એશિયાના સૌથી શ્રીમંત તરીકેનું મુકેશ અંબાણીનું બિરુદ છીનવાયું

Published: 1st January, 2021 10:55 IST | Agency | Mumbai/Beijing

ચીનના બૉટલ વૉટર કિંગ શાનશન એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકેનું રિલાયન્સના મુકેશ અંબાણીનું બિરુદ વર્ષના છેલ્લા દિવસે છીનવાઈ ગયું હતું. ચીનના બૉટલ વૉટર કિંગ કહેવાતા ઝોંગ શાનશને આ બિરુદ છીનવી લીધું હતું.

ઝોંગ શાનશન હવે એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા હતા. પત્રકાર, મશરૂમ ફાર્મિંગ અને હેલ્થ કૅરમાં પોતાનો હાથ અજમાવી ચૂકેલા ઝોંગે મુકેશ અંબાણી અને જેક માને પાછળ મૂકી દીધા હતા. ચાલુ વર્ષે ઝોંગની સંપત્તિ ૭૦.૯ અબજ ડૉલરથી વધીને ૭૭.૮ અબજ ડૉલર થઈ ગઈ હતી. બ્લુમબર્ગ મિલેનિયર્સ ઇન્ડેક્સમાં જણાવ્યા મુજબ ૨૦૨૦ના વર્ષમાં ઝોંગની સંપત્તિમાં થયેલા આ વધારાના પગલે તે પૃથ્વી પરના સૌથી અમીર લોકોમાં ૧૧મા સ્થાને પહોંચી ગયા હતા.

ઝોંગની વૅક્સિન નિર્માણ કંપની બીજિંગ વાનતાઈ બાયોલૉજિકલ ફાર્મસી એન્ટરપ્રાઇઝને આ વર્ષના એપ્રિલમાં શૅરબજારમાં લિસ્ટ કરાવવામાં આવી હતી. એ પછી એક મહિના બાદ ઝોંગે પોતાની વૉટર બૉટલ કંપની નોન્ફ્ગૂ સ્પ્રીંગ કંપનીને હૉન્ગકૉન્ગ શૅરબજારમાં લિસ્ટ કરાવી હતી. આ એક જોરદાર હિટ આઇપીઓ બની રહ્યો. વૉટર બૉટલ કંપનીનો શૅર ૧૫૫ ટકા પ્રીમિયમે લિસ્ટ થયો હતો. ઝોંગની ફાર્મા કંપની કોરોના વૅક્સિન ડેવલપ કરી રહી હોવાની જાહેરાત કરાઈ હતી, એને કારણે એના શૅરના ભાવ ઊંચકાયા હોવાનું મનાતું હતું. ચીનમાં ટેક્નૉલૉજી કંપની અલીબાબાના માલિક જેક માની સંપત્તિ ઘટીને ૫૧.૨ અબજ ડૉલરની રહી ગઈ હતી. ઑક્ટોબરમાં જેક માની સંપત્તિ ૬૧.૭ અબજ ડૉલરની હતી.

ચીનના જેજિયાંગ પ્રાંતના હોંગજોઉમાંથી આવેલા ઝોંગે કારકિર્દીનો આરંભ એક કંપનીમાં શ્રમિક તરીકે કર્યો હતો. ત્યાર બાદ તેઓ પ્રેસ રિપોર્ટર બન્યા હતા. ત્યાર પછી તેમણે પીવાના પાણીના ધંધામાં ઝુકાવ્યું હતું. અત્યાર સુધી વિશ્વના સૌથી અમીર લોકોમાં મોટે ભાગે ટેક્નૉલૉજી સાથે સંકળાયેલા લોકોનાં નામ આવતાં હતાં. આ પહેલી વાર વૉટર બૉટલ કંપનીના માલિક સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન પામ્યા હતા. અત્યારે ચીનમાં બૉટલ બંધ પાણીના બજારમાં ઝોંગની નોન્ગ્ફૂ કંપની નંબર-વન છે. આ કંપનીએ આઇપીઓ દ્વારા ૧.૧ અબજ ડૉલર જેવું ધીકતું મૂડીરોકાણ કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK