રીસેલ પ્રૉપર્ટીની માર્કેટમાં ખુશીની લહેર

Published: 8th December, 2012 06:24 IST

નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનો નિયમ દૂર થવાથી આખી પ્રક્રિયા સરળ બની ગઈ અને પૈસાની પણ બચત થાય છે એવો અનુભવ લોકોને થઈ રહ્યો છે
મહારાષ્ટ્ર સરકારે ડેવલપર પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવાના નિયમમાંથી મુક્તિ આપવાનો નર્ણિય લીધા બાદ રીસેલ પ્રૉપર્ટીની માર્કેટમાં ખુશીની લહેર દોડી ગઈ છે. લોકો સરકારના આ પગલાનાં વખાણ કરી રહ્યા છે, કારણ કે એને કારણે આખી પ્રક્રિયા સરળ બની ગઈ છે અને પૈસાનો પણ બચાવ થાય છે.

સમસ્યામાંથી મુક્તિ

મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે ગયા મહિને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટને લગતા આ નવા નિયમની જાહેરાત કરી એ પહેલાં ઘર ખરીદવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવા ડેવલપર પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવું ફરજિયાત હતું. આ નવા નિયમને કારણે ઘર વેચનાર માટે પ્રક્રિયા વધારે સરળ બની છે, જ્યારે ખરીદનારના પૈસાની બચત થાય છે. આ વિશે વાત કરતાં રિયલ્ટી કન્સલ્ટન્ટ આશિષ શુક્લા કહે છે, ‘સામાન્ય રીતે બિલ્ડર નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ માટે પચીસ હજારથી બે લાખ રૂપિયા સુધીનો ચાર્જ લેતો હતો. એનો આધાર લોકેશન અને ફ્લૅટની વૅલ્યુ પર રહેતો હતો. આ ખર્ચો સામાન્ય રીતે ગ્રાહક અને વેચાણ કરનાર વ્યક્તિ ભેગા મળીને ભોગવતા હતા. આ નવા નિયમને કારણે હવે ફ્લૅટની રીસેલની પ્રક્રિયા વધારે સરળ બની ગઈ છે. પહેલાં બધા દસ્તાવેજો હોય પણ જો નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ ન હોય આખી પ્રક્રિયા અઠવાડિયાંઓ સુધી લંબાઈ જતી હતી. આના વગર ખરીદદારની હાઉસિંગ લોન પણ ફાઇનલ નહોતી થતી.’

વધારે પારદર્શકતા

સમગ્ર વ્યવહારમાં વધારે પારદર્શકતા આવે એ માટે સોસાયટીને શક્ય એટલી ઝડપથી કન્વેયન્સ મળી જાય એવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં એક રેસિડેન્શિયલ સર્વિસ જોન્સ લૅન્ગ લસાલ ઇન્ડિયાનાં વાઇસ પ્રેસિડન્ટ મૃણાલ દુગ્ગર કહે છે, ‘ડેવલપર માટે હવે જે જમીન પર પ્રોજેક્ટ તૈયાર થયો હોય એનું કન્વેયન્સ સોસાયટી રજિસ્ટર્ડ થાય એના ચાર મહિનાની અંદર સોંપી દેવાનું ફરજિયાત છે. તાજેતરમાં મહારાષ્ટ્ર ઓનરશિપ ઑફ ફ્લૅટ્સ ઍક્ટમાં થયેલા સુધારા પ્રમાણે જો ડેવલપર આ સમયગાળામાં કન્વેયન્સ આપવામાં નિષ્ફળ સાબિત થાય તો તેને પેનલ્ટી તો લાગે જ છે, સાથે-સાથે તેના તમામ સંભવિત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર પ્રતિબંધ પણ આવી શકે છે.’

એક મહત્વનું પગલું

રીસેલ ડીલમાં ડેવલપર પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું રદ કરવાનો સરકારનો નર્ણિય રિયલ્ટીના ક્ષેત્રમાં એક બહુ મોટું પગલું છે. આ સિવાય કન્વેયન્સના નિયમોમાં ફેરફાર પણ એક મહત્વનું પગલું છે. એ વિશે વાત કરતાં ઍડ્વોકેટ વિનોદ સંપટ કહે છે, ‘સરકારને ખબર છે કે કો-ઑપરેટિવ સોસાયટીઓને પ્રૉપર્ટીના ટાઇટલને લગતા દસ્તાવેજો મળી જવા જોઈએ. જોકે રાજ્યની નેવું ટકા જેટલી સોસાયટીઓમાં આવું થવામાં બહુ સમય લાગી શકે છે.’

નબળું પાસું પણ છે

એમસીએચઆઇ-ક્રેડાઇના પ્રેસિડન્ટ પારસ ગુંડેચા કહે છે, ‘જો નવા નિયમને કારણે પ્રક્રિયા વધારે સરળ બનતી હોય તો એ ચોક્કસપણે આવકાર્ય છે. જોકે ડેવલપર પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનો એક હેતુ એ પણ હતો કે ગ્રાહક પોતાનો ફ્લૅટ બીજી વ્યક્તિને વેચતા પહેલાં બિલ્ડર સાથેનો પોતાનો હિસાબ સ્પષ્ટ કરી લે. હવે આ નિયમ હટાવી લીધો હોવાને કારણે ડેવલપર પાસે મેઇન્ટનન્સ ચાર્જ જેવા પોતાના બાકી પૈસા વસૂલ કરવાનો કોઈ બીજો રસ્તો જ નથી રહ્યો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK