Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોના અકબંધ છે: સમય પસાર કરવાનો છે, જિંદગી નહીં કે નાસીપાસ થવું પડે

કોરોના અકબંધ છે: સમય પસાર કરવાનો છે, જિંદગી નહીં કે નાસીપાસ થવું પડે

11 October, 2020 07:15 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

કોરોના અકબંધ છે: સમય પસાર કરવાનો છે, જિંદગી નહીં કે નાસીપાસ થવું પડે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


આજે ઘણા લોકો એવા છે જેઓ કોઈ પણ જાતના કારણ વિના બહાર નીકળે છે. બહાર નીકળે છે અને એવા કામસર બહાર નીકળે છે જેની કોઈ જરરિયાત નથી. મંદિરે જવું છે, દેવસ્થાન જવું છે. લાંબા સમયથી દર્શન નથી કર્યાં એટલે જાત્રાએ જવું છે. દલીલો પણ તેની પાસે સક્ષમ છે. બધું ખૂલી ગયું છે. ટ્રેનમાં તો જરા પણ એવું લાગતું નથી કે હજી લૉકડાઉન ચાલુ છે. બધા ફરે છે. દર્શન તો કરવાં જ જોઈએ. આમ ને આમ થોડું ઘરમાં બેસી રહેવાય.

આ અને આવી દલીલો કરનારાઓને કહેવાનું મન થાય કે ભલા માણસ, માત્ર સમય પસાર કરવાનો છે, જિંદગી નહીં કે બહાર નીકળવા માટે આ સ્તરે નાસીપાસ થઈ રહ્યા છો. ગભરાવાની જરૂર નથી. આ દિવસો પણ જવાના છે અને હવે એટલા દિવસો તો નથી જ કાઢવાના જેટલા પસાર કર્યા. બહુ ઝડપથી વૅક્સ‌િન આવશે, મેડિસિન શોધાશે અને આ બધામાંથી ઝડપભેર બહાર આવીશું, પણ જો તમે સમજ્યા નહીં, તમે અટક્યા નહીં તો વૅક્સ‌િન અને મેડિસિન આવે એ પહેલાં જ દેશની હાલત કફોડી થઈ જશે. કોરોનાને હસી કાઢવા કરતાં બહેતર છે કે ચીવટ રાખો અને સાવધાની સાથે જીવો. બીમાર પડીને હેરાન થવા કરતાં સ્વસ્થ રહીને ઘરની બહાર ઓછું નીકળવાની હેરાનગતિ સહન કરી લેવામાં શાણપણ છે.



ઈશ્વરની મહેરબાનીથી આ સમયમાં ટેક્નૉલૉજીએ આશીર્વાદનું કામ કર્યું છે. આજે બધું આંગળીના ટેરવે મળતું થઈ ગયું છે. બધેબધું જ હવે મળે છે. શાકભાજીથી માંડીને ગ્રોસરીની આઇટમ પણ હવે સહેલાઈથી ઑનલાઇન મળે છે અને બહુ ઝડપથી ડિલિવરી પણ થઈ જાય છે. ધારો કે એવું બન્યું કે તમને જોઈએ છે એવી ચીજવસ્તુઓ ન મળી તો એક યાદી બનાવો અને એક જ સમયે જઈને બધું લઈને આવી જાઓ, પણ બહાર બધું ખુલ્લું છે એવી દલીલ કરીને ભટકવાનો કોઈ અર્થ નથી સરતો. બહેતર જીવન જીવવા માટે બીમારીને અવગણવાની જે આવશ્યકતા છે એ આવશ્યકતાને લાઇફ-સ્ટાઇલ બનાવીને રાખો.


તમે જ વિચારો, મુંબઈની લોકલ ટ્રેન ક્યારેય બંધ થઈ હતી ખરી? જરા વિચારો કે ફૉરેનની ફ્લાઇટ ક્યારેય આમ અટકી ગઈ હતી? આજે હજી પણ ૬૦થી વધારે ટ્રેનો બંધ છે અને લોકોએ ટ્રાવેલ કરવા માટે જાતજાતના રૂટ પસંદ કરવા પડે છે. આ અવસ્થામાં તમારી મામૂલી અને અમુક વાર તો ફાલતુ કહેવાય એવી વાતો માટે બહાર નીકળવું એ કઈ હદે યોગ્ય કહેવાય? જરા વિચારજો, એક વાર ધ્યાનથી. વાત ડરની બિલકુલ નથી અને જો તમને ઘરમાં રહીને એવું લાગવા માંડ્યું હોય કે હવે બીકને કારણે તબિયત બગડશે તો એનો રસ્તો વિચારો, માર્ગ શોધો. ઑનલાઇન પ્રાણાયામનો રસ્તો છે અને યોગ પણ હાથવેંતમાં છે. અઢળક વિડિયો પડ્યા છે જે જોઈને તમે યોગની પ્રૅક્ટિસ કરી શકો છો. તમારે પણ આ પ્રૅક્ટિસને જીવનનો ભાગ બનાવવો જોઈએ અને બહાર નીકળવાનું મન થાય ત્યારે યાદ કરવું જોઈએ, વિશ્વની મહાસત્તાના સરતાજ એવા ટ્રમ્પ પણ કોવિડથી બચી નથી શક્યા તો આપણે વળી કઈ વાડીના મૂળા કે કોરોના આપણને બક્ષી દે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 07:15 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK