ગયા વર્ષના બીજા ક્વૉર્ટર કરતાં હજી પણ ઘટાડો

Published: 31st October, 2020 11:59 IST | Mumbai correspondent | Mumbai

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાણી અને નફો વધ્યાં, ગયા વર્ષના બીજા ક્વૉર્ટર કરતાં હજી પણ ઘટાડો

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સના બીજા ક્વૉર્ટરનાં પરિણામ ગઈ કાલે જાહેર થયાં હતાં. સપ્ટેમ્બરના અંતે રિલાયન્સની કુલ આવક ગયા વર્ષ કરતાં ૨૩ ટકા ઘટી ૧,૨૦,૪૪૪ કરોડ રૂપિયા રહી હતી. રિલાયન્સનો બીજા ક્વૉર્ટરનો નફો ૬.૬ ટકા ઘટી ૧૦,૬૦૨ કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના સપ્ટેમ્બર ક્વૉર્ટર સામે આ વર્ષે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં રિલાયન્સની આવકમાં માત્ર ડિજિટલ સેવાઓમાં જ વૃદ્ધિ જોવા મળી છે.
કોરોના વાઇરસના કારણે લૉકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને વૈશ્વિક રીતે મંદીના કારણે ક્રૂડ ઑઇલ, પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં વેચાણ ઘટ્યું છે અને ક્રૂડ ઑઇલના ભાવ ઘટ્યા હોવાથી પણ એના ઉપર અસર જોવા મળી છે. ગયા વર્ષ કરતાં આ ક્વૉર્ટરમાં પેટ્રોકેમિકલ્સનું વેચાણ ૨૩ ટકા ઘટી ૨૯,૬૬૫ કરોડ, રિફાઇનરીની આવક ૩૬ ટકા ઘટી ૬૨,૧૫૪ કરોડ, રીટેલ ક્ષેત્રનું વેચાણ ૪.૯૦ ટકા ઘટી ૩૯,૧૯૯ અને ડિજિટલ સેવાઓની આવક ૨૧ ટકા વધી ૨૨,૬૭૯ કરોડ રહી હતી.
રિલાયન્સ દ્વારા પોતાનું દેવું ઘટાડવા માટે માર્ચ મહિનાથી રિલાયન્સ ‌‌જિયો અને ઑગસ્ટ મહિનાથી રિલાયન્સ રીટેલમાં હિસ્સો વેચવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ દેશના સૌથી મોટા રાઇટ ઇશ્યુ થકી પણ નાણાં એકત્ર કર્યાં છે. આમ છતાં રિલાયન્સનો નાણાકીય ખર્ચ ઘટ્યો નથી. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૯ના છ મહિનામાં આ ખર્ચ ૧૦,૫૫૯ કરોડ હતો જે આ વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ૨૧.૪ ટકા વધીને ૧૨,૮૧૯ કરોડ થયો છે.
જૂન ક્વૉર્ટર સામે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ આવક ૨૭.૨ ટકા, નફો ૨૮ ટકા અને ઑપરેટિંગ નફો ૭.૯ ટકા વધ્યો છે. રિલાયન્સ જીયોની આવક જૂન ક્વૉર્ટર સામે ૭ ટકા, રીટેલ સેગમેન્ટની આવક ૩૦ ટકા, પેટ્રોકેમિકલ્સની આવક ૧૭.૮ ટકા અને રિફાઇનિંગની આવક ૩૩ ટકા વધી છે.
સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં રિલાયન્સ જિયોની આવક જૂન ક્વૉર્ટર કરતાં સાત ટકા વધી ૧૭,૪૮૧ કરોડ નોંધાઈ છે. સપ્ટેમ્બર ૨૦૧૯ ક્વૉર્ટરની ૧૬,૫૫૭ કરોડની આવક સામે આ વૃદ્ધિ ૫.૫ ટકાની છે. રિલાયન્સ દેશની સૌથી મોટી મોબાઇલ સેવા આપતી કંપની છે. આ કંપનીનો નફો સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૮૪૪ કરોડ થયો છે જે જૂન ક્વૉર્ટર કરતાં ૧૨.૮ ટકા અને ગયા વર્ષ કરતાં ૧૮૭ ટકા વધ્યો છે. અહીં નોંધવું જોઈએ કે રિલાયન્સ જીયોનું સ્પર્ધક વોડાફોન છેલ્લા નવ ક્વૉર્ટરથી સતત ખોટ જાહેર કરી રહ્યું છે અને ભારતી ઍરટેલ પણ ખોટ કરી રહી છે. જુલાઈમાં રિલાયન્સ જિયો દેશની પ્રથમ કંપની બની હતી કે જેની પાસે ૪૦ કરોડથી વધારે ગ્રાહકો હોય. આ ક્વૉર્ટરમાં કંપનીએ ૩૫ લાખ જેટલા ગ્રાહકો ઉમેર્યા હોવાથી નફાશક્તિ અને વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK