ભારત હમકો જાન સે પ્યારા હૈ

Published: 26th January, 2020 16:22 IST | bhavya gandhi | Mumbai Desk

આરંભ હૈ પ્રચંડ : આજના આ પ્રજાસત્તાક દિને દેશની સરકાર પાસે વાત કરીએ યંગસ્ટર્સની કે અમને આ દેશ પાસેથી શું અપેક્ષા છે?

આજે પ્રજાસત્તાક દિન છે. આજે દેશનું બંધારણ નક્કી થયું હતું, કહો કે જાહેર થયું હતું અને એ વાતને સન્માનનીય રીતે સૌકોઈ ઊજવી શકે એટલે આજના આ રિપબ્લિક ડેની અનાઉન્સમેન્ટ થઈ, પણ અફસોસની વાત એ છે કે બંધારણ બન્યા પછી, અમલમાં આવ્યા પછી જેકાંઈ ચાલ્યું એ વાજબી રીતે ચાલ્યું, પણ એમ છતાં જરૂરી એવા સુધારા-વધારા આ બંધારણમાં લેવામાં નથી આવ્યા એ પણ હકીકત છે. અનેક કાયદાઓની આવશ્યકતા છે પરંતુ એ પછી પણ એ કાયદા બન્યા નથી એ પણ સૌકોઈ જાણે છે. જો આપણે નવા ભારતની, મજબૂત ભારતની વાત કરતા રહીશું, પણ એ દિશામાં નક્કર પગલાં નહીં ભરીએ તો કશું વળવાનું નથી. વાતો થશે, પોકળ વાયદા થશે અને પછી જેકોઈ સપનાં જોયાં હશે એ બધાં ધરાશાયી થઈ જશે. જો સપનાંઓને સાકાર કરવાં હોય અને એ સપનાંઓને પામવાં હોય તો કડક હાથે કામ લેવું પડશે અને વોટ-બૅન્કને નજર સામે રાખ્યા વિના પગલાં પણ લેવાં જોઈશે. હું કહીશ કે દેશનું ભવિષ્ય યંગસ્ટર્સના હાથમાં છે ત્યારે અમારા જેવા યંગસ્ટર્સ શું ઇચ્છે છે, કેવા નવા કાયદા બને એવું ધારે છે એ પણ જાણવું જોઈએ. આજના આ પ્રજાસત્તાક દિને હું અહીં કેટલાક એવા કાયદાની ડિમાન્ડ કરું છું જેને હું માત્ર મારી નહીં, પણ દેશના એકેક યંગસ્ટર્સની ડિમાન્ડ છે એવું ગણાવીશ.

ફિલ્મ, ટીવી કે પછી બીજી કોઈ ઇવેન્ટમાં વારંવાર દેશભરમાં જવાનું બનતું હોય છે. એવા સંજોગોમાં દર મહિને હજારો લોકોને મળવાનું બને છે. એ લોકો સાથે ઔપચારિક વાતો તો થાય જ છે, પણ સાથોસાથ અનૌપચારિક વાતો પણ થતી રહે છે. એ વાતોના આધારે છેલ્લા ત્રણેક મહિનાથી હું નોટ કરતો હતો કે યંગસ્ટર્સ કેવા અને કયા પ્રકારના ભારતની અપેક્ષા રાખી રહ્યા છે. આ અપેક્ષામાં પહેલા નંબરે આવે છે રેપ-ફ્રી ઇન્ડિયા.
કરો બળાત્કારીઓને નાબૂદ.
હા, કરો એવું કૃત્ય કરનારાને નાબૂદ અને એ પણ તાત્કાલિક. આ માત્ર યંગસ્ટર્સની જ ઇચ્છા છે એવું કહેવાને બદલે હું કહીશ કે આ દેશના દરેકેદરેક પેરન્ટ્સની પણ ઇચ્છા છે અને દીકરીઓના પેરન્ટ્સની માગણી પણ છે. એક તરફ આપણે જ્યારે ‘બેટી બચાઓ’ની વાતો કરીએ છીએ ત્યારે એ જ દેશમાં બીજી તરફ બેટીઓ સાથે આવો દુર્વ્યવહાર થાય છે અને પછી આરોપી જેલમાં બેસીને વર્ષો કાઢી નાખે છે. આપણી બહેન-દીકરીઓ ન્યાય માટે અહીં-ત્યાં ભટક્યા કરે છે. જેણે પોતાનું શરીર ગુમાવ્યું છે તેણે આમ ભટકીને શું કામ આબરૂ ગુમાવવાની? નિર્ભયાકેસ માટે આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના બહુ સારા કલાકાર એવા મનોજ જોષીએ બહુ સરસ વાત કહી હતી. તેમણે કહ્યું કે આખો દેશ જ્યારે નિર્ભયાકેસના આરોપીઓને ફાંસીના માંચડે ખેંચી જવા તત્પર હતો ત્યારે દેશની કોર્ટ એ લોકોને ફાંસીથી બચાવવાની પ્રક્રિયા કરતી હોય એમ વર્તી રહી હતી.
મને બીજું કશું કહેતા નથી આવડતું, પણ હું એટલું કહીશ દેશના માનનીય વડા પ્રધાનને કે અમને પાકિસ્તાન સામેની દુશ્મની ચાલશે. અમારી પાસે કાશ્મીર નહીં હોય તો અમને એનો અફસોસ બહુ નહીં થાય, પણ અમારી બહેન-દીકરીઓ સામે જે ખરાબ નજરે જુએ કે ખરાબ વ્યવહાર કરે તેને અમે જીવતો નહીં જોઈ શકીએ. દૂર કરો એવા કાયદા જે આ પ્રકારના કૃત્યમાં બચાવની પ્રક્રિયા કરતા હોય. દૂર કરો એ બંધનો, જે આ પ્રકારનાં કૃત્ય કરનારાને લાંબું આયુષ્ય આપવાનું પાપ કરતાં હોય. લાવો એવો કાયદો જે દેશની એકેએક બહેન-દીકરી સામે નજર ઊંચી કરતી વખતે મનમાં બીક અને ધ્રુજારી લાવી દેતો હોય. નાના મોઢે મોટી વાત લાગશે, પણ હકીકત છે, દુશ્મનોને બધા ઓળખે છે, જોઈ શકે છે દુશ્મનને, પણ દેશમાં રહેલા આવા દુશ્મનોને ઓળખવાનું કામ અઘરું છે. સમાજના આ દુશ્મનો સરહદ પાર બેઠેલા પેલા દુશ્મનો કરતાં વધારે ભયાનક છે. તેમને હવે પોષવાનું બંધ કરીને દેશને ‘બળાત્કારી-નાબૂદ’ દેશ બનાવવાનો સમય આવી ગયો છે.
બીજા નંબરે અમારી ઇચ્છા છે કે દેશને ભ્રષ્ટાચાર-ફ્રી કરો.
કરો, ભ્રષ્ટાચાર નાબૂદ
ભલે આજે બધા એવું કહે કે દેશમાં ભ્રષ્ટાચાર નથી થતો, પણ હકીકત હજી પણ એ જ છે કે ભ્રષ્ટાચાર થાય છે અને એ કરવામાં આવે જ છે. નાના સ્તરે આ કામ થઈ રહ્યું છે અને મોટા સ્તરે પણ એ ચાલતું હશે એવું કહેવામાં કોઈ સંકોચ થતો નથી. હા, અમુક ડિપાર્ટમેન્ટમાં એ કામ બંધ થયાં હોય એવું બની શકે, પણ ભ્રષ્ટાચાર થતો નથી એવું કહેવું તો અસંભવ છે. ભ્રષ્ટાચાર દૂર કરવા માટે માત્ર વાતો કરવાથી કંઈ વળવાનું નથી. આ કામમાં તો આપણે એટલે કે દેશની જનતાએ પણ સાથ આપવાની જરૂર છે.
ભ્રષ્ટાચાર બંધ કરવાની પહેલી રીત એ છે કે લાંચ આપવાનું બંધ કરો. આપવાનું કામ એ જ કરે છે જેમની પાસે એક્સેસ ફન્ડ છે અને કાં તો તેઓ કરે છે જેઓ પોતાની જાતને રેસમાં ઉતારે છે અને બધાં કામ ફટાફટ થાય એવું ધારે છે કે માને છે. આપણે આપણી આ માનસિકતા ચેન્જ કરવી જોઈએ એવું મને લાગે છે. લાઇસન્સ ન હોય અને ચલણ ફાટે તો ફાઇન ભરવાની માનસિકતા કેળવી લઈશું તો લાભમાં આપણે જ રહીશું. ૧૦૦ની પત્તી પકડાવી દેવાની ભૂલ કરીને આપણે આપણા જ દેશની નસમાં ભ્રષ્ટાચાર ભરીએ છીએ અને એ ભરીને આપણે દેશને બગાડવાનું કામ કરીએ છીએ. તમારી પાસેથી ૧૦૦ રૂપિયા મળશે તો તેને બીજી જગ્યાએથી બીજા ૧૦૦ કે ૫૦૦ કમાવાનું મન થશે સો બેટર કે આપણે એ મેન્ટાલિટીને છોડીએ અને ડ્રગ્સ જેવું બની ગયેલું આ વ્યસન આપણે અટકાવી દઈએ.
વાત કરીએ સામેના પક્ષની, તો એક વાત યાદ રાખવાની જરૂર છે તેમને કે ઈઝી મની હંમેશાં હાર્ડ પ્રૉબ્લેમ લાવે છે. પરસેવાની કમાણી ન હોય એવા લોકોની લાઇફમાં તકલીફ આવતી જ હોય છે અને એ તકલીફ એવી હોય છે જેને તેઓ કોઈને કહી પણ નથી શકતા. સિમ્પલ, ફિલોસૉફી, કર્મા રિટર્ન્સ. જો એવું ન થવા દેવું હોય તો ભ્રષ્ટાચારની દિશામાં આગળ વધવાને બદલે જાતને રોકી દો. કોઈ ઑફર કરે તો હસીને ના પાડો અને જો હસવામાં પ્રૉબ્લેમ થતો હોય તો સિરિયસ થઈને ના પાડી દો. તકલીફ પડી શકે છે શરૂઆતમાં, પણ એ તકલીફને એક વખત પાર કરી જશો તો રાતના ઊંઘ બહુ સરસ આવી જશે.
હવે વાત કરીએ દેશની દૃષ્ટિએ. ભ્રષ્ટાચારને દૂર કરવા માટે જરૂરી છે કડક કાયદાની, એવા કડક કાયદાની જેમાં માત્ર જેલ ન ભરાય પણ એનાથી દિમાગ ભરાઈ જાય અને આંખમાં આંસુ આવી જાય. આજે મોટા-મોટા નેતાઓ પણ ભ્રષ્ટાચારની ફરિયાદ પછી જેલમાં ગયા છે, પણ બેચાર કે છ મહિનામાં તેઓ બહાર આવી ગયા છે અને અમુક તો નવેસરથી ઇલેક્શન લડીને ફરીથી મોટા રાવણ બની ગયા છે, પણ એવું ન થાય અને સજા મળે, કડક સજા મળે એવો કાયદો આવે એ બહુ જરૂરી છે. ગવર્નમેન્ટ ઑફિસર સસ્પેન્શન મળે એ પછી વધારે ખોટું કામ કરતા થઈ જાય છે. આવું પણ ન થવું જોઈએ. મને હમણાં જ ખબર પડી કે સસ્પેન્શન દરમ્યાન અમુક કિસ્સામાં તો તેમને અડધી સૅલેરી પણ મળતી રહે છે. કામચોરને તો જલસો થઈ જાયને આવા સસ્પેન્શનથી. નહીં ચાલે આવા કાયદાઓ અને આવી રીતભાત. હેલ્મેટ વિના કે સીટ-બેલ્ટ વિના કાર ચલાવનારો સીસીટીવી કૅમેરામાં સરળતાથી આવી જાય છે અને ટ્રાફિક વાયલન્સનું ચલણ ઘરે પહોંચી જાય છે તો પછી ભ્રષ્ટાચાર કેવી રીતે બાકાત રહી શકે?
કરો જે કરવું હોય એ, કરો જેમ કરવું હોય એમ, પણ અમને અમારો દેશ ભ્રષ્ટાચાર-મુક્ત જોઈએ એટલે જોઈએ. ભ્રષ્ટાચાર જેવી ફાલતુ બાબતોને લીધે જો અમારો દેશ પાછળ રહી જતો હોય તો અમને એ મંજૂર નથી. અમે ઇચ્છીએ છીએ કે અમારો દેશ બેસ્ટ દેશ હતો, છે અને રહેશે. કારણ, ભારત હમકો જાન સે પ્યારા હૈ, સબ સે ન્યારા ગુલિસ્તાં હમારા હૈ...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK