Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોનાના કબજામાંથી તમારા મનને છોડાવો હવે

કોરોનાના કબજામાંથી તમારા મનને છોડાવો હવે

03 May, 2020 07:33 PM IST | Mumbai Desk
Kana Bantwa

કોરોનાના કબજામાંથી તમારા મનને છોડાવો હવે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાનો તાવ આપણા શરીરને તો નથી ચડ્યો, પણ મગજમાં જરૂર ચડી ગયો છે. આખા દિવસમાં એવો કેટલો સમય હોય છે જ્યારે તમે કોરોના વિશે ન વિચાર્યું હોય? તમારું મગજ કોરોનાના વિચારથી મુક્ત રહ્યું હોય એવી કેટલી ક્ષણો હશે? મિનિટો હશે? દર એક મિનિટે કોરોના મનમાં ઝબકી જાય છે? બે મિનિટે? પાંચ મિનિટ? દસ મિનિટ? અડધો કલાક? કલાક? પાંચ કલાક? ઘરમાં જે વાતો થાય છે એમાં કોરોના સિવાયના મુદ્દા કેટલા હોય છે? સોશ્યલ મીડિયા પર જે ચૅટ કરો છો એમાં કોરોના સિવાય બીજી કોઈ વાત હોય છે ખરી? મિત્રો કે સગાંસંબંધીઓને ફોન કરો છો ત્યારે કોરોના સિવાયની ચર્ચા કેટલી હોય છે? આ એક જ મુદ્દો આખી દુનિયાના મોટા ભાગના લોકો ચર્ચી રહ્યા છે. જેટલી કોરોના સામે સાવધાની જરૂરી છે, સંક્રમણ ન ફેલાય એ માટે સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે, હાથ ધોવા, બહારથી આવીને નાહવું, બહારથી આવેલી ચીજોને ડિસઇન્ફૅક્ટ કરવી જરૂરી છે, માસ્ક પહેરવો જરૂરી છે, એટલી જ જરૂર હવે મગજને કોરોનાથી મુક્ત રાખવાની છે. કોરોનાને કોઈ લાઇટલી ન લઈ લે અને એનો ભોગ ન બની જાય એ માટે શરૂઆતમાં કોરોના પર વધુમાં વધુ ધ્યાન આપવાની જરૂર હતી, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે અતિરેક થઈ રહ્યો છે. હવે કોરોના મનને ખાઈ રહ્યો છે. મગજને પકવી રહ્યો છે. 

 મનને કોરોનાનું વળગણ થઈ ગયું છે. ઑબ્સેશન થઈ ગયું છે. મન હવે આપણને પૂછ્યા વિના જ કોરોના વિશે વિચારતું રહે છે. આપણે કોઈ કારણ વિના કોરોનાની વાતો કરતા રહીએ છીએ. મગજમાં ઘૂસી ગયેલો કોરોનાનો ખોફ અજાણપણે આપણને બિવડાવતો રહે છે. કોરોના સિવાય બીજું કાંઈ વિચારી જ શકાય એમ નથી? આવું શરૂઆતના દિવસોમાં થાય એ બરાબર હતું, પણ હવે તો ૩૯ દિવસ લૉકડાઉનના થયા. નવી ૧૫ દિવસની સજા પડી છે અને મહાનગરોમાં તો એ પછી પણ લૉકડાઉન ખૂલશે કે નહીં એની ખબર નથી. એવા સંજોગોમાં હવે કોરોનાના વિચારોથી છૂટવું પડે. કોરોનાની વ્યર્થ ચર્ચાઓથી છૂટવું પડે. મનને બીજે વાળવું પડે. એક ને એક શબ્દને, એક ને એક બાબતને વાગોળ્યા કરવાથી કોરોનાની બીમારી શારીરિકમાંથી માનસિક બની જાય.



સમસ્યા એ આવશે કે બીજો મુદ્દો શું આપવો મનને. એવી કઈ પ્રવૃત્તિ આપવી મનને જેનાથી એ વ્યસ્ત પણ રહે અને કંટાળે પણ નહીં. ઍમેઝૉન પ્રાઈઇ કે નેટફ્લિક્સ પર ફિલ્મો, વેબ-સિરીઝ જોઈને તો થાકી જ ગયા હશો. ટીવી પર જૂની સિરિયલો જોઈને પણ બોર થઈ જ ગયા હશો. ઘરમાં ગેમ રમી-રમીને તમે અને તમારો આખો પરિવાર કંટાળી ગયો હશે. મોટિવેશનલ વાતો કડવી લાગવા માંડી હશે. અધ્યાત્મ અકારું થવા માંડ્યું હશે. સલાહોનો અતિરેક થઈ ગયો હશે. ભોજન બનાવવાના પ્રયોગથી ઘરના પણ ત્રાસી ગયા હશે. વાસણો ધોતા ફોટો મૂકવાનું પણ બહુ થઈ ગયું હશે. ઘરમાં તમારી જવાબદારીઓ ફિક્સ થઈ ગઈ હશે, કયું કામ તમારે કરવાનું ને કયું પત્નીએ કરવાનું. એટલે હવે ઘરકામનો પણ ચાર્મ નહીં રહ્યો હોય. શોખની કોઈ વસ્તુ કરતા હો તો એમાં હજી થોડો રસ તાકી રહ્યો હશે. બાકી તો મોબાઇલ એક જ એવી ચીજ હશે જેનાથી તમે થાક્યા નહીં હો.


 તમને સમજાઈ ગયું હશે કે ગમતી બાબતો કરવા નથી મળતી એ તો માત્ર તમારું બહાનું જ હતું. પરિવારને સમય નથી આપી શકતા એ એક ગિલ્ટ જ હતો. સમય નથી મળતો નહીંતર આ કરી લઉં ને પેલું કરી લઉં, આ મજા કરી લઉં ને પેલી મજા કરી લઉં એવી વાતો માત્ર તમારી જાતને ભ્રમમાં નાખવા માટે જ હતી. વ્યસ્તતાએ તમારી જિંદગી બરબાદ કરી નાખી છે એવી તમારી માન્યતા ખોટી હતી, એ પણ એક દંભ જ હતો. ઘણાએ આ દોઢ મહિનામાં ગમતી પ્રવૃત્તિ કરી હશે પણ મોટા ભાગનાએ તો આ સમય બગાડ્યો જ હશે. કારણ કે તમારું મન જે ન હોય એને માટે તમને ગિલ્ટી ફીલ કરાવે. પૈસા ન હોય તો નિર્ધનતા માટે અપરાધભાવ જગાવે. ત્યારે સમય હોય પણ મન કહે કે આ તો બેકારી છે. પૈસા કમાવાને સમય આપવા માંડો તો સમય ન હોવાનો ગિલ્ટ આપે. જે વસ્તુઓ સમય આપીને થઈ શકે એવી બધી બાબતોનો અપરાધભાવ કરાવે. પૈસા કે સમય આપતાં પણ જે ન મળી શકે એવી બાબતો માટે મન જ જવાબદાર હોય છે છતાં એ તમારા સ્વભાવથી માંડીને તમારા વ્યક્તિત્વ સુધીની ચીજોને બહાને ચડાવશે. તમને સમજાઈ ગયું હશે કે તમે ધાર્યું હતું એ કંઈ બહુ તમે કરી શક્યા નથી. ધાર્યું ધણીનું થાય. તમારું ધણી તો તમારું મન જ છેને. તમે જે સોણલાં સેવ્યાં હશે એ પણ તમારા પોતાનાં નહીં હોય કદાચ. એ પણ કોઈ પાસેથી ઉધાર લીધાં હશે તમે. કોઈએ સલાહ આપી હશે કે લૉકડાઉનમાં આ કરી લેજો ને પેલું કરી લેજો. જોજો પેલું રહી ન જાય હોં. ને ફલાણું તમે નહીં કરો તો તો તમે સાવ ભોટ ગણાશો. ઢીંકણું નહીં કરો તો તમે ડાઉન માર્કેટ કહેવાશો અને તમે નક્કી કરી નાખ્યું હશે કે લૉકડાઉનના આ અવસરનો બરાબર કસ કાઢી જ લેવો છે, પણ તમે જે બધું કરવા વિચાર્યું હતું એ ખરેખર તમને ગમતું જ હતું કે એમાંયે દેખાડો હતો? જે તમે નક્કી કર્યા છતાં નહીં થયું હોય એ દેખાડો હતો, ચડસાચડસી હતી. ગમતી વસ્તુ કે શોખની વસ્તુ તો માણસ ગમે એવી વ્યસ્તતામાંથી સમય કાઢીને પણ કરી જ લે. એને જ શોખ કહેવાય. એને જ પૅશન કહેવાય. એની પાછળ પાગલ થવાનું હોય. એને માટે ભોગ આપવાનો હોય. સમય મળે ત્યારે કરવાની બાબતો તો ટાઇમપાસ કહેવાય, શોખ નહીં. એટલે તમે નક્કી કરેલું કંઈ ન કરી શક્યા હો તો જીવ ન બાળવો.

 તમને એ પણ સમજાઈ ગયું હશે કે સમાજથી, સંબંધીઓથી, મિત્રોથી, ઑફિસથી, સાથી કર્મચારીઓથી, દુશ્મનોથી, દૂર એકલું રહેવું કેટલું મુશ્કેલ છે. તમને એ પણ સમજાઈ ગયું હશે કે ઘર બહારની દુનિયા વિના જીવન અધૂરું છે. એ પણ સમજાઈ ગયું હશે કે ઘરમાં કેટલું બધું કામ હોય છે ને કેટલું અઘરું હોય છે. એ પણ સમજાઈ ગયું હશે કે સતત સાથથી પ્રેમ અને લાગણી વધે જ એવું નથી. વિરહ, જુદા રહેવું, થોડું અલગ રહેવું એ પ્રેમ ટકાવી રાખવા માટે સૌથી જરૂરી બાબત છે. પ્રિય વ્યક્તિ જ્યારે પાસે નથી હોતી ત્યારે આકર્ષણ વધતું હોય છે, લાગણી વિસ્તરતી હોય છે. એ પણ સમજાઈ ગયું હશે કે બધાને સાચવવા કેટલું અઘરું કામ છે. પત્ની, બાળકો, ભાઈ-ભાભી, બહેન, માતા-પિતા બધાનાં અલગ ભાવવિશ્વ પણ તમે આ દોઢ મહિનામાં જોયાં હશે, સમજ્યાં હશે. તમને એ પણ સમજાયું હશે કે વર્ક ફ્રૉમ હોમ પણ બહુ મુશ્કેલ હોય છે. એ પણ સમજાયું હશે કે બહારનું વિશ્વ બહુ બદલાઈ ગયું હશે.


  જેમાં ડર હોય, જેમાં જોખમ હોય એનું વિચારતા રહેવું એ મનની આદિમ વૃત્તિ છે. જીવન ટકાવી રાખવા માટે મનમાં આવી વૃત્તિ ઇનબિલ્ટ આવે છે એટલે એ કોરોના વિશે સતત વિચારતું રહે છે. કોરોનાથી માત્ર મરી જવાનો જ ભય નથી, એનાથી આર્થિક નુકસાનનો ભય છે, નોકરી જવાનો ભય છે, પરિવારના સભ્યોને કોરોના થઈ જવાનો ભય છે, બહાર નીકળતાં ચેપ લાગી જવાનો ભય છે, કોરોના પછીની દુનિયા, પોસ્ટ કોરોના વર્લ્ડમાં જીવવું કેવું મુશ્કેલ હશે એનો ભય છે. આ બધા ભય મનને સતત વિચારવા મજબૂર કરે છે. થોડું વિચારશો તો સમજાશે કે આ બધા ભયમાં તમે પોતે ખાસ કંઈ કરી શકો એમ નથી. તમે ગમે એટલી ચિંતા કરશો તો પણ બહુ કંઈ કરી નહીં શકો. સાવધાન રહેવામાં કે પ્રિકોશન લેવા માટે વિચારવાની જરૂર નથ એટલે તમે ચિંતા કરીને તમારું મગજ ખરાબ કરશો એનો કોઈ ફાયદો થવાનો નથી. તો પછી શા માટે કોરોનાનું વિચારવાનું ઓછું ન કરી દેવું? દિવસમાં એકાદ વખત વિચારીશું જેથી સાવધાની હટી ન જાય ને દુર્ઘટના ઘટી ન જાય.

કોરોના સિવાય કંઈ વિચારવાની જાણે શક્તિ જ નથી રહી? આ સ્થિતિ બદલવી પડશે. કોરોના વિચારવાની તાકાત જ કુંઠિત કરી નાખે એ ન ચાલે. બહાર નીકળો કોરોનામાંથી. બહાર નીકળો એના સકંજામાંથી. ટીવી પર કોરોનાના જ સમાચાર આવે છે. એ જોવાનું ઓછું કરી નાખો, માત્ર અપડેટ માટે દિવસમાં એક વાર ૧૦ મિનિટ માટે જુઓ એ કાફી છે. કોરોના વિશે જાગૃતિ તમારામાં અને અન્યોમાં આવી જ ગઈ છે એટલે જ્યારે કોઈ સાથે વાત કરો ત્યારે કોરોનાની ભયાનકતા કે ઉદાહરણો કે કેસોની સંખ્યાની ચર્ચા કરવાનું ટાળો. કોરોના-મુક્ત વાત કરવાનો પ્રયાસ કરો. જો એ સંભવ ન બને તો કોરોનાની વાત ઓછામાં ઓછી થાય એ જુઓ. ઘરમાં કોરોનાની જ વાતો થતી હોય તો એ ઓછી કે બંધ કરવાના પ્રયત્ન કરો. વાતના નવા રસપ્રદ વિષયો છેડતા રહો. તમારા મનમાંથી કોરોનાને કાઢી નાખો. તમે નક્કી કરો કે કોરોના વિશે વિચારીશ જ નહીં. કેટલો સમય તમે કોરોના વિશે વિચાર્યા વગર રહી શકો એ ગણતા રહો. તમારો સ્કોર નોંધતા રહો, મનમાં કે મોબાઇલમાં. સ્કોર ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરતા રહો. શરૂઆતમાં બહુ ઓછો સમય તમે એના વિશે વિચાર્યા વિના રહી શકશો. કોરોનાને લગતી કોઈક બાબત તો મનમાં આવી જ જશે, ભલે એ ચિંતા ન હોય. મન કોરોના સંબંધિત કંઈ પણ વિચારે કે તરત તમારું ધ્યાન એના પર જવું જોઈએ, મનને રોકવું જોઈએ. તમે કોરોના-મુક્ત થઈ જાઓ, દેશ અને દુનિયા તો થશે જ. માનવજાત હંમેશાં પ્રકૃતિ સામે જીતતી આવી છે, આ વખતે પણ જીતી જ જશે.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2020 07:33 PM IST | Mumbai Desk | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK