Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આઠેય વાર અલ્લાહના, પણ મારો વાર જુદો!

આઠેય વાર અલ્લાહના, પણ મારો વાર જુદો!

18 October, 2020 07:52 PM IST | Mumbai
Dr Dinkar Joshi

આઠેય વાર અલ્લાહના, પણ મારો વાર જુદો!

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


રવિવારની રજાને આપણે છુટ્ટીના દિવસ તરીકે ઓળખીએ છીએ. આનો અર્થ એવો થયો કે અઠવાડિયાના સાત વાર પૈકી છ વાર બંધનના દિવસ છે અને આ એક વાર છુટ્ટીનો વાર છે. એક રીતે છ દિવસ દૈનિક કામનું એક ચોક્કસ માળખું હોય છે અને રવિવારે આ માળખું આપણે શિથિલ કરીએ છીએ અને એ રીતે માનસિક રીતે થોડીક હળવાશ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. કામકાજની ચોક્કસ ઘરેડ કામકાજને સુગ્રથિત કરે છે અને એ રીતે શક્તિ અને સમય બન્નેનો ચોક્કસ બચાવ કરે છે, પણ એ સાથે જ માનસિક રીતે એને યંત્રવત બનાવે છે. ચોકસાઈ હંમેશાં યંત્ર સાથે સંકળાયેલી હોય છે. હંમેશાં એક જ સમયે એક જ ગાડીમાં જવું, એકસરખાં જ વસ્ત્રો પરિધાન કરવાં- ઑફિસનાં કપડાં, સ્કૂલનો યુનિફૉર્મ આવા શબ્દો સાથે જ ચોકસાઈ સાથે યાંત્રિકતા આપોઆપ સંકળાઈ જાય છે.

યાંત્રિકતા એક બંધન છે. યંત્ર ચાલુ કરવું, ચાલુ રાખવું અને પછી બંધ કરીને યંત્રે પેદા કરેલી સામગ્રી યંત્રવત જ તપાસીને સરભર કરી લેવી આ બધું ઉત્પાદનની દૃષ્ટિએ સારું હોય છે પણ માણસની સ્વૈચ્છિક ગણના કરવા માટે થોડાક પ્રશ્નો પેદા કરે એવું છે. અઠવાડિયાના છ દિવસ માણસ પોતે ચાલતો નથી પણ ઘડિયાળ ચાલે છે. કોરોનાના આ દિવસો દરમિયાન ઘરમાં જ રહેવાનું હોય છે ત્યારે થોડુંક મોડા ઊઠીએ કે થોડુંક વહેલા સૂઈ જઈએ તો કામકાજના ઉત્પાદનમાં કોઈ વાંધો નથી આવતો અને છતાં ઊઠવામાં મોડું થયું છે એમ જો ઘડિયાળના કાંટા કહે તો ‘ઓહ’ એમ થાય છે અને એક ઉચ્છ્વાસ નીકળી જાય છે. આવું થવાનું કોઈ કારણ નથી અને છતાં ઘડિયાળના કાંટા દીવાલ ઉપરથી છૂટા પડીને છાતીના પાંસળામાં જમણે અને ડાબી બાજુએ ખડખડાટ હસતા-હસતા ખૂંચી જાય છે. લોહી નથી નીકળતું, કાર્ડિયોગ્રામ પર અવળી અસર નથી થતી અને છતાં આ છ દિવસ બંધન છે એ વાત સ્થાપિત તો થાય જ છે.



રવિવાર ખરેખર તો અંગ્રેજી શાસનની આપણને ભેટ છે. અંગ્રેજી શાસન સાર્વત્રિક થયા પહેલાં આપણે ત્યાં અઠવાડિક રજા નહોતી. અઠવાડિયે એક વાર પેલા છ દિવસની યાંત્રિકતાથી છૂટા પડવું એ માનસિક રીતે સારું છે અને એ સાથે જ સામાજિક કાર્યોને ઘાટઘૂટથી નીપજાવવા માટે પણ સારું છે, પણ સાત પૈકી પસંદગીનો કળશ રવિવાર ઉપર ઉતારવાનું કારણ ખ્રિસ્તી ધર્મ છે. અંગ્રેજો ખ્રિસ્તી ધર્મી હતા અને ખ્રિસ્તી ધર્મમાં દર રવિવારે ચર્ચમાં પ્રાર્થના કરવા જવાનો આદેશ છે. (આવો આદેશ બીજા ધર્મમાં પણ વધતા ઓછા પ્રમાણમાં છે અને એના અનુયાયીઓ એનું અનુસરણ પણ કરે છે. – હિન્દુઓ કદાચ આમાં અપવાદ છે. શૈવધર્મીઓ સોમવારે પૂજાપાઠને મહત્ત્વ આપે છે, વૈષ્ણવો ચોક્કસ વાર સિવાય સમય-સમયનાં દર્શનને મહત્ત્વ આપે છે પણ આમાં કોઈ સખતાઈ નથી.) આ ધાર્મિક પરંપરાને કારણે અંગ્રેજી શાસકોએ રવિવારને રજાનો દિવસ જાહેર કર્યો. અન્યથા આપણે ત્યાં એક માસિક રજા હતી અને એ અણોજો તરીકે ઓળખાતી અને આ અણોજો એટલે અમાવસ્યા. આ અમાવસ્યાની રજા મુખ્યત્વે સંગઠિત બજારોમાં પળાતી. અહીં આગલા ૨૯ દિવસ બંધનના દિવસ તરીકે ઓળખાતા નહોતા.


અઠવાડિક રજાને ધર્મ સાથે સાંકળી લેવાની પરંપરા ખ્રિસ્તીઓ અને મુસલમાનોએ ચોક્કસ માન્યતા સાથે જાળવી રાખી છે.  સામાન્ય દિવસના પાંચ ચોક્કસ સમયને મુસલમાનોએ અલ્લાહને સંભારવા માટે, એનો આભાર દર્શન કરવા માટે નિશ્ચિત કર્યો છે. આ નિશ્ચિત સમયે મુસલમાનો બીજાં બધાં જ કામ છોડીને નમાજ કરે છે અને દુન્યવી બીજા બધા જ લાભોથી પર થઈ જઈને અલ્લાહમય થવાની કોશિશ કરે છે. ખ્રિસ્તીઓ ચાલુ દિવસોમાં આવું કરતા નથી પણ રવિવારે આવું કરવાનું ભૂલતા નથી. અમેરિકા કે બ્રિટન જેવા પ્રગતિશીલ અને ધર્મનિરપેક્ષ કહેવાતાં રાજ્યો પણ જો એમની સંસદ રવિવારે ચાલુ રહે તો સંસદમાં પણ રવિવારની પ્રાર્થના માટેની વ્યવસ્થા કરે છે. એ સાથે જ જો બીજા કોઈ ધર્મના અનુયાયીઓ ચાલુ સંસદે પોતાની પ્રાર્થના માટે સમય મેળવી શકતા નથી. આ એમનો કાયદો છે. કાયદાને હંમેશાં સાચો માનવામાં આવે છે.

હિન્દુસ્તાનમાં મુસલમાનોને ચાલુ ઑફિસે અથવા સરકારી કામકાજ દરમિયાન પણ નમાજ પઢવા માટે છુટ્ટી આપવામાં આવે છે. શુક્રવારે બડા નમાજ માટે મુસલમાનો જો છુટ્ટી ન મળે તો પગાર કપાવીને પણ છુટ્ટી મેળવવા આગ્રહી હોય છે. આવો આગ્રહ સામાજિક વ્યવસ્થા માટે ચોક્કસ અનુકૂળ નથી, પણ મુસલમાનોના આ આગ્રહ સામે અન્ય ધર્મીઓ આવો આગ્રહ સેવે છે ખરા?     


આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ ધર્મના અનુયાયીઓ અઠવાડિયે કોઈ એક ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે પરમાત્માનું સ્મરણ કરીને એના ચરણ પાસે એક ક્ષણ બેસી જવાના આગ્રહી છે. આ મૂળ વાતને ભૂલી જઈને ધર્મને એક શાસકીય સ્વરૂપ આપી દેવામાં આવે છે. ધર્મ વિશે ક્યાંક એક સરસ વાત વાંચી હતી કે માણસ જ્યારે પોતાના ધર્મ વિશે દસ-વીસ ટકા જ જાણતો હોય છે ત્યારે એ કટ્ટરવાદી હોય છે, આગ્રહી હોય છે, ઝનૂની હોય છે એટલું જ નહીં; પોતે જ સાચો અને બીજા સૌ ખોટા એવા ગાંડપણનો પણ તે અનુયાયી હોય છે. આ પછી જો તે પોતાના જ ધર્મમાં પચાસ ટકા સુધી અનુભવ કરે છે ત્યારે તે વિચારતો થઈ જાય છે. તેનો કટ્ટરવાદ શમી જાય છે અને વધુ વિચારણા કરવા તેનું ચિત્ત શાંત થવા માંડે છે. આ પછી તેની વિચારણાની પ્રક્રિયા જો શાંતિથી આગળ વધે છે તો જ્યારે એની સમજણ સિત્તેર-એંસી ટકાએ પહોંચે છે ત્યારે એની સામે કોઈ ધર્મ નથી હોતો, માત્ર શાંતિ હોય છે.

રજાને અને ધર્મને, રજાને અને પ્રાર્થનાને દેખીતી રીતે કોઈ સંબંધ નથી. માણસ એક એવી અવસ્થાએ તો અવશ્ય હોવો જોઈએ કે રસ્તા ઉપરથી પસાર થતી વેળાએ પણ જો કોઈ અન્ય ધર્મનું સ્થાનક જમણી કે ડાબી તરફ આવે તો તેની એ બાજુ સહેજ ફરકે. આ ધાર્મિક અવસ્થા નથી, આધ્યાત્મિક અવસ્થા છે અને અધ્યાત્મ ભાવ કેળવવા માટે રવિવાર કે શુક્રવારની જરૂર નથી. એ માટે આઠેય વાર અલ્લાહના છે.

દેખીતી રીતે આ આઠેય વાર અલ્લાહના એ વાત કદાચ અલ્લાહને જ આપણે સમજવા દીધી નથી. શુક્રવાર તેમને ખાસ આપ્યો. રવિવાર પણ વિશેષ ગણીને ખ્રિસ્તી અલ્લાહને આપ્યો અને સોમવાર શિવજીને, મંગળવાર ગણેશજીને, ગુરુવાર સાંઈબાબાને, શનિવાર હનુમાનજીને આમ વારની વહેંચણી કરવામાં તો આપણે ક્યાંય પાછું વાળીને જોયું નથી. પાછળથી પેદા થયેલાં દેવદેવીઓને પણ આપણે સુવાંગ વાર આપ્યા છે. સંતોષીમાતા અથવા વૈભવલક્ષ્મીદેવી પણ સુવાંગ વારના અધિકારી બન્યાં છે. દેવદેવીઓને આખાને આખા વાર આપી દઈને આપણે કંઈ ઓછી ભક્તિ નથી કરતા. આટલું ઓછું હોય એમ ચોક્કસ મંદિરના દેવદેવીને જ ચોક્કસ વારે દર્શન કરવા, હાર ચડાવવા કે પ્રાર્થના કરવી એનુંય એક ચોક્કસ મહત્ત્વ આપણે સ્વીકાર્યું છે. શનિવારે હનુમાનજીનાં દર્શન કરવા એ વાર તરીકે મંજૂર પણ આ હનુમાનજી સુધ્ધાં અમુક ચોક્કસ મંદિરના જ હોય એવો આગ્રહ પણ કંઈ ઓછો નથી હોતો.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 07:52 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK