ધર્મ મનને શાંતિ આપે અને વાતાવરણને હકારાત્મક બનાવવાનું કામ કરે છે

Published: Jul 29, 2020, 15:29 IST | Pankaj Udhas | Mumbai

જીવનમાં ધર્મનું હોવું, ઈશ્વરનું હોવું અનિવાર્ય અને આવશ્યક છે. આ દૈવીશક્તિ તમને ઝઝૂમવાની અને ટકવાની તાકાત આપે છે

સંગીત અને ઈશ્વરીય શક્તિના તમારા પર આશીર્વાદ હોય છે
સંગીત અને ઈશ્વરીય શક્તિના તમારા પર આશીર્વાદ હોય છે

હું એવું વિનાસંકોચ કહી શકું કે મારી કરીઅરની અને મારા જીવનની અત્યાર સુધીની જે જર્ની રહી છે એ ખૂબ જ સરસ અને સુખદ રહી છે. મને આ જર્નીમાં, મારા જીવનની આ યાત્રામાં સતત કોઈ દૈવીશક્તિનો સાથ મળતો હતો, જેણે કઈ તરફ જવું અને કયો રસ્તો લેવો એનું માર્ગદર્શન આપ્યું છે અને મારી સાથે રહી છે. જો એવું ન હોય તો માણસ પોતાના આટલા લાંબા પ્રવાસ દરમ્યાન થાકી જાય, કંટાળી જાય, હારી જાય, આગળ વધવાની તેની ઇચ્છા મરી જાય કે પછી આગળ વધવા માટેનો ઉત્સાહ ઓસરી જાય, પણ મારી સાથે એવું નથી થયું એવું હું સહર્ષ કહી શકું.
મને હંમેશાં લોકો પૂછતા હોય છે કે તમે આજે પણ એટલું સરસ ગાઈ શકો છો અને એ જ અવાજ, એ જ મીઠાશ, પણ એનું કારણ શું? પ્રશ્ન મનમાં જન્મે એ સમજી શકાય અને એવું બની પણ શકે. પ્રોગ્રામ ચાલતા હોય, એકધારી ટૂર પણ થતી હોય જેને લીધે સતત ઉજાગરો પણ થયા કરે અને થાક પણ લાગ્યા કરે. આ બધા વચ્ચે રિયાઝ પણ કોઈ વખત ચૂકી જવાય, પણ એમ છતાં તમે તમારા અવાજને, તમારા કંઠને અકબંધ રાખી શકો તો એ સારી જ વાત છે અને આ બધાનો જશ હું મારી સાથે રહેલી દૈવીશક્તિને જ આપું છું. આ બધું આજે પણ આટલી સરળતાથી હું કેમ કરી શકું છું એનું કારણ કહું તો એમાં કોઈ મોટી વાત નથી, બહુ સરળ કારણ છે કે તમે જ્યારે સંગીત-સાધના સાથે જોડાયેલા હો ત્યારે એ સંગીત અને ઈશ્વરીય શક્તિના તમારા પર આશીર્વાદ હોય છે. સંગીત તમારા મનની સાથે તમારા શરીરને પણ ઊર્જા‍ આપે છે અને એ જ ઊર્જા‍ છે જે મને સદાય સંગીતમય રાખે છે અને મારા અવાજ કે પછી મારા દેખાવ, મારા વર્તન અને મારા વ્યવહારમાં ક્યાંય થાક નથી આવવા દેતી.
મારે મન ધર્મની કોઈ મૂળભૂત વ્યાખ્યા નથી, પણ સરળ અને મને જે શબ્દોમાં સમજાય છે એ શબ્દોમાં વાત કહેવાનો પ્રયાસ કરું છું. મારી ધર્મપત્ની ફરીદા પારસી કમ્યુનિટીની છે. અમે બન્નેએ લગ્ન પહેલાં નક્કી કર્યું હતું કે આપણે દુનિયાના તમામ વિષયો પર ચર્ચા કરીશું, મતમતાંતર કરીશું અને એને લીધે ઝઘડા થશે તો એ પણ કરી લઈશું, પણ આપણા કે પછી બીજા કોઈના પણ ધર્મના મુદ્દે આપણે ચર્ચા નહીં કરીએ અને આપણે એ બાબતમાં ઝઘડો પણ નહીં કરીએ. મારા અને ફરીદાના ધર્મ અલગ-અલગ છે અને એટલે જ નક્કી રાખ્યું છે કે આપણે બન્ને એકબીજાના ધર્મોનું સન્માન કરીશું અને એ સન્માન જીવનની અંતિમ ક્ષણ સુધી અકબંધ રાખીશું. આજે ફરીદા ગણેશજીની પૂજા કરે છે. હિન્દુ ધર્મ વિશે જેકોઈ સમજણ આવી છે એ બધી લગ્ન પછી આવી છે જે સ્વાભાવિક છે. હું તો ગર્વથી કહું પણ છું કે અમારા મંદિરમાં અમારાં પારિવારિક કુળદેવીની પૂજા થાય છે તો સાથોસાથ પારસી ધાર્મિક વિધિ પણ અમારે ત્યાં થાય છે. પારસી ધર્મ પ્રમાણે હું પણ અહુરા મઝદાની પૂજા કરું છું અને મને એ પૂજા પછી અનહદ શાંતિ પણ મળે છે.જ્યારે માણસ ભગવાનને એક માની લે ત્યારે તે ઈશ્વરને પૂજવાની રીત કોઈ પણ ધર્મની હોય, કોઈ ફરક નથી પડતો.
હું પૂજાપાઠ અવશ્ય કરું છું અને મને બહુ આનંદ આવે છે. સાચું કહું તો હું એ વિધિથી આંતરિક રીતે ખુશ થતો હોઉં છું. મંત્રોચ્ચાર થતા હોય કે પછી વિવિધ પૂજાપાઠ થતાં હોય કે ધાર્મિક વિધિ ચાલતી હોય એ વાતાવરણ મને ગમે છે. મારું માનવું છે કે પૂજાપાઠ હોય કે પછી યજ્ઞ કે હવન હોય, એ કરવાથી માનસિકતા શુદ્ધ થાય છે અને માનસિક સંતુલન બનેલું રહે છે. આવા વાતાવરણમાં રહેનારાઓ ક્યારેય ઉતાવળિયું કે પછી ખોટું પગલું ભરી બેસતા નથી. કારણ કે જે મંત્રોચ્ચાર તમે સાંભળો છો એનાથી માનસિક અને શારીરિક એક ઊર્જા‍, એક ચેતના મળતી હોય છે, જે તમને હકારાત્મક બનાવવાનું કામ કરે છે. અનેક જગ્યાએ મેં અનુભવ્યું છે કે મંત્રોચ્ચાર થતા હોય ત્યારે ત્યાં કોઈ દૈવીશક્તિ હાજર હોય એવું લાગે. તમે પોતે પણ જોશો તો તમને ઘરમાં કે પછી ઘરમાં મંદિર જ્યાં રાખ્યું હોય એ જગ્યાએ કે ધાર્મિક સ્થળે જ્યારે પૂજાપાઠ કે આરતી થતી હોય ત્યારે એક અલગ જ ઓરાનો અનુભવ તમને થશે. ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં, પણ તમે એ સમયે પૉઝિટિવ એનર્જી‍ પણ તમારી આસપાસ અનુભવી શકશો.
હું સવારે જાગું ત્યારે મારી પાસે ગણેશસ્તુતિ હોય છે, જેના હું પાઠ કરુ છું. આ મારો નિયમ છે. હું શિવજીનો પણ ભક્ત છું એટલે તેમની પૂજા થાય અને ત્યાર પછી હનુમાન ચાલીસાના પાઠ થાય અને હનુમાન ચાલીસા પછી અમારાં કુળદેવીનું સ્મરણ અને તેમના પાઠ. મારી દિનચર્યા શરૂ થાય એ પહેલાંનો આ નિત્યક્રમ છે અને એમાં કોઈ ફરક નથી પડતો કે પડવા દેતો. હા, મારી પૂજા લાંબી ચાલે કે પછી એમાં કલાકો જાય એવું નથી થતું, પણ લગભગ ૧૫-૨૦ મિનિટનો સમય આમાં મારો જાય જ જાય. મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે, જેને હું ક્યારેય ભૂલી નથી શકવાનો. મેં ક્યારેય આવી સુંદર ઘટનાનો સપનામાં પણ વિચાર નહોતો કર્યો.
હું છત્તીસગઢમાં પ્રોગ્રામ આપવા ગયો ત્યારની વાત છે. છત્તીસગઢમાં અંદાજે ૧૧૦૦ વર્ષ જૂનું ભુરન મહાદેવનું એક મંદિર છે. શો પહેલાં મારી સફર બહુ લાંબી રહી હતી. જયપુરથી દિલ્હી અને દિલ્હીથી રાયપુર પહોંચ્યો હતો અને એ પછી છેક હું શો માટે પહોંચ્યો હતો. શો માટે પહોંચીને પણ મને આ મંદિરની ખબર પડી એટલે મેં મંદિરે દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને અમારું આખું ક્રૂ દર્શન માટે ગયું.
મંદિરે પહોંચ્યા અને અમે જોયું કે અતિશય જૂનું મંદિર હતું અને સિદ્ધહસ્ત કહેવાય એવું મંદિર. ભક્તો જે માગે એ મહાદેવ આપે એવું લોકો કહે. મંદિરે જઈને અમે પૂજારીને મળ્યા. દર્શન કર્યાં અને પૂજારીએ શિવજીનો અભિષેક કરાવ્યો અને પછી તરત જ મારા હાથમાં આરતી આપી દીધી. મને અચરજ થયું કે પૂજારીજી આમ અચાનક મને આરતી શું કામ આપે છે? પૂજારીજીએ ચોખવટ કરતાં કહ્યું કે તમે ખૂબ નસીબવાન છો, કારણ કે આરતી પછી મંદિર બંધ થવાનું છે અને આવતી કાલે ગ્રહણ છે એટલે મંદિર સીધું હવે પરમ દિવસે ખૂલવાનું છે એમ છતાં તમે પહોંચી ગયા. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આટલા સિદ્ધહસ્ત મંદિરમાં મને આરતીનો લાભ મળશે અને એ પણ અનાયાસ. મારી તો ફક્ત દર્શનની ઇચ્છા હતી અને મહાદેવે મને આરતીનો લાભ આપી દીધો.
હું મારા પિતાજી કેશુભાઈના જીવનથી પણ ખૂબ જ પ્રભાવિત થયો છું. મારા પિતાજીનું જીવન મને ખૂબ ગમતું, કારણ કે તેઓ ખૂબ સાદાઈ અને સરળતાથી પોતાનું જીવન જીવતા. પિતાજીના નીતિ-નિયમોએ મારા જીવનમાં ઘણું અસર જન્માવનારું કામ કર્યું છે અને મને આજે પણ એ નિયમો એટલા જ યાદ છે અને ઉપયોગી થાય છે. મને ગુરુઓ કે આધ્યાત્મિક વિભૂતિઓ વિશે ખ્યાલ નથી અને એનું કારણ છે મારી વ્યસ્તતા. તેમના વિશે વાંચવું કે તેમને મળવું અને સત્સંગ કરવો શક્ય નથી, પણ મારી સમક્ષ હંમેશાં પિતાજી રહ્યા છે અને તેમનું પ્રભુત્વ મારા જીવન પર રહ્યું છે. કહેવાય છે કે તમારા વડીલોના આશીર્વાદ હોય તો તમને જીવનમાં ક્યારેય તડકા-છાંયડા નડે નહીં, મારી સાથે એવું જ બન્યું છે. મારા પિતાજી દ્વારા અપાયેલા જીવનમંત્રો મને જીવનમાં ખૂબ જ ઉપયોગી થયા છે. મારા પિતાજી મારા માટે ગુરુ કે આધ્યાત્મિક વિભૂતિથી સહેજ પણ ઓછા નહોતા. મારા પિતાજીને હું સંતની ઉપમા આપું એવું તેમનું જીવન હતું, તેઓ સદા નિરાકાર જીવન જીવ્યા છે અને અમને ભાઈઓને પણ તેમણે એ જ જીવન જીવવાનો મૂક સંદેશ આપ્યો છે, જે અમે પાળી રહ્યા છીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK