યાદ રહે, કોરોના અકબંધ છે : વડા પ્રધાને આવીને જે વાત કરી એ વાતનો ભાવાર્થ શું કાઢવો છે તમારે?

Published: 26th October, 2020 11:40 IST | Manoj Joshi | Mumbai

નસીબ અને તકદીરમાં જે લખાયું હશે એને કોઈ ચેન્જ નહીં કરી શકે, પણ એનો અર્થ એવો પણ નથી કે નસીબ અને તકદીરને નવાં રંગરૂપ આપવામાં આવે અને એ પણ તકલીફોનાં.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આમ તો આ વિષય પર વધારે વાત ન થઈ હોત, પણ બે દિવસથી એક એવી કમેન્ટ સાંભળવા મળે છે કે બે દિવસ પહેલાં વડા પ્રધાને રાષ્ટ્રજોગ આપેલા સંદેશમાં કશું નવું નહોતું, કોઈ એવી વાત તેમણે કરી નહીં જે આપણને સૌને ન ખબર હોય. મારું કહેવું એ છે કે વડા પ્રધાનની વાતનો ભાવાર્થ સમજવાની ક્ષમતા હવે આપણા સૌકોઈમાં હોવી જોઈએ, સૌકોઈને સમજાવું જોઈએ કે તેમણે આવીને કોરોના પર જ શું કામ વધુ એક વાર લાંબું લેક્ચર આપ્યું. સાહેબ, એ અંગુલિનિર્દેશ હતો કે કોરોનાને આપણે બેદરકારીથી લઈ રહ્યા છીએ અને કોરોનાની ગંભીરતા આપણે સૌ વીસરી ચૂક્યા છીએ. આ એ દિશામાં પણ ઇશારો હતો કે તહેવારો આવવાના છે અને શિયાળો પણ શરૂ થવામાં છે ત્યારે તમારી લાપરવાહી તમને જ નહીં, તમારા પરિવાર અને તમારા સ્વજનોને પણ હેરાન કરી શકે છે.
કોરોના વૅક્સિન હજી આવી નથી. મેડિસિન માટે બધા કામે લાગેલા છે પણ એનું પણ કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. આજના સમયે પણ, અત્યારે પણ ડૉક્ટર નાની કે સામાન્ય સર્જરી ટાળી રહ્યા છે જે દેખાડે છે કે તેઓ પણ નથી ઇચ્છતા કે ઇમ્યુનિટી બીજી કોઈ દિશા પર ફોકસ કરે અને કોરોના શરીરમાં પ્રવેશવાની ગુસ્તાખી કરે. નહીં માનો કે કોરોના ગયો છે. ના, જરા પણ નહીં અને સહેજ પણ નહીં. કોરોના જેમને થયો છે તેમને મળો, તેમની પાસેથી જાણો કે કેવી હાલત થઈ જાય છે માણસની અને પૂછો તેમના ફૅમિલી-મેમ્બરને કે કોરોનાગ્રસ્ત પેશન્ટથી બિલકુલ દૂર રહીને તેમણે કેવી પીડા સહન કરવી પડે છે. જાતઅનુભવ છે આ દિશાનો. વ્યક્તિ હોમ-ક્વૉરન્ટીન પણ થઈ હોય તો પણ માણસ માનસિક રીતે પડી ભાંગે છે. પડવાનું નથી, તૂટવાનું નથી અને સહેજ પણ વિપરીત વિચારોને આધીન નથી થવા દેવાના, એ પછી પણ માણસની માનસિકતાને નકારાત્મક બનાવવાનું કામ કોરોનાનું છે અને એ સૌએ જોયું છે જેણે કોરોનાને કે પછી કોરોનાગ્રસ્ત થયેલી વ્યક્તિને નજીકથી જોઈ છે.
કોરોનાને હરાવીને જેઓ પાછા આવ્યા છે એ સૌના મોઢે એક વાત સર્વસામાન્ય છે. પહેરવા પડે તો બે માસ્ક પહેરજો, પણ કોરોનાથી બચજો. કોરોનાથી બચવું અનિવાર્ય છે. મેડિકલ સર્વે પણ દેખાડે છે કે કોરોનાને કારણે શારીરિક રીતે પણ કેવાં સંકટ ભોગવવાં પડી રહ્યાં છે. કોરોનાને હરાવીને પાછા આવી ગયેલા મોટા ભાગના આજે પણ ક્યાંક ને ક્યાંક પોસ્ટ-કોરોના સિન્ડ્રૉમથી કે પછી એની તકલીફોથી પીડાઈ રહ્યા છે. ડરવાનું બિલકુલ નથી. સાવ સાચું છે આ કે ડરવાનું બિલકુલ નથી, પણ સાથોસાથ એ પણ સચ્ચાઈ છે કે બેદરકારી પણ બિલકુલ નથી દાખવવાની. બિલકુલ નહીં અને જરા પણ નહીં. નસીબ અને તકદીરમાં જે લખાયું હશે એને કોઈ ચેન્જ નહીં કરી શકે, પણ એનો અર્થ એવો પણ નથી કે નસીબ અને તકદીરને નવાં રંગરૂપ આપવામાં આવે અને એ પણ તકલીફોનાં. વડા પ્રધાને આવીને કોરોના વિશે જેકોઈ વાત કરી એનો ગુઢાર્થ પણ સમજવાની કોશિશ કરજો અને સાથોસાથ એ સમજીને એને જીવનમાં ઉતારવાનું કામ પણ કરજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK