩ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આઇસીએસઈમાં કુલ ૨,૦૭,૯૦૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨,૦૬,૫૨૫ પાસ થયા હતા અને ૧૩૭૭ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આઇએસસીમાં ૮૫,૬૧૧ વિદ્યાર્થીમાંથી ૮૨,૮૧૩ પાસ થયા હતા, જ્યારે ૨૭૯૮ નાપાસ ત્રતાં રિઝલ્ટ ૯૬.૮૩ ટકા રહ્યું હતું.

કોરોનાના સંકટકાળમાં પરીક્ષા લેવાઈ હોવાથી સીઆઇએસસીઈ બોર્ડે આ વખતે મેરિટ લિસ્ટ ન જારી કરવાનો નિર્ણય લીધો હોવાથી એ ડિક્લેર નથી કરાયું. લૉકડાઉનને લીધે ધોરણ ૧૦ અને ૧૨ની કેટલીક ફાઇનલ પરીક્ષાઓ બાકી રહી ગઈ હોવાથી ઇન્ટર્નલ અસેસમેન્ટના આધારે માર્ક્સ અપાયા હોવાથી મેરિટ લિસ્ટ જાહેર કરવું યોગ્ય ન હોવાનું બોર્ડે જણાવ્યું હતું.



શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-’૨૦માં ધોરણ ૧૦મામાં આ વર્ષે ૧.૧ લાખ વિદ્યાર્થી અને ૯૫,૦૦૦ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.


ગયા વર્ષ કરતાં ટકાવારી વધી

સીઆઇએસસીઈ બોર્ડના ગયા શૈક્ષણિક વર્ષના રિઝલ્ટની તુલનામાં આ વર્ષે વધારો થયો છે. ગયા વર્ષે ૯૮.૫૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેમાં ૦.૭૯ ટકાનો આ વખતે વધારો થયો છે. આવી જ રીતે ધોરણ ૧૨નું ગયાaવર્ષે ૯૬.૫૨ ટકા રિઝલ્ટ રહ્યું હતું, જેમાં આ વખતે ૨.૦૨ ટકાનો વધારો થયો છે.


સીઆઇએસસીઈ બોર્ડના ચીફ ગેરીએ કહ્યું હતું કે તમામ મુશ્કેલીઓ હોવા છતાં બોર્ડે યોગ્ય મૂલ્યાંકન કરીને રિઝલ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે કોરોનાને લીધે દેશભરમાં ઘણી મુશ્કેલીઓ આવી હોવા છતાં એનો સામનો કરીને બોર્ડ રિઝલ્ટ જાહેર કરવામાં સફળ રહ્યું છે.

વિદ્યાર્થીઓને તક અપાઈ

ધોરણ ૧૦ અને ૧૨માંનાં જાહેર કરાયેલાં રિઝલ્ટથી કોઈ વિદ્યાર્થીઓ સંતુષ્ટ ન હોય તો તેઓ આગામી પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા બોર્ડે કરી છે. કોરોના બાદ સ્થિતિ સામાન્ય થશે ત્યારે બન્ને ધોરણની પરીક્ષા ફરીથી લેવાશે અને જે વિદ્યાર્થીઓ અત્યારના રિઝલ્ટથી સંતુષ્ટ ન હોય તેઓ ફરીથી પરીક્ષા આપી શકશે.

હાર્ડ વર્ક કરો અને પોતાને સતત ઇમ્પ્રૂવ કરતા રહો

મલાડમાં રહેતો નીલ આશર ICSE બોર્ડના દસમા ધોરણમાં ૯૭.૨ ટકાએ ઉત્તીર્ણ થયો હતો. પોતાની સફળતા પાછળનું શ્રેય તેણે તેનાં મમ્મી-પપ્પાને આપ્યું હતું. ગોરેગામમાં આવેલી ગોકુલધામ હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજમાં અભ્યાસ કરતા નીલનો એન્જિનિયર બનવાનો ગોલ છે. એ માટે JEEની એન્ટ્રન્સ એક્ઝામ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

નીલ આશરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી લૅન્ગ્વેજમાં સ્ટ્રેંગ્થ હોવાને કારણે મેં માત્ર સાયન્સ અને મૅથ્સ માટે જ ક્લાસિસ રાખ્યા હતા. હું સ્ટુડન્ટ્સને એ જ મેસેજ આપીશ કે પોતા પર વિશ્વાસ રાખો, હાર્ડ વર્ક કરો અને પોતાને સતત ઇમ્પ્રૂવ કરતા રહો.’

નીલના પપ્પા મિતેશ આશરે ‘મિડ-ડે’ને કહ્યું હતુ કે ‘નીલ સેલ્ફ-મોટિવેટેડ છે. નીલનું અંગ્રેજી અને હિન્દી બહુ સારું છે એટલે તે નિબંધ જાતે સારી રીતે લખી શકે છે. ભાષા તેની સ્ટ્રેંગ્થ છે. નીલની મમ્મી પણ જે સબ્જેક્ટ તેને ભણાવી શકતી એ ભણાવતી હતી.’

નીલ આશર- ૯૭.૨ ટકા, ગોકુલધામ હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજમાં

વર્ષની શરૂઆતથી મારો રૂટિન ટાર્ગેટ સેટ કર્યો હતો

કાંદિવલીમાં રહેતી ભારવી શાહ આઇસીએસઈ બોર્ડ દસમામાં ૯૮.૮૩ ટકાએ ઉત્તીર્ણ થવાની સાથે કાંદિવલીની ઠાકુર પબ્લિક સ્કૂલમાં બીજા નંબરે આવી હતી. તેણે પોતાની સફળતા પાછળનો શ્રેય ફૅમિલી અને ટીચરોને આપ્યો હતો.

વર્ષની શરૂઆતથી જ મારો રૂટિન ટાર્ગેટ સેટ કરી દીધો હતો એ મુજબ હું રોજ મારો અભ્યાસ કરતી હતી. સ્કૂલની ફુટબૉલ ટીમમાં પણ હોવાથી મૅચ પણ રમતી અને ફુટબૉલની પ્રેક્ટિસ માટે પણ સમય કાઢી લેતી હતી. ડૉક્ટર બનવાનું મારું સ્વપ્ન છે. હું સ્ટુડન્ટસને એ જ મેસેજ આપીશ કે નિયમિત ધોરણે અભ્યાસ કરો અને હાર્ડ-વર્ક કરો.

મારી દીકરીનો સ્કૂલમાં બીજો નંબર આવતા અમે બહુ જ ખુશ છીએ એમ કહેતાં ભારવીની મમ્મી મેઘના શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ભારવી પહેલાંથી જ હાર્ડવર્કિંગ છે. હંમેશાં સ્ટડી પર એણે ફોકસ કર્યું છે, આ સાથે બીજી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતી હતી. સ્કૂલમાં ભારવી ટૉપ ફાઇવમાં આવશે એવો અમને થોડો અંદાજો હતો. ભારવીએ આખા વર્ષ દરમ્યાન કરેલી મહેનત રંગ લાવી.

ભારવી શાહ, ૯૮.૮૩ ઠાકુર પબ્લિક સ્કૂલ

માર્ક્સ માટે ક્યારેય પણ પ્રેશર લેવું નહીં, બસ નિયમિત અભ્યાસ કરો

કાંદિવલીમાં રહેતો માનવ મહેતા આઇસીએસઈ બોર્ડ દસમામાં ૯૭ ટકાએ ઉત્તીર્ણ થયો હતો. તેણે પોતાની સફળતાનો શ્રેય મમ્મીને આપ્યો હતો. કૉમર્સ લાઇન લઈને એમાં જ આગળ વધવાનો માનવ મહેતાનો ગૉલ છે. સારા માર્ક્સ લેવા માટે પ્રેશર લેવાની જરાય જરૂર નથી, માત્ર સ્ટડી પર પૂરું ધ્યાન આપી હાર્ડ-વર્ક કરો તો માર્ક્સ તો સારા આવી જ જશે એમ કહેતાં માનવ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારી મમ્મી મારી હૅલ્પ કરતી તેમ જ મારા રૂટિનનું પણ પૂરતું ધ્યાન રાખતી હતી અને સતત મોટિવેટ પણ કરતી હતી. સ્ટડી અને અધર એક્ટિવિટીને મેં બૅલેન્સ રાખ્યું હતું. મારો ફેવરિટ સબ્જૅક્ટ કૅમૅસ્ટ્રી છે. આગળ હું કૉમર્સ લાઇન લઈશ.

માનવ મહેતા, ૯૭ ટકા રૅયાન ઇન્ટરનૅશનલ સ્કૂલ

ભણ્યો પણ અને ગણ્યો પણ

મુંબઈ : ઘાટકોપરમાં રહેતો પ્રીત દોશી ICSE બોર્ડ ટેન્થમાં ૯૮ ટકાએ પાસ થયો છે. તેણે પોતાની સફળતાનું શ્રેય પેરન્ટ્સને આપ્યું છે. અઠવાડિયાના ચાર દિવસ સ્ટડી પર પૂરતું ફોકસ કરીને બાકીના દિવસોમાં અધર ઍક્ટિવિટી કરતા પ્રીતનું કહેવું છે કે ‘બોર્ડ છે એટલે આપણે બીજી કોઈ પ્રવૃત્તિ પાછળ સમય વેડફવા કરતાં સ્ટડી જ કરવી જોઈએ એવી વિચારધારા સાવ ખોટી છે.’ પ્રીત દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભણવાના સમયે ભણી લેવું જોઈએ. મેં શરૂઆતથી જ મહેનત શરૂ કરી દીધી હતી અને બનાવેલા ટાઇમટેબલ મુજબ અભ્યાસ કરતો હતો.’પ્રીત ભણવામાં પહેલાંથી જ સિન્સિયર છે એમ કહેતાં તેની મમ્મી યશ્મિ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘એન્જૉય કરવા સાથે પ્રીતે ભણવાનું પણ સાથે કર્યું છે. મારું માનવું છે કે ભણવાની સાથે ગણવું પણ જોઈએ.’

પ્રીત દોશી, ૯૮ ટકા ICSE ટેન્થ

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 07:43 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK