ધોરડોના સફેદ રણના આ લક્ઝરી ટેન્ટનું રેન્ટ છે ૯૮,૦૦૦ રૂપિયા

Published: 5th December, 2014 04:33 IST

પૉશ ફાઇવસ્ટાર હોટેલના સ્વીટના ભાવ તો પાંચ આંકડામાં સાંભળવા મળતા હોય છે, પણ એક ટેન્ટમાં રહેવા માટે લગભગ એક લાખ રૂપિયા ખર્ચવા પડે એવું તો આ અગાઉ કદાચ જ્વલ્લે જ સાંભળવા મળ્યું હશે.


રશ્મિન શાહ

જોકે આ હકીકત છે. કચ્છના ધોરડોના સફેદ રણમાં અત્યારે ચાલી રહેલા રણ ઉત્સવ માટે નિર્માણ થયેલા ટેન્ટ-સિટીમાં બનાવવામાં આવેલા લક્ઝરી ટેન્ટનું ભાડું ૯૮,૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ટેન્ટ આજથી જ ખુલ્લો મૂકવામાં આવશે અને એમાં સૌથી પહેલાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ રહેશે અને એ પછી ટેન્ટનું બુકિંગ કૉમન મૅન માટે ખુલ્લું મૂકવામાં આવશે.

આ ટેન્ટની ખાસિયત એ છે કે ટેન્ટ-સિટીના તમામ ટેન્ટ માટે એક કૉમન ડાઇનિંગ હૉલ છે, પણ આ લક્ઝરી ટેન્ટમાં સેપરેટ ડાઇનિંગ રૂમ આપવામાં આવ્યો છે. લક્ઝરી ટેન્ટના ગેસ્ટ જ્યારે ઇચ્છશે ત્યારે પોતાના પર્સનલ ડાઇનિંગ રૂમમાં જમી શકે છે. બે બેડરૂમ, કિચન અને ડ્રૉઇંગ રૂમની ફૅસિલિટી ધરાવતા આ ટેન્ટમાં ટીવી, ફ્રિજ, ગીઝર, ઍર-કન્ડિશનર, રૂમ-હીટર જેવી તમામ સુવિધા છે જે એક લક્ઝરી ફ્લૅટમાં હોય. લક્ઝરી ટેન્ટને પોતાનું સેપરેટ ગાર્ડન છે. આ ટેન્ટની સૌથી મોટી ખાસિયત એનું લોકેશન છે. ચંદ્ર જે જગ્યાએથી પૂરેપૂરો દેખાય અને એને કોઈ આડશ ન આવે એવા લોકેશન પર એને બનાવવામાં આવ્યો છે, જેને કારણે રાતે સૂતી વખતે જાણે કે ચંદ્ર તમારા રૂમમાં નાઇટ-લૅમ્પનું કામ આપવા આવ્યો હોય એવી અનુભૂતિ થાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK