જવાબ આપો, ઇનામ જીતો

Published: 20th January, 2021 14:54 IST | Sejal Ponda | Mumbai

રિપ્લાય કમ્યુનિકેશનનો એક અનિવાર્ય વિકલ્પ બની ગયો છે. મેસેજ રિપ્લાય કે કૉલ રિપ્લાય વ્યવહારમાં 'અગત્યના એટલા માટે છે, કારણ કે એનાથી કમ્યુનિકેશન કરવામાં સરળતા રહે છે. સંબંધ પર્સનલ હોય કે પ્રોફેશનલ, કમ્યુનિકેશન એક અવિભાજ્ય અંગ કહેવાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ પ્રોડક્ટ એના ગ્રાહકને આકર્ષવા માટે વિવિધ કૉન્ટેસ્ટ એટલે કે હરીફાઈ યોજતી હોય છે. આપણી સામે પ્રોડક્ટ મૂકવામાં આવે અને પછી કહેવામાં આવે કે અમારી સાથે જોડાયેલા રહો, અમારા સવાલોના જવાબ આપતા રહો અને જીતો ઇનામ. મોટી-મોટી બ્રૅન્ડ જેમ ડિસ્કાઉન્ટ આપે છે એમ હવે આવી કૉન્ટેસ્ટ યોજે છે. આને કહેવાય પોતાની પ્રોડક્ટ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાનો કીમિયો. માર્કેટિંગનો નવો નુસખો. લોકો ઇનામની લાલચે કૉન્ટેસ્ટમાં ભાગ લઈ પૂછેલા સવાલોના

જવાબ આપે.

સાબુ હોય કે તેલ, ચા હોય કે મસાલા દરેક પ્રોડક્ટ કૉન્ટેસ્ટ જાહેર કરીને ગ્રાહકને આકર્ષી રહી છે.

હવે તો પ્રિન્ટ મીડિયા પણ આવી કૉન્ટેસ્ટ યોજતી થઈ ગઈ છે. પ્રગટ થતી નવલકથા, વાર્તામાં ઇનામી કૉન્ટેસ્ટ રખાય છે. ટેલિવિઝનની દુનિયામાં પણ કૉન્ટેસ્ટની બોલબોલા વધી છે. રજૂ થતી ધારાવાહિકને લગતા સવાલો પૂછી ઇનામી કૉન્ટેસ્ટ રાખવામાં આવે છે જેને લીધે દર્શકો ધારાવાહિક જોતા થાય છે. પોતાની ધારાવાહિક તરફ લોકોને આકર્ષવા માટે આવી કૉન્ટેસ્ટ રખાય છે જેને લીધે ઇનામ મળવાની આશાએ વધુમાં વધુ દર્શકો ધારાવાહિક સાથે જોડાતા જાય છે અને જવાબો આપતા રહે છે. કૉન્ટેસ્ટ પ્રમાણે તરત જવાબ આપવાની ઘેલછા વધતી જાય છે.

કાશ! સંબંધોમાં પણ આવું કંઈ હોત કે જવાબ આપો અને ઇનામ જીતો. આ વિચાર રમૂજી લાગે છેને? જરાક બીજી રીતે વિચારી જુઓ. આપણા ઘણાખરા સંબંધમાં ગેરસમજ માત્ર જવાબ ન આપવાને કારણે ઊભી થતી હોય છે. રિપ્લાય કમ્યુનિકેશનનો એક અનિવાર્ય વિકલ્પ બની ગયો છે. મેસેજ રિપ્લાય કે કૉલ રિપ્લાય વ્યવહારમાં અગત્યના એટલા માટે છે, કારણ કે એનાથી કમ્યુનિકેશન કરવામાં સરળતા રહે છે. સંબંધ પર્સનલ હોય કે પ્રોફેશનલ, કમ્યુનિકેશન એક અવિભાજ્ય અંગ કહેવાય છે. કમ્યુનિકેશનથી સવાલો અને મૂંઝવણ દૂર થતાં જાય છે.

કોઈ પણ સંબંધ અપેક્ષા વિનાનો હોતો જ નથી. સૌથી બેઝિક અપેક્ષા રિપ્લાય મેળવવાની હોય છે. પર્સનલ સંબંધમાં તમે તમારી અંગત વ્યક્તિને કંઈ પૂછો અને જવાબ ન મળે તો એ અકળામણ અસહ્ય બની જાય છે. અને અહીંથી જ સામેની વ્યક્તિ પોતે અવૉઇડ થઈ રહી છે એવી ફીલિંગ અનુભવાય છે. મૌનથી ઘણી વાર ઝઘડા ટળી શકે છે એવું બને છે પણ મૌન કોઈને અવૉઇડ કરવાનું માધ્યમ ન બનવું જોઈએ. માણસ જેટલો પારદર્શક રહે એટલો એ વધુ નિખરતો જાય છે.

પુછાયેલા સવાલનો જવાબ તરત ન આપી શકાતો હોય તો કમ સે કમ એ ક્ષણે એટલું જણાવવાની તસ્દી લઈ લેવી જોઈએ જેથી સામેની વ્યક્તિ અકળાયા ન કરે કે તેને અવૉઇડ થયાની ફીલિંગ ન અનુભવાય.

માણસના વર્તનથી તેની વૃત્તિનો ખ્યાલ આવી જતો હોય છે. જોકે ઘણી વાર કોઈ વ્યક્તિ એટલીબધી અટવાયેલી હોય કે તેના માટે જવાબ આપવો સંભવ નથી હોતો અને એ સમયે સામેની વ્યક્તિને ગેરસમજણ થાય એ સ્વાભાવિક છે. એ સમયે વ્યક્તિ અકળાય, આરોપ મૂકે એવુંય બને. ત્યારે માત્ર ચૂપ બેસી રહેવાથી સંબંધમાં વધારે ખટાશ આવતી જાય. શું સિચુએશન હતી અને કયા કારણસર જવાબ ન અપાયો એ ક્લિયર કરવું જરૂરી થઈ રહે છે. ત્યારે ઈગો વચ્ચે ન લવાય કે તેણે ગેરસમજણ કરી એટલે હું શું કામ તેને સમજાવું.

સંબંધ સાચવવો છે કે વ્યવહાર એ આપણે નક્કી કરવાનું હોય છે. અપેક્ષા પૂરી ન થવાને કારણે વ્યક્તિ ખરાબ છે એ કહેવાનો બિલકુલ ઇરાદો નથી. બસ, કોઈ પણ સંજોગોમાં વાતો થતી રહેવી જોઈએ. જો વાત થતાં અટકી જાય તો પછી અટકળોનો દોર શરૂ થાય છે અને બન્ને તરફ ગેરસમજણ વધતી ચાલે છે.

અટકળો આપણને એવું વિચારવા મજબૂર કરે છે જે છે જ નહીં. એટલે જ કમ્યુનિકેશન બહુ જરૂરી છે. મારે શું કામ જવાબ આપવા જોઈએ? મારે શું કામ ખુલાસા આપવા જોઈએ? મારે શું કામ રિપ્લાય કરવો જોઈએ? આવું વિચારવાથી સંબંધ તૂટતો જાય છે.

સ્કૂલમાં આપણે જે ભણીએ છીએ એની પરીક્ષા લેવાય છે. પ્રશ્નો પુછાય છે. એના જવાબ લખી આપણે પરીક્ષા પાસ કરવાની હોય છે. જે કમ્પલ્સરી છે એ આપણે કરીએ છીએ, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી. જવાબ નહીં લખીએ તો પાસ નહીં થઈએ. આગળ નહીં વધીએ. જિંદગીનું પણ એવું જ છે. સંબંધોમાં ઊભા થતા પ્રશ્નો જવાબ ન મળવાને કારણે અટકી જતા હોય છે. ભલે અહીં જવાબ કમ્પલ્સરી ન હોય, પણ વાજબી જરૂર છે. સંબંધને જો ટકાવી રાખવો હોય તો જવાબ આપતાં શીખવું પડશે. ભલે લડો, ઝઘડો, કકળાટ કરો પણ જવાબ આપો. કમ્યુનિકેટ કરો, કારણ કે દરેક વખતે મૌન સંબંધ માટે હેલ્ધી સાબિત નથી થતું.

જો સંબંધમાં પેલી પ્રોડક્ટ જેવી કૉન્ટેસ્ટ હોત કે જવાબ આપો અને ઇનામ જીતો તો કદાચ જવાબની વણઝાર લાગી જાત. ઇનામ મળવાનું છે એ જાણી આપણે દરેકના પ્રશ્નોના જવાબ આપવા તત્પર રહેત. આ તત્પરતા સંબંધમાં બહુ જરૂરી છે. ખાસ ત્યાં જ્યાં લાગણીભર્યા સંબંધ છે. ખાસ ત્યાં જ્યાં તમારી મુશ્કેલીમાં કોઈ સતત ઊભું રહ્યું છે. લાગણીભર્યા સંબંધમાં જવાબ અપાતા રહેવા જોઈએ.

બૅન્કની બૅલૅન્સ શીટ આંકડાઓ બતાવી શકે છે. સંબંધમાં લાગણીના આંકડાઓ મપાતા નથી અને દેખાતા પણ નથી. બસ, આપણું વર્તન જ સંબંધનું જમા પાસું હોય છે. માણસ દુનિયામાં ન હોય ત્યારે આપણે તેના ગુણગાન ગાઈએ છીએ કે માણસ સારો હતો. અસલ જિવાતી જિંદગીમાં આ બનવું જોઈએ. આપણું વર્તન જ આપણા સંબંધોને સાચવી શકે છે. ભૂલનો સ્વીકારભાવ પણ એટલો જ જરૂરી છે.

જીવન સતત વહેતું રહે છે. સંજોગો પ્રમાણે આપણું વર્તન પણ બદલાતું રહે છે. બસ, આપણી સારી વૃત્તિને આપણે ફ્રેમ કરીને રાખવાની છે. એમાં કોઈ ઓછપ ન આવવી જોઈએ.

સવાલોને કહી દો ન આવે આજે એમનું મૌનવ્રત ચાલે છે

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK